મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ બનાસ ડેરીના નવનિર્મિત ત્રીજા સંકુલનું ઉદ્દઘાટન કરતાં ઉત્તર ગુજરાતની સૂકી ધરતી ઉપર સૂર્યશકિત ઊર્જા અને નર્મદાના પાણીથી આર્થિક ક્રાંતિનો નિર્ધાર વ્યકત કર્યો હતો. સાથોસાથ, સરદાર પટેલના ગુજરાતની ધરતીના કિસાનોની આંખમાં અમી છલકાય એ સાંખી નહીં શકનારા, જૂઠાણા ફેલાવીને ખેડૂતોને ગૂમરાહ કરનારા તત્વો તથા કેન્દ્રની દિલ્હી સરકારની ગુજરાત વિરોધી માનસિકતાની આકરી આલોચના પણ કરી હતી.

તેમણે કેન્દ્ર સરકાર, સરદાર સરોવર ડેમ ઉપરના દરવાજા મૂકવાની પરવાનગી શા માટે નથી આપતી અને ગુજરાતના ખેડૂતો પ્રત્યે તસુભાર પણ પ્રેમ હોય તો ખરીફ વાવેતર માટે પુરતું ખાતર ફાળવવાની કેમ દરકાર નથી કરતી એવા વેધક સવાલો ઉઠાવ્યા હતા.

ગુજરાતના સહકારી દૂધ ઉદ્યોગ ક્ષેત્રે પ્રતિષ્ઠિત બનાસ ડેરીના રૂા. ૧૧૦ કરોડના ખર્ચે નવનિર્મિત બનાસ-૩ પ્લાન્ટ સંકુલનું ઉદ્દઘાટન આજે મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું. આ ઉપરાંત બનાસ ડેરીના ૧૦૦ ટન ક્ષમતા ધરાવતા મિલ્ક પાવડર પ્લાન્ટનો શિલાન્યાસ પણ તેમણે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે સને ર૦૦૮માં બનાસ-૩ ના નવા સંકુલનો શિલાન્યાસ પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે જ સંપન્ન થયો હતો.

મુખ્યમંત્રીશ્રીએ સરદાર પટેલના ગુજરાતમાં કિસાનોને રોળી નાંખવાના કેવા કારસા થઇ રહ્યા છે, તેની આક્રોશ સાથે ભૂમિકા આપતા જણાવ્યું કે નર્મદાના પાણીથી ખેતીવાડી અને પશુપાલન ડેરી ઉદ્યોગ, સૂકીભઠ્ઠ ઉત્તર ગુજરાતની ધરતીમાં સમૃધ્ધિ રેલાવી શકે છે. પાણીને ધરતીની શિરા અને ધમનીની જેમ ગામડે અને ખેતરે પહોંચાડવા, નર્મદાની શાખા કેનાલોનું કામ ધમધોકાર આ સરકારે હાથ ધર્યું છે. રૂા. ૯૦૦૦ કરોડ આ વર્ષે ફાળવ્યા છે, પરંતુ સૂકીભઠ્ઠ ધરતીના કિસાનોની આંખમાં અમી છલકાય એ કેન્દ્રની સરકારને માન્ય નથી, તેથી સરદાર સરોવર ડેમની ઊંચાઇનું બાંધકામ પુરૂં થઇ ગયા પછી ડેમ ઉપર ગેઇટ મૂકવા માટેના કામને બે-બે વર્ષથી મંજૂરી નથી આપતી. આ દરવાજા મૂકવામાં ત્રણ વર્ષ વીતવાના છે અને અમે વચન આપ્યું છે કે જો કોઇ ગામ દરવાજા બંધ કરવાથી ડૂબમાં જશે તો દરવાજા બંધ પણ નહીં કરીએ. આમછતાં, કેન્દ્ર સરકાર દરવાજા મૂકવાની પરવાનગી આપવા ધરાર વિલંબ કરતી રહી છે એમ તેમણે જણાવ્યું હતું.

નર્મદાની શાખા કેનાલો માટે જમીન સંપાદનમાં સ્વેચ્છાએ સહયોગ આપનારા ખેડૂતોને ગુમરાહ કરીને જમીન સંપાદન માટે રોકનારા લોકહિતના દુશ્મનો છે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ જે ખેડૂતોએ અગાઉ જમીન આપીને નર્મદા કેનાલના નેટવર્કને આગળ ધપાવવામાં સહકાર આપ્યો છે, તેમને નવી જંત્રીના ભાવફેરનું જંગી વળતર આપવા માટે રાજ્ય સરકારે રૂા. પ૦૦ કરોડનો વધારાનો બોજ ઉપાડયો છે અને ખેડૂતોના હિતોની રખેવાળી કરી છે તેની વિગતો આપી હતી.

નર્મદાની શાખા કેનાલમાંથી નર્મદાના પાણીથી પાઇપલાઇનો દ્વારા દાંતીવાડા અને સીપુ જળાશયો ભરવા માટે રૂા. ૪૦૦ કરોડનો ખાસ પ્રોજેકટ હાથ ધર્યો છે એમ તેમણે જણાવ્યું હતું.

રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિન્તામાં સહભાગી બનેલી સરકાર, ખેડૂતો માટે બધી જ સમસ્યા ઉકેલવા સદાય તત્પર છે તેવો વિશ્વાસ દર્શાવતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતના ખેડૂતોને અત્યારે ડી.એ.પી. ખાતરની તાકીદની જરૂર છે, પરંતુ કેન્દ્ર સરકાર, ગુજરાતના ખેડૂતોને બરબાદ કરવા માંગે છે. ૪.૮૦ લાખ ટન ખાતરની મંજૂર થયેલી માંગ સામે, માંડ ત્રણ મહિનામાં એક લાખ ટન ખાતર મોકલ્યું છે. રાજ્ય સરકાર એડવાન્સમાં ખાતરના નાણાં ચૂકવવા તૈયાર છે, પણ કેન્દ્ર સરકાર ખેડૂતોને ગુમરાહ કરવાની કોઇ તક જતી કરતી નથી. ગુજરાતના ખેડૂતો પ્રત્યે સાચો પ્રેમ હોય તો ખેડૂતોની ખરીફ ઋતુ માટેની ખાતરની માંગની પૂર્તિ કેમ કરતા નથી એવો સવાલ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઉઠાવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ નર્મદાનું પાણી ગેરકાયદે ચોરી કરવા માટે મુઠ્ઠીભર અને માથાભારે તત્વો અને તેને આશ્રય આપનારા લોકોની આકરી આલોચના કરતાં જણાવ્યું કે માતા નર્મદાના પાણીની ચોરી કરવી, એ અંબાજી માતાના પ્રસાદની ચોરી કરવા જેવું ઘોર પાપ છે એનાથી મેઘરાજા રૂઠે છે. આપણે તો એવી પ્રાર્થના કરીએ છીએ કે આ વર્ષે પણ ગુજરાતમાં જોઇએ એવો, જ્યાં અને જ્યારે જરૂર હોય ત્યારે વરસાદ આવે અને આપણી કૃષિક્રાંતિની યાત્રા અવિરત ચાલતી રહે.

છેલ્લા એક જ દશકમાં ઉત્તર ગુજરાતના રણકાંઠાની ખાસ કરીને બનાસકાંઠાની વસતિની રોજીરોટી માટેના સ્થળાંતરની સમસ્યા અટકી ગઇ છે અને બનાસકાંઠા તથા પાટણ જિલ્લામાં ધૂળની ગરમ ડમરીઓ તથા ધોમધખતા સૂરજની ગરમી, સૂર્યઊર્જા બનીને આર્થિક ક્રાંતિ માટે દેશ અને દુનિયાનું આકર્ષણ બની જવાની છે એવા સોલાર-પાર્કથી સૂર્ય ઊર્જા તથા નર્મદાના પાણીથી સૂકી ધરતી ઉપર ઉત્તર ગુજરાતના ખેડૂતો પોતાના પરિશ્રમથી કાચું સોનું પકવે એવું સપનું સાકાર થવાનું છે એની રૂપરેખા તેમણે આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે બનાસ નદી સૂકી રહી ગઇ પરંતુ બનાસ ડેરીએ દૂધની ધારા વહેતી કરી કિસાનો અને પશુપાલકોમાં આર્થિક ક્રાંતિ કરી છે તેની ઇતિહાસમાં જરૂર નોંધ લેવાશે.

પશુપાલક માતૃશકિતને અભિનંદન આપતાં તેમણે જણાવ્યું કે ડેરી ઉદ્યોગને સ્વીકૃતિ આપવામાં ગ્રામ નારીસમાજનું સૌથી નિર્ણાયક યોગદાન રહ્યું છે. હવે તો, આ સરકારે પશુપાલન ક્ષેત્રે માનવશકિત વિકાસના વૈજ્ઞાનિક પ્રશિક્ષણ માટે કામધેનુ યુનિવર્સિટી પણ શરૂ કરી છે એમ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ર૭૦૦ જેટલા પશુઆરોગ્ય મેળા સતત નવ વર્ષથી યોજાય છે અને પશુઓની આંખના મોતિયાના ઓપરેશનો તથા દંત ચિકિત્સા કરવાની સૌથી મોટી જીવદયાની પહેલ ગુજરાતે કરી છે તેની રૂપરેખા આપી જણાવ્યું કે લાખો અબોલ પશુજીવોની સારવાર અને રસીકરણ કરીને રાજ્યમાંથી કુલ ૧૬૯ જેટલા પશુરોગોમાંથી ૧૩૭ જેટલા સંપૂર્ણ નાબૂદ કરી દીધા છે.

મુખ્યમંત્રીશ્રીએ દરેક ખેડૂતને તેના પરિવારમાં દિકરીનો જન્મ થાય ત્યારે ઉત્સવરૂપે પાંચ વૃક્ષો ઉછેરવાનો સંકલ્પ કરવાનો હ્વદયસ્પર્શી અનુરોધ કર્યો હતો, અને જણાવ્યું કે આ દિકરીના લગ્ન સમયે પાંચ વૃક્ષોની વેચાણની આવકથી લગ્ન પ્રસંગ સંપન્ન થઇ શકશે. તેમણે ખેડૂતોને આર્થિક સધ્ધરતા માટે (૧) નિયમિત સ્વરૂપની ખેતી (ર) પશુપાલન અને દૂધ વેપાર તથા (૩) વૃક્ષની ખેતી એમ ત્રણ સમાન હિસ્સાની આર્થિક પ્રવૃત્તિનું પેકેજ અપનાવવા હિમાયત કરી હતી.

