ભારત માતા કી જય..!
ભારત માતા કી જય..!
ભારત માતા કી જય..!
આદરણીય શ્રી નીતિન ગડકરીજી, ભારતીય જનતા પાર્ટીના તમામ રાષ્ટ્રીય પદાધિકારીઓ, દિલ્હી પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના બધા પદાધિકારીઓ તથા વિશાળ સંખ્યામાં પધારેલ દિલ્હીના પ્યારા કાર્યકર્તા ભાઈઓ અને બહેનો..!
આજે, મિત્રો જીવનમાં ક્યારેય વિચાર્યું નહોતું કે પાર્ટીના કાર્યાલય પર, 11 અશોકા રોડ પર, હું આપના આટલા પ્રેમથી, ઉષ્માસભર જે સ્વાગત અને સન્માન આપે આપેલ છે તેના માટે હું આપનો અત્યંત આભારી છું. મારા મનને આ ઘટના સ્પર્શી રહી છે તેનું એક વિશેષ કારણ છે. મેં જીવનના મહત્વપૂર્ણ વર્ષો આ જ 11, અશોકા રોડમાં વિતાવ્યાં છે. કેટલાંયે વર્ષો સુધી આ જ 11, અશોકા રોડના નાનકડા ઓરડામાં પાર્ટી માટે મારા માટે જે કામ નિશ્ચિત કરવામાં આવતું હતું તેને હું કરતો હતો. ભાઈઓ-બહેનો, હું મારા અનુભવથી કહું છું, ભારતના લોકતંત્રની તાકાત અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનના સામર્થ્ય, તેનું જ પરિણામ છે કે એક વ્યક્તિ જે એક ખૂણામાં બેસીને આ કાર્યાલયમાં જિંદગી ગુજારતો હતો, આટલાં વર્ષો સુધી અહીં રહેતો હતો, આપનામાંથી બહુ થોડા લોકોને મળેલ, એક પડદા પાછળ રહીને એક સાધકની જેમ પોતાનું કામ કરતો હતો, પરંતુ આ સંગઠનનું સામર્થ્ય છે કે તેણે મને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધો અને તે જ પ્રકારે આ ભારતના લોકતંત્રનું પણ સામર્થ્ય અને શક્તિ છે કે જે લોકશાહી પ્રક્રિયાથી, વોટની તાકાતથી, સામાન્યમાં સામાન્ય વ્યક્તિને પણ ખૂબ મોટી જવાબદારી આપી શકે છે અને ગુજરાતના મતદાતાઓએ લોકશાહી પ્રક્રિયાના માધ્યમથી મને આ જવાબદારી સોંપી છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું જ્યારે મારા સાથીઓને હિસાબ આપવા આવ્યો છું, ભાઈઓ અને બહેનો, હું આપનો એક સાથીદાર છું અને આપના સાથીદાર તરીકે મારે આપને હિસાબ આપવો જોઈએ અને મારા માટે આજે મારા સાથીઓને હિસાબ આપવાની તક છે.
મિત્રો, મેં ત્રીજી વખત, ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકરોના અવીરત પરિશ્રમ છે, જેનું પરિણામ છે કે આજે જ્યારે બે વર્ષ, અઢી વર્ષમાં સરકારો બદલાઈ જાય છે, તેમાં 12-12 વર્ષથી ત્રણ વખત એક સરકારને જનતા ચૂંટે, આ ભારતીય જનતા પાર્ટીના સંગઠન અને સરકારના કામનું પ્રમાણ આપે છે. ભાઈઓ-બહેનો, મને એ વાતનો પણ આજે સંતોષ થઈ રહ્યો છે કે 12 વર્ષના આ શાસનકાળ દરમ્યાન મારી સરકારે જે કંઈ પણ કામ કર્યાં, ભારતીય જનતા પાર્ટીએ અમને જે કોઈ પણ જવાબદારી સોંપી, અને તેને પૂરી કરવા માટે અમે જે કોઈ પ્રયાસ કર્યા, તે પ્રયત્નોનું પરિણામ છે અને મને એ વાતનો ગર્વ છે કે દેશ અને દુનિયામાં ભારતમાતાને પ્રેમ કરનાર પ્રત્યેક વ્યક્તિની છાતી ગજ-ગજ ફૂલી રહી છે, માથું ગર્વથી ઊંચું થઈ રહ્યું છે. અને એક કાર્યકર હોવાના નાતે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે એ મારું કર્તવ્ય બને છે કે મને જે જવાબદારી મળે, તે જવાબદારીથી હું એવું કાર્ય કરું કે મારી પાર્ટીના લાખો કાર્યકરો છાતી કાઢીને, આંખમાં આંખ પરોવીને દુનિયાને પડકાર આપવાનું સામર્થ્ય પેદા કરે.
