ગાંધીનગર, બુધવારઃ મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે ગરીબ કલ્યાણ મેળાના રાજ્યવ્યાપી અભિયાનનો પ્રારંભ કરતાં જાહેર કર્યું હતું કે, ગુજરાતમાં જિલ્લાવાર મળીને એકંદરે પ૦ જેટલા ગરીબ કલ્યાણ મેળાઓમાં રપ લાખ જેટલા ગરીબ છેવાડાના માનવીઓને બધા મળીને રૂ. ૧પ૦૦ કરોડના વિવિધલક્ષી લાભો સીધેસીધા મળી જશે
‘‘આ સરકાર નિરાધારોના નોંધારાના આધાર તરીકે સેવારત છે. કોઇ માલેતુજારની નથી'' એની પ્રતીતિ અમે કરાવી છે, એમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાતના રાજ્ય વહીવટમાં એકધારા ૩૦૦૦ દિવસના શાસનનો વિક્રમ સર્જનારા શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમાજના છેવાડાના ગરીબ માનવી સુધી વિકાસના લાભો પહોંચાડવાના મક્કમ નિર્ધાર સાથે આજથી સમગ્ર ગુજરાતમાં ગરીબ કલ્યાણ મેળાનું જિલ્લાવાર મહત્ત્વાકાંક્ષી આયોજન શરૂ કર્યું છે. આજે રાજ્યનો સૌ પ્રથમ ગરીબ કલ્યાણ મેળો અમરેલીમાં યોજવામાં આવ્યો હતો. જેમાં અમરેલી, બાબરા, વડીયા, બગસરા, લાઠી અને લિલીયાના મળી છ તાલુકાઓના ગામડા ખૂંદીને સરકારી અધિકારીઓએ વ્યક્તિગત ગરીબલક્ષી યોજનાના લાભાર્થીઓને સામે ચાલીને લાભો લેવા માટે ગરીબ કલ્યાણ મેળામાં આમંત્રણ આપ્યું હતું. સરકારની અનેકવિધ એવી ૬૪ જેટલી કલ્યાણ યોજનાઓના લાભોનું એક જ સ્થળેથી વિતરણ કરવાના આ ઉપક્રમમાં એકંદરે ૧ર૦.૬૯ કરોડ રૂપિયાના લાભો સ્વરૂપે સાધન-સહાયનું વિતરણ ૬૩૦૮૯ લાભાર્થીઓને હાથોહાથ મુખ્ય મંત્રીશ્રી તથા અન્ય મંત્રીશ્રીઓ સર્વ શ્રી દિલીપભાઈ સંઘાણી, સૌરભભાઈ પટેલ, કિરીટસિંહજી રાણા, ભાજપા પ્રદેશ પ્રમુખ શ્રી પુરૂષોત્તમ રૂપાલા અને દંડક શ્રી આર. સી. ફળદુએ કર્યું હતું. આ જિલ્લાનો બીજો ગરીબ કલ્યાણ મેળો રાજુલામાં યોજવામાં આવશે.
છ તાલુકાઓના હજારો લાભાર્થીઓના પરિવારોની વિશાળ ઉપસ્થિતિને સંબોધતા શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, અમરેલીના જ અને રાજ્યના પ્રથમ મુખ્ય મંત્રી સ્વ. ર્ડા. જીવરાજ મહેતાની ભૂમિ ઉપરથી સ્વર્ણિમ ગુજરાત સંકલ્પ યાત્રાનો પ્રારંભ થયો હતો અને આજે વર્તમાન સરકારના ૩૦૦૦ દિવસ પુરા થઇ રહ્યા છે ત્યારે સરકાર તેનો ગરીબો, વંચિતોના કલ્યાણ માટેનો સંકલ્પ પૂર્ણ કરવા ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ પણ આજથી શરૂ કરી રહી છે.
ગુજરાતની સ્થાપના પછી અનેક યોજનાઓ અને અબજો રૂપિયાના બજેટો થતા રહ્યા. નાણાં ખર્ચાતા રહ્યા પણ ગરીબ ઠેરનો ઠેર જ રહ્યો એનું કારણ એ છે કે સરકારી યોજનાના લાભો પહોંચાડવા માટે સરકારી તંત્ર સંવેદનશીલ હોવું જોઇએ. આ સરકારે ગામેગામથી સરકારી ગરીબ લાભાર્થીને સામે ચાલીને તેના હક્કનું મળે તે માટે તંત્રને સંવેદનશીલ બનાવ્યું છે, એમ તેમણે જાહેર કર્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગરીબ કલ્યાણ મેળામાં ગરીબ લાભાર્થી એના હક્કના લાભો પારદર્શી રીતે મેળવશે. કોઇ આંગળી ચીંધી નહીં શકે, કોઇ આક્ષેપ નહીં કરી શકે એવો આ ગરીબ કલ્યાણ મેળો એક પ્રકારે વચેટીયા નાબૂદી મેળો છે. સરકાર અને ગરીબ માનવી વચ્ચે કોઇ સ્થાપિત હિતો ગરીબના હક્ક ઝૂંટવી નહીં શકે. ગુજરાતની સ્થાપના પછી ભૂતકાળમાં સ્થાપિત હિતો ભ્રષ્ટશાસન વ્યવસ્થાની કુખે જન્મતા હતા. હવે આ ઓશિયાળી જીંદગીમાંથી ગરીબ-વંચિતને મુકત કર્યા છે.