ગામડામાં ર૪ કલાક વીજળી આપનારી જ્યોતિગ્રામ યોજનાએ સહકારી દૂધ ઉદ્યોગને સૌથી મોટી તાકાત આપી છે અને લાખો લીટર દૂધ શીતાગારના અભાવે બગડી જતું હતું તે ચિલીંગ પ્લાન્ટના નેટવર્કથી બગડતું અટકી ગયું છે, હવે શાકભાજી બગડે નહીં તે માટે પણ જ્યોતિગ્રામ ઉપકારક બનશે એમ તેમણે જણાવ્યું હતું.

બનાસ ડેરીના સ્થાપક સ્વ. ગલબાભાઇ પટેલના સપના સાકાર કરતી બનાસ ડેરીના નિરંતર વિકાસમાં સહભાગી સૌને અભિનંદન આપતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે છેલ્લા એક દશકમાં તો ડેરીએ જિલ્લાના પશુપાલકોની આર્થિક સમૃધ્ધિ માટે હરણફાળ ભરી છે. આજે આ ડેરીનો કારોબાર રૂા. ૪૦૦ કરોડમાંથી એક દશકમાં રૂા. રર૦૦ કરોડ પર પહોંચી ગયો છે. આનું શ્રેય જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકોના પશુઓની માવજતના પુરૂષાર્થનું પરિણામ લાવનારા કિસાનોને ફાળે જાય છે એમ તેમણે જણાવ્યું હતું.

કૃષિ અને સહકાર મંત્રીશ્રી દિલીપ સંઘાણીએ સહકારી દૂધ ઉદ્યોગની સફળતા માટે કિસાન પશુપાલકોના પરિવારોને શ્રેય આપતાં જણાવ્યું કે પશુઆરોગ્ય મેળા દ્વારા ગુજરાત સરકારે પશુઓની ઉત્તમ માવજત અને સ્વાસ્થ્યની સર્વાંગી ચિન્તા કરી છે.

રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ અધ્યક્ષા ર્ડા. અમૃતા પટેલે બનાસ ડેરીની પ્રગતિને બિરદાવી કાંકરેજી ગાયની ઉત્તમ માવજતથી પશુપાલકો આર્થિક સમૃધ્ધિ મેળવી રહ્યા છે એમ જણાવ્યું હતું.

બનાસ ડેરી અધ્યક્ષશ્રી પરથીભાઇ ભટોળે આમંત્રિતોનું સ્વાગત કરી બનાસ ડેરીની પ્રગતિ યાત્રાની રૂપરેખા આપી હતી.

આ પ્રસંગે પશુઓના યોગ્ય ઉછેર-માવજત અને દૂધ ઉત્પાદનની જાણકારી આપતી મોબાઇલ લેબોરેટરી વાન મુખ્યમંત્રીશ્રીએ બનાસ ડેરીને અર્પણ કરી હતી. સાથે-સાથે વર્ષમાં મહત્તમ દૂધ ઉત્પાદન મેળવતી પશુપાલક મહિલાઓને બનાસલક્ષ્મી એવોર્ડ અપાયા હતા. જ્યારે બનાસ ડેરી દ્વારા રૂા. ૧૧ લાખનો ચેક મુખ્યમંત્રીશ્રીના કન્યા કેળવણી નિધિમાં અપાયો હતો.

આ પ્રસંગે મંત્રીમંડળના સભ્યો સર્વશ્રી નરોત્તમભાઇ પટેલ, શ્રી ફકીરભાઇ વાઘેલા, શ્રી પરબતભાઇ પટેલ, શ્રી લીલાધર વાઘેલા, શ્રી જયસિંહ ચૌહાણ, ધારાસભ્યો સર્વશ્રી શંકરભાઇ ચૌધરી, વસંતભાઇ ભટોળ, મફતલાલ પુરોહિત, અનિલભાઇ માળી, ગોવિંદભાઇ પ્રજાપતિ, બાબુભાઇ દેસાઇ, પૂર્વ સાંસદશ્રી હરિભાઇ ચૌધરી, પૂર્વ મંત્રીશ્રી એ. કે. પટેલ, જિલ્લા ભાજપાના હોદ્દેદારો અન્ય ડેરીઓના ચેરમેનશ્રીઓ, બનાસડેરીના ડીરેકટરશ્રીઓ, ખેડૂતો, અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Cabinet extends One-Time Special Package for DAP fertilisers to farmers

Media Coverage

Cabinet extends One-Time Special Package for DAP fertilisers to farmers
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 2 જાન્યુઆરી 2025
January 02, 2025

Citizens Appreciate India's Strategic Transformation under PM Modi: Economic, Technological, and Social Milestones