તા. ૨૬/૧૨/૨૦૧૧
આ રાજકોટ શહેર મારા જીવનમાં એક મહત્વનું સ્થાન ધરાવે છે. કારણ આ રાજકોટ શહેર છે જેણે મને પહેલીવાર ધારાસભ્ય બનાવ્યો હતો અને ત્યારથી મારા રાજકીય જીવનની એક નવી યાત્રા શરૂ થઈ હતી. એ હું ધારાસભ્ય એટલા માટે બન્યો કારણ આ રાજકોટે સદભાવ બતાવ્યો હતો, આ સદભાવનો પાઠ મને રાજકોટથી શીખવા મળ્યો હતો. અહીંની જનતા જનાર્દને મારા પર આશીર્વાદ વરસાવ્યા હતા. ભાઈઓ-બહેનો, સદભાવનાની શક્તિ શું હોય છે એનો હું પ્રત્યક્ષ સાક્ષી છું, લાભાર્થી છું. અને એ રાજકોટની ધરતી પર આજે સદભાવના મિશનના મારા કાર્યક્રમના ભાગરૂપે આપની સાથે બેઠો છું. ૩૩ ઉપવાસ કરવાનું મારું અભિયાન છે. રાજ્યના બધા જ જિલ્લાઓમાં જવાનું અભિયાન છે. લગભગ અડધી મજલ મે પાર કરી છે, હજુ અડધી મજલ બાકી છે. ભાઈઓ-બહેનો, આજે રાજકોટે સવારથી જે આશીર્વાદની વર્ષા કરી છે... રાજકોટે રંગ રાખ્યો છે. હું રાજકોટને વંદન કરું છું, અભિનંદન કરું છું અને હું રાજકોટવાસીઓને વિશ્વાસ આપું છું કે સદભાવના મિશનને સફળ બનાવવા માટે આપે જે આ તપસ્યા કરી છે એને હું ક્યારેય એળે નહીં જવા દઉં.
ભાઈઓ-બહેનો, બધા જ પોલિટિકલ પંડિતો ધરાર ખોટા પડી રહ્યા છે કે એવું તો શું કારણ છે કે આ માનવ-મહેરામણ આવી રીતે ઊમટે છે? કોઇ ૧૦૫ વર્ષના માજી આવીને આશીર્વાદ આપે, કોઇ ૯૫ વર્ષના સ્વાતંત્ર્ય સૈનિક ગુજરાતને બિરદાવવા માટે કંઈ વાત કરી જાય, નાનાં-નાનાં ભૂલકાં જઇને કહે કે મેં પણ ઉપવાસ રાખ્યા છે, માતાઓ-બહેનો આવીને ઓવારણાં કરે... કયું કારણ છે? પોલિટિકલ પંડિતો આટઆટલા દિવસોના અભિયાન પછી પણ ગોથાં જ ખાય છે, ગોથાં જ ખાય છે. સમુંદર ગમે તેટલો ખારો હોય મિત્રો, પણ એમાં ડૂબકી મારો તો મોતી મળે, ગટરોમાં ડૂબકી મારીને મોતીઓ ન મળે. જે લોકો ગટરની જ જીંદગી જીવવા ટેવાયેલા છે એમને પ્રજાશક્તિના સામર્થ્યને ઓળખવા માટે કદાચ નવો જન્મ લેવો પડશે. શાના માટે આ ઉમળકો? સામાન્ય રીતે, આજનો ટી.વી.નો જમાનો, ઘેર બેઠા રોજ નેતા દેખાતા હોય, અભિનેતા દેખાતા હોય, એમાં કંઈ જોવાનું આકર્ષણ ન રહ્યું હોય. એ જમાના હતા, આજથી ૧૫-૨૦ વર્ષ પહેલાં... એમજ લાગતું હોય કે આપણે બરાબર ઓળખીએ છીએ, કંઈ જોવા જવાની જરૂર નથી. અને જે રીતે આપણે ત્યાં લોકશાહીએ રૂપ લીધું છે. એમાં કોઇ પણ સરકાર હોય, ગમે તેવી... બે વર્ષ થયાં નથી કે લોકોનો અણગમો શરૂ થઈ ગયો હોય અને ધીરે ધીરે વકરતો હોય. આટલાં બધાં વર્ષોની સરકાર પછી પણ પ્રજા પ્રેમ કરવા આવે, આશીર્વાદ આપવા આવે આ વાત એમને સમજવી મુશ્કેલ છે, મિત્રો. એની પાછળ એક તપશ્ચર્યા છે, એની પાછળ એક સમર્પણ છે. રાજકીય કાવાદાવા નથી માત્ર ને માત્ર રાષ્ટ્રહિત માટેની સાધના છે અને એના કારણે પ્રજાનો પ્રેમ અબાધિત રહેતો હોય છે. ભાઈઓ-બહેનો, ઉમળકો, ઉમંગ, ઉત્સાહ, આશીર્વાદ, આ જોશ, આ જુસ્સો શેના માટે? એનું કારણ છે. ગુજરાતીઓનો સ્વભાવ છે, બને ત્યાં સુધી કોઇને છેડે નહીં. તું તારું કર, હું મારું કરું. જા, તું તારુ સંભાળ... બહુ મગજમારીમાં પડે નહીં. પણ પછી પાણી જ્યારે માથા પરથી વહેવા માંડે... જે ગુજરાતી કોઇને છેડે નહીં, સ્થિતિ પલટાય તો કોઇને છોડે પણ નહીં.
