અમદાવાદ
તા. ૨૫ ડિસેમ્બર, ૨૦૧૧
આ કાંકરિયા કાર્નિવલ… આ શહેરનાં ગરીબ બાળકો, ઝૂંપડપટ્ટીમાં જીવતાં બાળકો, મ્યુનિસિપાલિટીની પ્રાથમિક શાળાઓમાં ભણતાં બાળકો... જેમનામાં એ જ સામર્થ્ય છે, જે આપણામાં પડ્યું છે. ઈશ્વરે એમને પણ એ જ શક્તિ આપી છે જે આપણને આપી છે. પરંતુ, ક્યારેય એમની પ્રતિભાને પ્રગટાવવાનો એમને અવસર નહોતો મળતો. પતંગોત્સવ હોય કે કાંકરિયા કાર્નિવલ હોય, આપણે આ ગરીબ પરિવારનાં બાળકોને અવસર આપ્યો છે. અને, શહેરના પ્રબુદ્ધ નાગરિકોની સામે એ પોતાની કલાની, પોતાના કૌશલ્યની અભિવ્યક્તિ કરે ત્યારે એને જે એક્સપૉઝર મળે છે, એમાંથી જે એમનું કૉન્ફિડન્સ લેવલ બિલ્ટ-અપ થાય છે, એ આ શહેરની શક્તિમાં ઉમેરો કરે છે અને એના માટે એક અવિરત પ્રયાસ આ શહેર કરી રહ્યું છે.
આજે અનેક નવા નજરાણાં આ શહેરને મળ્યાં, એનો શુભારંભ થયો છે. ચાહે બાળકો માટે સ્નાનાગારની વાત હોય, કે જૂનોપૂરાણો બળવંતરાય હોલ હોય કે બટરફ્લાય માટેનો એક અલગ પાર્ક હોય જે ભૂલકાંઓને ખૂબ ગમે... આજે એક બીજી નવી વસ્તુ અમદાવાદ નગરીમાં ઉમેરાઇ છે. પથ્થર પર કોતરકામ કરીને આ શહેરનો નકશો, એની સામાજિક-સાંસ્કૃતિક વિકાસયાત્રા, એનાં પ્રગતિના પાનાં, આ શહેરના મહાનુભાવોની યાદ... એ જ રીતે, ગુજરાત, એની વિકાસયાત્રા, આર્થિક, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, બધા જ ક્ષેત્રોમાં યોગદાન આપનાર મહાનુભાવો, રાજ્યની મહત્વપૂર્ણ ઘટનાઓ... એ બધું જ પથ્થરમાં કંડારીને આ કાંકરિયાની અંદરની બાજુની જે પાળ છે, એના ઉપર કંડારવાનું અભિયાન ચાલી રહ્યું છે. મિત્રો, કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે આ કાંકરિયાની અને પાણીની વચ્ચે આ જે દિવાલ પડી છે એ દિવાલનો પણ આવો અદભૂત ઉપયોગ થઈ શકે. આજે તો એક નાનકડા હિસ્સાનું નિર્માણ થયું છે, પરંતુ જ્યારે આ પૂર્ણ થશે સમગ્ર કાંકરિયાની પાળની અંદર, ત્યારે એની લંબાઇ લગભગ ૩૦,૦૦૦ ફૂટ હશે. આજે દુનિયામાં મોટામા મોટી સેન્ડ સ્ટોન પર કરેલી આવી કલાત્મક કારીગરીની લંબાઇ, જેને દુનિયામાં સૌથી મોટી ગણાય છે, એ લગભગ ૯૦૦૦ ફૂટની છે. આ ૩૦,૦૦૦ ફૂટનું થશે. આ એક મોટો વિશ્વ રેકૉર્ડ અમદાવાદના ખાતે લખાવાનો છે. જેને ઇતિહાસ જાણવો છે, જેને ગુજરાતની ચડતી-પડતીને સમજવી છે, જેને ગુજરાતની યાદગાર ઘટનાઓને સરસરી નજરથી નિહાળવી છે એના માટે આ પથ્થરોમાં કોતરાયેલો ખુલ્લો દસ્તાવેજ એક મોટું શિક્ષણનું ભાથું બનવાનો છે. મારી આ શહેરના નાગરિકોને વિનંતી છે, જે લોકો ઇતિહાસવિદ છે, જે લોકો સાહિત્યિક જગત સાથે જોડાયેલા છે, જે લોકો કલા અને સંસ્કૃતિ સાથે જોડાયેલા છે, જે વિશ્લેષકો છે, વિવેચકો છે તેઓ સમય કાઢીને આવનારા એક-બે મહિનામાં અમે જે આ નવતર પ્રયોગ કર્યો છે એને જુએ, વિશ્લેષકની દ્રષ્ટિથી જુએ, એમાં કોઈ ખોટ છે