આ કાર્યક્રમમાં હિંદુસ્તાનની બધી ટી.વી. ચેનલો મોજૂદ છે, તેમણે એક લાગણી વ્યક્ત કરી હતી કે મારું ભાષણ હિંદીમાં થાય તો સારું. તો હું અહીંના સહુ નાગરિકોની ક્ષમા માગીને આજના આ સદભાવના મિશનના સમાપન કાર્યક્રમનું ભાષણ હિંદીમાં કરું છું. અમસ્તાયે આપણને ગુજરાતના લોકોને હિંદી સમજવામાં ક્યારેય મુશ્કેલી પડતી નથી, કારણ આપણે પહેલેથી જ રાષ્ટ્રીય ધારામાં ઊછરેલા લોકો છીએ.
સદભાવના મિશનનો જ્યારથી પ્રારંભ કર્યો છે ત્યારથી અત્યાર સુધી જુદા જુદા લોકોએ જુદી જુદી રીતે તેને ચકાસવાની, મૂલવવાની કોશિશ કરી, કેટલાકે તેમાંથી ખામીઓ શોધવાનો પ્રયત્ન કર્યો, કોઈએ આમાંથી ફાયદો કેમ મેળવવો, મીડિયાનું ધ્યાન કેવી રીતે ખેંચવું, તેના માટે કંઈક પૅરેલલ કરવાના પ્રયાસ કર્યા. અલગ અલગ રીતે, જુદા જુદા પ્રકારે આ આખો ઘટનાક્રમ ચાલ્યો. ભાઈઓ-બહેનો, ૩૬ દિવસ સુધી આ રીતે બેસવું, જનતા જનાર્દનનાં દર્શન કરવાં, તેમના આશીર્વાદ મેળવવા... ભાઈઓ-બહેનો, મારા માટે પણ આ એક અકલ્પનીય સુખદ અનુભવ રહ્યો છે. મેં કલ્પના પણ નહોતી કરી કે આ રીતે લાખો લોકો જોડાઈ જશે. બિલકુલ સાત્વિક કાર્યક્રમ, ફક્ત ઉપવાસ, કોઈની પણ વિરુદ્ધ કાંઈ નહીં, કોઈની પાસે કાંઈ માંગવાનું નહીં, તેમ છતાં પણ આ માનવ મહેરામણ. જે લોકો આ કાર્યક્રમની આલોચના કરે છે, જો ઈમાનદારી જેવું તેમના જીવનમાં કાંઈ બચ્યું હોય, રાજકારણના હોય કે બહારના, હું બધાને કહેવા માંગું છું. શું કોઈ કલ્પના કરી શકે છે કે સદભાવના યાત્રામાં જોડાવા માટે એક લાખથી પણ વધારે લોકો જુદી જુદી જગ્યાએથી પદયાત્રા કરીને આ કાર્યક્રમમાં શામેલ થયા છે? એક લાખ કરતાં પણ વધારે લોકો..! અને કેટલાક તો પચીસ-પચીસ, ત્રીસ-ત્રીસ કિલોમીટર ચાલીને આવ્યા હતા. માણગરના આદિવાસી ભાઈઓએ પાંચ દિવસની પદયાત્રા કરી. પાવાગઢથી બે-બે દિવસ ચાલીને લોકો આવ્યા. ભાઈઓ-બહેનો, પોતાના ઘેરથી નીકળીને કોઈ તીર્થ-સ્થાને જવા માટે પદયાત્રા હોય એવું તો આપણે સાંભળ્યું છે, પરંતુ તીર્થ-સ્થાનેથી નીકળીને આ પ્રકારના કાર્યક્રમમાં પદયાત્રીઓ આવે તે એક આશ્ચર્યની વાત છે, તેને રાજકીય ચશ્માં દ્વારા સમજી ન શકાય. ભાઈઓ-બહેનો, આ સદભાવના યાત્રામાં લોકો પદયાત્રાઓ કરીને આવ્યા, સાઇકલ ઉપર સરઘસ કાઢીને આવ્યા, સ્કૂટરો ઉપર સરઘસ કાઢીને આવ્યા..! જ્યારે-જ્યારે, જે કોઈ જિલ્લાઓમાં સદભાવના યાત્રાનો કાર્યક્રમ થયો, ત્યાંના નાગરિકોએ શાળામાં જે ગરીબ બાળકો ભણવા આવે છે તેમને વિશિષ્ટ ભોજન કરાવવાનો સંકલ્પ કર્યો, તિથિભોજ કરાવ્યું. અત્યાર સુધી મને જે જાણકારી મળેલ છે તે મુજબ, આ સદભાવના મિશનના કાર્યક્રમો