મિત્રો, આ વાતાવરણ એનું પ્રતીક છે, એનું પ્રતિબિંબ છે. કોઇ કારણ વગર ગયા દસ વર્ષથી ગુજરાતને પીડિત કરવા માટેની આ જે સ્પર્ધા ચાલે છે, ગુજરાતને જેટલી યાતનાઓ આપી શકાય, એ યાતનાઓ માટે રોજ નવા નવા નુસખા શોધવામાં આવે છે. કોઇ દિવસ એવો ઊગે નહીં કે જે દિવસે ગુજરાતને બદનામ કરવાનો, ગુજરાત પર જુલ્મ કરવાનો, ગુજરાતને નીચાજોણું થાય તેવું કરવાનો કારસો ન રચાયો હોય... અને ગુજરાત ચૂપચાપ સહન કરતું રહે. મને ઘણીવાર લોકો કહે કે સાહેબ, આ બધું તમે ક્યાં સુધી સહન કરશો? જ્યાં સુધી પ્રજાના આશીર્વાદ છે ત્યાં સુધી ઊની આંચ નથી આવવાની. ભાઈઓ-બહેનો, પ્રજામનમાં એક ગુસ્સો પડ્યો છે, આક્રોશ પડ્યો છે. દેશ અને દુનિયામાં ગુજરાતને બદનામ કરનારાં તત્વોને ગુજરાત જવાબ દેવા માંગે છે. સામાન્ય માનવી એના આક્રોશની અભિવ્યક્તિ કરવા માંગે છે, એના ગુસ્સાનું પ્રકટીકરણ કરવા માંગે છે. કોઇ કવિ હોય તો જુસ્સાદાર કવિતા લખીને એના આક્રોશની અભિવ્યક્તિ કરે છે, કોઇ ગાયક હોય અને પરિસ્થિતિ પલટાણી હોય તો વીરરસનું ગાન કરીને જગતની સામે પોતાની લાગણીઓને વ્યક્ત કરે છે, દરેક વ્યક્તિ પોતપોતાની રીતે વ્યક્ત કરે, પણ સામાન્ય માનવી શું કરે? એ અવસરની તલાશ કરતો હોય છે અને જ્યારે મોકો મળે એની અભિવ્યક્તિ કરતો હોય છે. આ સદભાવના મિશને ગુજરાતના કરોડો નાગરિકોને પોતાનો ગુસ્સો વ્યક્ત કરવા માટેની એક લોકશાહી પદ્ધતિને અવસર આપ્યો છે, લોકશાહી ધર્મને અવસર આપ્યો છે અને એટલે જ પોતાનો આક્રોશ વ્યક્ત કરવા માટે આ માનવ-મહેરામણ આમ હકડેઠઠ...! આપ કલ્પના કરો, અરે કોઇ પોલિટિકલ પાર્ટીને પોતાનું અધિવેશન કરવું હોય, જેમાં પોતાના જ કાર્યકર્તા હોય, પોતાની જ કેડર હોય તો પણ આખો દિવસ અધિવેશન ચલાવવું મુશ્કેલ હોય છે, એક જિલ્લાનું કરવું હોય તો પણ. આટલી માનવમેદની ન હોય અને એક-બે ઠરાવ કર્યા પછી ભોજન પત્યું નથી કે કાર્યક્રમ પૂરો થયો નથી. આજે સવારથી, ૮-૮:૩૦ વાગ્યાથી, લોકો આવીને બેસવાના શરૂ થયા હતા. એ જ માનવ-મહેરામણ, આ શેના માટે? આ ગુજરાત ભક્તિની અભિવ્યક્તિ છે, દોસ્તો.
ગુજરાત પર જુલ્મ કરનારાઓને લોકશાહી ઢબે અપાનારો જવાબ છે આ, અને આ પોલિટિકલ પંડિતોને ગળે ઊતરવું મુશ્કેલ છે, મિત્રો. જે લોકો વેચાઈ ગયા હોય, ગીત ગાતા હોય એમની મજબૂરી હું સમજી શકું છું, એમના માટે મુશ્કેલ છે. પરંતુ, જે નીર-ક્ષીરનો વિવેક જાણે છે, જે લોકો ગુજરાતના લોકોના મનની ભાવનાઓને સમજી શકે છે, જે પ્રજામાનસને પારખવામાં પારંગત છે એને આ વાતને સમજવી મુશ્કેલ નથી પડતી, મિત્રો. ભાઈઓ-બહેનો, આ સદભાવના મિશનમાં લોકજુવાળ... અને હું બધે જ્યાં જાઉં ત્યાં આ જ દ્રશ્ય છે. ડાંગ જેવા જિલ્લામાં મિત્રો, નાનકડો એક તાલુકાનો જિલ્લો, પણ ત્યાં જે મેં માનવ-મહેરામણ જોયો..!