ભાઈઓ અને બહેનો, આપના એક સાથી તરીકે મેં આપે મને જે પણ જવાબદારી આપી છે તે જવાબદારીને પૂરી કરવાનો મેં પ્રયત્ન કર્યો છે અને દરેક વખતે ગુજરાતના મતદારોએ તે સારાં કાર્યોને મહોર મારી છે. ભાઈઓ-બહેનો, ગુજરાતના અનુભવથી હું કાર્યકરોને એટલું ચોક્કસ કહીશ કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ હોતો નથી. ભાઈઓ-બહેનો, હું એમ પણ માનું છું કે આજે સામાન્ય પ્રજાજનોની આશા-અપેક્ષાઓ ખૂબ વધી છે, વ્યક્તિની આકાંક્ષાઓ પણ વધી છે અને આ આકાંક્ષાઓને પૂરી કરવા માટે પ્રત્યેક ક્ષણ શાસનને લોકસમર્પણ સાથે ચલાવતા રહેવું, જનતાને સંતોષ આપવો, તે પોતે જ એક ખૂબ મોટી જવાબદારી હોય છે. પરંતુ આ પાર્ટીના મને જે સંસ્કાર મળ્યા, પાર્ટીના દરેક નાના-મોટા કાર્યકરોનું જે સમર્થન મળ્યું, તેનાથી સારી રીતે તે પવિત્ર કાર્યને અમે કરી શક્યા છીએ. અને મને ગર્વ છે કે મને જે જવાબદારી મળી છે તે જવાબદારીને ભારતીય જનતા પાર્ટીને સંતોષ થાય, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને ગર્વ થાય, તે પ્રકારે પૂરી કરવાનો મેં પ્રયત્ન કરેલ છે.
ભાઈઓ-બહેનો, આજે દેશ અને દુનિયામાં ભારતીય જનતા પાર્ટીના ગુજરાત શાસનની ચર્ચા ચાલી રહી છે. હું જોઈ રહ્યો છું કે પાછલાં વર્ષમાં, કેટલાંક વર્ષોથી, દેશના અનેક અગ્રણી લોકો, જુદાં-જુદાં રાજકીય દળોના લોકો પણ, મીડિયામાં કોઈ પ્રકારની હાઇપ વગર પણ, સતત ગુજરાત આવતા રહ્યા છે, સરકાર સાથે બેસીને તેમણે વિસ્તારથી અભ્યાસ કર્યો છે, વિકાસની યોજનાઓનો અભ્યાસ કર્યો છે, તેના અમલીકરણનો અભ્યાસ કર્યો છે. હું પણ દિલ્હીના મિત્રોને આમંત્રણ આપું છું કે જો આપનામાંથી પાર્ટી નક્કી કરે, અને ગુજરાત આવીને પાંચ-સાત દિવસ રોકાઈને શાસન વ્યવસ્થા અને ગુજરાતે કયું મોડેલ આપ્યું છે, આપ આવો, ચોક્કસ જુવો અને આપે આટલા મોટા દિલ્હીને ચલાવ્યું છે અને જોયું પણ છે. અને મારો આગ્રહ છે કે જો અમારામાં કોઈ ખામી હોય, તો આવીને અમને જરૂરથી બતાવશો જેથી અમે તેને વધારે સારું કરી શકીએ અને દેશની વધારે સારી સેવા કરી શકીએ. ભાઈઓ-બહેનો, ભલે આપ ગુજરાતના ન હો, આપનો ગુજરાત સાથે કોઈ કારોબાર ન હોય, પરંતુ તેમ છતાં પણ જો આપના મનમાં ગુજરાતમાં કરવા લાયક કોઈ સૂચનો હોય, અને આપ તે મને મોકલશો તો એક કાર્યકર્તા તરીકે હું તેનું સ્વાગત કરીશ અને હું કોશીશ કરીશ કે તેને કેવી રીતે લાગુ કરી શકાય.
ભાઈઓ-બહેનો, આજે હું અહીં એન.ડી.સી. ની મીટિંગમાં આવ્યો હતો. અને મેં એન.ડી.સી. ની મીટિંગમાં વડાપ્રધાન સમક્ષ મારી વાત મુકતાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીજી, દેશનું દુર્ભાગ્ય છે કે આપ જે પદ પર બેઠા છો, જ્યાંથી આપ બોલી રહ્યા છો, દેશમાં નિરાશાનું વાતાવરણ બની રહ્યું છે. આપ જે કોઈ વાત કરો છો, દેશને નિરાશાની ગર્તામાં ધકેલી રહ્યા છો. મેં મારી વાત આજે પૂરેપૂરી ગંભીરતા સાથે આ મીટિંગમાં મૂકી અને મેં તેમને કહ્યું કે દેશને આગળ વધારવા માતે આપની પાસે કોઈ વિચાર નથી, ના કોઈ કલ્પના છે, ના કોઈ પરિશ્રમ કરનાર છે, ના કોઈ એક્શન પ્લાન છે..! જો આ જ સ્થિતિ રહી તો ખબર નહીં દેશ કેટલો વધારે નીચે ધકેલાઈ જશે. આપને આશ્ચર્ય થશે, એક વર્ષ પહેલાં દેશના પ્લાનિંગ કમીશન અને ભારત સરકારે 9% વિકાસ દરનો સંકલ્પ કરેલો, નવ ટકા. આપણે તો તેનાથી ઘણા આગળ છીએ, પરંતુ તેઓ 9% ન કરી શક્યા, 7.9 પર અટકી ગયા. દુ:ખની વાત તો બીજી છે દોસ્તો, આ વખતે તો તેમણે 9% વિચારવાનું પણ બંધ કરી દીધું છે અને આ વખતે તેમણે વિચાર્યું છે કે 8.2% વિકાસ કરીશું. હવે આજે 7.9 છે, 8.2 કરવાનો અર્થ 0.3% આગળ વધવું..! અને આ દેશને 0.3% આગળ વધારવા માટે આજે આખો દેશ દિલ્હીમાં એકઠો થયો હતો. મેં કહ્યું કે આ શું હાલત છે..! અમે બધા મુખ્યમંત્રીઓ ગમે તેટલા ધક્કા લગાવીએ, પરંતુ જે રીતે આપ દિલ્હીનું શાસન ચલાવી રહ્યા છો… આ 0.3% માટે આટલો બધો સંઘર્ષ કરવો પડે છે, આ હાલત છે દિલ્હી સરકારની..! જ્યારે ગુજરાત 11% થી વધારે દરે વિકાસ કરી રહેલ છે. કૃષિના ક્ષેત્રે તેઓ 2.5-3% થી આગળ નથી વધી શકતા અને ગુજરાત 10% થી નીચે નથી આવતું. એટલે કે કોઈ મેળ જ નથી… મેં આજે આ બધા જ વિષયો તેમની સામે મૂક્યા. મેં કહ્યું કે જરા તો વિચારો આપ, દેશનો નૌજુવાન, હિંદુસ્તાનના 65% લોકો 35 થી ઓછી આયુના છે. હિંદુસ્તાનની વસ્તીના 65% નું 35 વર્ષથી ઓછી ઉંમરનું હોવું, એનો અર્થ એ કે ભારત યુવા શક્તિથી ભર્યું પડ્યું છે. પરંતુ આ યુવા શક્તિને રાષ્ટ્ર નિર્માણમાં જોડવા માટે નથી આપની પાસે કોઈ વિચાર, નથી કોઈ સપનું, નથી કોઈ યોજના કે નથી આપની કોઈ રાજકીય ઇચ્છાશક્તિ. ભાઈઓ-બહેનો, આપ કલ્પના કરી શકો છો કે કેવી સ્થિતિમાં આજે આ નેતૃત્વ દેશને ચલાવી રહેલ છે.