દરમ્યાન લોકોએ લગભગ ૪૫ લાખ બાળકોને વિશિષ્ટ ભોજન કરાવ્યું છે. સદભાવનાનો પ્રભાવ શું છે તે હવે આપણને સમજાઈ રહ્યું છે. ભાઈઓ-બહેનો, કેટલાક લોકોએ ગરીબોને અનાજ વહેંચવાનો સંકલ્પ લીધો. છ લાખ કિલોગ્રામથી વધારે અનાજ લોકોએ દાનમાં આપ્યું, જેને લાખો પરિવારોમાં વહેંચવામાં આવ્યું. કરોડો રૂપિયાનું આ દાન માત્ર કોઈ એક કાર્યક્રમ નિમિત્તે લોકોએ આપ્યું. ‘ગર્લ ચાઇલ્ડ એજ્યુકેશન’ માટે ચાર કરોડ રૂપિયાથી પણ વધારે, ‘કન્યા કેળવણી’ માટે સમગ્ર ગુજરાતમાંથી લોકો મને દાન આપી રહ્યા છે. આ સદભાવના મિશન દરમિયાન ચાર કરોડથી પણ વધારે રૂપિયા જનતા જનાર્દને આપ્યા. ભાઈઓ-બહેનો, હજી તો હું માહિતી એકત્ર કરી રહ્યો છું, પૂરેપૂરી માહિતી જ્યારે મળશે, ત્યારે ખબર નહીં તે ક્યાં પહોંચશે. લગભગ ૧૭,૦૦૦ જેટલા પ્રભાતફેરીના કાર્યક્રમો, સવારના સમયે પોતપોતાનાં ગામમાં સદભાવના સંદેશની યાત્રાઓ, ૧૭,૦૦૦ આવી યાત્રાઓ નીકળી અને આશરે ૨૦ લાખ લોકોએ તેમાં ભાગ લીધો. એક સ્વપ્ન કેવી રીતે સામૂહિક ચળવળ બની શકે છે તેનું આ જીવતું-જાગતું ઉદાહરણ છે.
ભાઈઓ-બહેનો, હું આજે મા અંબાના ચરણોમાં બેઠો છું. જે દિવસે મેં સદભાવના મિશનની શરૂઆત કરી હતી, તે દિવસે હું મારી માને મળવા ગયો હતો. મેં તેમને પગે લાગીને, તેમના આશીર્વાદ લઈને ઉપવાસનો પ્રારંભ કર્યો હતો. અને આજે જગત-જનની મા અંબાના આશીર્વાદ લઈને આ સંકલ્પને આગળ વધારવા માટે હું આપની વચ્ચે આવ્યો છું. ઉપવાસ પૂરા થઈ રહ્યા છે, પરંતુ દુનિયાને સ્પષ્ટપણે ગુજરાતની શક્તિનો પરિચય કરાવવાનો મારો સંકલ્પ વધારે મજબૂત થયો છે, વધારે શક્તિ આવી છે અને દુનિયાની પ્રત્યેક વ્યક્તિને હું ગુજરાતની શક્તિનો પરિચય કરાવીને જ રહીશ. મિત્રો, વાર ઝેલવા મારી આદત છે. મા જગદંબાએ મને તે શક્તિ આપી છે, હું હુમલાઓને ખૂબ આસાનીથી ખમી શકું છું અને ન તો મને આવા હુમલાઓની પરવા હોય છે, ન મને ચિંતા હોય છે. મને જો ચિંતા થતી હોય તો મારા છ કરોડ ગુજરાતીઓના સુખ-દુખની ચિંતા થાય છે, બીજી કોઈ વાતની મને ચિંતા થતી નથી. હું તેમાં રંગાઈ ચૂક્યો છું અને તેના માટે જ પોતાને સમર્પિત કરતો રહું છું. જ્યારે મેં બધા જિલ્લાઓમાં જવાનું નક્કી કર્યું હતું, ત્યારે કોઈ કલ્પના નહોતું કરી શકતું કે એક મુખ્યમંત્રી આટલી પ્રતિબદ્ધતા સાથે કામ પૂરું કરી શકે. આજ મેં તેને પૂરું કરી દેખાડ્યું તેનો મને સંતોષ છે. હું સમગ્ર ગુજરાતનો આભારી છું કારણકે મારા મતે આ રાજ્યના ૭૫% પરિવારો એવાં હશે જેના કોઈને કોઈ પ્રતિનિધિએ આ સદભાવના મિશનમાં આવીને મને આશીર્વાદ આપ્યા હોય. આવું સૌભાગ્ય ક્યાં મળવાનું..!