દોસ્તો, સમગ્ર રાજ્યની અંદર એક સ્વાભિમાન માટે, રાજ્યના ગૌરવને માટે, પ્રતિબદ્ધતાનાં દર્શન થાય છે અને આ સદભાવનાનું મિશન આખા દેશ અને દુનિયાને ઘણું બધું શીખવાડશે, પરંતુ મને વ્યક્તિગત રૂપે એક નવી તાકાતની અનુભૂતિ થઈ છે. હજારો લોકો હાથ મિલાવે છે ત્યારે એક નવી ઊર્જાનો સંચાર મારામાં થાય છે. એક-એક વ્યક્તિ જાણે આમ સ્પર્શ કરેને ત્યારે મને એમ લાગે કે કેટલી બધી શક્તિનો ધોધ મારામાં પ્રવેશી રહ્યો છે..! આવું સદભાગ્ય કોને મળ્યું હોય કે હજારોની સંખ્યામાં ભાઈઓ-બહેનો સાથે એ હસ્તધૂનન કરી શકે, કદાચ ઈશ્વરીય કોઇ સંકેત છે ભાઈઓ કે મને આ સૌભાગ્ય મળ્યું છે, હું એને સૌભાગ્ય ગણું છું. શારીરિક શ્રમ પડતો હોય પણ આવું સૌભાગ્ય ક્યાંથી, મિત્રો. કારણ જનતા જનાર્દન એ ઈશ્વરનું રૂપ હોય છે અને એ જ્યારે પ્રત્યક્ષ આવીને આપને આશીર્વાદ આપે ત્યારે જાણે શક્તિનો ધોધ આપણા ઉપર વરસતો હોય છે, એવી હું અનુભૂતિ કરું છું. અને આ શક્તિ કોઇ અંગત ઉપયોગ માટે નથી. આવા આશીર્વાદથી પ્રાપ્ત થયેલી શક્તિ, એનો હક માત્રને માત્ર છ કરોડ ગુજરાતીઓનો છે અને આ બધું હું આપના ચરણોમા અર્પણ કરું છું.
આજે ક્યાંય પણ જાવ, ગુજરાતના વિકાસની વાત થાય છે. ગમે ત્યાં જાવ, કોઈપણ હોય, “વાહ, અરે ભાઈ, તમારું ગુજરાત..!”. તમે રેલવેમાં જતા હોવ અને સામેવાળા પૅસેન્જરને ખબર પડે કે ગુજરાતના છે, તો તરત જ બોલે કે, “ઓ..હો ભાઈ, તમારા ગુજરાતની તો વાત જ ન થાય..!” આ બધાને સાંભળવા મળે છે, ગૌરવ થાય છે. હું આજે રાજકોટમાં આવ્યો છું તો એક પ્રસંગ કહું. એક દિવસ અમારા અટીરાવાળા કિરીટભાઈ ગણાત્રાનો મારી પર ફોન આવ્યો. પત્રકાર જગતની અંદર કિરીટભાઈ એક નોખું જીવન છે, અત્યંત નોખું જીવન. કોઇ દિવસ ફોન-બોન આવે એ એમના સ્વભાવમાં નહીં. એમને સરકાર કે નો-સરકાર, કંઈ લેવાદેવા નહીં એવો માણસ. કિરીટભાઈનો ફોન આવ્યો. મને આશ્ચર્ય થયું, કિરીટભાઈ ફોન કરે..! એટલે મેં થોડી જ વારમાં એમને કૉલ-બૅક કર્યો, સવાર સવારમાં ફોન હતો. “બોલો કિરીટભાઈ, શું હતું, તમારો ફોન આવ્યો હતો?” મને કહે કે, “હું પઠાણકોટથી બોલું છું”. તો મને એકદમ ધ્રાસકો પડ્યો કે “ભાઈ, કોઇ તકલીફમાં છો? આપ પઠાણકોટથી ફોન કરો છો, થયું છે શું?” તો મને કહે કે, “ના-ના નરેન્દ્રભાઈ, તકલીફ નથી. અમે તો બધા કુટુંબ સાથે વૈષ્ણોદેવી દર્શન કરવા ગયા હતા અને પાછા જતાં અમે હિમાચલ બાજુ જતા હતા, ત્યાં પઠાણકોટ ઢાબા ઉપર ચા પીવા ઉભા રહ્યા છીએ અને ઘટના એવી બની એટલે હું તમને ફોન કરું છું”. મેં કહ્યું, “શું થયું?” તો કહે કે, “આ પઠાણકોટના જે રોડ પરના ઢાબાવાળા પાસે અમે ચા પીયે છીએ, એ ઢાબાવાળો અમારા પૈસા નથી લેતો”. મેં કહ્યું, “કેમ?”, તો કહે કે ”અમારી ગાડીનો નંબર ગુજરાતનો છે, અમે ગુજરાતના છીએ એટલા માટે આ ઢાબાવાળો ચાના પૈસા નથી લેતો”, આ કિરીટભાઈએ મને પઠાણકોટથી ફોન કર્યો હતો. મેં એમને પૂછ્યું, ”કિરીટભાઈ હજી ઢાબા પર છો કે નીકળી ગયા?” મને કહે, “ના, હજી ત્યાં જ છું.” મેં કહ્યું, “એના માલિકને વાત કરાવો મારી જોડે...”. આપ કલ્પના કરી શકો છો કે કેવો ઓળઘોળ થઈ ગયો હશે એ માણસ. અને એને અંદાજ આવ્યો હશે કે આ કિરીટભાઈની પહોંચ કેવી છે કે પાંચ જ મિનિટમાં મુખ્યમંત્રીને લાઇન પર લઈ આવે છે, ટેલિફોનથી. મિત્રો, આ ઘટનાઓ તમારા જીવનમાં પણ રોજબરોજ બનતી હશે. ચારે તરફ ગુજરાતના જયજયકારની ચર્ચા ચાલે છે, ગુજરાતના વિકાસની વાત ચાલે છે અને પ્રત્યેક ગુજરાતી એનો લાભાર્થી છે. અહીંયાં કોઇ ગમે તે આડું-તેડું કરતો હોય, પણ બહાર જાયને તો આમ પાકો ગુજરાત ભક્ત થઈને એનો લાભ લેતો હોય. કોઇ અભિનંદન આપે તો સ્વીકાર કરતો હોય, “હા હોં, અમારું ગુજરાત બહુ સરસ છે...” એમ કહેતો હોય. એનો લાભ બધાને મળી રહ્યો છે. ક્યાંય કોઇ વિકાસ બોલે તો તરત જ ગુજરાત યાદ આવે અને કોઇ ગુજરાત બોલે તો તરત જ વિકાસ દેખાય, આ જાણે ક્રમ થઈ ગયો છે.