કે કેમ, એમાં કંઈ ઉમેરવા જેવું છે કે કેમ... અને હું આ શહેરના આવા આગેવાનોને વિનંતી કરું છું કે આ શહેરના ભવિષ્યને માટે, બાળકોના ભવિષ્યને માટે આપ આપનો એક-બે કલાકનો અમૂલ્ય સમય અમને આપો, અહીં આવો, હું સાર્વજનિક રીતે બધાને નિમંત્રણ આપું છું. એને બારીકાઈથી જુઓ, અમને સૂચનો કરો જેથી કરીને ૩૦,૦૦૦ ફૂટ જેટલા વિસ્તારમાં જે બીજું કામ થવાનું છે એમાં અમે આપના સૂચનોને આમેજ કરી શકીએ. વધુ સારું બનાવવા માટે મને લોકભાગીદારીમાં રસ છે. તમારા જ્ઞાનનું, અનુભવનું ભાથું આ પથ્થરોમાં ઉતરી આવે એના માટે આ શહેર, આ રાજ્ય આપની મદદ માંગે છે. એક ઉત્તમ પ્રકારનું કામ આપણે કરી રહ્યા છીએ. ભવિષ્યમાં ઓડિયો કૉમેન્ટ્રી લગાવીને, બોટમાં બેસીને, બોટમાં બેઠા બેઠા દિવાલ પરના આ વિશાળ કોતરકામને જોઇને શહેરના ઇતિહાસનો અભ્યાસ કરી શકાશે, રાજ્યના ઇતિહાસનો અભ્યાસ કરી શકાશે. જે લોકો પગે ચાલીને અભ્યાસ કરવા માગે છે એ ત્યાં મૂકેલ વિગતો વાંચીને પણ અભ્યાસ કરી શકશે અને જે લોકો ઓડિયો કૉમેન્ટ્રી સાથે જોવા માંગતા હશે તો એનો લાભ પણ મળશે. કાંકરિયાનો આટલો ઉત્તમ ઉપયોગ થઈ શકે, એ હવે જે લોકો કાંકરિયા આવે છે એ જુવે છે.
મિત્રો, આ કાંકરિયાના પુન:નિર્માણ પછી દુનિયાના, ભારત બહારના, લગભગ ૯૦ કરતાં વધારે ડેલિગેશન્સ અહીં આવ્યાં અને આ રિનોવેટ થયેલા કાંકરિયાનો એમણે અભ્યાસ કર્યો છે. આ શહેરનો પ્રબુદ્ધ નાગરિક. સુખી-સમૃદ્ધ નાગરિક, એ કાંકરિયા તરફ ડોકિયું નહોતો કરતો. આજે એના કુટુંબમાં કોઇ મહેમાન આવે તો એની રોલ્સરોઇસ ગાડી લઈને એ કાંકરિયા જોવા માટે આવે છે. કાંકરિયાની એક પ્રતિષ્ઠા ઊભી થઈ છે. અમીરમાં અમીર, સંપન્નમાં સંપન્ન વ્યક્તિને પણ હવે કાંકરિયા જોયું ન હોય તો નાનમ લાગે છે, કાંકરિયા આવવામાં ગૌરવ અનુભવે છે.
આ કાંકરિયાને આ શહેરના નાગરિકોએ જાળવ્યું છે. નહિં તો આટલી બધી વ્યવસ્થાઓ, એમાં કચરો થવો, ગંદકી થવી, તોડફોડ થવી એ આપણા દેશમાં નવી બાબત નથી. પણ મારે આ અમદાવાદના નાગરિકોને, આ કાંકરિયાની મુલાકાતે આવી ગયેલા દેશ-વિદેશના, રાજ્યના સૌ નાગરિકોને અંત:કરણપૂર્વક સલામ કરવી છે, અભિનંદન આપવા છે કે એમણે આટલા કરોડોની સંખ્યામાં લોકો આવ્યા પણ એને કોઇ ઊની આંચ નથી આવવા દીધી, ઝાડનું એક પાંદડું પણ કોઇએ તોડ્યું નથી, આ મોટી બાબત છે, મિત્રો. એને સાચવ્યું છે અને દુનિયા સામે આપણી આ તાકાતનો પરિચય કરાવી શકીએ એવી આ બાબત છે. સ્વચ્છતા જાળવી છે, એણે ગમે ત્યાં કચરો ફેંક્યો નથી અને કોઇ યાત્રીઓ આવે અને કોઇ નાનકડી ચીજ જોઇ હોય તો જાતે ઉઠાવીને એને જ્યા ફેંકવાની હોય એ જગ્યાએ જઇને નાખી આવે છે. એક નવું કલ્ચર કાંકરિયાએ આ શહેરને આપ્યું છે. આ કાંકરિયા આવા જ ઊંચા માપદંડ આખા શહેરમાં પ્રસ્થાપિત કરવા માટેની પ્રેરણા બની રહેશે એવો મારો વિશ્વાસ છે.
