તા. ૧૭/૧૧/૨૦૧૧
મંચ પર બિરાજમાન મંત્રીમંડળના મારા સાથી, રાજ્યના શહેરી વિકાસ મંત્રી શ્રી નિતીનભાઇ પટેલ, આ વિસ્તારના લોકપ્રિય સાંસદ શ્રી હરિનભાઇ પાઠક, ઔડાના ચેરમેન શ્રી ધર્મેન્દ્રભાઇ શાહ, કર્ણાવતીના મૅયર શ્રી અસિતભાઇ વોરા, ગાંધીનગર ગુડાના ચેરમેન શ્રી અશોકભાઇ ભાવસાર, ભાઈશ્રી જીતુભાઇ વાઘેલા પૂર્વ ધારાસભ્ય, અહીંના સતત દોડતા ધારાસભ્ય શ્રી બાબુભાઇ બી.જે.પી, અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ અને એલિસબ્રીજના ધારાસભ્ય ભાઇ શ્રી રાકેશભાઇ શાહ, રખિયાલના ધારાસભ્ય શ્રી વલ્લભભાઇ, મંચ પર બિરાજમાન તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સૌ આગેવાનો, કૉર્પોરેશનના સૌ આગેવાનો અને વિશાળ સંખ્યામાં પધારેલ વહાલા નાગરિક ભાઈઓ અને બહેનો...
સરકાર કોના માટે? સરકાર ગરીબ માટે હોય છે, સરકાર નોધારાનો આધાર હોય છે. કોઇ એક ઉદ્યોગપતિ માંદો પડે તો એને ડૉક્ટરની સારવાર લેવામાં કંઈ તકલીફ પડે ભાઇ? જરાય ન પડે, પેલા એક કહેતાં પચાસ ડૉક્ટર હાજર થઈ જાય, પણ ગરીબને? ગરીબની ચિંતા તો સરકારે કરવી પડે, હોસ્પિટલો બનાવવી પડે અને એમાં ગરીબને ઓછા દરે એની સારવાર થાય એવી ચિંતા કરવી પડે. અમીરના છોકરાને ભણવું હોય તો એને કંઈ તકલીફ પડે? એ તો પંદર શિક્ષકો ઘેર બોલાવી શકે, પણ ગરીબના છોકરાને ભણવું હોય તો? સરકારે શાળાઓ બનાવવી પડે, સરકારે પગાર ચૂકવવા પડે, સરકારે યુનિફૉર્મ આપવા પડે, સરકારે બધી જ વ્યવસ્થા કરવી પડે, કારણ ગરીબ ભણે એ જરૂરી છે અને એ ચિંતા સરકારે કરવાની હોય છે. એ જ રીતે, આજના યુગમાં કોઇ અમીર માટે ઘર બનાવવું હોય, મધ્યમવર્ગના માનવી માટે ઘર બનાવવું હોય તો કદાચ પોતાની કમાણીમાંથી બચત કરીને મકાન બનાવી શકે, પણ ગરીબ બે ફૂટ જગ્યા પણ ન લઈ શકે અને એને માટે એની પાસે એટલું ગજું પણ ના હોય. તો ગરીબ માટે આવાસ સરકારે બનાવવા પડે, અરબો-ખર્વો રૂપિયાનો બોજ આવે તેમ છતાંય જો ગરીબને સારું ઘર મળે તો એની જીંદગીની એક નવી શરૂઆત થતી હોય છે અને તેથી સરકારે ગુજરાતમાં એક અભિયાન ઉપાડ્યું છે કે ગરીબને ઘર કેવી રીતે આપવું? અને આપને જાણીને આનંદ થશે ભાઈઓ, ૧૭૦૦ કરોડ રૂપિયા કરતાં વધારે રકમ સાથે જેમ આજે આઠ હજાર મકાનો બની ગયા છે ને એક લાખ મકાનો તૈયાર થશે, એક લાખ! અને આવનારા દિવસોમાં સુરત, અમદાવાદ જેવા શહેરી વિસ્તારોમાં, ઝૂંપડપટ્ટીમાં જેમને જીંદગી જીવવી પડે છે ત્યાં ‘જ્યાં ઝૂંપડું ત્યાં ઘર’ એ યોજના સાથે અનેક નવા મકાનો બનાવવાનું આયોજન સરકારે હાથ પર લીધું છે. લાખો મકાનો આ રાજ્યમાં ગરીબો માટે બનવાનાં છે. ૪૦ વર્ષ ગુજરાતની અંદર કોંગ્રેસે રાજ્ય કર્યું, આ ૪૦ વર્ષમાં જેટલા મકાનો બન્યા હશે એના કરતા વધારે મકાનો આ સરકાર બનાવીને તમને આપવાની છે. અરે ગરીબને જ્યારે ઘર મળેને તો એની જીવન જીવવાની પધ્ધતિ પણ બદલાતી હોય છે. કોઇ માણસ કંઈક ઘરમાં વસાવેને તો પછી એને એમનેય સારું રાખવાની ટેવ પડતી હોય