આજથી ૨૭ ફેબ્રુઆરી સુધી રાષ્ટ્રીય હસ્તકલા પ્રદર્શન
હસ્તકલા કૌશલ્ય અને પ્રવાસન વિકાસને જોડવાથી રોજગારીનું વ્યાપક ફલક વિકસશે
હસ્ત કલા કૌશલ્યના પ્રભાવક વિકાસ માટે નિરંતર સંશોધનોની આવશ્યકતા છે
ત્રણ હસ્તકલા કારીગરોનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માન
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ આજે અમદાવાદમાં રાષ્ટ્રીય હસ્તકલા મેળો અને પરિષદનું ઉદ્ઘાટન કરતા હસ્તકલા કૌશલ્ય અને પ્રવાસનનો સમન્વય કરીને દેશમાં રોજગારીનું વિશાળ ફલક ઉભૂં કરવાની હિમાયત કરી હતી.
ગુજરાત સરકારે હસ્તકલા કૌશલ્ય કારીગરોને માટે પ્રવાસન પ્રવૃત્તિના ક્ષેત્રો વિકસાવીને આર્થિક પ્રવૃત્તિનું સંગીન ક્ષેત્ર ઉભૂં કર્યું છે અને રણોત્સવમાં એનો સીધો લાભ પરંપરાગત હસ્તકલા કારીગરોને પ્રાપ્ત થયો છે એની ભૂમિકા તેમણે આપી હતી. તેમણે જણાવ્યું કે આપણું લક્ષ્ય હેન્ડીક્રાફટ માટે ગ્લોબલ પોઝીશનીંગનું હોવું જોઇએ.
ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ અને ઇન્ડેક્ષ્ટ-સીના ઉપક્રમે અમદાવાદમાં આજથી નેશનલ હેન્ડીક્રાફટ ફેર એન્ડ સમીટનો પ્રારંભ થયો હતો. ગરવી ગુર્જરીના આ રાષ્ટ્રીય હસ્તકલા મેળામાં ભારતભરના ૬૦૦ હુન્નર કુશળ હસ્ત કલા કારીગરો ભાગ લઇ રહ્યા છે. ૨૭મી ફેબ્રુઆરી સુધી ચાલનારા આ હસ્ત કલા અને હાથશાળના મેળામાં વિવિધ હસ્ત કલા કારીગરોની ભાતીગળ વિરાસતનું પ્રદર્શન અને વેચાણ થવાનું છે. ગુજરાતના ૪૦૦ હસ્તકલા કારીગરોએ પોતાના હસ્તકલા ઉત્પાદનોનું આગવું પેવેલીયન ઉભૂં કર્યું છે. ૫૦૦થી વધુ નામાંકિત બાયર્સની B2B મીટ પણ યોજાશે.
હસ્તકલાની ભવ્ય વિરાસતનું જતન કરતા હિન્દુશસ્તાનના કલા કસબી કારીગરોને ગુજરાતની ધરતી ઉપર આવકારતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે વિશ્વના વેપાર-ઉદ્યોગની વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ કરતા પણ આ હસ્તકલા કૌશલ્ય ની રાષ્ટ્રીય પરિષદ અને પ્રદર્શન મેળાનું મહત્ત્વ વધારે છે કારણ કે એની સાથે ગરીબ સમૂદાયની આર્થિક પ્રવૃત્તિનું વ્યાપક ફલક જોડાયેલું છે. વિશ્વમાં ભારતની હસ્તકલાનું બજાર મળે એટલો સિમીત અભિગમ એમાં નથી, પરંતુ હસ્તકલા કૌશલ્યતનો મહિમા સમાજજીવન માટે ઐતિહાસિક મહત્વ ધરાવે છે.
સામ્રાજ્ય વાદના યુધ્ધોમાં હસ્ત કલામાં માહિર એવા દુશ્મન દેશના કલા-કારીગરોના હાથના અંગૂઠા કાપી લેવાતા એવા ગૂલામીકાળ ખંડના ઇતિહાસનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આવી સેંકડો ઘટનાઓ પૂરવાર કરે છે કે હસ્તકલા દેશની આર્થિક પ્રવૃત્તિની ધરોહર હતી અને આર્થિક પ્રવૃત્તિને છીન્નભિન્ને કરવા દુશ્મન દેશો કલા કૌશલ્ય નો વિનાશ કરવા તત્પર રહેતા.
હસ્તકલા-હુન્નર કૌશલ્ય સામૂહિક રૂપે દેશના અર્થતંત્રમાં એક પરંપરા હતી અને મૂલતઃ હસ્તકલા સ્વરોજગારી માટે પારિવારિક પરંપરા જ બની રહેતી એની રૂપરેખા આપી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે હસ્તકલા કૌશલ્યની પારિવારિક પરંપરાને સીમિત વાડમાંથી બહાર લાવી તેમાં સંખ્યાપૂર્વ વ્યાપક ફલક ઉપર વિકાસ થવો જોઇએ. આ હેતુસર હસ્તકલા કૌશલ્યની આર્થિક પ્રવૃત્તિને સંપન્ન બનાવવાની જરૂર છે. આ માટે હસ્તકલા કૌશલ્યની પેઢી દર પેઢીની પરંપરા લુપ્ત થાય નહીં તે માટેનું ડેટા-મેપીંગ કરવા મુખ્યમંત્રીશ્રીએ સૂચવ્યું હતું.