આવિકાસ શેના કારણે છે? એવું કયું કારણ છે કે આ વિકાસ થયો છે? અલગ અલગ લોકો એનાં અલગ અલગ કારણો આપે છે. કોઇ કહે છે કે મુખ્યમંત્રી એવા મળ્યા એટલે વિકાસ થયો, કોઇ કહે સરકાર એવી મળી એટલે વિકાસ થયો, કોઇ કહે રાજકીય સ્થિરતા છે એના કારણે વિકાસ થયો, કોઇ કહે સરકાર દોડતી થઈ છે એટલે વિકાસ થવા માંડ્યો છે. બધા જાતજાતનાં કારણો કહેતા હોય છે. પણ સાચું કારણ ખબર છે? ભાઈઓ-બહેનો, આ ગુજરાતના વિકાસનું સાચું કારણ છે છ કરોડ ગુજરાતીઓની મહેનત. એના હકદાર કોઇ હોય તો આ ગુજરાતના નાગરિકો છે. એમની તપશ્ચર્યા, એમનો પુરુષાર્થ, એમની સાહસવૃતિ, એના કારણે ગુજરાતનો વિકાસ થયો છે. યશ આપને જાય છે, હક આપનો છે, પરાક્રમ આપનું છે અને એના કારણે આજે ગુજરાત આ નવી ઊંચાઈઓને પાર કરી શક્યું છે. ભાઈઓ-બહેનો, આ છ કરોડ ગુજરાતીઓની એવી કઈ તાકાત છે કે જેણે આખી સ્થિતિ પલટી નાખી. નહીં તો આ ગુજરાતીઓ ૨૦૦૧ પહેલાં પણ હતા જ, પણ હવે કેમ થયું? હવે એટલા માટે થયું છે કારણ ગુજરાતે એકતા, શાંતિ અને ભાઈચારાનો રસ્તો અપનાવ્યો છે, એને કારણે આ શક્ય બન્યું છે. નહીં તો ભૂતકાળમાં શું હતું, ભાઈ? ૧૯૮૫ ના દિવસો યાદ કરો, ‘ખામ’ ના નામે ખેલ ચાલતા હતા એ યાદ કરો, સવાર-સાંજ હુલ્લડો થતાં હતાં, ચપ્પા ચાલતા હતા, જાતિવાદનાં ઝેર રેડવામાં આવતાં હતાં. અમારો ખેડૂત કાળી મજૂરી કરીને ઊભો પાક ખેતરમાં પકવ્યો હોય, લણવાની તૈયારીઓ ચાલતી હોય અને માથાભારે તત્વો પહોંચી જાય, બધું રમણ-ભમણ કરીને ઉપાડી જાય. કદાચ ખેડૂતે ખેતરમાં પોતાની ખળીમાં પાક ભેગો કર્યો હોય, અડધી રાતે ઉઠાવી જાય. ગામની અંદર ધિંગાણાં કોઇ નવી વાત નહોતી. બહેન-દીકરીઓને રંજાડવી એ જાણે શિરસ્તો થઈ ગયો હતો, આ દિવસો આપણે જોયેલા છે. જુલ્મ, અત્યાચાર, એક જણાનું, જેનું જોર હોય એ બીજાને દબાવે... આ જ પ્રવૃત્તિઓ ચાલતી હતી. કારણ? એ વખતના શાસકો માટે આ જરૂરી હતું. એકબીજાને લડાવો, એમને ઝગડતા રાખો, એટલે એમને કાયમ સરકાર પર નિર્ભર રહેવું પડે. આજ કારસાઓ ચાલતા હતા. જાતિવાદનું ઝેર ઘોળી ઘોળીને પિવડાવવામાં આવતું હતું. ત્યારથી સમાજજીવન વેરવિખેર થઈ ગયું, હુલ્લડો કેટલાં ચાલતાં હતાં? રાજકોટથી અમદાવાદ જવાનું હોય તો ફોન કરીને પૂછવું પડે, કે ભાઈ કર્ફ્યૂ-બર્ફ્યૂ નથીને તો અમે નીકળીએ. લગ્નની તારીખ નક્કી કરવાની હોય તો પહેલાં તો એ નક્કી કરે કે ઉભા રહો ભાઈ, રથયાત્રા આજુબાજુની તારીખ નક્કી ના કરતા, મહિનો તો કર્ફ્યૂ ચાલતો હશે. આવું જ થતું..! મોહરમ નીકળવાના હોય તો ટેન્શન, કર્ફ્યૂ આવશે તો? ઈદ હોય તો ટેન્શન તોફાન થશે તો? ગણેશ ચતુર્થી હોય તો ટેન્શન તોફાન થશે તો? કોઇ તહેવાર એવો નહીં કે જેમાં ઉચાટ ના હોય. અસ્ત્રાઓ ચાલે, અસ્ત્રા. જવાનજોધ છોકરાઓ મોતને ઘાટ ઊતરી જાય. રિક્ષાઓ બાળો, ગલ્લાઓ બાળો, આ જ કાર્યક્રમ ચાલે. ગુજરાતને બરબાદ કરી દેવામાં આવ્યું હતું. જાતિવાદનું ઝેર, કોમવાદનું ઝેર... તબાહ કરી નાખ્યું. આજે દસ વર્ષ થયાં ભાઈઓ, કર્ફ્યૂ કોને કહેવાય એ ગુજરાત ભૂલી ગયું છે. નહીં તો એક જમાનો હતો, બાળક જન્મે તો એ મમ્મી-પપ્પા બોલતાં પછી શીખતું હતું, કર્ફ્યૂ બોલતાં પહેલાં શીખતું હતું. એને કર્ફ્યૂ બોલતા આવડતું. કારણ, ગુજરાતમાં કર્ફ્યૂ જાણે એક શિરસ્તો થઈ ગયો હતો. એ પોતાના કાકાને ના ઓળખતો હોય, પોતાના મામાને ના ઓળખતો હોય પણ પોલીસ અંકલને ઓળખતો હોય. કારણ એ મહોલ્લાની બહાર ઉભા જ હોય, ડ્યૂટિ ઉપર. આ બધું જતું રહ્યું,