મિત્રો, સદભાવનાની તાકાત જુઓ, ગુજરાત કોઈ પણ બાબતને કેવી રીતે હાથ ધરે છે તેને જુઓ. થોડા દિવસો પહેલાં દેશના વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહજી ટીવી ઉપર નિવેદન આપી રહ્યા હતા. લગભગ ૧૫-૨૦ દિવસ પહેલાંની વાત છે. તેઓ કહી રહ્યા હતા કે માલન્યૂટ્રિશન, કુપોષણ, એ આપણા દેશ માટે બહુ શરમની વાત છે. તેમણે કહ્યું કે શરમની વાત છે, સ્વીકારી લીધું, પરંતુ આગળ શું? પછી આગળ કોઈ સમાચાર આવ્યા તમારી પાસે? શું કર્યું કાંઈ સાંભળ્યું, ભાઈ? કાંઈ જ નહીં..! દુ:ખ વ્યક્ત કરી દીધું, વાત પૂરી. આ ગુજરાતને જુઓ, કેવી રીતે માર્ગ બતાવે છે. ગુજરાતમાં ગામેગામ કુપોષણથી મુક્તિ માટેની લડત ઉપાડી છે અને લોકો હજારો કિલો સુખડી, હજારો લીટર દૂધ, હજારો કિલો ડ્રાયફ્રૂટ કુપોષિત બાળકોને વહેંચે છે. આ આંદોલનની તાકાત જુઓ, ભાઈઓ. હું કોંગ્રેસના મિત્રોને પ્રેમથી પૂછવા માંગું છું, શું આ દેશનો કોઈપણ નાગરિક, કોઈપણ બાળક જો કુપોષિત હોય તો જાહેર જીવનમાં તમને આનું દુ:ખ હોવું જોઇએ કે નહીં? તમે સરકારમાં હો કે ન હો. અહીં આ નાગરિકો ક્યાં સરકારમાં છે કે હજારો કિલો સુખડી, હજારો કિલો ડ્રાયફ્રૂટ કે હજારો લિટર દૂધ વહેંચી રહ્યા છે, તેઓ ક્યાં સત્તામાં છે? તમારી પાર્ટીના વડાપ્રધાન છે, તેમણે તો દુ:ખ વ્યક્ત કર્યું, તો તમે કમસે કમ એટલું તો સત્કર્મ કરી શક્યા હોત કે તમે પણ કાંઈક એકઠું કરીને ગરીબોમાં વહેંચ્યું હોત અને કુપોષણ સામે તમારું કમિટમેન્ટ બતાવી શક્યા હોત, તમારા પ્રધાનમંત્રી માટે તો કરવું હતું..! નથી કરતા, તેમને જનતાની ચિંતા જ નથી, તેમને પોતાની ચિંતા છે. ભાઈઓ-બહેનો, અમારી શક્તિ અમે લગાવી છે આપની ખુશી માટે, તેમણે તેમની શક્તિ લગાવી છે તેમની ખુરશી માટે. આ જ ફરક છે. અમારું ધ્યાન અમે કેન્દ્રિત કર્યું છે છ કરોડ લોકોની ખુશી ઉપર, તેમનું ધ્યાન કેન્દ્રિત થયું છે સત્તાની ખુરશી ઉપર. આ બહુ મોટો ફરક છે અને એટલે જ જનતા આ પ્રકારના લોકોને સ્વીકારતી નથી. ભાઈઓ-બહેનો, આ સદભાવના મિશનની સફળતા આ બધી વાતો પર પણ આધાર રાખે છે. કાલથી તમે જોજો, જે લોકો છેલ્લા દસ વર્ષથી ગુજરાતની નિંદા કરે છે, તેઓ આવતા ૨૪ કલાકમાં પૂરી તાકાતથી ફરી મેદાનમાં આવી જશે. મારા શબ્દો ખૂબ ગંભીરતાથી લેજો. કાલથી જ જોજો તમે, ૨૪ કલાકની અંદર આ જેટલા લોકો દસ વર્ષથી ગુજરાતની નિંદા કરી રહ્યા છે, બદનામ કરી રહ્યા છે, ગુજરાત પર ગંદા, ગલીચ, જુઠ્ઠા આરોપ લગાવી રહ્યા છે, તે તમામ લોકો, આખી જમાત ૨૪ કલાકની અંદર અંદર ફરીથી એક વાર ગુજરાતને બદનામ કરવા માટે પૂરી તાકાતથી મેદાનમાં ઊતરી પડશે, કારણકે સદભાવના મિશનની સફળતા તેમને પચવાની નથી. તેમને બેચેન કરી મૂકે છે કે આવું કેવી રીતે બને, આપણે તો ગુજરાતને કેવું પેઇન્ટ કર્યું હતું, પરંતુ ગુજરાત તો કાંઈક ઓર જ છે. આપણે તો મુસલમાનોને પણ ઉશ્કેર્યા હતા, પરંતુ અહીં તો લોકો