ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં રૂા.18 કરોડના ખર્ચે નવસંસ્કરણ થયેલા સચિવાલય જીમખાનાનું ઉદ્ઘાટન કર્યું હતું.
રાજધાનીમાં વસતા રાજ્ય સરકારના કર્મયોગીઓ અને તેમના પરિવારજનો માટેનું તનાવમુકિતનું આ નજરાણું આજે મુખ્યમંત્રીશ્રીએ નવરાત્રિ ઉત્સવના પ્રથમ નોરતાએ કર્મયોગીઓને ભેટ ધર્યું હતું.
સને 1970માં ગાંધીનગર પાટનગર તરીકે કાર્યાન્વિત થયું ત્યારે નાના ફલક ઉપર સચિવાલય જીમખાનાનું આ સંકુલ શરૂ થયેલું પરંતુ પાટનગરમાં વસતા કર્મયોગીઓ અને તેમના પરિવાર માટે અતિ આધુનિક એવા આ સચિવાલય જીમખાનાનું 43 વર્ષ પછી પહેલીવાર મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનથી નવસંસ્કરણ કરવામાં આવ્યું છે.
આ સંકુલમાં 20 જેટલી જુદી જુદી રમતો ઉપરાંત ફીટનેસ સેન્ટર, સ્વીમીંગ પુલ, એરોબીકસ, ફીઝીયોથેરાપી સેન્ટર, યોગાહોલ અને મલ્ટિ પરપઝ કોર્ટ, સ્પોર્ટસ લાઇબ્રેરી, કોન્ફરન્સ હોલ અને ટ્રેનિંગ સેન્ટ ર તથા કોમ્યુનિટી હોલ અને ફુડ કોર્ટ જેવી ખાસ આધુનિક તનાવમુકિતની સવલતો ઉપલબ્ધો છે.
અગાઉના જીમખાનામાં 200 આજીવન સભ્ય્ હતા. જ્યારે સંકુલના નવ સંસ્કરણ સમયે આજે 1400 જેટલા કર્મયોગીઓએ આજીવન સભ્યપદ મેળવી લીધું છે જે કાર્યવાહી પ્રગતિમાં છે એમ જીમખાનાના ચેરમેન અને અગ્રસચિવ શ્રી પંકજકુમારે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર સંકુલની વિવિધલક્ષી પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું હતું.