ગત પ૦ વર્ષમાં ગુજરાતમાં ભૂમિહીન ઘરવિહોણા ગરીબોને જેટલા ગામતળના પ્લોટ મળ્યા હતા. એનાથી વધારે પ્લોટ આ ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી જાન્યુઆરી-ર૦૧૦ સુધીમાં આપી દેવાશે એવી જાહેરાત તેમણે કરી હતી.
સરકારની વિવિધ કલ્યાણ યોજનાઓના ગરીબ કલ્યાણ મેળામાં સામે ચાલીને આ સરકાર ગરીબ વંચિતને વિકાસના પ્રત્યક્ષ લાભો આપવાના આશયથી યોજયો છે, કોઇ ચૂંટણી એજન્ડાનો રાજકીય આશય રાખ્યો નથી.
મુખ્ય મંત્રીશ્રીએ જાહેર કર્યું હતું કે, આ હક્કનું છે, સરકાર કોઇ દયાદાન નથી કરતી. આપનું છે અને આપને આપ્યું છે, જે ભૂતકાળમાં મળતું નહોતું, સ્થાપિત હિતો હક્ક છીનવી લેતા હતા. હવે ગરીબ, વંચિત માનવીની જુંદગીમાં સાચા અર્થમાં બદલાવ લાવશે. આનો પુરેપુરો લાભ લઇને વિકાસની તકો અને અવસરો ઝડપી લેવા તેમણે અપીલ કરી હતી. આ સરકારની વિવિધલક્ષી યોજનાના લાભોની ભૂમિકા તેમણે આપી હતી.
આ જ તંત્ર અને આ જ સરકારી વહીવટી માળખું ગરીબો, દુખિયારાના હક્કો આપવા સામે ચાલીને પૂછી રહી છે. કારણ કે, સરકારે તંત્રમાં સંવેદનશીલતા પ્રગટાવી છે, કોઇપણ ગરીબ એવું નહીં હોય જેને હક્ક અને લાભોથી વંચિત રહેવા નહીં દેવાય તેવી નેમ તેમણે વ્યકત કરી હતી અને ગરીબ-વંચિત પરિવારો પોતાના વિકાસ સાથે સંતાનોને શિક્ષિત બનાવે એવી હૃદયસ્પર્શી અપીલ કરી હતી.
મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતની સરકાર તો ગરીબ અને વંચિતોને તેના લાભો આપવા ગામડાના ઘરેઘરમાં ઘૂમી રહી છે. પરંતુ મોંઘવારીના ભરડામાં પિસાતી ગરીબ જનતા અને ગૃહિણીઓ માટે ભડકે બળતા ચીજવસ્તુઓના ભાવોથી જીવન દોહ્યલું બની ગયું છે ત્યારે મોંઘવારી ડામવાને બદલે ટુકડા ફેંકીને વોટ મેળવવાની ચિંતા કરનારા સામે આ સરકારે ગરીબોને સામર્થ્યવાન બનાવવા, આત્મવિશ્વાસથી નવી ચેતના જગાવીને ગરીબો માટે નક્કર લાભો અને હક્કો આપવા જિલ્લે જિલ્લે જવાની છે, તેમ તેમણે જાહેર કર્યું હતું.
આ ગરીબ કલ્યાણ મેળો સાચા અર્થમાં ગરીબોના હક્કનું રક્ષણ કરશે અને ગરીબોને ઓશિયાળી રીતે મદદ માટે હાથ લંબાવવાની નોબત ન આવે તે માટે છે, એમ પણ તેમણે જાહેર કર્યું હતું.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને રાજ્યસભાના સભ્ય શ્રી પુરૂષોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે, આ ગરીબ કલ્યાણ મેળો રાજ્ય સરકારની સંવેદનાનું પરિણામ છે. ભૂતકાળમાં વર્ષો સુધી આમ જનતાના પ્રશ્નો વહીવટી પ્રક્રિયામાં અટવાઇ જતા હતા અને ગરીબ લોકો સુધી લાભો પહોંચતા ન હતા. પરંતુ મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આખી સરકાર ગરીબોના ઘરઆંગણે પહોંચી છે. ભૂતકાળની સ્થિતિમાં પરિવર્તન આવ્યું છે અને આ પરિવર્તન નાગરિકો જ લાવ્યા છે. લોકશાહી માર્ગે જ લોકોએ નવી સરકારને ચૂંટી. મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સતત દશ વર્ષથી ગુજરાતનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ભૂતકાળમાં લોકોને સરકારની યોજનાના લાભો પ્રાપ્ત કરવા મથવું પડતું હતું જયારે આજે સરકાર પ્રત્યક્ષ રીતે ગરીબોના આંગણે જઇ તેમને સહાય આપે છે. રાજ્ય અને જિલ્લાના વહીવટી તંત્રને આવા મેળાના સફળ આયોજન બદલ તેમણે ધન્યવાદ પાઠવ્યા હતા.
