ભારત-અમેરિકા વચ્ચે સંબંધો વધુ મજબુત બનાવવા અને પારસ્પરિક સહકાર અંગે વિસ્તૃત ચર્ચા
ગુજરાતના ઝડપી નિર્ણય નિર્ધારણ અને સ્પષ્ટ વહીવટી પ્રક્રિયાથી અમેરિકાનું ઉદ્યોગજગત ખુશ હોવાનું જણાવતા અમેરિકન રાજદૂત
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે અમેરિકાના રાજદૂત સુશ્રી નેન્સી પોવેલ (Ms Nancy Powell) અને અન્ય અમેરિકન અધિકારીઓએ આજે ગાંધીનગર ખાતે મુલાકાત કરી હતી.
સુશ્રી નેન્સી પોવેલે શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાથે બૃહદ વૈશ્વિક પ્રવાહો સંદર્ભે ભારત-અમેરિકા વચ્ચેના સંબંધો વધુ મજબુત બનાવવા અને પારસ્પરિક સહકાર અંગે વિસ્તૃત ચર્ચાવિચારણા કરી હતી.
સુશ્રી નેન્સી પોવેલે પોતાની ગુજરાતની અગાઉની મુલાકાતોની સુખદ યાદોને વાગોળતા ફરી ગુજરાત આવવાનો અવસર મળ્યો તે બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. ગુજરાતમાં વિકાસના વિવિધ ક્ષેત્રોમાં થયેલ હકારાત્મ્ક પરિવર્તન અને રાજયની ગતિથી પોતે પ્રભાવિત થયા હોવાનું સુશ્રી નેન્સીં પોવેલે કહયું હતું. ગુજરાતમાં નિર્ણય નિર્ધારણની પ્રક્રિયા ઘણી ઝડપી છે અને વહીવટી પ્રક્રિયા અત્યંત સ્પષ્ટ છે તેનાથી અમેરિકાનું ઉદ્યોગજગત ગુજરાતથી ખુશ છે એમ અમેરિકન રાજદૂતે જણાવ્યું હતું.
ગુજરાતના વહીવટી અભિગમ ઉપરાંત સંસ્થાગત પ્રસૂતિ દ્વારા માતા અને શીશુના આરોગ્યમાં સુધારો લાવનાર ચિરંજીવી યોજના જેવી યોજનાઓનું અનુસરણ અન્ય્ વિકાસશીલ દેશોમાં પણ થાય તો ત્યાનાં લોકોને લાભ મળે તેવી આતુરતા સુશ્રી નેન્સી પોવેલે વ્યક્ત કરી હતી.
અફઘાનિસ્તાનની વર્તમાન પરિસ્થિતિ સંબંધે તેમણે અફઘાનિસ્તાન અધિકારીઓને તથા ત્યાંની ગ્રામિણ મહિલાઓને સ્વનિર્ભરતાની તાલીમ આપવા અંગે વિસ્તૃ્ત ચર્ચા કરી હતી. શ્રી મોદીએ સૂચન કર્યું હતું કે સહકારી ડેરી ઉદ્યોગ ક્ષેત્રનું ગુજરાતનું મોડેલ અફઘાનિસ્તાનના ગ્રામિણ અર્થતંત્ર માટે ઘણું મહત્વનું સાબિત થઈ શકે છે. આ સૂચનને આવકારતા સુશ્રી નેન્સી પોવેલે પોતે આ દિશામાં આગળ વધવાની તત્પરતા દર્શાવી હતી.
શ્રી અટલબિહારી વાજપાઈએ અમેરિકા અને ભારત વચ્ચે વ્યુહાત્મક ભાગીદારીનો મજબુત પાયો નાંખ્યો હતો તેની રૂપરેખા આપતા મુખ્યમંત્રીશ્રીએ શ્રી અટલબિહારી વાજપાઈએ ભારતના પાડોશી દેશો સાથે શાંતિ માટે કરેલા પ્રયાસોની વિગત પણ આપી હતી. અમેરિકા સાથેના સંબંધો વધુ મજબુત બનાવવા ભારતીય જનતા પાર્ટી પ્રતિબધ્ધ છે એમ શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ ભારપૂર્વક જણાવ્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ ન્યુયોર્ક ખાતે ભારતીય મહિલા રાજદ્વારી સાથે થયેલ દુર્વ્યવહાર પ્રત્યેય ચિંતા દર્શાવીને આ પરિસ્થિતિનો ઝડપથી જ કાયમી ઉકેલ આવશે તેવી આશા વ્યક્ત્ કરી હતી. અમેરિકન રાજદૂતે આ પ્રશ્નના ઝડપી સમાધાન માટે અમેરિકાની સરકાર પ્રતિબધ્ધ છે તેવી ખાત્રી આપી હતી. શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ કહયું હતું કે ભારત અને અમેરિકા વચ્ચે વ્યુહાત્મક ભાગીદારી વધુ મજબુત બનાવવા માટે આવા બનાવો ફરી ન બને તેનો ખ્યાલ રાખવો અત્યંત જરૂરી છે.
મુખ્ય મંત્રીશ્રીએ આતંકવાદ સામે લડવા એક વૈશ્વિક માપદંડ ઉભો કરવાની હિમાયત કરી હતી અને ૨૬/૧૧ ના મુંબઈ હુમલાના ગુનેગારોને ઝડપથી કાયદાકીય સજા આપવા ઉપર ભાર મુક્યોત હતો.