ગુજરાતની સ્વર્ણિમ જ્યંતીની ઉજવણીના અવસરે, ઉપરાષ્ટ્રપતિશ્રી એમ. હમીદ અન્સારી, વડાપ્રધાન ડો. મનમોહનસિંહ, ભારતીય કોંગ્રેસના અધ્યક્ષ સુશ્રી સોનિયા ગાંધી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી નીતિન ગડકરીએ સ્વર્ણિમ જયંતી ઉજવણીની સફળતા ઇચ્છા શુભેચ્છા સંદેશ પાઠવ્યા છે.
રાષ્ટ્રના આ અગ્રણી મહાનુભાવોએ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને પત્રો દ્વારા સંદેશા પાઠવી શુભકામના વ્યકત કરી છે.
ઉપરાષ્ટ્રપતિશ્રી એમ. હમીદ અન્સારીએ શુભેચ્છા પાઠવતાં જણાવ્યું છે કે ભારતના આર્થિક ઉત્થાનમાં ગુજરાતે મહત્વની ભૂમિકા નિભાવી છે અને દેશના વ્યાપાર-ઉઘોગના પ્રમુખ કેન્દ્રો પૈકીનું એક ગુજરાત બન્યું છે. ભવિષ્યમાં ગુજરાતની પ્રગતિ સાતત્યપૂર્ણ બની રહેશે અને વધુ સારી ઉંચાઇઓ સર કરશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો છે.
વડાપ્રધાન ડો. મનમોહનસિંહે ગુજરાતના લોકોની પ્રગતિ અને સમૃધ્ધિ માટેની શુભેચ્છા પાઠવતા સંદેશામાં જણાવ્યું છે કે ઉચ્ચ વિકાસ દર અને ધબકતા વાઇબ્રન્ટ અર્થતંત્રની અનુભૂતિ કરાવી રહેલું ગુજરાત રાજ્ય, દેશની પ્રગતિમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યું છે. વિશ્વભરમાં ગુજરાતીઓની સાફલ્ય-સિધ્ધિઓનું શ્રેય ગુજરાતી પ્રજાની ઉઘમશીલતા, કૌશલ્ય બુધ્ધિમત્તા અને પુરૂષાર્થને ફાળે જાય છે.
વડાપ્રધાનશ્રીએ જણાવ્યું છે કે મહાત્મા ગાંધીજીની જન્મભૂમિના સરદાર પટેલ અને બળવંતરાય મહેતા જેવા મહાન અગ્રણીઓએ રાષ્ટ્રના નિર્માણમાં ધણું મોટુ પ્રદાન કરેલું છે. ગુજરાતના લોકોએ પણ વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ઠતા દર્શાવીને આપણા દેશને ગૌરવ અપાવ્યું છે. સ્વર્ણિમ જ્યંતીની ઉજવણી ભારત અને ગુજરાતના વિકાસમાં ગુજરાતીઓની અવિરત સહભાગીતાને ગૌરવાન્વિત કરવાનો અવસર છે. ગુજરાત હજુ પણ તેજ ગતિથી સમૃધ્ધિની દિશામાં ભારતની પ્રગતિમાં મહ્્દ ફાળો આપતું રહેશે.
કોંગ્રેસ અધ્યક્ષ સુશ્રી સોનિયા ગાંધીએ મુખ્યમંત્રીશ્રીને પાઠવેલા સંદેશામાં ગુજરાતની જનતાને આ ઐતિહાસિક અવસરની શુભેચ્છા અને અભિવાદન આપતા જણાવ્યું છે કે વિગત પ૦ વર્ષમાં ગુજરાતના લોકોના અવિરત પરિશ્રમ અને કૌશલ્ય તથા ઉઘોગ સાહસિકતાની ખ્યાતિપ્રાપ્ત સમજણશકિતથી ગુજરાતે સિધ્ધિઓને નવી ઊંચાઇ ઉપર પહોંચાડી છે. મહાત્મા ગાંધીના સહિષ્ણુતા અને સંવેદનાના જીવન સંદેશ, સરદાર વલ્લભભાઇ પટેલની રાષ્ટ્રનિર્માણ માટેની પ્રતિબધ્ધતા અને યોગદાન સહિત આઝાદી આંદોલનમાં અનેક ગુજરાતી સ્વપ્નદ્રષ્ટાઓના પ્રદાનમાંથી આજનું ગુજરાત પ્રેરણા લઇ રહ્યું છે. આ જ પરંપરા, બુધ્ધિમત્તા અને મૂલ્યોના આધારે ગુજરાતની પ્રગતિ આગળ વધશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો છે.
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી નીતિન ગડકરીએ ગુજરાતની સ્વર્ણિમ જ્યંતીને ઐતિહાસિક અવસર ગણાવીને જનતાને શુભેચ્છા પાઠવી છે. “ગુજરાતે જે સફળ સિધ્ધિઓ મેળવી છે તે અભિનંદનને પાત્ર છે. સજાવેલા સપનાને સાકાર કરવા માટે એક નિષ્ઠાથી પુરૂષાર્થરત ગુજરાતની જનતાને સલામ કરતાં” શ્રી નીતિન ગડકરીએ મૂલ્યો અને પ્રેરણાદાયી યોગદાન માટે ગુજરાતને ભારતનું જ્યોતિર્ધર રાજ્ય ગણાવ્યું છે.
છેલ્લાં કેટલાક વર્ષોથી ગુજરાતે વિવિધ ક્ષેત્રોમાં નવીનત્તમ પહેલ કરીને દેશને માટે પથદર્શક બન્યું છે. દેશના અન્ય રાજ્યો માટે તો ગુજરાત “વિકાસનું મોડેલ” પુરૂં પાડી જ રહ્યું છે પણ એથી ય સવિશેષ, આ ગૌરવવંતી સાફલ્યગાથામાં ગુજરાતની જનતા વિકાસમાં સહભાગીદારી કરી રહી છે. પ્રત્યેકનો વિકાસમાં ફાળો અને ઉઘમશીલ જનમિજાજ, પ્રોએકટીવ ગવર્નન્સ, સુવિકસીત માળખાકીય સુવિધાઓ અને મક્કમ રાજકીય ઇચ્છાશકિતના આધાર ઉપર શકિતશાળી બનેલું ગુજરાત, ભારતને વિશ્વના વિકસીત રાષ્ટ્રોની હરોળમાં લઇ જવાનું નેતૃત્વ પુરૂં પાડશે એવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો છે.