છે. અત્યારે એ ઝૂંપડામાં જીંદગી જીવતો હોય, કાચાં-પાકાં ઘરોમાં રહેતો હોય તો એને એમ થાય કે ઠીક આમાં ક્યાં ખર્ચો કરવાનો હોય? પગ-લૂછણિયાનો ખર્ચો પણ ના કરે. પણ આવું મકાન મળશેને એટલે એને એમ થશે કે ઉભા રહો ભાઈ, થોડા પૈસા બચાવો. પગલૂંછણિયું આવતા મહિને લાવવું છે, પછી થશે ના-ના થોડા પૈસા બચાવો, ઘરમાં કોઈ મહેમાન આવે તો સારું ના લાગે, શેતરંજી લાવવી છે. પછી એમ થાય કે ઉભા રહો, ખોટા ખર્ચા નથી કરવા હવે છોકરાઓ મોટા થાય છે તો ઘરમાં એકાદ ટી.વી. પણ લાવીએ. એકવાર મકાન મળે તો પોતાની જીંદગી સુધારવા માટે એ બચત પણ કરતો થાય છે, પૈસાની ખોટ હોય તો વધારે મહેનત પણ કરતો થાય છે અને ધીરે ધીરે બીજા લોકોને સમકક્ષ આવવાનો પ્રયાસ કરે છે. ગરીબોનું મકાન પણ ઘણીવાર ગરીબીની સામે લડવા માટેનું એક મોટું હથિયાર બની જતું હોય છે. એકવાર માણસ સ્વાભિમાનથી જીવતો થાય તો એને ગરીબી ભૂલવાનું મન થતું હોય છે. અને મને વિશ્વાસ છે કે જે આઠ હજાર આવા પરિવારોને આ ઘર મળી રહ્યાં છે, એ માત્ર મકાનમાં જઈને ખાલી આશરો લે એવું નહીં, એ મકાનમાં જાય ત્યારે એક નવી જીંદગી જીવવાનો સંકલ્પ કરે અને ગરીબીને હવે ઘરમાં પેસવા નથી દેવી એવા નિર્ધાર સાથે આગળ વધે.
આ મકાનો જ્યારે અમે આપીએ છીએ ત્યારે, જે ફ્લેટની કિંમત આજે ૨૦-૨૫ લાખ થાય એવા મકાનો આપને ખાલી ટોકન કિંમતથી મળવાના છે અને એ પણ એટલા માટે કે એના માટે થોડી જવાબદારી ઊભી થાય. સરકાર તમને આટલું આપે છે, હું તમારી પાસે કંઈ માંગું તો આપશો ભાઈઓ? બહુ ઓછા લોકો બોલે છે, આપશો..? પેલું નિતીનભાઇએ વર્ણન કર્યું એવું મારે કંઈ જોઇતું નથી ભાઈ, પેલું ટેબલ નીચે માંગે છે એવું નથી જોઇતું. મને વચન જોઇએ છે, આપશો...? જેમને આ મકાન મળે છે એ લોકો બે વાત પોતાના જીવનમાં નક્કી કરે. એક, અમે બાળકોને ભણાવીશું. ગમે તેવી તકલીફ પડે પણ બાળકોનું ભણતર નહીં છોડાવીએ. કરશો..? બાળકોને ભણાવશો..? એમાં દીકરીને ખાસ ભણાવશો..? ખોંખારીને બોલોને..! બીજું કામ, એક પાપ શહેરમાં વકરતું જાય છે અને જેમ માણસ આધુનિક થતો જાયને એમ આ રોગચાળો વધારે આવતો જાય અને એટલે ભ્રૂણ હત્યાનું પાપ, ખબર પડે કે દીકરી જન્મવાની છે તો એનો ગર્ભપાત કરાવી લે. ભાઈઓ-બહેનો, જેમને મકાનો મળવાનાં છે એવા સૌ લોકોને મારી બીજી વિનંતી છે કે આપણે નક્કી કરીએ કે આપણા આખા કુટુંબમાં ક્યારેય દીકરી અવતરવાની હોય તો ગર્ભપાતનું પાપ નહીં કરીએ, દીકરીને માંના પેટમાં મારી નહીં નાખીએ, દીકરીને આ પૃથ્વી પર અવતરવા દઇએ. ભાઈઓ, લક્ષ્મીને નહીં અવતરવા દો તો તમારા ઘરમાં લક્ષ્મીજી નહીં પધારે, આપણને સુખ નહીં મળે અને તેથી આ મકાન મળે તેની સાથે મનમાં આ પણ ભાવ કેળવીએ કે હવે પછી ઓશિયાળી જીંદગી જીવવી નથી. ક્યારેય આપણા સંતાનોને ભણી-ગણીને આગળ વધવું હોય તો કોઇ રુકાવટ ન આવે એવા સંકલ્પ સાથે એક નવી જીંદગી જીવવાની શરૂઆત કરવી છે એવા નિર્ધાર સાથે આ મકાનની અંદર પગ મૂકવાનો નિર્ણય કરજો ભાઈ.