મિત્રો. એકતા, શાંતિ, ભાઈચારાને કારણે ગુજરાતનું એક નવું રૂપ પેદા થયું છે. અને એના કારણે, એ સૌના માટે છે કે આપણે વિકાસની અંદર જોડાઈ જઇએ, આપણે વિકાસના સમર્થક બનીએ, આપણે વિકાસના લાભાર્થી બનીએ, આપણે વિકાસના ભાગીદાર બનીએ અને ગુજરાતમાં એ જે વાતાવરણ પકડાય, એ વાતાવરણની એને દુનિયાને જાણ કરવી છે. મારે દુનિયાને ડંકાની ચોટ પર કહેવું છે, હિંદુસ્તાનનાં અન્ય રાજ્યોને કહેવું છે કે જે લોકો એમ માને છે કે અમારે પણ આગળ વધવું છે તો ગુજરાતની આ જે જડીબુટ્ટી છે, એ જડીબુટ્ટી તમને પણ કામ આવે એવી છે. એ જડીબુટ્ટી છે એકતાની, એ જડીબુટ્ટી છે શાંતિની, એ જડીબુટ્ટી છે ભાઈચારાની. એકવાર હિંદુસ્તાનનાં રાજ્યો આ જાતિવાદના ઝેરમાંથી બહાર આવે, હિંદુસ્તાનનાં રાજ્યો કોમવાદના કાવાદાવામાંથી બહાર આવે તો હું વિશ્વાસ સાથે કહું છું કે ગુજરાતની જેમ એમનો પણ સુવર્ણયુગ શરૂ થશે, એવો મારો દાવો છે મિત્રો. આ વાત એ શબ્દની તાકાત બનેને એના માટે મેં ઉપવાસનો યજ્ઞ આદર્યો છે, મિત્રો. ઉપવાસનું સામર્થ્ય હોય છે, આ મારું કન્વિક્શન છે અને ઉપવાસના સામર્થ્યને કારણે આમ આદમીની વાત ખૂબ નીચે સુધી પહોંચતી હોય છે.
આપ કલ્પના કરો ભાઈઓ, આજે ગુજરાત કેવી રીતે આગળ વધી રહ્યું છે..! ડેરી ઉદ્યોગ, ડેરી. આ પશુપાલક ભાઈઓ આપણા, ખેડૂતો... ઢોરઢાંખર રાખતા હોય, ચોમાસાની ખેતી હોય, આઠ મહિના ઢોરઢાંખર પર ચાલતું હોય, પશુપાલકને તો માત્ર ને માત્ર એના પર જ ચાલતું હોય... આપ વિચાર કરો, આજથી દસ વર્ષ પહેલાં આપણા સૌરાષ્ટ્રમાં દૂધનું ઉત્પાદન માત્ર ૭૦,૦૦૦ લિટર હતું, માત્ર ૭૦,૦૦૦ લિટર. આજે, આજે ૨૦ લાખ લિટરે પહોંચ્યું છે. દસ જ વર્ષમાં... ડેરીઓ ન કરો એવો સરકારે નિર્ણય કર્યો, કાઠિયાવાડમાં ડેરી ન કરો એવો સરકારે કાયદેસર નિર્ણય કર્યો હતો. ભાઈઓ, હું જ્યારે આવ્યો ત્યારે ચોંકી ગયો કે આ શું કર્યું હશે આ લોકોએ? મેં જુદું કર્યું, મેં કહ્યું ડેરીઓ કરો અને જે ડેરી કરે એને રૂપિયા પણ આપ્યા અને આજે કાઠિયાવાડમાં ડેરીઓ શરૂ પણ થઈ ગઈ છે. જે ખેડૂતનું દૂધ દસ રૂપિયે માંડ જતું હતું, આજે એને પચીસ, સત્તાવીસ કે ત્રીસ રૂપિયા મળવા માંડ્યા, એના ઘરની આવક વધી, ભાઈ. જે પશુપાલનનું દૂધ કોઇ પૂછતું નહોતું, આજે એના દૂધની આવક વધવા માંડી. બિચારો માવો બનાવે, લાકડાં-કોલસા બધું બાળે તો પણ માવાના ભાવ ના મળે એવા દિવસો આપણે જોયા હતા. આજે ડેરી આવવાને કારણે એની આવકમાં વધારો થયો, આવકની ગેરંટી થઈ. એટલું જ નહીં ભાઈઓ, આખા ગુજરાતમાં જયાં ડેરી ઉદ્યોગ વિકસ્યો હતો ત્યાં પણ દૂધના ઉત્પાદનની સ્થિતિ શું હતી? ૨૦૦૧ પહેલાં ૪૦-૪૨ લાખ લિટર દૂધ હતું, આજે ૧૨૦ લાખ લિટર દૂધ ગુજરાતની ડેરીઓમાં ભરાય છે. ખેડૂતની આવક કેવી રીતે વધે છે એનું ઉદાહરણ સમજો. ગુજરાતનો ખેડૂત પગભર થાય એના માટે આપણે અભિયાન ઉપાડ્યું છે. આપણા સૌરાષ્ટ્રના અનેક જિલ્લા કપાસ પકવે છે. ૨૦૦૧ પહેલાં ૨૩ લાખ ગાંસડી કપાસ થતું હતું, આજે ૧ કરોડ ૨૩ લાખ ગાંસડી કપાસ આ ગુજરાતની ધરતી પર અમારો ખેડૂત પેદા કરે છે. આનું નામ વિકાસ કહેવાય. પરિવર્તન કેવી રીતે લવાય છે, એનાં આ ઉદાહરણો છે. ૨૦૦૧ ની અંદર હું એક અર્બન વિભાગની મીટિંગ લેતો હતો. મને આશ્ચર્ય થયેલું કે આટલી બધી સરકારો આવીને ગઈ, આટલાં બધાં બજેટ થઈ ગયાં, પણ શહેરી ગરીબો માટે આરોગ્યનો કોઇ વિચાર જ નહોતો થયો, આપ વિચાર કરશો..! આ સરકાર એવી છે કે મિત્રો, કે શહેરી ગરીબોના આરોગ્ય માટેનાં આયોજનો થાય અને પછી ભારત સરકારને પણ એવું સૂઝ્યું કે શહેરી ગરીબો માટે કંઈક કરવું પડે.
