પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર, અમેરિકાના રાષ્ટ્રપતિ શ્રી ડોનાલ્ડ જે. ટ્રમ્પ, પ્રથમ મહિલા શ્રી મેલાનીયા ટ્રમ્પ સાથે 24-25 ફેબ્રુઆરી 2020ના રોજ ભારતની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિની આ પ્રથમ ભારત મુલાકાત હશે.
મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પ્રથમ મહિલા નવી દિલ્હી અને અમદાવાદ, ગુજરાતના સત્તાવાર કાર્યક્રમોમાં હાજરી આપશે અને ભારતીય સમાજના એક વિશાળ વર્ગ સાથે વાતચીત કરશે.
ભારત અને યુ.એસ. વચ્ચે વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી વિશ્વાસ, સમાન મૂલ્યો, પરસ્પર આદર અને સમજ પર આધારીત છે અને બંને દેશોના લોકો વચ્ચે હુંફ અને મિત્રતા દ્વારા ચિહ્નિત થયેલી છે. વેપાર, સંરક્ષણ, આતંકવાદનો સામનો, ઉર્જા, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર સંકલન તેમ જ લોકો-વચ્ચેના સંબંધો સહિતના તમામ ક્ષેત્રોમાં નોધપાત્ર પ્રગતિ સાથે પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પના નેતૃત્વમાં આ સંબંધ વધુ વિકસ્યા છે.આ મુલાકાત બંને નેતાઓને દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિની સમીક્ષા કરવાની અને આપણી વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવાની તક પૂરી પાડશે.