કૌશલ્ય વિકાસ : યુવા શક્તિને બળ
વ્હાલા મિત્રો,
હું જાણું છું તેવા એક વ્યક્તિના પ્રસંગ અંગે તમારી સાથે વાત કરવી છે. આ વ્યક્તિ ઘડિયાળ રિપેઈર કરવાનું કામ કરે છે. એક દિવસ તેમની પાસે એક ઘડિયાળ રિપેરિંગ માટે આવી, જેમાં તેમને લાગ્યું કે ઘડિયાળમાં ઉત્પાદન સંબંધિત ખામી હતી. આથી તેમણે સ્વિટઝર્લેન્ડ સ્થિત ઘડિયાળનું ઉત્પાદન કરતી કંપનીને પત્ર લખીને તેમની પ્રોડક્ટની ડિઝાઇનમાં ખામી હોવાના જાણકારી આપી. કંપનીએ તપાસ કરતાં જાણ્યું કે આ વ્યક્તિ દ્વારા રજૂ કરાયેલા કારણો સાચા હતાં અને કંપનીએ આ વ્યક્તિ દ્વારા રજૂ કરાયેલા કારણોની કદર કરીને બજારમાંથી તમામ ઘડિયાળોને પાછી પણ ખેંચી લીધી.
આ વ્યક્તિનું ઉદાહરણ શું સૂચવે છે? એ સ્પષ્ટ જણાવે છે કે સંશોધનમાં કોઇ સીમાઓના અવરોધ હોતા નથી અને દરેક વ્યક્તિ સંશોધનની ક્ષમતા ધરાવે છે. કામ અને કામના માહોલમાં સંપુર્ણતાથી શ્રેષ્ઠ સંશોધન શક્ય બને છે. પરંતુ, નિપુણતા હાંસલ કરવા માટે આપણે જે કાંઇ પણ કરવા ઇચ્છતા હોઇએ તેના માટે જરૂરી કૌશલ્ય હાંસલ કરવું જરૂરી છે.
ગુજરાતમાં આપણે આ બાબતને ટોચની પ્રાથમિકતા આપી છે. તમને ખબર હશે કે ભારત સ્વામી વિવેકાનંદની 150મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે.સ્વામીજીને અંજલીરૂપે ગુજરાત વર્ષ 2012ને “યુવા શક્તિ વર્ષ” તરીકે ઉજવી રહ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે અમે આપણા યુવાનોમાં કુશળતાના વિકાસ પર ભાર મૂકવા પર નોંધપાત્ર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સ્વામી વિવેકાનંદ પોતે માનતા હતાં કે ભારતના ભાવિનો આધાર યુવાનો પર રહેશે. ઇતિહાસ પર નજર નાંખતા જણાશે કે ભારતમાં અગાઉ ક્યારેય આટલા યુવાનો ન હતા. જે આજે છે. આજે દેશની કુલ વસતીમાં 72 ટકા લોકો 40 વર્ષથી નીચે, 47 ટકા ભારતીયો 20 વર્ષથી નીચે છે, જ્યારે સમગ્ર વિશ્વની કુલ વસતીના માત્ર 10 ટકા લોકો 25 વર્ષથી નીચે છે. શું આપણા માટે આ શ્રેષ્ઠ તક નથી?
હું હંમેશાથી માનું છું કે 21મી સદીમાં ભારત કે ચીન વિશ્વની આગેવાની લેશે તેવા પ્રશ્નનો જવાબ યુવા શક્તિ છે. પરંતુ, મોટા પ્રમાણમાં યુવાન વસ્તી હોય એટલું જ પુરતું નથી. આ યુવાનોને જરૂરી કુશળતાથી સજ્જ કરવા જરૂરી છે અને સાથે સાથે પ્રત્યેક અને દરેક કુશળ વ્યવસાયને યોગ્ય માન આપવું જોઇએ. આમ થશે તો આપણી યુવા શક્તિ મજબૂત અસ્કયામત બનશે.
આપણા યુવાનોની ક્ષમતાઓને યોગ્ય દિશામાં વાળવા આપણા ઇન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ (આઇટીઆઇ) મહત્વપુર્ણ ભુમિકા ભજવી શકે છે. છેલ્લાં એક દાયકામાં ગુજરાતે આપણા આઇટીઆઇના માળખા અને તકોમાં સુધારો કરવા માટે ગંભીર પ્રયાસો કર્યાં છે. ત્રણ દાયકાઓથી જે અભ્યાસક્રમમાં સુધારો કરાયો ન હતો તેમાં સુધારો કરાયો છે અને માળખાગત સુવિધાઓ સાથે વૈવિધ્યસભર અભ્યાસક્રમો અને તેની સંખ્યામાં પણ વૃદ્ધિ થઇ છે. વર્ષ 2001માં આઇટીઆઇની સંખ્યા માત્ર 275 હતી તે ચાર ગણી વધીને 1054 થઇ છે. ભુતકાળમાં આપણી પાસે 3,000 આઇટીઆઇ તાલીમ પામેલા વ્યક્તિ હતાં, જે હવે વધીને 6,000 થયાં છે. આઇટીઆઇ શિક્ષણ બાદ આઇટીઆઇના વિદ્યાર્થીઓ ડિપ્લોમા અને એન્જિનિયરિંગના અભ્યાસક્રમોમાં દાખલ થઇ શકે તે માટે પણ અમે દરવાજા ખોલ્યાં છે. આથી કારકિર્દીની ક્ષિતિજો વિસ્તરશે.