આ મકાનો જે બન્યા છે એના કૉન્ટ્રેક્ટમાં અમારા ઔડાના મિત્રોએ એક સારી વ્યવસ્થા કરી છે. વ્યવસ્થા એ કરી છે કે જ્યારે સરકાર પઝેશન લેશે એ દિવસે જે નિયમો પ્રમાણે મકાન એણે આપવાનું છે એવું બરાબર તૈયાર કરીને આપવું પડશે. ક્યાંય બારી-બારણું તૂટેલું અંદર નાખશે તો સરકાર એનો સ્વીકાર કરવાની નથી, એને કહેશે કે ઊભો રે ભાઈ, આ બરાબર નથી, પૂરું કર પછી જ લઇશું અને એવું મકાન તમને મળવાનું છે. કારણકે ઘણી વાર મકાન બનતા બનતા છેલ્લું મકાન બનતું હોય ત્યારે પહેલા મકાનમાં કંઈક-કંઈક આવી તકલીફ આવી હોય... પણ આ કૉન્ટ્રેક્ટની વ્યવસ્થા છે કે કૉન્ટ્રેક્ટરે આપે એ દિવસે બધે-બધાં મકાન બરાબર તૈયાર કરીને આપવાનાં છે. એના કારણે અનન્ય લાભાર્થીઓ છે એમને એક મકાન સંપૂર્ણપણે, નિયમ પ્રમાણે જેવું બનવું જોઇએ એવું બનેલું તૈયાર મળશે એની વ્યવસ્થા સરકારે પહેલેથી કરેલી છે. આ જે મકાનો બનાવ્યાં છે એ જુદી જુદી જગ્યાએ બનાવ્યાં છે. અહીંયાં પણ બનાવ્યાં છે, પૂર્વ પટ્ટામાં બનાવ્યાં છે અને પશ્ચિમ પટ્ટામાં પણ બનાવ્યાં છે. હવે ડ્રૉમાં તો કંઈ ખબર ન પડે કે તમને ક્યાં મકાન મળે? તમે રહેતા હો થલતેજમાં અને મકાન મળે અહીં સિંગરવામાં તો તમને તકલીફ થાય. તો એક મે સૂચન એવું કર્યું છે કે અંદર-અંદર અદલાબદલી કરવી હોય તો ઔડાને મે કહ્યું છે કે આ ગરીબ પરિવારોને તકલીફ ન પડે, એમને અંદર-અંદર અદલાબદલી કરી આપજો. પણ સામે બદલીવાળો તમારે શોધી લાવવો પડે હોં ભાઈ, એ સરકાર ગોતવા નહીં જાય. તમારે શોધી લાવવું પડે કે આ ભાઈ થલતેજમાં છે એને સિંગરવા જવું છે તો તું સિંગરવા જા, હું થલતેજ જાઉં. બીજું, આમાં લગભગ બસો જેટલા વિકલાંગ પરિવારોના લાભાર્થે... જે કુટુંબમાં કોઇ વિકલાંગ છે, જેમને પગથિયાં ચડીને રોજ ઉપર-નીચે જવું હોય તો તકલીફ પડે... તો મેં ઔડાના મિત્રોને વિનંતી કરી છે કે ઈશ્વરે જેમને આ કષ્ટ આપ્યું છે એમને આપણે વધારે કષ્ટ ન આપીએ અને એમને નીચેનું મકાન મળે એવી જોગવાઈ કરવી. એક સામાજિક દ્રષ્ટિકોણ, એક સંવેદનશીલ દ્રષ્ટિકોણ સાથે આ આખાય કામને આગળ ધપાવવું એવો આપણે પ્રયાસ કર્યો છે. ભાઈઓ-બહેનો, ગામડામાં જે પહેલાં મકાનો બનતાં હતાં... ઇંદિરા આવાસ હોય, સરદાર આવાસ હોય, આંબેડકર આવાસ હોય, બધી જાતજાતની યોજનાઓ ચાલતી હોય... પણ શું થાય? ગામના એક ખૂણામાં એક ટુકડો જમીન આપી હોય ત્યાં કોઇ નાનું ઘર બાંધ્યું હોય, બીજા ખૂણામાં બીજાને આપ્યું હોય, ત્રીજા ખૂણામાં ત્રીજાને આપ્યું હોય અને એને કંઈ લાગે જ નહીં કે કશું બન્યું છે. આ સરકારે પાયાનો વિચાર કર્યો કે ભાઈ એક ગામમાં કુલ કેટલા ગરીબો મકાનો લેવાને પાત્ર છે એ પહેલાં લિસ્ટ બનાવો. પછી કઈ યોજનામાંથી કોને કેટલો લાભ મળી શકે એની યાદી કાઢો અને કોઇ એક જમીનનો ટુકડો કાઢીને બધા જ મકાનો એકસાથે, કોલોની જેવું બનાવી શકાય? તો પછી સરકાર ત્યાં રોડ પણ આપે, સરકાર ત્યાં ગટર પણ આપે, સરકાર ત્યાં વીજળી પણ આપે, વધારે ઘર હોય તો સરકાર ત્યાં આંગણવાડી આપે, કોઇ દુકાન માટેની જગ્યા આપે તો પહેલાં જે છૂટાછવાયા ગામડાની અંદર એક ટેકરા પર અહીંયાં મકાન હોય, બીજા ટેકરા પર ત્યાં હોય.. એ પરિસ્થિતિ બદલી છે. આ સ્વર્ણિમ જયંતી વર્ષમાં સ્વર્ણિમ સેવા એ પ્રકારની કોલોનીઓ બનાવવાનું કામ ચાલુ કર્યું છે અને આપણા અમદાવાદ જિલ્લામાં પણ એનું નિર્માણ થઈ ગયું છે, મહેસાણા જિલ્લામાં પણ થઈ ગયું છે, દરેક જિલ્લામાં કામ પૂરપાટ ચાલી રહ્યું છે. માળખાકીય સુવિધાઓ સાથેનાં મકાનો આ ગરીબોને મળે એવો મૂળભૂત ફેરફાર આ સરકારે કર્યો છે જેના કારણે સરકારને ઘણું મોટું આર્થિક ભારણ આવ્યું છે. તેમ છતાં એક કોલોની જેવું બનશે તો એમને એક નવી જીંદગી જીવવા માટેનો અવસર મળશે. ઘણીવાર ગામડામાં મકાન બને તો જ્યાં ખાડા-ટેકરા હોય કે બીજા કામની ન હોય એવી જમીન ફટકારી દીધી હોય અને જો સહેજ વરસાદ પડે તો આ ગરીબોના ઘરે પાણી ભરાયાં હોય. આપણે કહ્યું કે આ કોલોનીઓ બનાવો તો ઉંચામાં ઉંચી જગ્યા હોય ત્યાં શોધીને બનાવો એટલે વરસાદ આવે તો કમસેકમ એને દુખી થવાનો વારો ન આવે. આ પ્રકારના સૂચનો સાથે ગરીબોનું ભલું કેમ થાય? એની ચિંતા આ સરકારને છે.
ભાઈઓ-બહેનો, આ સરકાર એવી છે કે જન્મથી મરણ સુધી જીવનના દરેક તબક્કે આ સરકાર ગરીબોની પડખે રહેતી હોય છે, ગરીબો માટે કામ કરતી હોય છે. ગરીબ પરિવાર... અને જન્મ થતાં પહેલાં જ, હું તો કહું છું ગરીબ માતા એના ગર્ભમાં બાળક હોય, એની પાસે સુવાવડના પૈસા ના હોય, તો આ સરકાર, સરકારના ખર્ચે ગરીબ પરિવારની માતાઓની સુવાવડનો ખર્ચો આપે છે એટલું જ નહીં, એ ત્રણ-ચાર દિવસ હોસ્પિટલમાં રહે તો રોજના બસો રૂપિયા એના આપે છે અને એના પતિને પણ આપે છે. એટલું જ નહીં, આ ગરીબ પરિવારની બહેન, એના ઘેરથી એને હોસ્પિટલ જવું હોય તો જે ભાડાનો ખર્ચો થાય, રિક્ષા કરી હોય કે ટ્રેક્ટર કર્યું હોય એ ખર્ચો પણ સરકાર આપે છે, ગર્ભમાં બાળક હોય ત્યારે ખર્ચો સરકાર કરે છે. આપનું બાળક જન્મે એની કાળજી લેવા માટે સરકારે ડૉક્ટરો રાખ્યા છે. આપનું બાળક છ મહિનાનું થાય, એને કોઇ રોગ લાગુ ના પડે, એ મૃત્યુ ના પામે એના માટે આ સરકાર કાળજી લે છે. આપના બાળકને પોલિયો ના થાય, એને અપંગતા ના આવે એના માટે રસીકરણનું અભિયાન દર ત્રણ મહિને આ સરકાર ઉપાડે છે અને ઘેર ઘેર જઈને આપના બાળકના રસીકરણની ચિંતા કરે છે. આપનું બાળક સહેજ મોટું થાય તો એને આંગણવાડીમાં લઈ જઇને એ હસતું-ખેલતું થાય, રમતું થાય, ગીત ગાતું થાય, રમકડાં ઓળખતું થાય, વસ્તુ ઓળખતું થાય એના માટે મફતમાં ગરીબો માટે આંગણવાડી આ સરકાર ચલાવે છે. આપના બાળકને પોષણ મળી રહે તેના માટે આપના નાનાં-નાનાં ભૂલકાંઓને પાણીમાં પલાળીને પિવડાવી શકાય એવો પાવડર મફતમાં સરકાર આપે છે જેથી કરીને આપના બાળકને પૂરતું પોષણ મળી રહે. સહેજ મોટું થાય તો એ બાળકને પોષણક્ષમ આહાર મળે એના માટેનો ફ્રી સેટ, તૈયાર કરેલ બૅગમાં, બધા પરિવારોને મફતમાં સરકાર આપે છે. આપનું બાળક તંદુરસ્ત થાય એના માટેની ચિંતા સરકાર કરે છે. આપનું બાળક સહેજ મોટું થાય, નિશાળે જવાનું થાય એને મફતમાં સરકાર ભણાવે છે. આપના બાળકને ભણાવવા માટે શિક્ષકોનો ખર્ચો કરે છે, પુસ્તકોનો ખર્ચ આપે છે, બાળકોને ગણવેશ મફત આપે છે અને જે બાળકોને છાત્રાલયમાં રહીને ભણવું પડે એવા હોય તો એને છાત્રાલયનો ખર્ચો આપે છે. બસમાં બેન-દીકરીઓને