એકબીજાને ગળે મળી રહ્યા છે. આપણે ખ્રિસ્તીઓને પણ ચડાવ્યા હતા પરંતુ અહીં તો ખ્રિસ્તીઓ પણ સાથે જણાય છે. આ ગુજરાતની એકતા, ગુજરાતની શાંતિ, ગુજરાતનો ભાઈચારો... સદભાવના મિશનના માધ્યમથી આ શક્તિનાં જે દર્શન થયાં છે તેનાથી આ લોકો, મુઠ્ઠીભર લોકો, ચોંકી ગયા છે. અને મારો એકેએક શબ્દ સાચો પડવાનો છે. આખો ફેબ્રુઆરી મહિનો તેઓ ચેનથી નહીં બેસે, દરરોજ કંઈક નવું લાવશે. ખોટી વાતો કરશે, એકતરફી વાતો કરશે. હું ગુજરાતના તમામ ભાઈ-બહેનોને આ અંબાજીની પવિત્ર ધરતી પરથી કહેવા માંગું છું કે ૧૦ વર્ષથી થઈ રહેલા હુમલાઓ કરતાં પણ વધારે તીવ્ર હુમલા હશે. તે હુમલાઓને પણ સત્યના માધ્યમ દ્વારા આપણે પરાસ્ત કરીને રહીશું, સત્યના આધારે તેનો નાશ કરીશું એવો હું વિશ્વાસ આપવા માંગું છું. ભાઈઓ-બહેનો, મેં હંમેશા કહ્યું છે, હું સત્યની સામે સો વખત ઝૂકવા માટે તૈયાર છું, પરંતુ જૂઠ સામે લડવું તે મારી પ્રકૃતિ છે. આપણે ખોટા સામે લડનારા લોકો છીએ, આપણે સત્યની સામે સમર્પિત થનારા લોકો છીએ. કેટલાં જૂઠ્ઠાણાં ચલાવશો? મારા આ સુંદર રાજ્યને કેટલું બદનામ કરશો તમે લોકો અને ક્યાં સુધી કરશો..? “કહો નાખુદા સે કિ લંગર ઉઠા દે, હમ તુફાન કી જીદ દેખના ચાહતે હૈં...”. મિત્રો, સદભાવના મિશન દ્વારા આપણે શક્તિનો સાક્ષાત્કાર કર્યો છે. જન-સમર્થનનો અનુભવ કર્યો છે. આપણે સચ્ચાઈને સ્પષ્ટપણે દુનિયાની સામે રજૂ કરેલ છે.
આજે ગુજરાત વિકાસના કારણે ઓળખાય છે. વિકાસની નવી નવી ઊંચાઈઓ આંબવામાં આખા દેશમાં ગુજરાતનો ડંકો વાગે છે. પરંતુ આ વિકાસ એવો નથી, જેવો આપણા દેશમાં ક્યારેક માનવામાં આવતો હતો. કોઈ પાંચ કિ.મી. નો રસ્તો બનાવે, અને બીજો એને સાત કિ.મી. નો બનાવી દે, તો કહે કે વિકાસ થઈ ગયો... આપણે એવું નથી વિચાર્યું. આપણે સર્વાંગી વિકાસની કલ્પના કરેલ છે. મિત્રો, આ આપણું બનાસકાંઠા, આ પાટણ જિલ્લો, શું હાલ હતા આપણા? બાર મહિનામાંથી છ મહિના તો ધૂળ જ ઊડતી હોય, બીજું કાંઈ આપણા નસીબમાં હતું જ નહીં. સૂરજની ગરમી, ડમરી, ધૂળ... આના સિવાય આ બે જિલ્લાઓના નસીબમાં શું હતું, મિત્રો? આજે એ જ વિસ્તાર સૂર્યની ઉપાસના માટે, સૌર ઊર્જા માટે આખા વિશ્વની અંદર પોતાનું નામ રોશન કરવા જઈ રહ્યો છે. આખા હિંદુસ્તાનમાં સોલાર એનર્જિ ૧૨૦ મેગાવૉટ છે, આખા હિંદુસ્તાનમાં ૧૨૦. એકલા તમારા આ ચારણકામાં જ ૨૦૦ મેગાવૉટ છે. અને આખા ગુજરાતમાં તો, આ તમારા ધાનેરા પાસે સોલાર પાર્ક બનવા જઈ રહ્યો છે. મિત્રો, કાલ સુધી જે ક્ષેત્ર માટે વિચારવામાં પણ નહોતું આવતું, તેને આજે વિકાસના મુખ્ય પ્રવાહમાં લાવીને મૂકી દીધું છે. દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કૉરિડોર, આ ઇન્ડસ્ટ્રિયલ કૉરિડોરના કારણે જે ખાસ પ્રકારની રેલવે લાઇન નંખાવાની છે, પાટણ જિલ્લા અને બનાસકાંઠા જિલ્લા, બન્ને જિલ્લાઓના દરેક ગામને તેનો પૂરેપૂરો લાભ મળવાનો છે. આ બનાસકાંઠાની ધરતી, દીકરીનાં લગ્ન કરાવવાં હોય, અને જમીન વેચવા જાય, ગીરવે મૂકવા જાય, તો કોઈ પૈસા નહોતું આપતું. બનાસકાંઠામાં ખેડૂતને જમીન ગમે તેટલી કેમ ન હોય, દીકરીનાં લગ્ન કરાવવા માટે તે જમીનના પૈસા નહોતા મળતા. જમીનની કોઈ જ કિંમત નહોતી. આજે જમીનના ભાવ કેટલા વધી ગયા છે, મારો ખેડૂત કેટલો તાકતવાન બની ગયો છે..! આજે તે વટથી કહી શકે છે, બેંકવાળાઓને કહી શકે છે કે મારી જમીનની કિંમત આટલી છે, મને આટલી લોન જોઇએ અને બેંકવાળા લાઇન લગાવીને ઉભા રહે છે. લોન આપવા માટે મજબૂર થઈ જાય છે..! એક જમાનો હતો, દીકરીનાં લગ્ન સુદ્ધાં શક્ય નહોતાં. આજે જો કોઈ જમીન લેવા જાય તો મારો ખેડૂત કહે છે, આજે મારો મૂડ બરાબર નથી, બુધવારે આવજો. આ પરિસ્થિતિ ઊભી થઈ છે, આ જિલ્લામાં આટલો બદલાવ આવ્યો છે. અને ભાઈઓ-બહેનો, હું જોઈ રહ્યો છું, દરિયા કિનારે જવા માટેનો જો કોઈ શૉર્ટેસ્ટ રસ્તો હોય તો તે બનાસકાંઠા થઈને જાય છે અને તેનો સૌથી વધારે બેનિફિટ આ જિલ્લાને વિકાસ માટે મળવાનો છે, વિકાસની નવી નવી ઊંચાઈઓ પાર કરવાનો છે. ભાઈઓ-બહેનો, જે કાંઈ પણ થયું છે, બધાને સંતોષ છે, આનંદ છે. પરંતુ જેટલી પ્રગતિ થઈ છે, હું તો હજી ઘણું આગળનું વિચારું છું. હું આટલાથી સંતોષ પામું એવો માણસ નથી, મારે તો અહીં એટલી સમૃદ્ધિ લાવવી છે કે દુનિયાના દેશો આશ્ચર્યચકિત થઈ જાય કે એક રાજ્ય આટલું આગળ વધી શકે છે. આ સપનું જોઈને હું મહેનત કરું છું અને છ કરોડ ગુજરાતીઓએ જે સમર્થન આપ્યું છે, તેનાથી હું ખૂબ ખુશ છું.હિંદુસ્તાનમાં રાજકીય અસ્થિરતા એક સામાન્ય બાબત બની ગઈ છે. ગુજરાતમાં પણ બે-અઢી વર્ષથી વધારે સમય મુખ્યમંત્રીઓ રહેતા નહોતા. આજ હું અગિયારમા વર્ષે પણ તમારો પ્રેમ પામી રહ્યો છું. આ રાજકીય સ્થિરતા, પોલિટિકલ સ્ટેબિલિટી, આ નીતિઓની સ્ટેબિલિટી, વિકાસની ગતિ, પ્રગતિનાં નવાં નવાં સોપાનો, આ જ બધી બાબતો છે જે સમગ્ર વિશ્વમાં ગુજરાતનું મહત્વ સ્વીકારવા માટે મજબૂર કરી રહેલ છે. આપણે તેને વધારે આગળ ધપાવવું છે. આપણે લક્ષ્યની નવી નવી ઊંચાઈઓને પાર કરવી છે. નર્મદાનું પાણી વિકાસની નવી ક્ષિતિજોને પાર કરે. પરંતુ આપણી ઇચ્છા છે કે જેમ મારા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ ડ્રિપ ઇરિગેશનને અપનાવ્યું, સ્પ્રિંકલરને અપનાવ્યું, હવે મારા કિસાનો માટે મારું સપનું છે કે હું તેમને ‘નેટ હાઉસ’ તરફ લઈ જવા માંગું છું. ખેતરમાં ગ્રીન કલરના નાના-નાના ‘ગ્રીન હાઉસ’ બને જેથી બે વીઘા જમીન હોય તો પણ તેમાં નવા નવા પ્રકારનો પાક થઈ શકે. મારો ઠાકોર ભાઈ, જમીન ઘણી ઓછી છે, સીમાંત ખેડૂત છે, આજે તેની આવક માંડ પચાસ-સાંઇઠ કે લાખ રૂપિયા છે. હું તેને ગ્રીન હાઉસ ટેક્નોલૉજી તરફ લઈ જવા માંગું છું અને બે વીઘા જમીન હોય તો પણ તે આઠ-દસ લાખ રૂપિયા કમાણી કરે, ખેતીમાં કમાણી કરે એવી ટેક્નોલૉજી હું બનાસકાંઠામાં લાવવા માંગું છું.
