નરેન્દ્ર ભાઇ મોદીઃ- સંગીત, સાહિત્યઃ અને કલા "રાજ્ય પુરસ્કૃત" હોવા જોઇએ
હિન્દુસ્તાની સંગીતની અણમોલ વિરાસતનું ગૌરવ કરીએ
ગુજરાત સરકાર આજીવન સાધકોની તપસ્યાનું ગૌરવ કરવા પ્રતિબધ્ધ
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ હિન્દુસ્તાની સંગીત ક્ષેત્રે ગુજરાત સરકારના બે પ્રતિષ્ઠિત એવોર્ડ-તાના રીરી સંગીત સમ્માન અને પંડિત ઓમકારનાથ સંગીત સમ્માનના ગૌરવવંતા પુરસ્કારોથી આજે ભારતીય સંગીતના સુપ્રસિધ્ધ આજીવન ગાયકોને વિભૂષિત કર્યા હતા.
ગુજરાત સરકારે હિન્દુસ્તાની સંગીતના સને ર૦૧ર અને સને ર૦૧૩ ના બે વર્ષના બંને એવોર્ડ એનાયત કરવાનો આ ગરિમાપૂર્ણ સમારોહ આજે સચિવાલયના સ્વેર્ણિમ સંકુલ-૧ ના ગિરનાર સભાકક્ષમાં સંપન્ન થયો હતો.
તાના રીરી સન્માન પુરસ્કાર સને ર૦૧રના વર્ષનો સુશ્રી કિશોરી આમોનકર અને ર૦૧૩નો એવોર્ડ સુશ્રી બેગમ પરવીન સુલ્તાનાને એનાયત કરવામાં આવ્યો હતો. જ્યારે પંડિત ઓમકારનાથ સંગીત સન્માન ર૦૧રના વર્ષમાં પંડિત જશરાજ અને સને ર૦૧૩ના વર્ષમાં પંડિત રાજન અને સાજન મિશ્રાને આપવામાં આવ્યા હતા.
આ સન્માન એવોર્ડ અન્વયે તામ્રપત્ર સન્માનપત્ર, શાલ અને રૂા. પાંચ લાખના પુરસ્કારથી પાંચેય ગાયકોને વિભૂષિત કર્યા હતા.
સન્માનિત ગાયકોની સાધનાની પ્રશંસા કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાત સરકાર સંગીત, કલા અને સાહિત્ય ની સાધનાની યાત્રાને 'રાજ્ય પુરસ્કૃત'કરવા પ્રતિબધ્ધે છે. સમગ્ર વિશ્વમાં હિન્દુ સ્તાની ગીત સંગીતની અણમોલ વિરાસત છે પરંતુ દુનિયાને આ વૈભવની ઓળખ આપણે કરાવી શકયા નથી. પશ્ચિમનું સંગીત શરીરને ડોલાવી શકે પરંતુ ભારતનું સંગીત મનને પ્રભાવિત કરે છે. હિન્દુ સ્તાની સંગીતમાં હરેક કલાકના સૂર- સ્વર અને લય-તાલનો અદ્દભૂત સમન્વય થયો છે તેમ તેમણે ઉમેર્યું હતું.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે સંગીત, કલા અને સાહિત્યં કયારેય રાજ્યાશ્રિત હોઇ શકે નહીં. તેને કોઇ સમયના બંધન પણ નડતા નથી. હિન્દુસ્તાની સંગીતની ધરોહરને સદીઓથી શકિત મળી રહી છે અને અનેક "ઘરાના"એ તેનું સંવર્ધન કરવાની સાધના અપનાવેલી છે.
વડનગરમાં તાના રીરીની સંગીત સાધનાની જન્મ કર્મભૂમિની ગૌરવપૂર્ણ નગરીમાં પોતાનો જન્મ થયો હતો તેનો ભાવસભર ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુંકે રાજ્ય સરકારે સંગીત સાધનાના તપસ્વીઓને ગૌરવાન્વિત કરવાનો પ્રયાસ કર્યો છે.
પ્રારંભમાં યુવક સેવા સાંસ્કૃતિક મંત્રીશ્રી રમણલાલ વોરાએ બંને ગૌરવશાળી એવોર્ડની રૂપરેખા આપી આમંત્રિતો અને સન્મા્નિત ગાયકોનું અભિવાદન કર્યું હતું.
યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગના સચિવશ્રી ભાગ્યેશ જહાએ સન્માનપત્રનું પઠન કર્યું હતું.