સામાન્ય માનવીને કૌશલ્ય હોય એનો વિચાર અમે કર્યો. પહેલાં તો કેવું હતું? આઇ.ટી.આઇ. માં કોઇ ભણે તો એની બિચારાની ઇજ્જત જ નહીં. જવા દો, એ તો આઇ.ટી.આઇ. વાળો છે... અમે એમને પ્રતિષ્ઠા આપી. મેં કહ્યું કે જે બાળક આઇ.ટી.આઇ. પાસ કરે, એક વર્ષનો કોર્સ કર્યો હોય તો એને દસમા બરાબર ગણી કાઢવાનો અને જેણે બે વર્ષનો કોર્સ કર્યો હોય એને બારમા ધોરણના બરાબર ગણી કાઢવાનો અને પછી એને ડિપ્લોમા-ડિગ્રીમાં જવું હોય તો એના માટે દ્વાર ખોલવાનાં, આ ગુજરાતે કરી દીધું અને ગુજરાતના એ છોકરાઓ, જેને ટેક્નિકલ સ્કિલ છે, એના માટે પ્રગતિ કરવા માટે એક નવો ઉત્સાહ ઊભો કરી દીધો. એનું જીવન બદલી શકાય. પાંચમું-સાતમું ધોરણ ભણીને બિચારાએ છોડી દીધું હોય, ઝૂંપડપટ્ટીમાં જીંદગી ગુજારતો હોય, એને કંઈ આવડત ન હોય એના કારણે મજૂરી કરીને બિચારો માંડ પાંચ-પચીસ રૂપિયા કમાતો હોય... આપણે નક્કી કર્યું કે એની સ્કિલ ડેવલપ કરો, એને કોઇ ઉદ્યમ શિખવાડો. મહાનગરોમાં, નગરોમાં ‘ઉમ્મીદ’ નામની યોજના શરૂ કરી અને દર વર્ષે એક લાખ કરતાં વધારે જવાનીયાઓને, જેમણે બીજું-પાચમું-સાતમું માંડ ભણ્યું છે, એને કૌશલ્ય શીખવાડ્યું અને આજે ગેરંટીથી દસ હજાર, બાર હજાર, પંદર હજારનો પગાર આ લોકો કમાતા થઈ ગયા. આ કોણ ચિંતા કરે? સામાન્ય માનવીના જીવનમાં બદલાવ આવે એનું અભિયાન ઉપાડ્યું.
ભાઈઓ-બહેનો, વિકાસ કરવો હશે તો, હજુ નવી ઊંચાઈઓને પાર કરવી હશે તો, આ સમાજની જે ૫૦ પ્રકારની જે માતૃશક્તિ છે એમને પણ વિકાસની યાત્રામાં ભાગીદાર બનાવવી પડશે. આપણો તો મંત્ર છે, ‘સૌનો સાથ, સૌનો વિકાસ’. દરેકનો સાથ જોઇએ, દરેકનો સાથ હશે તો દરેકનો વિકાસ થવાનો છે. આ માતાઓ-બહેનોની શક્તિ માટે આપણે ‘મિશન મંગલમ’ યોજના ચાલુ કરી. અઢી લાખ જેટલાં સખીમંડળો ગયા ત્રણ-ચાર વર્ષમાં ઉભા કરી દીધાં. ગરીબીની રેખા નીચે જીવનારી બહેનો એક રૂપિયો, બે રૂપિયા બચત કરે, મંડળ બનાવે, સરકાર મદદ કરે, બેંકો પાસેથી લોન અપાવીએ અને એના કારણે એનો કારોબાર ચાલે, નાની નાની ચીજોનું ઉત્પાદન કરે. આજે સખીમંડળની બહેનોને અહીં પ્રદર્શનમાં હું મળ્યો હતો, તો કહે કે અમારી દરેક બહેન ૧૫૦૦-૨૦૦૦ વધારાની ઇન્કમ કરતી થઈ ગઈ છે, આવક કરતી થઈ ગઈ છે. આજે ગુજરાતમાં અઢી લાખ જેટલાં સખીમંડળો છે. ૧૫૦૦ કરોડ રૂપિયાનો કારોબાર ગરીબીની રેખા નીચે જીવનારી મારી બહેનોના હાથમાં સોંપ્યોં છે, ૧૫૦૦ કરોડ રૂપિયા, ભાઈઓ. આવનારા દિવસમાં એ રકમ મારે ૫૦૦૦ કરોડ રૂપિયાએ પહોંચાડવી છે. આપ વિચાર કરો, ગરીબીની રેખા નીચે જીવનારી બહેનોના હાથમાં ૫૦૦૦ કરોડ રૂપિયાની માતબર રકમ હોય એટલે કેટલી મોટી આર્થિક ગતિવિધિ..! કેટલું બળ મળવાનું છે, કેટલી મોટી ગતિવિધિ વધવાની છે એનો આપ અંદાજ કરી શકો છો. વિકાસ કેવી રીતે કરાય એનાં આ ઉદાહરણો છે, ભાઈ. આ લોકોને કલ્પના નથી, મિત્રો. એમને સમજણ નથી પડતી કે કેમ કરવું. ભાઈઓ-બહેનો, ગુજરાતને એક નવી ઊંચાઈ પર પહોંચાડવું છે. પ્રત્યેક ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ પર જવું છે.