મિત્રો, પરિસ્થિતિ બદલી શકાતી હોય છે, આ સપનાને લઈને આપણે આગળ વધી રહ્યા છીએ. એક નવી દુનિયા, એક નવું વિશ્વ, વિકાસનું એક નવું સ્વપ્ન, આપણે તેને સાકાર કરવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. દેશ અને દુનિયાના લોકો એ વાતને માનવા લાગ્યા છે, ગુજરાતના વિકાસની તાકાતને સ્વીકારવા લાગ્યા છે, પરંતુ તેની પાછળ કઈ તાકાત છે, તે બાબતનો સ્વીકાર કરવામાં હજી તેમને તકલીફ થઈ રહી છે. કારણકે પહેલાં એટલું બધું જુઠ્ઠું બોલી ચૂક્યા છે કે ક્યારેક સચ્ચાઈને સ્વીકારવામાં મુશ્કેલી પડતી હોય છે. જે લોકો વારંવાર જુઠ્ઠું બોલી ચૂક્યા છે, તેવા લોકોને મારી પ્રાર્થના છે કે ભાઈ, હવે ઘણું જુઠ્ઠું બોલ્યા, હવે જુઠ્ઠું બોલવાનું બંધ કરો અને ગુજરાતની શક્તિનો સ્વીકાર કરો અને ગુજરાતની શક્તિ છે એકતા, શાંતિ અને ભાઈચારો. એક જમાનો હતો, દર થોડા દિવસે આપણે ત્યાં કર્ફ્યૂ પડતો હતો, છરાબાજી થતી હતી, એક જાતી બીજી જાતી સાથે ઝગડતી હતી, એક ધર્મના લોકો બીજા ધર્મના લોકો સાથે લડતા હતા. આજે દસ વર્ષ થઈ ગયાં, બધું બંધ થઈ ગયું, ભાઈ. કર્ફ્યૂનું નામોનિશાન નથી, નહીં તો પહેલાં બાળક જન્મે તો માનું નામ ખબર ન હોય, બાપનું નામ બોલી ન શકતું હોય પણ કર્ફ્યૂ શબ્દ બોલતાં આવડતો હોય. આજ આઠ-દસ વર્ષના બાળકોને કર્ફ્યૂ શું હોય છે તે ખબર નથી, પોલીસનો લાઠીચાર્જ શું હોય છે તે ખબર નથી, ટીયર ગેસ શું હોય છે તે ખબર નથી. ગુજરાત એકતા, શાંતિ, ભાઈચારાથી આગળ વધી રહ્યું છે, આપણે તેને વધારે આગળ વધારવું છે. અને ગુજરાતના વિરોધીઓને હું કહેવા માંગું છું કે તમે તમારું રાજકારણ ગુજરાતની બહાર કર્યા કરો, તમારે જે ખેલ કરવા હોય, ત્યાં કર્યા કરો. અમને ગુજરાતના લોકોને એકતા, શાંતિ અને ભાઈચારાથી જીવવાનો મોકો આપો. બહુ થઈ ચૂક્યું, અમારા ઘા ઉપર મીઠું ભભરાવવાનું કામ બંધ થવું જોઇએ. અમે રાહ જોઈ, દરેક વસ્તુની રાહ જોઈ. ગુજરાતની જનતાને તમે ઝુકાવી નથી શકતા, ગુજરાતની જનતાને તમે ગુમરાહ નથી કરી શકતા. અને હિંદુસ્તાન પણ હવે માનવા લાગ્યું છે કે ગુજરાતની સાથે અન્યાય થયો છે અને આ વાત ઘેરેઘેર પહોંચી ચૂકી છે. અને તેથી જ હું એવા લોકોને સદભાવના મિશનના આ કાર્યક્રમમાં હાથ જોડીને વિનંતી કરું