મિત્રો, આ સદી મુખ્યત્વે ત્રણ પાયા પર આધારિત રહેશેઃ આઇટી (ઇન્ફર્મેશન ટેકનોલોજી), બીટી (બાયો ટેકનોલોજી) અને ઇટી (એનવાયર્નમેન્ટ ટેકનોલોજી).
આ ત્રણેય પાયા મહત્વપુર્ણ હોવા છતાં ઇટી પ્રત્યે ખાસ ધ્યાન આપવું જરૂરી છે. પવન, પાણી અને સુર્ય જેવા કુદરતી સ્રોતોમાંથી ઉર્જાના ઉત્પાદનને પ્રોત્સાહન આપી શકે છે. મેં સોલર કંપનીઓને એવોર્ડ્સની પહેલ માટે પણ સૂચન પણ કર્યું છે, જેથી પ્રેરણાદાયી સંશોધનને બળ મળી શકે.
ગમે તે કામ હોય પણ તેને માન આપવું જરૂરી છે. કોઇપણ વ્યક્તિ દ્વારા કરાતા કુશળ કામ પ્રત્યે ભરપુર આદર હોવો જોઇએ. આપણા કુશળ કામદારોને આદર ન આપવાની વૃત્તિને અમે દૂર કરવા માગીએ છીએ. આ માટે આપણા કામદારોમાં વિશ્વાસ પ્રસ્થાપિત કરવાની અસર લાંબાગાળે જોવા મળશે અને તે માટે આપણું રાજ્ય પ્રથમ રહ્યું છે કે જેણે વ્યક્તિત્વમાં વિકાસ પર ભાર મૂકવા પોતાની આઇટીઆઇમાં સોફ્ટ સ્કીલ ટ્રેનિંગ શરૂ કરી છે. કૌશલ્યના વિકાસ સાથે આપણા વિચારો પણ વિસ્તૃત થવા જોઇએ. આપણી કામગીરીને વિશાળ પરિપ્રેક્ષ્યમાં સમજવું જરૂરી છે અને એકવાર આમ થશે પછી કોઇપણ કામ નાનું લાગશે નહીં. ઉદાહરણરૂપે એક ટેકનિશિયન સોલાર ટેકનોલોજી પર કામ કરતો હોય ત્યારે તે આ કાર્યને અન્ય નોકરીઓની જેમ ગણે અને તેના પ્રયત્નો આવનારી પેઢીઓ માટે બદલાવ લાવશે તેમ સમજે તે બે વચ્ચે ઘણું અંતર છે.
ગુજરાતે 20 સ્વામી વિવેકાનંદ સુપિરિયર ટેકનોલોજી સેન્ટર્સ (એસટીસી)ની પણ રજૂઆત કરી છે. આ સંસ્થાઓ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિશિષ્ટ તાલીમ પુરી પાડશે. ઓટોમોબાઇલ સર્વિસિંગ સંબંધિત એસટીસી આનું ઉદહારણ હોઇ શકે. ગુજરાત ભારતના ઓટો હબ તરીકે ઉભરી રહ્યું છે ત્યારે ઓટો-સર્વિસિંગ ક્ષેત્રે વિશાળ તકો છે. સમાન કેન્દ્રો સીએનસી (કમ્પ્યુટર ન્યુમેરિકલી કંટ્રોલ્ડ) ટેકનોલોજી એન્ડ સોલર ટેકનોલોજી માટે રહેશે.
મિત્રો, આપણા કેટલાંક પ્રયત્નોના પરિણામ જોવા મળી રહ્યાં છે. આપણે વર્તમાન સપ્તાહને સ્વામી વિવેકાનંદ યુવા રોજગાર સપ્તાહ તરીકે મનાવીશું. એક સપ્તાહના સમયગાળામાં હું પોતે 65,000 યુવાનોને રોજગારી પત્રો (એપોઇન્ટમેન્ટ લેટર) સોંપીશ. આપણા દેશમાં આ ઐતિહાસિક રોજગારીનો કાર્યક્રમ છે. આ યુવાનોની મહાત્વાકાંક્ષા તેમના એકલાની નથી. અમે પ્રત્યેક યુવાનના મનને સખત મહેનત, સમર્પણ અને પ્રેરણા સાથે સંશોધનનું પાવર હાઉસ બનાવવા પ્રતિબદ્ધ છીએ. આ પ્રયાસમાં આઇટીઆઇ સક્રિય ભુમિકા ભજવી શકે છે અને આપણા યુવાનો માટે તકોમાં ઉમેરો કરી શકે છે. સખત પરિશ્રમ કરવાની ઇચ્છાશક્તિ વૈવિધ્યતામાં વધારો કરશે અને તેથી ઉત્સાહ આપોઆપ જોવા મળશે. સ્કીલ+વીલ+ઝીલ=વીનનો મંત્ર ગુજરાતને સમર્થ બનાવશે અને ભારતને નવી ઊંચાઇઓ સર કરવા સક્ષમ બનાવશે.
આપનો,
નરેન્દ્ર મોદી
My speech while handing over appointment letters to youngsters at Ahmedabad