શ્રી નરેન્દ્ર મોદીએ 30 મે, 2019નાં રોજ ભારતનાં પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા. આ પ્રધાનમંત્રી તરીકે તેમનાં બીજા કાર્યકાળની શરૂઆત હતી. આઝાદી પછી જન્મેલા ભારતનાં પ્રથમ પ્રધાનમંત્રી શ્રી મોદીએ અગાઉ વર્ષ 2014 થી 2019 દરમિયાન પ્રધાનમંત્રી તરીકે જવાબદારી નિભાવી હતી. વળી તેઓ ગુજરાતમાં સૌથી વધુ સમય સુધી એટલે કે ઓક્ટોબર, 2001 થી મે, 2014 સુધી સેવા આપનાર મુખ્યમંત્રીની ઉપલબ્ધિ પણ ધરાવે છે.
વર્ષ 2014 અને 2019ની લોકસભાની ચૂંટણીઓમાં શ્રી મોદીનાં નેતૃત્વમાં ભારતીય જનતા પક્ષે વિક્રમી વિજય મેળવ્યો હતો તેમજ બંને ચૂંટણીઓમાં સ્પષ્ટ બહુમતી મેળવી હતી. આ અગાઉ વર્ષ 1984માં યોજાયેલી લોકસભાની ચૂંટણીઓમાં કોઈ પણ રાજકીય પક્ષે આ પ્રકારે સ્પષ્ટ બહુમતી મેળવી હતી.
‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ’નાં મંત્ર સાથે શ્રી મોદીએ વહીવટી પ્રક્રિયામાં મોટા પાયે પરિવર્તન લાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે, જે સમાવેશકતા, વિકાસલક્ષી અભિગમ અને ભ્રષ્ટાચારમુક્ત શાસન તરફ દોરી ગઈ છે. પ્રધાનમંત્રી સરકારી યોજનાઓ કે સરકારી સેવાઓનાં લાભ અંત્યોદયનો ઉદ્દેશ પાર પાડે કે છેવાડાનાં માનવી સુધી પહોંચે એ માટે ઝડપથી, વ્યાપકપણે કામ કરી રહ્યાં છે.
અગ્રણી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ પણ નોંધ્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ભારત ઝડપથી ગરીબી નાબૂદી કરવા અગ્રેસર છે. આ માટે કેન્દ્ર સરકારનાં ગરીબતરફી શ્રેણીબદ્ધ નિર્ણયો જવાબદાર છે.
અત્યારે ભારતમાં વિશ્વનો સૌથી મોટો આરોગ્યલક્ષી કાર્યક્રમ આયુષ્માન ભારત ચાલી રહ્યો છે. 50 કરોડ ભારતીયોને આવરી લેતો આયુષ્માન ભારત કાર્યક્રમ ગરીબો અને નવ-મધ્યમ વર્ગને ગુણવત્તાયુક્ત અને વાજબી આરોગ્ય સેવા પ્રદાન કરે છે.
દુનિયામાં આરોગ્ય ક્ષેત્રમાં સૌથી વધુ પ્રતિષ્ઠિત જર્નલમાં સામેલ ધ લાન્સેટે આયુષ્માન ભારત કાર્યક્રમની પ્રશંસા કરતા જણાવ્યું છે કે, આ યોજનાથી ભારતમાં સ્વાસ્થ્ય ક્ષેત્રને લઈને પ્રવર્તમાન સમસ્યાનું સમાધાન કરવા માટે ધ્યાન આપવામાં આવ્યું છે. આ જર્નલે એવું પણ નોંધ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીનાં પ્રયાસોથી સાર્વત્રિક સ્વાસ્થ્ય વીમાકવચને પ્રાથમિકતા મળી છે.
નાણાકીય સમાવેશકતા ગરીબો માટે આશીર્વાદરૂપ હોવાનું સમજીને પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી જન ધન યોજના શરૂ કરી હતી, જેનો ઉદ્દેશ દરેક ભારતીયો માટે બેંકમાં ખાતાં ખોલવાનો હતો. અત્યાર સુધી 35 કરોડ જન ધન ખાતાઓ ખુલ્યાં છે. આ ખાતાઓ બેંકિંગ સુવિધાઓથી વંચિત લોકોને બેંકિગ સુવિધાઓની સાથે અન્ય અધિકારો પણ આપ્યા છે.