છું, પ્રેમથી કહેવા માંગું છું કે દસ વર્ષ જે થયું તે થયું, મહેરબાની કરીને આવનારા દિવસોમાં ગુજરાતના સત્યનો સ્વીકાર કરો, અમારી સચ્ચાઈનો સ્વીકાર કરો. અમે દેશ માટે કામ કરનારા લોકો છીએ. અમે અહીં જે ફસલ પેદા કરીએ છીએ, તે દેશનું પેટ ભરવામાં કામ લાગે છે. અમે અહીં કૉટન પેદા કરીએ છીએ તો મારા દેશના લોકોને કપડાં મળી રહે છે, અમે દવાઓ બનાવીએ છીએ તો મારા દેશના લોકોની બીમારી દૂર થાય છે. અમે દેશને માટે કામ કરીએ છીએ. અમે જાણે કોઈ દુશ્મન દેશના નાગરિકો હોઈએ તે રીતે અમારી પર જુલ્મ ચલાવાયો છે..! દરેક વસ્તુની એક સીમા હોય છે. અને તેટલા માટે ભાઈઓ-બહેનો, મેં પહેલાં જ કીધું કે આવનારા દિવસોમાં બહુ મોટું તોફાન લાવવાની કોશિશ થવાની છે. સફળતા નહીં મળે, મને ખબર છે. તેઓ કાંઈ જ નથી કરી શકવાના, પરંતુ તેઓ આ આદત છોડશે નહીં. પરંતુ લાખો લોકોએ, કરોડો પરિવારોએ જે રીતે સમર્થન આપેલ છે, તેનાથી સિદ્ધ થઈ ચૂક્યું છે કે આપણો માર્ગ સચ્ચાઈનો છે.
ભાઈઓ-બહેનો, આવો, મા અંબાના ચરણોમાં બેઠા છીએ ત્યારે નાના-મોટા મતભેદો હોય તો તેનાથી ગામને મુક્ત કરીએ. તાલુકામાં કોઈ મતભેદ હોય તો તેને દૂર કરીએ. વિકાસને જ આપણો માર્ગ બનાવીએ. બધી જ સમસ્યાઓનો ઉકેલ વિકાસમાં છે, તમામ દુ:ખોની દવા વિકાસમાં છે, પ્રત્યેક સંકટનો સામનો કરવાનું સામર્થ્ય વિકાસમાં છે. આવનારી પેઢી વિશે વિચારવું હોય તો વિકાસ એકમાત્ર રસ્તો છે. અને જો વિકાસ કરવો હશે તો એકતા, શાંતિ અને ભાઈચારા વગર નહીં થઈ શકે. વિકાસ કરવો હોય તો એકતા, શાંતિ અને ભાઈચારાને ગામેગામ એક શક્તિના રૂપમાં આપણે પ્રસ્થાપિત કરવાં પડશે, તે જ સામર્થ્યને લઈને આગળ વધવું પડશે અને તે સદભાવનાના માધ્યમથી થઈ શકે છે. મને વિશ્વાસ છે કે મારા ગુજરાતના કરોડો નાગરિકો મારા આ છત્રીસ દિવસના ઉપવાસને, મારી આ તપસ્યાને ક્યારેય વ્યર્થ નહીં જવા દે, એકતા જાળવી રાખશે, આ મારી મા જગદંબાને પ્રાર્થના છે અને મારા છ કરોડ નાગરિકોને પણ પ્રાર્થના છે. ભાઈઓ-બહેનો, મેં તપ કર્યું છે. ગુજરાતની આવતીકાલ માટે તપ કર્યું છે, ભાઈચારા માટે, એકતા-શાંતિ માટે તપ કર્યું છે. અને હિંદુસ્તાનના ઇતિહાસમાં આટલા લાંબા સમય માટે આ પ્રકારના ઉપવાસ થયા હોય તેવી પ્રથમ ઘટના છે.
