કોરિયા અને ગુજરાત વચ્ચે ઔઘોગિક અને આર્થિક સંબંધોનું મજબૂત ફલક વિકસાવવા ફલદાયી પરામર્શ
ઓટોમોબાઇલ્સ, શીપીંગ, ઇલેકટ્રોનિકસ, નોલેજ ઇન્ડસ્ટ્રીઝના સેકટરોમાં સહભાગીતા
કોરિયન સરકારે મુખ્યમંત્રીશ્રીને કોરિયાની મૂલાકાતનું ભાવભર્યું ઇજન આપ્યું
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી અને કોરિયાના એમ્બેસેડર શ્રીયુત કીમ જૂન્ગ કેયુન (Mr. KIM JOONG KEUN) વચ્ચે આજે ગાંધીનગરમાં યોજાયેલી સૌજ્ન્ય મૂલાકાતમાં ગુજરાત અને કોરિયા વચ્ચે પરસ્પર આર્થિક અને વ્યાપાર-વાણિજ્યના સંબંધોનું ફલક વધુ વિસ્તૃત અને સુદ્રઢ વિકસાવવા વિગતવાર પરામર્શ કરવામાં આવ્યો હતો. દક્ષિણ કોરિયાએ જે ગતિશીલ વિકાસ વ્યૂહ સાકાર કરીને એશિયામાં આર્થિક તાકાત ઉભી કરી છે તે સંદર્ભમાં, કોરિયાના રાજદૂતશ્રીએ ગુજરાત જેવા ભારતના અર્થતંત્રના ચાલકબળ બની રહેલા પ્રગતિશીલ રાજ્ય સાથે સહભાગીતાનો સેતુ પ્રસ્થાપિત કરવાના સંભવિત ક્ષેત્રો વિષયક ખાસ રસ દાખવ્યો હતો. કોરિયામાં ઇલેકટ્રોનિકસ, શીપબિલ્ડીંગ, ઓટોમોબાઇલ્સ, સેમૂંગમ જળપ્રકલ્પ અને ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટની કંપનીઓ વિશ્વખ્યાત છે તેની રૂપરેખા આપીને શ્રીયુત કીમ જંૂગએ કોરિયા સાથેના સંબંધો વધુ મજબૂત બનાવવા ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને ઉચ્ચ ડેલીગેશન સાથે કોરિયાની મૂલાકાત લેવાનું નિમંત્રણ આપ્યું હતું જેનો શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વીકાર કર્યો હતો. કોરિયામાં ખાસ કરીને KYUNGGI પ્રોવિન્સ સાથે ગુજરાતની સહભાગીદારીનો સેતુ પ્રસ્થાપિત કરવા શ્રીયુત કીમ એ ખાસ આગ્રહપૂર્વક અનુરોધ કર્યો હતો અને આ સંદર્ભમાં સમજૂતિના કરાર કરવા તથા ગુજરાત અને કયુંગગી વચ્ચે ડેલીગેશનની મૂલાકાત ગોઠવવા પણ સહમતી દર્શાવી હતી.મુખ્યમંત્રીશ્રીએ કોરિયાના સેમૂંગમ જળપ્રકલ્પની કોરિયાના પ્રવાસ દરમિયાન મૂલાકાત લીધેલી તેની યાદ આપી જણાવ્યું કે ગુજરાતના ૧૬૦૦ કી.મી. દરિયાકાંઠે શીપ બિલ્ડીંગ ઇન્ડસ્ટ્રીઝ વિકસાવવા અને કલ્પસર પ્રોજેકટ દ્વારા ૬૪ કી.મી.નો વિશ્વનો સૌથી મોટો માનવસર્જીત મીઠા પાણીનો જળાશય પ્રકલ્પ નિર્માણ કરવા તેઓ પ્રતિબધ્ધ છે, તેમાં કોરિયાની આધુનિક ટેકનોલોજી માટે ગુજરાત સરકાર આતુર છે.
મુખ્યમંત્રીશ્રીએ કોરિયાની શીપીંગ ઇન્ડસ્ટ્રીઝને ગુજરાતમાં શીપ-બિલ્ડીંગ ઇન્ડસ્ટ્રીઝ સ્થાપવા માટે નિમંત્રણ આપ્યું હતું અને દરિયાકાંઠે આ સંદર્ભમાં જમીન ઉપલબ્ધ થશે એમ જણાવ્યું હતું તેમણે ગુજરાત સરકારની એકમાત્ર શિપબિલ્ડીંગ કંપનીના કોરિયન કંપની સાથેના ખાનગીકરણની પણ દરખાસ્ત કરી હતી. ગાંધીનગર ખાતે ઇલેકટ્રોનિકસ ઝોન માટે અને ધોલેરા SIRમાં નોલેજ સિટીમાં કોરિયન કંપનીઓને સહભાગી બનવા પણ તેમણે ઇંજન આપ્યું હતું.
ગુજરાત એશિયાના ઓટો હબ તરીકે નામના મેળવી રહ્યું છે અને નેનો, ફોર્ડ, પ્યુજોટ, મારૂતિ જેવી વિશ્વખ્યાત મોટરકાર મેન્યુફેકચરીંગ કંપનીઓ ગુજરાતમાં પ્રોજેકટ સ્થાપી રહી છે તેની રૂપરેખા સાથે મુખ્યમંત્રીશ્રીએ કોરિયાની હોન્ડાઇ કાર કંપની માટે પણ ગુજરાતના દ્વાર ખૂલ્લાં છે એમ જણાવ્યું હતું. આગામી વર્ષોમાં ગુજરાત એકલું પ૦ લાખ જેટલી મોટરકારોનું ઉત્પાદન કરનારૂં ઓટો હબ બનશે. ગુજરાતમાં ઔઘોગિક અને આર્થિક વિકાસની હરણફાળ તથા ઔઘોગિક મૂડીરોકાણ માટેનું શ્રેષ્ઠ સાનુકુળ વાતાવરણ, ગુજરાતની જનતાની આર્થિક વાણીજ્ય કુનેહ અને ઉઘમશીલ પુરૂષાર્થ સાથે રાજ્ય સરકારની પ્રગતિશીલ પારદર્શી નીતિઓ અને વિકાસ માટે જનતાની દૂરંદેશીતાના કારણોની ફલશ્રુતિ મુખ્યમંત્રીશ્રીએ દર્શાવી હતી જેનાથી કોરિયન રાજદૂત પ્રભાવિત થયા હતા.
મુખ્યમંત્રીશ્રી અને કોરિયન રાજદૂત કોરિયા અને ગુજરાતની વિકાસયાત્રાની સામ્યતા સાથે સહમત થયા હતા. ગુજરાતમાં ઔઘોગિક પ્રોજેકટ માટે જમીન કોઇ વિવાદ નથી અને શૂન્ય સપાટીએ માનવદિન નુકશાન અને શ્રમ-પુરૂષાર્થી ગુજરાતી સમાજના કારણે ગુજરાત પ્રગતિ કરતું રહ્યું છે, એમ તેમણે જણાવ્યું હતું. ગુજરાતમાં વિશ્વના સૌથી મોટા ભવ્ય બુધ્ધ-મંદિરના નિર્માણમાં કોરિયન ટેકનોલોજી માટે પણ મુખ્યમંત્રીશ્રીએ તત્પરતા વ્યકત કરી હતી.
આ બેઠકમાં, મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી એ. કે. શર્મા અને ઇન્ડેક્ષ્ટ-બી મેનેજિંગ ડિરેકટરશ્રી બી. બી. સ્વેન ઉપસ્થિત હતા