ભણવા જવું પડતું હોય તો એને બસનો મફતમાં પાસ કાઢી આપે છે જેથી કરીને આ ગરીબનું બાળક ભણે, આ બધી જ ચિંતા સરકાર કરે છે. આપનું બાળક ભણે, ભણ્યા પછી એને કૉલેજમાં જવું હોય, એક પણ પૈસાના ખર્ચા વગર કૉલેજનું શિક્ષણ આ સરકાર ગરીબના બાળકોને આપે છે. આપના બાળકને વકીલ થવું હોય, ડૉક્ટર થવું હોય તો એનો ખર્ચો સરકાર આપે છે. વકીલ થઈ જાય અને ધંધો શરૂ કરવો હોય તો શરૂઆતમાં ઑફિસ ખોલવા માટે ગરીબના બાળકને નોટરી થવું હોય, ડૉક્ટર થવું હોય તો શરૂઆત કરવા માટે લાખો રૂપિયા સરકાર એના હાથમાં મૂકે છે જેથી કરીને એ જીવન ચલાવી શકે. ગરીબના બાળકને વિમાન ઉડાડવાનું મન થાય, પાયલોટ થવું હોય અને એ વિદેશમાં ભણવા જવા માગતો હોય તો સરકાર વિદેશમાં ભણવા માટે ગરીબના બાળકને પૈસા આપે છે. આપ નોકરીએ લાગો એની ચિંતા સરકાર કરે છે, આપ આર્થિક રીતે પગભર થાવ એની ચિંતા સરકાર કરે છે. ગરીબને રહેવા માટે ઘર ન હોય તો સરકાર આપે છે, ગરીબને સસ્તું અનાજ મળે જેથી કરીને તે ઘેર ચૂલો સળગાવી શકે તે માટે દરેક પરિવારને સસ્તામાં બે કિલો ત્રણ કિલો અનાજ આપવાનું કામ આ સરકાર કરતી હોય છે. એટલું જ નહીં, કોઇ ગરીબ પરિવાર હોય અને પરિસ્થિતિ અત્યંત ખરાબ હોય તો એના અગ્નિસંસ્કાર કરવા હોય તો એનો ખર્ચો પણ સરકાર કરતી હોય છે.
ગરીબનું બાળક નિશાળમાં દાખલ થાય, સરકાર એના આરોગ્યનું પરીક્ષણ કરાવે છે અને એને કોઇ માંદગી હોય તો ગમે તેટલો ખર્ચો આવે, પાંચ લાખ દસ લાખ, હાર્ટનું જો ઓપરેશન કરાવવાનું હોય, બીજું કોઇ ઓપરેશન કરાવવાનું હોય, મદ્રાસ મોકલવો પડે એમ હોય, બેંગ્લોર મોકલવો પડે એમ હોય તો આ સરકારના મુખ્યમંત્રીના ફંડમાંથી ગરીબ બાળકોનાં ઓપરેશન કરવામાં આવે છે અને ૩૦૦૦ કરતાં વધારે આવા બાળકો જેના મા બાપને ખબર નથી કે એના બાળકોને કયો રોગ છે... અને જો ભૂલેચૂકે ગુજરી જાય તો મા બાપ એમ માનતા હોય છે કે ઇશ્વરને ગમ્યું એ ખરું, બિચારાને ખબર જ નથી હોતી. આ રાજ્યની અંદર દોઢ લાખ જેટલા ગરીબ બાળકોનાં ચશ્માંના નંબર કાઢીને એને ચશ્માં આપવાનું કામ સરકાર કરે છે જેથી કરીને પેલું બાળક ભણવા માગતું હોય તો ભણી શકે. આપ કલ્પના કરો, જન્મથી મરણ સુધી દરેકે દરેક ડગલેને પગલે ગરીબનો હાથ પકડવા માટે સરકાર જોડે આવે છે.
આજે ગરીબ કલ્યાણ મેળાઓની અંદર પાંચ-પાંચ સાત-સાત હજાર કરોડ રૂપિયા સીધે સીધા કોઈ પણ પ્રકારના ભ્રષ્ટાચાર વગર ગરીબોના હાથમાં આપી દેવાનું કામ આ સરકાર કરે છે. ગરીબ વિધવા હોય એની ચિંતા સરકાર કરે છે, એને એના ઘરે પેન્શન મોકલાવી દે જેથી કરીને એ સ્વમાનભેર જીંદગી જીવી શકે. એને કંઈ શીખવું હોય, સીવણ શીખવું હોય કે ભરતકામ શીખવું હોય તો સરકાર શિખવાડે છે. એને સંચો જોઇતો હોય તો સરકાર આપે છે. તો વિધવા ગરીબ બેન પણ પગભર થઈને જીવી શકે એની ચિંતા સરકાર કરે છે. ગરીબની ૬૦ વર્ષની ઉંમર થઈ ગઈ હોય અને કોઇ આજીવિકા ના હોય, સાંજે કેમ ખાવું એની ચિંતા હોય તો ૬૦ વર્ષથી મોટી ઉંમરના ગરીબોને દર મહિને પેન્શન સરકાર એના ઘેર મોકલે છે જેથી કરીને ઘડપણમાં એને કોઇ પાસે હાથ લંબાવવો ન પડે. જન્મથી મરણ સુધી આ સરકાર ગરીબોને માટે દિવસ-રાત કામ કરતી હોય છે.