આપણા કોંગ્રેસના મિત્રોની મનોદશા હું સમજું છું. તેમનું બધું જ જતું રહ્યું છે, આટલાં વર્ષો થઈ ગયાં, પરંતુ લોકોના હ્રદયમાં સ્થાન નથી મેળવી શકતા અને તેના કારણે તેમનું માનસિક સંતુલન ગુમાવી બેસવું બહુ સ્વાભાવિક છે. માનસિક સંતુલન ખોઈ બેસવાને કારણે કાંઈ પણ વાહિયાત બોલવું પણ ખૂબ સ્વાભાવિક છે. અરે કોઈ નાનું બાળક હોય, કોઈ રમકડાંથી રમતું હોય, ઘડિયાળથી રમતું હોય અને આપણને લાગે કે તૂટી જાશે અને જો આપણે ઘડિયાળ લઈ લઈએ તો બાળક કેવું ચીડાઈ જાય છે..? આ બહુ સ્વાભાવિક છે. અમારા મિત્રો બધા નારાજ થઈ જાય છે કે ભાઈ, આ કોંગ્રેસના લોકો આવું કેમ બોલે છે, આટલું કેમ બોલે છે..? હું તો પત્રકારોને પણ વિનંતી કરું છું કે પેલા જેટલું બોલે છે તેનો એકેએક શબ્દ છાપો, હું ટી.વી.ના મિત્રોને પણ કહું છું, તેઓ જે કાંઈ પણ બોલે છે, તેને બિલકુલ સેન્સર ન કરશો, પૂરેપૂરું બતાવો, જનતા પોતે જ આ ભાષા સમજી જશે, જનતા પોતે જ તે સંસ્કારોની જાણી જશે. અમારે કાંઈ કરવાની જરૂર જ નહીં પડે. આ ગુજરાત ખૂબ જ સંસ્કારી લોકોનો સમાજ છે. પરંતુ ભાઈઓ-બહેનો, મારા મનમાં તેમને માટે કોઈ જ કટુતા નથી. ડિક્શનરીમાં જેટલા શબ્દો છે, જેટલી ગાળો છે તે બધાનો મારા માટે ઉપયોગ કરી ચૂક્યા છે, જે ગાળો ડિક્શનરીમાં લખવી મુશ્કેલ છે તે બધીનો પણ ઉપયોગ કરી ચૂક્યા છે. અને ક્યારેક-ક્યારેક આ રીતે ગુસ્સો ઠાલવવાથી મન થોડું શાંત થઈ જાય છે. એક રીતે તેમનું મન શાંત કરવામાં હું કામ લાગ્યો છું, આ પણ મારી સદભાવના છે, આ પણ મારી તેમના પ્રતિ સદભાવના જ છે. મને ક્યારેક લાગે છે કે જો હું ન હોત, તો આ લોકો તેમનો ગુસ્સો ક્યાં કાઢત? ઘેર જઈને પત્નીને હેરાન કરત, સારું છે કે હું છું..! હું તેમને શુભકામનાઓ આપું છું કે મા અંબા તેમને શક્તિ આપે. હજી વધારે ગાળો આપે, હજી વધારે આરોપો લગાવે, હજી વધારે જૂઠ્ઠાણાં ફેલાવે, હજી વધારે બેફામ બોલે અને આપણી સદભાવનાની તાકાત પણ મા અંબા વધારતી રહે જેથી કોઈના માટે કટુતા પેદા ન થાય. પ્રેમ અને સદભાવનો મહામંત્ર લઈને આપણે આગળ વધીએ.
આજે જ્યારે હું બનાસકાંઠામાં આવ્યો છું ત્યારે, હાલમાં સરકારના બજેટમાંથી લગભગ ૧૧૦૦ કરોડ રૂપિયાનાં કામો ચાલુ છે, પ્રગતિમાં છે. પરંતુ આજે જ્યારે મા અંબાના ચરણોમાં આવ્યો છું અને તમારી સામે વિકાસની વાતો કરી રહ્યો છું ત્યારે આવનારા વર્ષ માટે વિકાસનાં કામો, જેમાં ખેડૂતના વિકાસનાં કામો હોય, રસ્તા પહોળા કરવાના હોય, પીવાનું પાણી પહોંચાડવાનું કામ હોય, ગેસની પાઇપલાઇનનું કામ હોય, શાળાના ઓરડાઓ બનાવવાના હોય, હોસ્પિટલ બનાવવાની હોય, જુદા જુદા પ્રકારના વિકાસના અનેક કામો, આ બધાં જ કામો માટે, આવનારા એક વર્ષ માટે એક હજાર સાતસો કરોડ રૂપિયા, ૧૭૦૦ કરોડ રૂપિયા આ બનાસકાંઠાની ધરતીના ચરણોમાં આપી રહ્યો છું જેથી વિકાસની નવી ઊંચાઈઓને આપણે પાર કરી શકીએ. ફરી એકવાર મારી સાથે બોલો...
ભારત માતાની જય..!
પૂરી તાકાતથી બોલો,
ભારત માતાની જય..!
ખૂબ ખૂબ ધન્યવાદ..!