જામનગર મહાનગરપાલિકા આયોજિત સમારોહમાં વાજપાઇ નગર વિકાસ યોજના અને શહેરી વિકાસ યોજના અન્વયે રૂ. ૫૫ કરોડ નું અનુદાન આપતા જણાવ્યું કે, દેશમાં ગુજરાતે શહેરી વસ્તીની સુખાકારી અને આરોગ્ય સેવા માટે ગુજરાત અર્બન હેલ્થ મિશન શરૂ કર્યુ છે.
ગુજરાત સ્વર્ણિમ જયંતિ અવસરે રાજ્યના શહેરી ક્ષેત્રના વિકાસ માટેની મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના અંતર્ગત જામનગર શહેરમાં ભૂગર્ભ ગટર યોજના માટે રૂ. ૨૫ કરોડ અને શહેરી માળખાકીય સુવિધા વિકાસ માટે રૂ. ૩૦ કરોડ મળી રૂ. ૫૫ કરોડ નું રાજ્ય સરકારનું અનુદાન ચેક રૂપે મુખ્યમંત્રીશ્રી એ મેયરશ્રીને સુપરત કર્યું હતું.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, જામનગર મહાનગર હોય તે પુરતુ નથી એ આધુનિક સુદ્રઢ મહાનગર તરીકે ઓળખ ઉભી કરે. રાજ્યના શહેરી વિસ્તારોમાં ૧૦૮ ઇમરજન્સી આરોગ્ય સેવા માટેની એમ્બ્યુલન્સ થોડી જ મીનીટોમાં ગરીબ અને સામાન્ય માનવીની જીંદગી બચાવી લેવા માટે ઉપલબ્ધ થાય છે અને હજારો દર્દીઓને તથા અકસ્માતોનો ભોગ બનેલા પિડીતોની જિંદગી ઉગરી ગઇ છે એમ તેમણે જણાવ્યું હતું.
આ વર્ષથી સમગ્ર રાજ્યમાં '' મિશન મંગલમ્'' યોજનાનો અમલ શરૂ થઇ ગયો છે. અને તેમા સખી મંડળની બહેનો ના હાથમાં રૂ. ૧૦૦૦ કરોડનું બેંક લિન્કેજ નું વહીવટી બળ પુરૂ પાડવામાં આવશે. ગુજરાતની વિકાસયાત્રામાં ગરીબ માતૃશકિતને જોડીને મિશન મંગલમ્ યોજના અન્વયે ભવિષ્યમાં રૂ. ૫૦૦૦ કરોડનો કારોબાર નારી સમાજની સખી મંડળોને મળશે.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં ૫૦ શહેરોમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ અને વેસ્ટ વોટર ટ્રીટમેન્ટના બે પર્યાવરણલક્ષી પ્રોજેકટ સાથેનું આર્થિક રીતે યોજનાકિય શહેરીવિકાસનું મોડેલ અમલમાં મુકવાની રાજ્ય સરકારની ભૂમિકા આપી હતી. શહેરોમાં ગંદા ઘનકચરાના નિકાલમાંથી ઓર્ગોનિક ખાતર બનાવવાનો અને ગંદા પાણીના શૂધ્ધીકરણનો પ્લાન્ટ વિકસાવીને તેમાથી ક્રોસ સબસીડી રૂપે ખાતરની આવક મળશે. અને શહેરોની પર્યાવરણલક્ષી સુવિધામાં નવા ચિંતનની પહેલ પણ ગુજરાત કરશે એમ તેમણે જણાવ્યુ હતું. વડાપ્રધાનશ્રી, કેન્દ્રીય આયોજનપંચ અને ભારત સરકાર સમક્ષ તેમણે દેશમાં આ મોડેલ અપનાવવાની દરખાસ્ત રજૂ કરી હતી પરંતુ કેન્દ્ર સરકાર કરે કે ન કરે તેની રાહ જોયા વગર ગુજરાત ૫૦ શહેરોમાં આ પ્રોજેકટ અમલમાં મુકશે.
મુખ્યમંત્રીશ્રીએ શહેરોમાં વિકાસની તંદૂરસ્ત સ્પર્ધાનું વાતાવરણ ઉભુ કરવા અને સામાન્ય માનવીને પણ વિકાસ યાત્રામાં ભાગીદાર બનાવી અનેક શહેરી સમસ્યાઓના સમાધાનમાં જનશકિતને પ્રેરીત કરવાનું આહવાન કર્યુ હતું.
ટેકનીકલ શિક્ષણ અને બાળ અને મહિલા વિકાસ રાજયના મંત્રી શ્રી વસુબેન ત્રિવેદીએ જણાવ્યુ હતું કે, સ્વર્ણિમ વર્ષ દરમ્યાન ગુજરાતનો અનેકવિધ ક્ષેત્રે વિકાસ થઇ રહ્યો છે. તેમા જામનગર મહાનગર વિકાસમાં પાછળના રહે તે માટે અનેકવિધ વિકાસના કામો થઇ રહ્યા છે. માન. મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્ય સરકાર વતી શહેરના ભુર્ગભ ગટર તથા આંતર માળખાકિય વિકાસમાટે રૂ. ૫૫ કરોડનું અનુદાન આપેલ છે. અમે પંચામૃત શકિત ને આધારે કામ કરી રહ્યા છીએ સમાજના સર્વે લોકો સુખી થાય અને સામુહિક વિકાસના કામો થાય તેવો અમારો અભિગમ છે.
પ્રારંભમાં મેયરશ્રી અમીબેન પરીખે સૌનું સ્વાગત કરીને જણાવ્યુ હતું કે, રાજ્ય સરકાર દ્વારા રૂ. ૫૫ કરોડનું અનુદાન મળતા શહેરના ભુગર્ભ ગટર તથા આંતર માળખાકિય વિકાસના કામોને વેગ મળશે
આ પ્રસંગે સાંસદશ્રી વિક્રમભાઇ માડમ, ધારાસભ્યશ્રી મુળુભાઇ બેરા, ધારાસભ્યશ્રી લાલજીભાઇ સોલંકી,ધારાસભ્યશ્રી મેધજીભાઇ કણઝારીયા, ધારાસભ્યશ્રી પબુભા માણેક, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ડો. પી.બી. વસોયા, મેયરશ્રી અમીબેન પરીખ, જાડાના ચેરમેનશ્રી પરશોત્તમભાઇ ભોજાણી, શહેર ભાજપા પ્રમુખશ્રી અશોકભાઇ નંદા,નાયબ મેયરશ્રી સુરેશભાઇ કટારમલ, મહાનગરપાલીકાના શાસક પક્ષના નેતા શ્રીકરશનભાઇ કરમુર,સ્થાયી સમીતીના ચેરમેન શ્રી તુલશીભાઇ પટેલ જિલ્લા કલેકટરશ્રી સંદિપ કુમાર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અજય કુમાર, તથા અગ્રણીઓ અધિકારીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. મહાનગરપાલિકાના કમિશ્નરશ્રી પી. સ્વરૂપે આભાર દર્શન કર્યું હતું તથા અગ્રણીઓ પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.