જન ધનથી એક પગલું આગળ વધીને શ્રી મોદીએ જન સુરક્ષા પર ભાર મૂક્યો હતો. આ અંતર્ગત સમાજનાં સૌથી વધુ વંચિત વર્ગને વીમા અને પેન્શનનું કવચ આપવામાં આવ્યું છે. જેએએમ ત્રિપુટી (જન ધન – આધાર – મોબાઇલ)થી વચેટિયાઓ દૂર થયા છે તથા ટેકનોલોજીની મદદથી પારદર્શકતા અને ઝડપ સુનિશ્ચિત થઈ છે.
સૌપ્રથમ અત્યારે પ્રધાનમંત્રી શ્રમ યોગી માન ધન યોજના અંતર્ગત અસંગઠિત ક્ષેત્રનાં 42 કરોડથી વધારે લોકોને પેન્શન કવચ મળ્યું છે. વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીનાં પરિણામો પછી મંત્રીમંડળની પહેલી બેઠકમાં આ જ પ્રકારની પેન્શન યોજના વેપારીઓ માટે પણ જાહેર કરવામાં આવી હતી.
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વર્ષ 2016માં શરૂ થઈ હતી, જે અંતર્ગત ગરીબોને નિઃશુલ્ક કૂકિંગ ગેસ કનેક્શન આપવામાં આવ્યાં છે. આ યોજના 7 કરોડથી વધારે લાભાર્થીઓ માટે ધૂમાડામૂક્ત રસોડા પ્રદાન કરવામાં મુખ્ય પરિવર્તનકારી પગલું પુરવાર થઈ છે, જેની મુખ્ય લાભાર્થીઓ મહિલા છે.
આઝાદી પછી 70 વર્ષનો સમય પસાર થવા છતાં 18,000 ગામડાઓ વીજળીની સુવિધાથી વંચિત હતા, જેમને હવે વીજળીનો પુરવઠો મળ્યો છે.
શ્રી મોદીનું માનવું છે કે, કોઈ ભારતીય બેઘર ન રહેવો જોઈએ અને એમનું આ સ્વપ્ન સાકાર કરવા વર્ષ 2014 થી 2019 વચ્ચે 1.25 કરોડથી વધારે મકાનોનું નિર્માણ થયું હતું. પ્રધાનમંત્રીનું વર્ષ 2022 માટે “તમામ માટે મકાન”નું સ્વપ્ન ઝડપથી સાકાર થઇ રહ્યું.
કૃષિ ક્ષેત્ર એક એવું ક્ષેત્ર છે જેના માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વ્યક્તિગત રસ લઈ રહ્યાં છે. વર્ષ 2019નાં વચગાળાનાં બજેટમાં સરકારે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ નામે ખેડૂતો માટે નાણાકીય પ્રોત્સાહનની જાહેરાત કરી હતી. એ પછી લગભગ ત્રણ અઠવાડિયાની અંદર 24 ફેબ્રુઆરી, 2019નાં રોજ આ યોજનાનો અમલ શરૂ થઈ ગયો હતો અને ત્યારબાદ અત્યાર સુધી ખેડૂતોને નિયમિતપણે હપ્તાની ચૂકવણી થઈ ગઈ છે. પ્રધાનમંત્રી મોદીનાં બીજા કાર્યકાળમાં મંત્રીમંડળની પ્રથમ બેઠક દરમિયાન તમામ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ આપવાનો નિર્ણય લેવાયો હતો તથા અગાઉની યોજના અંતર્ગત 5 એકરની મર્યાદા દૂર કરવામાં આવી હતી. આ સાથે ભારત સરકારે ખેડૂતોનાં કલ્યાણ માટે દર વર્ષે રૂ. 87,000 કરોડ ફાળવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
શ્રી મોદીએ સોઇલ હેલ્થ કાર્ડ, ઇ-નામમાંથી કૃષિ માટે પથપ્રદર્શક યોજનાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેથી ખેડૂતોને વધારે સારા બજારો મળે અને સિંચાઈ પર નવેસરથી ધ્યાન કેન્દ્રિત કરી શકાય. 30 મે, 2019નાં રોજ પ્રધાનમંત્રીએ જળ સંસાધનો સાથે સંબંધિત તમામ પાસાંઓ પર ધ્યાન આપવા નવા જળ શક્તિ મંત્રાલયની રચના કરવાનું વચન પૂર્ણ કર્યું છે.