ચાહે ઉદ્યોગ હોય, ખેતી હોય, પ્રવાસન ક્ષેત્ર હોય... આખા કાઠિયાવાડમાં ટુરિઝમ માટેનું પોટેન્શિયલ કેટલું બધું પડ્યું છે. આખા દેશનો ટુરિઝમ ઉદ્યોગ, માત્ર કચ્છ અને કાઠિયાવાડમાં આપણે કેન્દ્રિત કરીએને, તો આખા હિંદુસ્તાનનું ટુરિઝમ અહીંયાં વળી જાય એટલી બધી તાકાત કચ્છ અને કાઠિયાવાડમાં પડી છે. દ્વારકા, સોમનાથ, ગીરના સિંહ, કચ્છનું રણ, ૧૬૦૦ કિ.મી. નો દરિયાકિનારો... શું નથી આપણી પાસે? આ બધું મારા આવ્યા પછી આવ્યું, ભાઈ? હું આવ્યો પછી આ ગીરના સિંહ આવ્યા? મને દેખાણા એમને નહોતા દેખાણા... અને એના કારણે આજે સિંહો જોવા માટે લાઇન લાગવા માંડી છે, મિત્રો. કાઠિયાવાડના ટુરિઝમ સેન્ટર ઉપર નવી લગભગ ૪૦ હોટલો આવી ગઈ, બોલો. બે જ વર્ષમાં... હજુ તો અમિતાભ બચ્ચને વાત કરવાની શરૂઆત હમણાં કરી છે. ૪૦ જેટલી નવી હોટલો આવી, ૧૦૦૦ કરતાં વધારે નવા બેડ તૈયાર થઈ ગયા. એટલું જ નહીં, ગીરના જંગલોમાં તો લોકો પોતાના ઘરની બાજુમાં નવો રૂમ બનાવીને, કમોડવાળું સંડાસ બનાવીને, લોકોને ઘરમાં મહેમાન તરીકે રાખતા થઈ ગયા અને એક-એક રાત રોકાય તો બે-બે હજાર રૂપિયા કમાતા થઈ ગયા, ભાઈઓ. હવે ‘હોમ લીઝ’ શરૂ થઈ ગયું, ઘરની અંદર મહેમાનગતીની પરંપરા ઊભી થવા લાગી, ‘હોમ સ્ટે’ની વ્યવસ્થા ઊભી થવા લાગી. કચ્છના રણમાં જાવ. ધોરડો જેવું પાકિસ્તાનની સીમા પરનું છેલ્લું ગામ... આજે ત્યાં ઢગલાબંધ રિસોર્ટ બની રહ્યા છે. પ્રવાસન ક્ષેત્રનો મોટામાં મોટો લાભ કચ્છ-કાઠિયાવાડને મળવાનો છે. હિંદુસ્તાનભરનું ટુરિઝમ અહીં આવે એને માટેની આ બધી મથામણ છે. અને ટુરિઝમ આવે ને ભાઈઓ, તો ગરીબમાં ગરીબ માણસને રોજગાર મળે. ટુરિઝમ આવે એટલે રિક્ષાવાળો કમાય, ટૅક્સીવાળો કમાય, ચોકલેટ વેચવાવાળો કમાય, બસ સ્ટૅન્ડ પર પેલો ભજિયાં-પાપડ વેચતો હોય એ પણ કમાય, ચાની લારીવાળો પણ કમાય, કોઇ ઢીંગલીઓ બનાવીને વેચતું હોય તો તે ઢીંગલીઓ વેચવાવાળો પણ કમાય, દરેક માણસ કમાય મિત્રો, ટુરિઝમ એવું છે. બહુ મોટું મૂડીરોકાણ પણ ન જોઇએ. માત્ર સ્વભાવ બનાવવો પડે, બહારના મહેમાનોને આવકારવાનો. એમને લૂંટવાની પેરવી કરો તો કોઈ ન આવે. પણ એમને જોઇએ એ ધીરે ધીરે ધીરે કરે તો આપણી પણ કમાણી થાય, લોકો પણ આવતા થાય. આજે ગુજરાતમાં ટુરિઝમ કૂદકે ને ભૂસકે વધવા માંડ્યું છે જેનો મોટો લાભ કચ્છ અને કાઠિયાવાડને મળવાનો છે, મિત્રો. એના લાભાર્થી થયા છીએ કારણકે ઈશ્વરે અહીં ઘણું બધું આપ્યું છે. આપણા પૂર્વજો પણ અહીં ઘણું બધું આપણા માટે મૂકીને ગયા છે એનો ઉપયોગ કરો, ભાઈઓ. એક જમાનો હતો, આ સૌરાષ્ટ્રનો દરિયા કિનારો આપણને બોજ લાગતો હતો. ખારી હવા, ખારો પાટ... દરેક માં-બાપ માથાં પછાડતા હોય કે હવે અહીંયાં જન્મ્યાં છીએ, હવે આ છોકરાઓને બહાર ક્યાંક મોકલો તો ઠેકાણે પડે. અને એટલે હીરા ઘસવા માટે આખું કાઠિયાવાડ ખાલી થઈ ગયું. બિચારાઓએ સુરત અને મુંબઈમાં મુશ્કેલીમાં જીંદગી ગુજારેલા દિવસો જોયા. કારણ? આ દરિયાકિનારો બોજ લાગતો હતો. જે દરિયાકિનારો ગઈકાલે બોજ લાગતો હતો એ દરિયાકિનારાને આજે આપણે અવસર બનાવી દીધો, દોસ્તો. ૧૬૦૦ કિ.