ભાઈઓ-બહેનો, ગુજરાતે ગરીબી સામે જંગ માંડ્યો છે. ગરીબીનો ગુજરાતમાંથી નિકાલ કરવો છે મિત્રો. પ્રત્યેક માણસ સ્વમાનભેર જીવે, સુખથી જીંદગી જીવે એના માટે વિકાસનો ધોધ વહે એના માટેની મથામણ આદરી છે. પણ કમનસીબી એવી છે કે કેટલાક માર્ગ ભટકેલા લોકોને ગુજરાતનું ભલું જોવું જ નથી. એમને તો લોકો અભણ રહે તો જ એમના રાજકીય રોટલા શેકાય એટલે એમને ભણતર થાય એમાં રસ નથી, ગરીબનું કલ્યાણ થાય એમાં રસ નથી કારણ કે એમની મતપેટીઓ ભરવા કામ આવે એટલે ગરીબોના વિરોધીઓ લોકો છે અને એટલા માટે ભાઈઓ-બહેનો હું કહું છું કે જો સારા પ્રકારનો વિકાસ કરવો હશે તો વિકાસની જોડે આપણે ભાગીદાર બનવું પડશે. ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ એ મંત્ર લઈને આપણે આગળ વધ્યા છીએ અને એ મંત્રને ચરિતાર્થ કરવાનો પ્રયાસ આપણે કરવાની આવશ્યકતા છે અને આ મથામણ જો આપણે કરીશું...આપ વિચાર કરો, આ સરકારે ગરીબો માટે ત્રણ એવી યોજનાઓ બનાવી. શહેરી ગરીબ, એની સમૃદ્ધિ માટે યોજના બનાવી, બે હજાર કરોડ રૂપિયાનું પેકેજ એના માટે આપ્યું. ‘ઉમ્મીદ’ નામની યોજના બનાવી. જે શહેરી ગરીબ બાળકો, પાંચમું -છઠ્ઠું ધોરણ ભણીને ઊઠી ગયા હોય, ભણવામાં રસ ન હોય, ભણવાની વ્યવસ્થા ના હોય... રોજગાર જોઇતો હોય તો એને કંઈક આવડત આવડવી જોઇએ. એને જો આવડત ના હોય... એને જો છાપાં નાખવા જવું હોય પણ સાઇકલ ચલાવતા ના આવડતી હોય તો? સાઇકલ ના હોય તો? આ સરકારે ‘ઉમ્મીદ’ કાર્યક્રમ અંતર્ગત નાનાં-નાનાં હુન્નર શિખવાડવાનું ચાલુ કર્યું છે. ત્રણ અઠવાડિયાનું હુન્નર, પાંચ અઠવાડિયાનું હુન્નર, કંઈક પણ એને આવડત શિખવાડવાની. ભાઈઓ અને બહેનો, આ હુન્નરને કારણે ગયા બે વર્ષમાં એક લાખ કરતાં વધારે આવા ગરીબ બાળકોને રોજગાર મળી ગયો અને સામાન્ય મજૂરી કરતા હતા તો મહિને ૮૦૦-૧૦૦૦ રૂપિયા કમાતા હતા, આ કંઈ શીખીને ગયા તો આજે પાંચ હજાર, છ હજાર કે સાત હજાર રૂપિયા આ બાળકો કમાતા થયાં છે. આ ઉમ્મીદ યોજના દ્વારા આપણે આ કામ કર્યું છે.
એ જ રીતે, આદિવાસીઓના કલ્યાણ માટે ‘વનબંધુ કલ્યાણ યોજના’ કરી અને આદિવાસીઓના વિકાસ માટે એક હજાર કરોડ રૂપિયાનું પેકેજ એમને આપણે આપ્યું, એ જ રીતે, દરિયાકાંઠે માછીમારીનું કામ કરતા મારા મછવારા ભાઈઓ, સાગરખેડુ ભાઈઓ, જેઓ બિચારા વિકાસ માટે રાહ જુએ છે એના માટે સરકારે પંદર હજાર કરોડ રૂપિયાનું પેકેજ કરીને એમના કલ્યાણ માટેની યોજના કરી. જો શહેરી ગરીબો હોય તો એની ચિંતા, સમુદ્રકિનારે રહેતા ગરીબો હોય તો એની ચિંતા, વનવાસી વિસ્તારમાં રહેનારા ગરીબો હોય તો એની ચિંતા, સર્વાંગી વિકાસ થાય એવી વાત કરી. કોઇ પાછળ ના રહી જાય એની કાળજી લેવાનુ કામ આ સરકારે કર્યું છે અને એટલા માટે ભાઈઓ, આજે ગુજરાત જે વિકાસ કરી રહ્યું છે, જે પ્રગતિ થઈ રહી છે... હમણાં ગુજરાતની અંદર નવાં-નવાં કારખાનાંઓ આવી ગયાં. કેટલા બધા લોકોને રોજી-રોટી મળી છે. આજે ખેતીમાં એક જ કુટુંબમાં, ખેતી નાની હોય, ચાર-ચાર દીકરા હોય તો માં-બાપ પણ વિચાર કરે કે એક દીકરો ખેતી કરે અને ત્રણ લોકો કંઈક દુકાન કરે કે નોકરી કરે. ખેડૂત પણ નોકરી-દુકાન ઇચ્છે છે. જો ગુજરાતનો વિકાસ ન થાય તો આ ખેડૂતના દીકરાઓનું શું થશે? એમને રોજી-રોટી ક્યાંથી મળશે?