મહાત્મા ગાંધીનાં જન્મદિવસે બીજી ઓક્ટોબર, 2014નાં રોજ પ્રધાનમંત્રીએ ‘સ્વચ્છ ભારત અભિયાન’ શરૂ કર્યું હતું, જે દેશભરમાં સ્વચ્છતા લાવવા માટે સામૂહિક જન આંદોલન બની ગયું છે. આ આંદોલનનો વ્યાપ અને અસર ઐતિહાસિક છે. અત્યારે સફાઈનો વ્યાપ વર્ષ 2014માં 38 ટકાથી વધીને 99 ટકા થયો છે. કેટલાક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો ખુલ્લામાં મળોત્સર્જનથી મુક્ત જાહેર થયા છે. ગંગા નદીને સ્વચ્છ કરવા માટે મહત્ત્વપૂર્ણ પગલા હાથ ધરવામાં આવ્યાં છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ સ્વચ્છ ભારત અભિયાનની પ્રશંસા કરી છે અને એવો મત વ્યક્ત કર્યો છે કે, આ યોજનાથી દર વર્ષે ત્રણ લાખ લોકોનું જીવન બચશે.
શ્રી મોદીનું માનવું છે કે, પરિવર્તન કરવા માટે પરિવહન મહત્ત્વપૂર્ણ માધ્યમ છે. આ કારણે ભારત સરકાર વધારે હાઇવે, રેલવે, આઇ-વે અને વોટરવેની દૃષ્ટિએ અત્યાધુનિક માળખાનું સર્જન કરવા માટે કામ કરે છે. ઉડાન (ઉડે દેશ કા આમ નાગરિક) યોજનાથી નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને લોકોને વધારે અનુકૂળ બનાવવામાં આવ્યું છે અને દેશનાં વિવિધ કેન્દ્રો વચ્ચે જોડાણ વધારવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રી મોદીએ ભારતને આંતરરાષ્ટ્રીય ઉત્પાદન પાવરહાઉસ બનવા માટે ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ શરૂ કરી હતી. આ પ્રયાસનાં પરિવર્તનકારક પરિણામો મળ્યાં છે. ઉદાહરણ તરીકે, વર્ષ 2014માં મોબાઇલ ઉત્પાદન એકમોની સંખ્યા 2થી વધીને વર્ષ 2019માં 122 થઈ હતી. ભારત સરકારે ‘વેપારવાણિજ્ય સરળ કરવામાં’ હરણફાળ ભરી છે, જેનાથી એનો ક્રમાંક વર્ષ 2014માં 142 હતો, જે 2019માં 77 થયો હતો. ભારત સરકારે વર્ષ 2017નાં સંસદનાં ઐતિહાસિક સત્ર દરમિયાન જીએસટીની શરૂઆત કરી હતી, જેનાથી ‘એક રાષ્ટ્ર, એક કર’નું સ્વપ્ન સાકાર થયું.
શ્રી મોદીનાં કાર્યકાળ દરમિયાન વિશેષ ધ્યાન ભારતનાં સમૃદ્ધ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસા પર આપવામાં આવ્યું છે. ભારત વિશ્વની સૌથી મોટી પ્રતિમા, ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી ધરાવે છે, જે અખંડ ભારતનાં શિલ્પી સરદાર પટેલને ઉચિત શ્રદ્ધાંજલિ છે. આ પ્રતિમાનું નિર્માણ વિશેષ જન આંદોલન દ્વારા થયું હતું, આ પ્રતિમાનાં નિર્માણ માટે ભારતનાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં ખેડૂતો પાસેથી ઓજારો અને માટી મેળવવામાં આવી હતી, જે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નાં જુસ્સાને વ્યક્ત કરે છે.
પ્રધાનમંત્રી મોદી પર્યાવરણ સાથે સંબંધિત સમસ્યાઓનું સમાધાન કરવામાં મહત્તમ યોગદાન આપવા માટે ઉત્સાહી છે. તેમણે અવારનવાર સ્વચ્છ અને હરિયાળી પૃથ્વીનું નિર્માણ કરવા માટે ભાર મૂક્યો છે. ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે શ્રી મોદીએ જળવાયુ પરિવર્તનનાં નવીનત્તમ સમાધાનો માટે તેનો એક અલગ વિભાગ ઊભો કર્યો હતો. આ જ જુસ્સો વર્ષ 2015માં પેરિસમાં આયોજિત સીઓપી21 શિખર સંમેલનની બેઠકમાં જોવા મળ્યો હતો, જ્યાં તેમણે ઉચ્ચ-સ્તરીય ચર્ચાવિચારણામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
જળવાયુ પરિવર્તનથી એક પગલું આગળ વધીને પ્રધાનમંત્રી મોદીએ આબોહવામાં ગુણવત્તાયુક્ત પરિવર્તન વિશે વાત કરવી છે. વર્ષ 2018માં કેટલાક દેશોનાં પ્રધાનમંત્રીઓ અને રાષ્ટ્રાધ્યક્ષો ભારતમાં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન શરૂ કરવા આવ્યાં હતા, જે વધારે હરિયાળી પૃથ્વીનું નિર્માણ કરવા માટે સૌર ઊર્જાનો ઉપયોગ કરવાનો એક અભિનવ પ્રયાસ છે.