કૃષિ મંત્રી શ્રી દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યું હતું કે, મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સતત ૧૦ વર્ષથી રાજ્યનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ગુજરાતના ગરીબોને પ્રત્યક્ષ લાભ મળે તેની ચિંતા તેમણે કરી અને રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરી છે. અમરેલી જિલ્લાથી આવા મંગલ કાર્યનો આરંભ થયો તે જિલ્લા માટે ગૌરવરૂપ હોવાનું તેમણે જણાવ્યું હતું.
વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે, વંચિતોની વિકાસ યાત્રા રાજ્ય સરકારે ગતિશીલ બનાવી છે. ગરીબોના ઉત્કર્ષ માટે રાજ્ય સરકાર ચિંતિત છે અને આથી જ આવા ગરીબ કલ્યાણ મેળાનું આયોજન થયું છે. અમરેલી જિલ્લાથી આવા કાર્યક્રમની શરૂઆત થઇ છે તે અન્ય જિલ્લાઓ માટે પ્રેરણારૂપ બનશે. શ્રેણીબદ્ધ યોજનાઓ હેઠળ ગરીબ પરિવારોને અને છેવાડાના માનવી સુધી પહોંચવાનું રાજ્ય સરકારનું લક્ષ સિદ્ધ થયું છે.
વિધાનસભાના દંડક શ્રી આર. સી. ફળદુએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતને અમરેલીએ પ્રેરણા આપી છે એવા પ્રથમ મુખ્ય મંત્રીશ્રી ર્ડા. જીવરાજ મહેતાની જન્મભૂમિ અમરેલીથી ગરીબ કલ્યાણ મેળા અભિયાનનો પ્રારંભ થયો છે. શાસનમાં બેઠેલા શાસકોનું એ કર્તવ્ય છે કે, ગરીબોનો ઉત્કર્ષ થાય તે માટે પ્રતિબદ્ધ થવું જોઇએ. પરંતુ ભુતકાળમાં તેવું થયું નથી. કલ્યાણ રાજ્યની સ્થાપનાનું વ્યવહારમાં આચરણ થયું નથી તેથી ગરીબો સમાજના મુખ્ય પ્રવાહમાં આવી શકયા નથી. સામાન્ય માનવીને નજરમાં રાખીને ગુજરાત સરકારે આવા ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કર્યું છે તેને તેમણે સાચી દિશાનું પગલું ગણાવ્યું હતું અને કલ્યાણ રાજ્યની પ્રતીતિ કરાવે છે, તેમ ઉમેર્યું હતું.
સંસદસભ્ય શ્રી નારણભાઇ કાછડીયાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. આજના મોંઘવારીના સમયમાં ગુજરાત સરકાર ગરીબ પરિવારોની વહારે ચડી છે અને ગરીબ કલ્યાણ મેળાની રાજ્ય વ્યાપી અભિયાનની શરૂઆત અમરેલીથી થઇ તે બદલ તેમણે ધન્યવાદની લાગણી વ્યકત કરી હતી. ગરીબોના ઘર સુધી રાજ્ય સરકાર પહોંચી છે તે આવકાર્ય છે.
આ પ્રસંગે રાજ્યના ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ, અમરેલીના સંસદસભ્ય શ્રી નારણભાઈ કાછડીયા, ધારાસભ્ધ્યો શ્રી આર. સી. ફળદુ, શ્રી મનસુખભાઈ ભૂવા, નગરપાલિકાના પ્રમુખ શ્રી નટુભાઈ સોજીત્રા, ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી, સંસદીય સચિવ શ્રી એલ. ટી. રાજાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા કલેકટર શ્રી પી. આર. સોમપુરાએ મહાનુભાવો અને જનસમૂહનું સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લાના પ્રભારી સચિવ શ્રી અંજુ શર્મા, જિલ્લા કલેકટર શ્રી પી. આર. સોમપુરા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર. જી. જાડેજા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કમાણી ફોરવર્ડ હાઇસ્કૂલના પટાંગણમાં સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભાર્થી ભાઇ-બહેનો આ ગરીબ કલ્યાણ મેળામાં ઉમટી પડયા હતા અને આ પ્રકારના યોજનાઓના સ્થળ પર જ લાભ મળતા તેઓમાં હર્ષની લાગણી ફેલાઇ હતી.
આ પ્રસંગે મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જિલ્લાના તેજસ્વી વિદ્યાર્થી તેમજ સહકારી અગ્રણીઓ દ્વારા સ્મૃતિચિન્હ અર્પણ કરી અભિવાદન કરાયું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં રંગારંગ લોકનૃત્યો અને રાસ-ગરબાની કૃતિઓ શાળાઓના વિદ્યાર્થી ભાઇ-બહેનોએ રજૂ કર્યા હતા. જેમાં રાજસ્થાની લોકનૃત્ય અને આસામીયા નૃત્યો અને ગુજરાતી ગરબાની કૃતિઓ લોકોએ માણી હતી. અમરેલી જાહેર જીવનના આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.