૧૨મો પ્રવાસી ભારતીય દિવસ દિલ્હીમાં
- ગુજરાત પેવેલિયનમાં સર્વાંગી વિકાસની ઝાંખી
- મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તા. ૯ મી જાન્યુઆરીએ સ્પેશિયલ ઈંટરેક્ટીવ સેશનમાં ઉપસ્થિત રહીને એન.આર.આઈ.ને સંબોધશે.
- ગુજરાતના વિકાસમાં ખાસ્સો એવો રસ દાખવતા એન.આર.આઈ. મુલાકાતીઓ.
નવી દિલ્હી ખાતે આજથી શરૂ થયેલા ૧૨મા પ્રવાસી ભારતીય દિવસમાં ઊભા કરાયેલા ગુજરાત પેવેલિયનમાં એન.આર.આઈ. મુલાકાતીઓ ખાસ્સો એવો રસ દાખવતા નજરે પડ્યા હતા.
ગુજરાત સરકાર વતી ગુજરાત રાજ્ય બિન-નિવાસી પ્રતિષ્ઠાન દ્વારા ઊભા કરાયેલ પ્રદર્શન સ્ટોલમાં ગુજરાતે ઉદ્યોગ, શિક્ષણ. ટુરીઝમ, જનભાગીદારી જેવાં વિવિધ ક્ષેત્રોમાં કરેલ વિકાસ અંગે મેળવેલ સિદ્ધિઓ, સ્ટેચ્યુ ઑફ યુનિટી વગેરેને પ્રદર્શિત કરવામાં આવ્યાં હતાં.
આ ઉપરાંત, ગુજરાત સરકાર દ્વારા ઓવરસીસ ઈંડીયન ફેસીલીટેશન સેંટરમાં પણ એક અલગથી સ્ટૉલ ઊભો કરવામાં આવ્યો છે, જેમાં ઈંડસ્ટ્રીઝને લગતી માહિતીનું આદાન-પ્રદાન થશે.
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રવાસી ભારતીય દિવસમાં તા. ૯ મી જાન્યુઆરીના રોજ યોજાનાર પ્લેનરી સેશનમાં તેમજ સ્પેશિયલ ઈંટરેક્ટીવ સેશનમાં હાજર રહી એન.આર.આઈ.ને સંબોધશે. આ પ્રસંગે બિન-નિવાસી ગુજરાતી વિભાગના રાજ્ય કક્ષાના મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા અને અગ્ર સચિવ (એન.આર.આઈ.) શ્રી પંકજકુમાર પણ ઉપસ્થિત રહેશે.