મી.ના સમુદ્રકિનારાને આપણે હિંદુસ્તાનની પ્રગતિનું પ્રવેશદ્વાર બનાવી દીધું છે, હિંદુસ્તાનની સમૃદ્ધિનું પ્રવેશદ્વાર બનાવી દીધું છે. અને એ દિવસ દૂર નહીં હોય મિત્રો, વીસ જ વર્ષમાં તમે જોશો... આ મારા શબ્દો તમે યાદ રાખજો, વીસ જ વર્ષમાં તમે જોશો કે આખે આખું નવું ગુજરાત આ દરિયાકિનારે વસતું હશે, આખું નવું ગુજરાત વસતું હશે. આખો દરિયાકિનારો ધમધમતો થવાનો છે એનો સીધે સીધો લાભ કચ્છ અને કાઠિયાવાડને મળવાનો છે. આ અવસર ચૂકવાનો નથી અને ભાઈઓ-બહેનો, સદભાવના મિશન દ્વારા ગુજરાતની જે શક્તિ છે એ શક્તિને વધારે મજબૂત બનાવવી છે. એકતા, શાંતિ, ભાઈચારો... એના સામર્થ્યમાં ઉમેરો કરવો છે. અને ગુજરાતને બદનામ કરનારા તત્વોને સદભાવનાના મંત્ર દ્વારા શક્તિનો પરિચય કરાવીને, વિકાસની યાત્રાને વેગ આપીને, આખી દુનિયાનાં મોઢાં બંધ કરવાની તાકાત આ ગુજરાતના છ કરોડ નાગરિકોમાં છે, એના ભરોસે આગળ વધવું છે.
ભાઈઓ-બહેનો, આજે જ્યારે રાજકોટની ધરતી પર આવ્યો છું ત્યારે, વિકાસની જે હરણફાળ ભરી રહ્યા છીએ એમાં આવનારા દિવસોમાં માત્ર રાજકોટ શહેરમાં નવા આયોજનો પેટે ૧૧૦૦ કરોડ રૂપિયાનું આયોજન આપણે વિચાર્યું છે, ૧૧૦૦ કરોડ રૂપિયાનું. જેમા રસ્તાનું સ્ટ્રેંથનીંગ કરવાનું હશે, રિકાર્પેટીંગ કરવાનું હશે, રસ્તાઓ પહોળા કરવાના હશે... રિવર ફ્રન્ટ, રાજકોટની અંદર રિવર ફ્રન્ટના પ્રોજેક્ટને આપણે આકાર આપવો છે ભાઈ, અને રાજકોટનાં રૂપરંગ બદલી નાખવાં છે. આવી અનેક યોજનાઓ છે જેની ડિટેઇલ હું આજે કહેતો નથી પણ ૨૧ જેટલા જુદા જુદા પ્રોજેક્ટ દ્વારા, ૧૧૦૦ કરોડ રૂપિયાની માતબર રકમ સાથે, આ રાજકોટના વિકાસની યાત્રા તેજ ગતિથી ચાલે છે, એને ઓર તેજ ગતિથી ચલાવવા માટેના અભિયાનનો આજે આપણે પ્રારંભ કરવા માંગીએ છીએ.
ભાઈઓ-બહેનો, વિકાસ કેવી રીતે થાય? ભૂતકાળમાં એક જમાનો એવો હતો કે જિલ્લાને ગાંધીનગરથી એક કરોડ રૂપિયા મળે ને તો એ જિલ્લો ફૂલહાર કરવામાં મહિનો બગાડતો હતો. એક કરોડ રૂપિયા આવેને તો ફૂલહાર અને પેંડા વહેંચવામાં જ ટાઇમ જતો હતો. ભાઈઓ-બહેનો, આજે ગુજરાતની અંદર રૂપિયાની લહાણી થાય છે. ગુજરાતનો વિકાસ કરવો... વિકાસ, વિકાસ, વિકાસ - એક જ મંત્ર લઈને આપણે ચાલીએ છીએ, એને આપણે આગળ ધપાવવો છે. આજે આટલી મોટી સંખ્યામાં રાજકોટે જે રંગ રાખ્યો, હું આપનો ખૂબ ખૂબ આભારી છું અને સૌ મિત્રો જે આવ્યા છે એમને વિનંતી કરું કે ફરી એકવાર નીચેથી બધા લોકો પસાર થાય, હું એમને રામરામ કરી શકું...
જય જય ગરવી ગુજરાત..!!ખૂબ ખૂબ આભાર..!!