ભાઈઓ-બહેનો, આજે દેશમાં સહેજ પણ જો આશા ઊભી થઈ રહી હોય, તો કેટલાંક રાજ્યોના પરિશ્રમને કારણે થઈ રહી છે. થોડી પણ જો આશા દેખાઈ રહી હોય, તો કેટલાંક રાજ્યોના પરિશ્રમને કારણે દેખાઈ રહી છે. ઇંદિરા ગાંધીના સમયથી એક કાર્યક્રમ ચાલતો હતો, 20 મુદ્દાનો કાર્યક્રમ, ગરીબોના ભલાં માટે ચાલતો હતો. જેટલી પણ સરકારો આવી તે બધી જ સરકારોએ તેને ચાલુ રાખેલ. અટલજીના સમયમાં પણ ચાલુ રાખવામાં આવેલ, ત્યારબાદ પણ ચાલુ રહેલ. અને તેનો દર છ મહિને રિવ્યૂ બહાર પડતો હતો. અને છેલ્લાં દસ વર્ષમાં ગરીબોની ભલાઈ માટેના 20 મુદ્દાના કાર્યક્રમના અમલીકરણમાં દરેક વખતે પહેલો નંબર ગુજરાતનો આવેલ છે. અને એટલું જ નહીં, પહેલા પાંચમાં કૉંગ્રેસનું એક પણ રાજ્ય નહીં. એટલું જ નહીં, પહેલા પાંચમાં યૂ.પી.એ. નું પણ કોઈ રાજ્ય નહીં. અને મેં એક વર્ષ પહેલાં એક મીટિંગમાં જ્યારે કહ્યું કે આપની આ હાલત છે, આપનું કોઈ રાજ્ય પરફોર્મ નથી કરી રહ્યું, તો ભારત સરકારે શું કર્યું કે પોતાનાં રાજ્યોને પરફોર્મન્સ કરીને મોદીથી આગળ નીકળી જવા માટે પ્રેરિત કરવાને બદલે તેમણે નિર્ણય કર્યો કે હવેથી ભારત સરકાર જે પ્રત્યેક છ મહિને રિપોર્ટ બહાર પાડે છે, તે બંધ કરી દેવામાં આવશે, કારણકે તેમની આબરૂ જતી હતી..! એટલે કે તેઓ એવા રસ્તા શોધે છે જે દેશને ખાડામાં લઈ જઈ રહ્યા છે. સારું કરવું, સારું વિચારવું, આગળ વધવું, એવી કોઈ જ અપેક્ષા આજે વર્તમાન કૉંગ્રેસ પાર્ટીના નેતૃત્વ પાસેથી કરવી મુશ્કેલ છે.
ભાઈઓ-બહેનો, ગુજરાતે વચન આપ્યું છે, વિકાસની નવી ઊંચાઈઓ પર જવું અને વિશ્વની સમૃદ્ધ શક્તિઓ જે છે તેમની બરોબરી કરવાનાં સ્વપ્નને લઈને ગુજરાત આગળ ધપી રહ્યું છે. મિત્રો, જો મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ચીન પોતાનું વર્ચસ્વ સાબીત કરી રહ્યું હોય, તો ગુજરાત કેમ ન કરી શકે, આ વિચાર સાથે અમે આગળ વધી રહ્યા છીએ.
ભાઈઓ-બહેનો, આપે સ્વાગત કર્યું, સન્માન આપ્યું, સ્વયં આપણા રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી પણ આ કામ માટે આવ્યા, હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું, ખૂબ ખૂબ ધન્યવાદ વ્યક્ત કરું છું..!