પર્યાવરણનાં સંરક્ષણ માટે પ્રયાસો કરવા બદલ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રધાનમંત્રીને ‘ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ’ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.
જળવાયુ પરિવર્તનથી આપણી પૃથ્વી પર કુદરતી આપત્તિઓનું જોખમ વધી રહ્યું છે એ હકીકતથી સંપૂર્ણપણે વાકેફ શ્રી મોદીએ આપત્તિનાં વ્યવસ્થાપનનો, ટેકનોલોજીની ક્ષમતા અને માનવીય સંસાધનનો ઉપયોગ કરવાનો નવો અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રી તરીકે તેમણે ગુજરાતમાં પરિવર્તનનો પવન ફૂંક્યો હતો, જ્યાં 26 જાન્યુઆરી, 2001નાં રોજ મહાવિનાશક ધરતીકંપ આવ્યો હતો. એ જ રીતે તેમણે ગુજરાતમાં પૂર અને દુષ્કાળનો સામનો કરવા નવી વ્યવસ્થાઓ પ્રસ્તુત કરી હતી, જેની આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા થઈ હતી.
વહીવટી સુધારા દ્વારા શ્રી મોદીએ હંમેશા નાગરિકોને પ્રાથમિકતા આપી છે. ગુજરાતમાં તેમણે લોકોની સમસ્યાઓનું સમાધાન કરવા સંધ્યા અદાલતની શરૂઆત કરવાનો નવો અભિગમ વિકસાવ્યો હતો. કેન્દ્ર સરકારમાં પણ તેમણે પ્રગતિ (પ્રો-એક્ટિવ ગવર્નન્સ એન્ડ ટાઇમલી ઇમ્પ્લિમેન્ટેશન)ની શરૂઆત દેશની વૃદ્ધિ માટેનો માર્ગ મોકળો કરવા વિલંબિત પ્રોજેક્ટનાં ઝડપી અમલીકરણ માટે કરી હતી.
શ્રી મોદીની વિદેશી નીતિની પહેલોએ ખરા અર્થમાં ભારતની ક્ષમતાને વ્યક્ત કરી છે અને વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે અસરકારક ભૂમિકા ભજવી છે. તેમણે પોતાનાં કાર્યકાળની શરૂઆત સાર્ક દેશોનાં તમામ વડાઓની હાજરીમાં કરી હતી અને બીજા કાર્યકાળની શરૂઆતમાં બિમ્સ્ટેકનાં નેતાઓને આમંત્રણ આપ્યુ હતુ. સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં તેમનાં સંબોધનની દુનિયાભરમાં પ્રશંસા થઈ હતી. શ્રી મોદી 17 વર્ષનાં ગાળા પછી નેપાળની, 28 વર્ષ પછી ઓસ્ટ્રેલિયાની, 31 વર્ષ પછી ફિજીની અને 34 વર્ષ પછી યુએઈ અને સેશેલ્સની દ્વિપક્ષીય મુલાકાત લેનાર પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી બન્યાં હતા. શ્રી મોદી સંયુક્ત રાષ્ટ્ર, બ્રિક્સ, સાર્ક અને જી-20નાં શિખર સંમેલનોમાં પણ સામેલ થયા છે, જ્યાં આંતરરાષ્ટ્રીય સ્તરનાં વિવિધ આર્થિક અને રાજકીય મુદ્દાઓ પર ભારતનાં હસ્તક્ષેપો અને અભિપ્રાયોની વ્યાપક પ્રશંસા થઈ હતી.
