લંડન-વેમ્બલીમાં “ અમે ગુજરાતી ” બિઝનેસ-કલ્ચરલ ઇવેન્ટ - ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનો પ્રેરક વિડિયો સંદેશ
વતન અને સમાજનું ઋણ ચૂકવવાની કોઇ તક જતી ના કરીએ
“ અમે ગુજરાતી ” કહેતાની સાથે સ્વાભિમાનથી છાતી ગજ ગજ ફૂલે
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ બ્રિટનના લંડનમાં વેમ્બલી સ્ટેડિયમ ખાતે યોજાનારી “અમે ગુજરાતી” બિઝનેસ-કલ્ચરલ ઇવેન્ટની સફળતા માટે વિડિયો-સંદેશથી શુભેચ્છા પાઠવતાં જણાવ્યું છે કે અમે ગુજરાતી-કહેતાં આપણી છાતી સ્વાભિમાનથી ગજ ગજ ફૂલે એવી ઉંચાઇ ઉપર ગુજરાતને લઇ જઇ રહયા છીએ.શ્રી નરેન્દ્રભાઇ મોદીનો અક્ષરશઃ વિડીયો સંદેશ આ પ્રમાણે છે.
લંડનના વેમ્બ્લી સ્ટેડિયમમાં તા.ર૭ અને ર૮ જુલાઇએ “અમે ગુજરાતી” ના મિલન સમારંભને મારી ખૂબખૂબ શુભકામનાઓ પાઠવું છું.
આપણે જયારે કહીએ કે, અમે ગુજરાતી, અમે ગુજરાતી એટલે કોણ? અમે ગુજરાતીનો અર્થ જ એ છે કે જે સર્વ સમાવેશક હોય, જે સાહસિક હોય. ગુજરાતની ધરતી પરથી સદીઓ પહેલાં, ગુજરાતીઓ વિશ્વવાટે નીકળી પડયા. દુનિયામાં જયાં પહોંચી શકાય ત્યાં ગુજરાતીઓ પહોંચ્યા. એ માત્ર ધંધા-રોજગારની ખોજમાં જતા હતા એવું નહીં, સાહસ તો એના સ્વભાવમાં છે. અમે ગુજરાતી કહીએ એનો અર્થ જ એ કે આપણી રગોમાં, વ્યવસાય, વ્યાપાર, સાહસ, સદભાવ, આ બધાંય ગુણો વહેતા હોય છે. ગુજરાતીઓની વિશેષતા છે કે પોતાપણાને છોડે નહીં. આજે પણ દુનિયામાં કોઇપણ ગુજરાતી પરિવારમાં જાઓ એટલે ગોળવાળી દાળ ખાવા મળે જ અને એવી મીઠાશનો પણ અનુભવ થાય. હિન્દુસ્તાનના અન્ય રાજયોના લોકો, જયારે વિદેશ જતા હોય છે ત્યારે, ગુજરાતીઓના ઘરોમાં રહેવાનું પસંદ કરતા હોય છે. કારણ એમને ત્યાં વર્ષો પછી પણ, પોતાના દેશની અનુભુતિ થાય છે, ગુજરાતની અનુભૂતિ થાય છે. એ ગુજરાતીઓની વિશેષતા છે.
દૂધમાં સાકર ભળી જાય એમ વિશ્વના કોઇપણ દેશમાં આપણે જઇએ તો ગુજરાતી ભળી જ ગયો હોય. કયાંય એને ત્યાં ખટરાગ ન હોય. કોઇની સાથે કલેશ ન હોય. તનાવ ન હોય, કોઇ સમાજને ગુજરાતી ન ગમતો હોય એવું બને નહિં.
હા, ગુજરાતીઓ ત્યાંના જાહેર જીવનમાં કયારેય ડખલ કરવાનું પસંદ ન કરે, એની રાજકીય પ્રવૃત્તિમાં પણ પોતે કયારેય અટકચાળો ન કરે, એ ગુજરાતીઓની વિશેષતા છે.
આપણે ત્યાં કહેવાય છે કે વેપારી બુધ્ધિનો માણસ છે. વેપારી બુધ્ધિનો માણસ એટલે અત્યંત વ્યવહારૂ માણસ. એનામાં કુશળતા પણ હોય અને કુશાગ્રતા પણ હોય, આ કુશળતા, કુશાગ્રતા અને કર્મઠતા એ ત્રણેય ગુજરાતીઓ સાથે લઇને વિચરતા હોય છે. અને પરિણામે એની કઠોર પરિશ્રમ કરવાની જે માનસિકતા છે એ પથ્થરમાં પાટુ મારીને પણ જીવનનો રસ્તો શોધી કાઢતા હોય છે. ગુજરાતીની આ શકિતની આજે વિશ્વમાં ચર્ચા ચાલી છે.
દેશ આઝાદ થાય પછી જે તરત જ જે થવું જોઇતું હતું એ ન થયું લોકો નિરાશ થઇ ગયા હતા. આપણે એ કરવા માટેની મથામણ આદરી છે. સામાન્ય માનવીને ભરોસો બેઠો છે કે ગુજરાત સાચા રસ્તે છે અને સાચા રસ્તે હોવાનો જ અમારો દાવો છે. મંજીલ ઉપર પહોંચી ગયા છીએ એવો દાવો અમે કયારેય કર્યો નથી અમને એટલો વિશ્વાસ છે કે અમે ગુજરાતને નવી ઉંચાઇઓ પર લઇ જવાની જે અમારી મંજીલ છે એ મંજીલે પહોંચીશું અને પહોંચીશું. એનું કારણ-અમારો રસ્તો સિધ્ધ થઇ ચુકયો છે. ગયા એક દાયકાનો અનુભવ કહે છે “એષઃપંથાઃ અને એ રસ્તો છે વિકાસનો. એ રસ્તો છે સર્વાંગી વિકાસનો, એ રસ્તો છે સર્વ સમાવેશક વિકાસનો. સમાજનો કોઇપણ તબકકો પાછળ ન રહી જાય, ગરીબમાં ગરીબ ગરીબનું કલ્યાણ થાય, કોઇ વિસ્તાર અવિકસીત ન રહી જાય, સૌને લાભ થાય, શિક્ષણ સૌને મળે, આવાસ સૌને મળે, આરોગ્ય સૌને મળે, રોજગાર મળે. આખરે આઝાદી માટે જે લોકોએ બલિદાનો આપ્યા, મહાત્મા ગાંધી અને સરદાર પટેલે આપણને જે રસ્તો બતાવ્યો એ રસ્તો છેવાડાના માનવીનું ભલું કરવા માટેનો છે, પણ એના માટે વિકાસ જરૂરી છે.
વિકાસની નવી ઉંચાઇઓ પાર કરવી જરૂરી છે અને આપણે કરી રહયા છીએ. આપ સૌને મારી વિનંતી છે કે, આપ જયાં છો ત્યાંથી આપનો અનુભવ, આપની બુધ્ધિ, આપની શકિત, માનવ કલ્યાણના કામ માટે વાપરીએ. “વસુધૈવ કુટુમ્બકમ્” ની ભાવનાને વરેલા આપણે લોકો છીએ. આપણા સામાજનું પણ આપણા ઉપર ઋણ છે, અને આપણા વતનનું પણ આપણી ઉપર ઋણ છે. એ ઋણ ચુકવવાની કોઇ તક જતી ન કરીએ. “અમે ગુજરાતી” એમ કહેતાની સાથે છાતી ગજગજ ફુલે છે.
આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. જય જય ગરવી ગુજરાત.