ગુજરાતમાં હમણાં નવી નવી કંપનીઓ આવી રહી છે, ગાડીઓ બનાવવા માટે. પચાસ લાખ ગાડીઓ ગુજરાતમાં બને એવી સંભાવના ઊભી થઈ છે, પચાસ લાખ..! દર વર્ષે પચાસ લાખ ગાડીઓ..! મારુતિ અહીં આવે છે, પીજો અહીં આવે છે, ફોર્ડ અહીં આવે છે, નેનો આવી છે, જનરલ મોટર છે, ટ્રકો બનાવવાવાળા આવી રહ્યા છે, ટ્રેક્ટર બનાવવાવાળા આવી રહ્યા છે, ગણ્યા ગણાય નહીં... આપ વિચાર કરો પચાસ લાખ ગાડીઓ..! અને ભાઈઓ-બહેનો, હિસાબ એક કહે છે કે એક ગાડી બને તો એ ગાડી બનતી હોય ત્યારથી લઈને એ ચાલતી થાય ત્યાં સુધી એક ગાડી દસ જણાનું પેટ ભરતી હોય છે, દસ જણાનું..! કેટલા બધા લોકોને મજૂરી મળે, કામ મળે, ડ્રાઇવર તરીકેનું કામ મળે, એન્જિનિયરિંગનું કામ મળે... પચાસ લાખ ગાડીઓ બને તો પાંચ કરોડ લોકોનું પેટ ભરવાની તાકાત આ ગાડીઓના કારખાનામાં છે. એ ગાડી લખનૌ જાય તો લખનૌમાં જે ડ્રાઇવર હશે એનું પેટ ભરવાનું કામ કરશે, એ ગાડી ચેન્નાઈ જાય તો ચેન્નાઈમાં જે ડ્રાઇવર હશે એનું પેટ ભરવાનું કામ કરશે. ભાઈઓ-બહેનો, આ એક એવા ઉદ્યોગના વિકાસ તરફ ગુજરાત જઈ રહ્યું છે કે જેના કારણે આપણે ત્યાં... અને આજે પણ ગુજરાતમાં ઘણીવાર મજૂરો જોઇતા હોય તો મળતા નથી, લોકો ફરિયાદ કરે છે. ખેતરમાં કામ કરવા માટે મજૂરો જોઇએ તો મળતા નથી. આ બાંધકામવાળાને પૂછીએ તો કહે કે સાહેબ, બધું બરાબર છે, મશીનો છે પણ કામ કરનારા માણસ મળતા નથી. કારણ? ગુજરાતમાં રોજગારની એટલી બધી તકો ઊભી થઈ છે. હમણાં હરિનભાઇ પાઠક કહેતા હતા કે પાર્લામેન્ટમાં જવાબ આપ્યો, ભારત સરકારે જવાબ આપ્યો છે કે સમગ્ર હિંદુસ્તાનમાં સૌથી વધારે રોજગાર, ૭૮% રોજગાર, એકલા ગુજરાતમાં મળે છે, ૭૮%..! અને ૨૨% માં આખું હિંદુસ્તાન છે ભાઇ. ૧૦૦ લોકોને દેશમાં રોજગાર મળ્યો હોય તો ૭૮ ગુજરાતમાં અને ૨૨ આખા દેશમાં. આપ વિચાર કરો ગુજરાતની આ પ્રગતિ થઈ છે એના કારણે નવયુવાનોને, ગરીબોને રોજી-રોટીની શક્યતા મળી છે.
આપણે ટુરિઝમને વિકસાવી રહ્યા છીએ. આ ટુરિઝમ વિકસે તો કોને રોજી-રોટી મળે? ટુરિઝમ વિકસે એટલે ભજિયાં વેચવાવાળાને રોજગાર મળે, ચા ની કીટલીવાળાને રોજગાર મળે, નાનાં-નાનાં રમકડાં બનાવતો હોય એને રોજગાર મળે, થેલીઓ બનાવીને વેચતો હોય એને રોજગાર મળે, રિક્ષાવાળાને રોજગાર મળે, ટૅક્સી ડ્રાઈવરને રોજગાર મળે, ગરીબ માણસને રોજગાર મળે. ટુરિઝમના વિકાસ પાછળ આ બધી મહેનત આદરી છે એના કારણે ગરીબ માણસને રોજગાર મળે.