પ્રધાનમંત્રી મોદીને સાઉદી અરેબિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન સાશ ઑફ કિંગ અબ્દુલ અઝિઝ સહિત વિવિધ દેશોનાં સર્વોચ્ચ સન્માનો એનાયત કરવામાં આવ્યાં છે. શ્રી મોદીને રશિયાનું સર્વોચ્ચ સન્માન (ધ ઓર્ડર ઑફ ધ હોલી એપોસ્ટલ એન્ડ્રૂ ધ ફર્સ્ટ), પેલેસ્ટાઇનનું સર્વોચ્ચ સન્માન (ગ્રાન્ડ કોલર ઑફ ધ સ્ટેટ ઑફ પેલેસ્ટાઇન), અફઘાનિસ્તાન (આમિર અમાનુલ્લાહ ખાન એવોર્ડ), યુએઈનું સર્વોચ્ચ સન્માન (ઝાયેદ મેડલ) અને માલદિવનું સર્વોચ્ચ સન્માન (રુલ ઑફ નિશાન ઇઝ્ઝુદ્દીન) એનાયત થયાં હતા. વર્ષ 2018માં પ્રધાનમંત્રીને આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ અને વિકાસ માટેનાં પ્રયાસોમાં યોગદાન બદલ પ્રતિષ્ઠિત ‘સિઓલ પીસ પ્રાઇસ’ પ્રાપ્ત થયું હતુ.
નરેન્દ્ર મોદીનાં ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણી કરવાની અપીલને સંયુક્ત રાષ્ટ્રએ જબરદસ્ત આવકાર આપ્યો હતો. સૌપ્રથમ દુનિયાભરનાં 177 દેશોઓ એકમંચ પર આવી અને સંયુક્ત રાષ્ટ્રમાં 21મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિન’ તરીકે ઉજવવાનાં નિર્ણયનો ઠરાવ પસાર કરવામાં પોતાની સહમતિ દર્શાવી હતી.
શ્રી મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર, 1950નાં રોજ ગુજરાતનાં એક નાના શહેર વડનગરમાં થયો હતો. તેમનો પરિવાર ‘અન્ય પછાત વર્ગ’ (ઓબીસી) સાથે સંબંધિત છે, જે સમાજનાં વંચિત સમુદાયોમાં સ્થાન ધરાવે છે. તેમનો ઉછેર ગરીબીમાં થયો હતો, પણ પ્રેમાળ કુટુંબ ‘નાણાની તંગી વચ્ચે પણ હળીમળીને’ રહેતું હતુ. જીવનની પ્રારંભિક અવસ્થામાં એમને મહેનતનું મૂલ્ય શીખવા મળવાની સાથે એમને સામાન્ય નાગરિકોની ટાળી શકાય એવી સમસ્યાઓ પણ જાણવા મળી હતી. એનાથી તેઓ યુવાવસ્થામાં જ લોકો અને દેશની સેવા કરવા માટે પ્રેરિત થયાં હતા. પોતાનાં શરૂઆતનાં વર્ષમાં તેમણે રાષ્ટ્રનિર્માણ માટે પ્રતિબદ્ધ સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સાથે કામ કર્યું હતું અને પછી પોતાની જાતને રાષ્ટ્રીય અને પ્રાદેશિક સ્તરે ભારતીય જનતા પક્ષમાં રાજકીય કાર્ય માટે સમર્પિત કરી દીધી હતી. શ્રી મોદીએ ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજ્યશાસ્ત્રમાં એમએ (માસ્ટર ઑફ આર્ટ્સ) કર્યું હતું.
નરેન્દ્ર મોદી ‘લોકોના નેતા’ છે, જે જનતાની સમસ્યાઓનું સમાધાન કરવા અને તેમની સુખાકારી વધારવા સમર્પિત છે. એમના માટે લોકોની વચ્ચે રહેવું, તેમની સાથે ખુશીઓ વહેંચવી અને તેમનાં દુઃખો દૂર કરવાથી વિશેષ સંતોષની બાબત બીજી કોઈ નથી. તેઓ લોકો સાથે ‘અંગત સંપર્ક’ જાળવવાની સાથે-સાથે ઓનલાઇન માધ્યમોમાં પણ સારી હાજરી ધરાવે છે. તેઓ ભારતનાં સૌથી વધુ ટેકનો-સેવી નેતા તરીકે જાણીતા છે, લોકો સુધી પહોંચવા માટે વેબનો ઉપયોગ કરે છે અને તેમનાં જીવનમાં પરિવર્તન લાવે છે. તેઓ ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, સાઉન્ડ ક્લાઉડ, લિન્ક્ડઇન, વેઇબો અને અન્ય ફોરમ પર સક્રિય છે.
રાજકારણ ઉપરાંત નરેન્દ્ર મોદી લેખનકળામાં પારંગત છે. તેમણે કેટલાંક પુસ્તકો પણ લખ્યાં છે, જેમાં કવિતાઓ પરનું પુસ્તક પણ સામેલ છે. તેઓ દિવસની શરૂઆત યોગથી કરે છે, જે શરીર અને મન બંનેને મજબૂતી આપે છે તેમજ ઝડપી જીવનમાં શાંતિ અને એકાગ્રતા પ્રદાન કરે છે.