ટાટા ગ્રુપ ગુજરાતના વિકાસમાં સહભાગીતાનું ફલક વિકસાવશે મૂલાકાતની ફલશ્રુતિ
ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટા અને પદનામિત ચેરમેન સાયરસ મિસ્ત્રીએ મુખ્યમંત્રીશ્રીની સૌજ્ન્ય મૂલાકાત લીધી
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજ્ન્ય મૂલાકાતે આવેલા પ્રતિષ્ઠિત ઔઘોગિક ગૃહ ટાટા ગ્રુપના ચેરમેન શ્રી રતન ટાટા અને પદનામિત ચેરમેનશ્રી સાયરસ પી. મિસ્ત્રીએ ગુજરાતના વિકાસમાં ભાગીદારીનું વ્યાપક ફલક વિકસાવવાની તત્પરતા દર્શાવી હતી.વર્તમાન ડેપ્યુટી ચેરમેન શ્રી સાયરસ મિસ્ત્રી આગામી ડિસેમ્બર ર૦૧રમાં શ્રી રતન ટાટા પાસેથી ટાટા ગ્રુપના ચેરમેનનો પદભાર સંભાળવાના છે તેમનો વિધિવત્ પરિચય મુખ્યમંત્રીશ્રીને શ્રી રતન ટાટાએ આજે કરાવ્યો હતો. શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શ્રી સાયરસ મિસ્ત્રીને ઉષ્માભરી શુભેચ્છા આપી હતી.
શ્રી રતન ટાટા અને શ્રી સાયરસ મિસ્ત્રીએ ગુજરાતના આર્થિક અને ઔઘોગિક વિકાસ તેમજ સુશાસન, પારદર્શી વહીવટ અને સામાજિક-આર્થિક પ્રગતિમાં ગુણાત્મક પરિવર્તન લાવવા માટે મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વની પ્રસંશા કરી હતી અને જણાવ્યું હતું કે દેશમાં અને વિશ્વમાં ગુજરાતની પ્રતિષ્ઠા વધતી જ રહી છે.
શ્રી રતન ટાટાએ એમ પણ જણાવ્યું કે ગુજરાતને તેઓ પોતાનું ધર માને છે અને વિકાસ માટે ગુજરાત તેમના મનમાં અગ્રીમ રહ્યું છે. ઔઘોગિક વિકાસમાં સહભાગીતા ઉપરાંત માનવ સંસાધન વિકાસવ્યૂહમાં પણ સહભાગી થવાની મુખ્યમંત્રીશ્રીની અપેક્ષાને તેમણે આવકારી હતી. ગુજરાત ઊર્જાશકિત અને જીઓથર્મલ ઊર્જા વિકાસમાં આગળ વધી રહ્યું છે તેની ભૂમિકામાં ટાટા ગ્રુપના વરિષ્ઠ બંને પદાધિકારીઓએ ખૂબ રસ દાખવ્યો હતો.
ગુજરાતની વિકાસયાત્રામાં ટાટા ગ્રુપની સહભાગીદારી સંદર્ભમાં શ્રી રતન ટાટા અને શ્રી સાયરસ મિસ્ત્રીની મુખ્યમંત્રીશ્રી સાથેની આ મૂલાકાત ખૂબ જ ફળદાયી રહી હતી.