ગરીબોને વધુમાં વધુ રોજગાર કેમ મળે એનું કામ આ સરકારે ઉપાડ્યું છે, ગરીબોને શિક્ષણ કેમ મળે એનું કામ આ સરકારે ઉપાડ્યું છે, ગરીબોના આરોગ્યની ચિંતા કેમ થાય એનું કામ આ સરકારે ઉપાડ્યું છે અને ગરીબ બાળક નિશાળે ભણવા મૂકો તો એનો વીમો આ સરકાર ઉતારે છે. ગરીબના બાળકને નિશાળે મૂકો તો એનો વીમો સરકાર ઉતારે છે. હિંદુસ્તાનમાં ગુજરાત એક જ રાજ્ય એવું છે કે જ્યાં બાલમંદિરથી લઈને બાળક ભણવાનું ચાલુ કરે અને કૉલેજ સુધી ભણવા ગયું હોય, આ દરેકે દરેક વિદ્યાર્થી, લગભગ સવા કરોડ વિદ્યાર્થીઓનો વીમો આ સરકારે ઉતાર્યો છે. એમના જીવનમાં કંઈ અજુગતું બને તો એના કુટુંબને લાખ-બે લાખ રૂપિયાનો વીમો સરકારના ખર્ચે પાકે છે અને એમને મળે છે. કોઇ ખેડૂત ગુજરી જાય તો એનો વીમો ઉતારવાનું શરૂ કર્યું. નહીં તો પહેલા એવું હતું કે મોટો મિલમાલિક કારમાં જતો હોય અને કારને ઍક્સિડન્ટ થાય અને એને કંઈ થયું તો એનો વીમો હોય, પણ ખેડૂત કામ કરતો હોય તો એનો વીમો ના હોય. ખેતરમાં કામ કરતો હોય, સાપ કરડી જાય અને ખેડૂત મરી જાય તો એને કોઇ પૂછનાર નહોતું. લઠ્ઠો પીને મરી જાય એને બે-બે લાખ રૂપિયા મળતા હતા, લઠ્ઠો પીનારાને રૂપિયા આપતી હતી આ સરકારો પણ ખેડૂત મરી જાય તો નહોતી આપતી. ભાઈઓ, આપણી સરકારે ખેડૂતોનો વીમો ઉતાર્યો અને આજે ખેડૂતના પરિવારમાં તે ક્યાંક કોઇ કૂવામાં ઉતર્યો હોય અને ગુજરી ગયો હોય, ક્યાંક સાપ કરડ્યો હોય અને ગુજરી ગયો હોય તો આ ખેડૂતના કુટુંબને પણ તરત જ લાખ રૂપિયા મળે એની વ્યવસ્થા આ સરકારે કરી છે.
ગરીબોનું કલ્યાણ કેમ કરાય એની ચિંતા આપણે કરી છે. ભૂતકાળની અંદર અચાનક આપણને માંદગી આવી હોય, હાર્ટ એટૅક આવ્યો હોય, સાપ કરડી ગયો હોય, કંઈ તકલીફ થઈ હોય અને દવાખાને જવું હોય તો રિક્ષાવાળો પણ આવે નહીં. આપણે રિક્ષાવાળાને કહીએ કે ભાઈ આ દવાખાને જલદી લઈ જા આને આવું થયું છે તો રિક્ષાવાળો ગરીબ જોઇને એમ કહે કે પહેલાં પૈસા લાવ. પહેલાં પૈસા હોય તો રિક્ષામાં બેસ ભાઈ. આવું થતું હતું, આવે નહીં કોઈ! એમ્બ્યુલન્સ માટે ટેલિફોન કરો તો ઍમ્બ્યુલન્સવાળો પેટ્રોલ પૂરાવા જાય, ત્યાં સુધીમાં તો પેલો ગુજરી પણ જાય. ભાઈઓ-બહેનો, આજે આ ૧૦૮ સરકારે મૂકી દીધી, તમે ૧૦૮ લગાવો તો એક પણ પૈસાના ખર્ચા વગર આ ગરીબ પરિવારને દવાખાને લઈ જવાનું કામ આ ૧૦૮ કરે છે ભાઈઓ. આજે ૧૦૮ જીવનદાતા બની ગઈ છે ગુજરાતની અંદર. કારણ? આ સરકાર માત્રને માત્ર ગરીબો માટે કામ કરનારી સરકાર છે, ગરીબોના કલ્યાણને માટે કામ કરનારી સરકાર છે અને ગરીબોને ગરીબ રાખવા માટે નહીં, ગરીબોને ગરીબી સામે લડવા માટે તૈયાર કરનારી આ સરકાર છે અને એના માટે આ વિવિધ પ્રયાસો કર્યા છે.
આજે આ જે મકાન મળે છે એ મકાન પણ ગરીબી સામે લડવા માટેનું એક શસ્ત્ર છે. એ શસ્ત્રનો ઉપયોગ કરીને જીવનની અંદર જે બે સંકલ્પો કર્યા છે કે સંતાનોને ભણાવીશું, ભ્રૂણ હત્યાનું પાપ નહીં કરીએ. અને આ નવા મકાનોમાં વાજતે-ગાજતે આપ રહેવા જજો, ખૂબ સુખી થજો અને સમાજ ઉપર ક્યારેય બોજ ન બનતા. આ સમાજે આપને આપ્યું છે એ સમાજનું ઋણ ક્યારેક ઉતારજો એવી આપ સૌને વિનંતી કરીને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.
જય જય ગરવી ગુજરાત..!