મિત્રો, આપણું કિડ્સ સીટી... ખૂબ લોકો અભ્યાસ કરવા આવી રહ્યા છે. બાળકોની આંતરિક શક્તિઓને વિકસાવવા માટેનું, એના સપના જગાવવા માટેનું, કદાચ સપનાનું વાવેતર કરવા માટેનું આનાથી ઉત્તમ દુનિયામાં કોઇ સાધન નહીં હોય. પ્રત્યેક નાનું ભૂલકું જ્યારે અહીયાં કિડ્સ સીટીમાં જાય છે અને સાંજે જ્યારે એ આનંદવિભોર થઈને બહાર જાય ત્યારે એના મનમંદિરમાં નવા સપનાનું વાવેતર થાય છે, એના મનમાં કંઈક બનવાની ઇચ્છાઓ જાગે છે. એ પોતે એ પ્રયોગની અંદર ભાગીદાર બન્યો હોવાના કારણે એ આત્મવિશ્વાસ લઈને જાય છે કે હા, હું આજે આ કરી શકું છું, મોટો થઈને આ બની પણ શકું છું. આ સપનાનાં વાવેતર કરવાની જગ્યા... આપનું કોઇ બાળક એવું ના હોય કે જેને કિડ્સ સીટીમાં આ સપનાં વાવવા માટેનો અવસર ના મળ્યો હોય, મારું આ ગુજરાતનાં બધાં બાળકોને નિમંત્રણ છે, એમના વાલીઓને નિમંત્રણ છે, આ આપના માટે છે, આપના બાળકો માટે છે. ગુજરાતની આવતીકાલ સમૃદ્ધ કરવા માટે, હસતાં-ખેલતાં આ સાંસ્કૃતિક વારસાને આત્મસાત્ કરવા માટે, કાંકરિયા એ જાણે નવી રાજધાની બની ગયું છે, એક નવું પ્રેરણાસ્ત્રોત બની ગયું છે અને એનો લાભ આપણે સૌ લઇએ.
ભાઈઓ-બહેનો, દોઢ કરોડ જેટલા લોકો અહીંયાં મુલાકાત લે અને એમાંય કાંકરિયા કાર્નિવલ દરમિયાન જે ૨૫-૩૦ લાખ લોકો આવે છે એની ગણતરી નથી કરતા આપણે કારણકે એ વખતે આપણે કોઇ ટિકિટ સિસ્ટમ નથી હોતી. આ તો એ લોકો કે જે રેગ્યુલર ટિકિટ લઈને ગેટ પરથી પ્રવેશ્યા છે એ સંખ્યા દોઢ કરોડ. આપ વિચાર કરો કે આ રાજ્યના ગરીબ, મધ્યમ વર્ગના માનવી માટે આ કેટલી મોટી આવશ્યકતા હતી, એ આવશ્યકતાની પૂર્તિ આપણે કરી છે. કારણકે સામાન્ય માનવીને પરિવાર સાથે હરવા-ફરવા જવું હોય તો જાય ક્યાં? એને મોકળાશવાળી જગ્યા મળે ક્યાં? અને આજે એ મળી છે. ભૂતકાળમાં બાલવાટિકા કે ઝૂ લગભગ નિગ્લેક્ટેડ અવસ્થામાં આવી ગયા હતા. આ કાંકરિયાના રિનોવેશનના કારણે એ પણ આજે નવું, લોકોના આકર્ષણનું કેન્દ્ર બની ગયાં છે. એના વિકાસ-વિસ્તાર માટે પણ નવાં નવાં સૂચનો અને યોજનાઓ આવી રહી છે.
ભાઈઓ-બહેનો, આપણે આનો ભરચક લાભ ઉઠાવીએ. આ કાંકરિયાને જેમ જાળવ્યું છે, એમ આ શહેરને પણ જાળવીએ. આ શહેરની આન-બાન-શાનમાં કાંકરિયા એક નવી ઓળખ લઈને આવ્યું છે ત્યારે આજના કાર્નિવલનું હું ઉદ્દઘાટન કરું છું. અટલજીના જન્મદિવસે જે એમનો ગુડ ગવર્નન્સનો સંદેશ છે એને ઝીલવા માટે આ રાજ્ય પ્રતિપળ તૈયાર છે અને એ દિશામાં આગળ વધવા માટે સંકલ્પબદ્ધ થઈને પ્રયત્નરત છે.
આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ..!!