મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વડનગરમાં યોજાઇ રહેલા સ્વામિનારાયણ મહોત્સવની વિશાળ સત્સંગ સભામાં એવો ઉજ્જવળ સંકેત આપ્યો હતો કે સમગ્ર ભારતમાં ર૧મી સદીના પ્રારંભથી જ આધ્યાત્મિક અનુષ્ઠાનની ચેતનાનું વિશિષ્ઠ વાતાવરણ ઉભૂં થયું છે. આપણી સંત પરંપરા અને સંપ્રદાયોની આધ્યાત્મિકશકિતઓ દ્વારા આ સામૂહિક અધ્યાત્મ ઊર્જાની શકિતથી ભારત વિશ્વગુરૂનો પ્રભાવ પાથરશે.
ઉત્તર ગુજરાતના ઐતિહાસિક વડનગરમાં કાળુપુર નરનારાયણ મંદિરના ઉપક્રમે શ્રી ધનશ્યામજી મહારાજના સુવર્ણજ્યંતી મહોત્સવ પ્રસંગે શ્રી નરેન્દ્રભાઇ મોદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ભકિતભાવથી મંદિરમાં પૂજા-અર્ચન કર્યા બાદ શ્રી હરિને સ્વર્ણિમ સિંહાસન અર્પણ વિધિમાં હાજરી આપી હતી.
નરનારાયણ ગાદીના શ્રી મોટા મહારાજ અને અન્ય વરિષ્ઠ સંતોએ વડનગરના જ પનોતા પુત્ર અને લોકલાડિલા મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઇ મોદીનું ભાવભીનું સ્વાગત સન્માન કર્યું હતું, પ્રશસ્તિપત્ર અર્પણ કર્યું હતું અને આશીવર્ચન આપ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ વિશાળ હરિભકતોની સત્સંગ સભામાં જણાવ્યું હતું કે ગુજરાતમાં સંત પરંપરાની પણ વિશેષતા રહી છે. આઝાદી આંદોલનમાં ૧૮પ૭ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામથી લઇને ૧૯૪૭ સુધીના ૯૦ વર્ષોમાં સંતશકિતએ સમાજમાં ભકિત આંદોલન અને આધ્યાત્મિક અધિષ્ઠાનોથી ભારતમાતાની મૂકિત કાજે પીઠિકા પૂરી પાડીને સમાજ ચેતના જગાવી હતી અને હવે ભારત વિશ્વગુરૂ બને તે માટે આ સંતો-મનીષીઓ દેશમાં વિવિધ પ્રકારના આધ્યાત્મિક અધિષ્ઠાનોથી સામૂહિક સમાજ ઊર્જાને પ્રેરિત કરી રહ્યા છે, જે ભારતની આધ્યાત્મિક સર્વોપરિતાને વિશ્વમાં પ્રસ્થાપિત કરવાનો પાયો છે એમ તેમણે જણાવ્યું હતું.
ભારતમાં સ્વામિનારાયણ સંપ્રદાય સહિત સંત-પરંપરામાં ‘સેવા' ભાવ જ કેન્દ્રસ્થાને રહ્યો છે અને તેનાથી સમાજને સેવાના સંસ્કાર પ્રાપ્ત થતા રહ્યા છે તેનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આપણા સંતોએ ‘સેવા' થી આધ્યાત્મિક શકિતને દિવ્યતા આપી છે એવા અનેક પ્રેરણાદાયી સંતોનું ગુજરાતમાં નેતૃત્વ મળેલું છે.
ગુજરાત અને ભારતની ધરતી ઉપર સદ્શકિતનો વિશિષ્ઠ પ્રભાવ છે જેણે અધ્યાત્મની ઊર્જાને નિરંતર વિશેષ પ્રાણવાન બનાવી છે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ સ્વામિનારાયણ સંપ્રદાયની સંતોની ધર્મભાવના અને સેવા-ભાવનાને પ્રેરણારૂપ ગણાવી હતી.
આ મહોત્સવ પ્રસંગે વડનગરમાં ‘‘સ્વામિનારાયણ સર્કલ''નું નિર્માણ મંદિર દ્વારા થયેલું છે તેનું લોકાર્પણ મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું.
આ પ્રસંગે મોટા મહારાજશ્રી તેજેન્દ્રપ્રસાદજી, આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી, મહંત નારાયણ વલ્લભદાસજી અને શાસ્ત્રી સ્વામી હરિસેવાદાસજી સહિત સંતો-મહંતો ધારાસભ્યશ્રી નારણભાઇ પટેલ અને આમંત્રિતો ઉપસ્થિત હતા.