દુનિયાના અર્થતંત્રમાં આવી રહેલા ઝડપી પરિવર્તનોથી હસ્તકલા ઉત્પાદનનાં ક્વોલિટી ટેકનોલોજી અપગ્રેડેશન, મટીરિયલ ઇનોવેશન, રિનોવેશન બધા જ પાસાઓને સંગીન બનાવવા ઉપર મુખ્યમંત્રીશ્રીએ ખાસ ભાર મૂકયો હતો. હસ્ત કલા કૌશલ્ય ક્ષેત્રે સમયાનુકુળ સંશોધનોની આવશ્યકતા માટેનું ખાસ મિકેનિઝમ વિકસાવવા તેમણે સૂચનો કર્યા હતા.
દેશના સમૂદ્રતટ ઉપર હસ્તકલા કૌશલ્યની ખૂબ મોટી વિરાસત ઉભી થઇ છે. એના ઉપર તેમણે ધ્યાન કેન્દ્રી કરવા સૂચવ્યું હતું.
સશક્ત હેન્ડીક્રાફટ માટે બ્રાન્ડીંગ એન્ડ પેકેજિંગ ઓલ ઇન્ડિયાથી ગ્લો્બલ માર્કેટમાં પ્રભાવ ઉભો કરવા અને ટેકનોલોજીને અપનાવવાની જરૂરિયાત તેમણે સમજાવી હતી.
મુખ્યમંત્રીશ્રીના હસ્તે કલા કસબી ડોરૂ હસમુખભાઇ વાલજીભાઇ (વુલન દુપટ્ટો કારીગરી), રૂકસાના કાસમ ખત્રી (ગજી સિલ્કઇ) તથા નીલુ પટેલ (વોલ ચીસ)નું અનુક્રમે રૂા.૨૫ હજાર, પંદર હજાર અને રૂા.દસ હજાર રોકડ પુરસ્કાર, તામ્રપત્ર તથા શાલ ઓઢાડી બહુમાન કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીના હસ્તે કુટિર ઉદ્યોગની યોજનાઓ-નીતિઓ તથા હસ્તકલા કારીગરોની વિગતો આપતી ડીરેકટરીનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.
સ્વાગત પ્રવચન કરતાં કુટીર ઉદ્યોગ મંત્રી શ્રી સૌરભભાઇ પટેલે ગરવી-ગુર્જરી રાષ્ટ્રીય હસ્તકલા મેળા અને સમિટની વિગતો આપતાં જણાવ્યું હતું કે, પરંપરાગત હસ્તાકલાને વધુ સ્પર્ધાત્મક અને સમૃધ્ધ બનાવી, નૂતન વ્યાવસાયિક અભિગમ સાથે દેશભરના હસ્તાકલા કારીગરોના સશક્તિ્કરણ માટે ગુજરાતે નવો રાહ ચીંધ્યો છે.
શ્રી પટેલે જણાવ્યું હતું કે, સમિટમાં દેશભરના હાથશાળ અને હસ્તકળાના ૬૦૦થી વધુ કારીગરો, ૧૨ જેટલા રાજ્ય ઉપરાંત ૫૦૦૦ જેટલા હસ્તકલાના કારીગરો ભાગ લઇ રહ્યા છે. સમિટ દરમિયાન પાંચસો જેટલા અગ્રણી બાયર્સની ઉપસ્થિતિમાં બી ટુ બી મીટીંગ થશે. જેનાથી રાજ્યના નાના કારીગરોને પોતાની ઉત્પાદિત ચીજ વસ્તુઓના જથ્થાબંધ વેપાર માટે તકો ઉપલબ્ધ થશે અને આ ક્ષેત્રે રોજગારીની વિપુલ તકો ઉભી થશે. રાજ્યા સરકાર દ્વારા પ્રવાસન સ્થળોએ હસ્તરકલા કારીગરો દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓના વેચાણ માટેની આયોજન કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.
હસ્તકલા કારીગરોને નાણાંકીય સહયોગ મળી રહે તે માટે સમિટમાં બેકર્સ પેવેલિયન પણ ઉભું કરવામાં આવ્યું છે. સમિટના માધ્યમથી હસ્તકલા કારીગરોને નિષ્ણાતો, સંસ્થાઓ દ્વારા માર્કેટીંગ, ડિઝાઇન અંગેની જાણકારી પુરી પાડવામાં આવશે, તેમ શ્રી પટેલે ઉમેર્યું હતું.
ગોવાના ઉદ્યોગ મંત્રી શ્રી મહાદેવ નાઇકે જણાવ્યું હતું કે, ગુજરાતની જેમ ગોવામાં પણ હસ્તકલા કારીગરોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. સમગ્ર દુનિયામાં પ્રવાસન, સંસ્કૃતિ અને સભ્યતા માટે ગોવા જાણીતું છે તેમ તેમણે ઉમેર્યું હતું. અંતમાં ઇન્ડેક્ષ-સીના સચિવ શ્રી અરૂણ સોલંકીએ આભારવિધિ કરી હતી.
આ પ્રસંગે વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી મંગુભાઇ પટેલ, કુટિર ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી વાસણભાઇ આહિર, મુખ્યસચિવ ર્ડા.વરેશ સિંહા, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી ડી.જે.પાંડિયન, સેપ્ટના અધ્યક્ષ શ્રી વિમલ પટેલ, ઇન્ડેક્ષ-સીના સી.ઇ.ઓ. શ્રી સી.જે.પટેલ, વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ, બાયર્સ, સેલર્સ, ઉચ્ચ અધિકારીઓ તથા વિશાળ સંખ્યામાં કલા કસબીઓ હાજર હતાં.