સ્પેશિયલ ઓલિમ્પીકસ ભારતની, ગુજરાત ચેપ્ટરના ઉપક્રમે રાજ્યના ખૂણે-ખૂણેથી મંદબુધ્ધિના પરંતુ રમતગમતોમાં પ્રતિભાસંપન્ન એવા ૮ વર્ષથી ઉપરના બાળકોને ખાસ કોચ દ્વારા ખેલકૂદનું વિશેષ પ્રશિક્ષણ આપવામાં આવે છે. સને ર૦૧૦ સુધીમાં મંદબુધ્ધિના રમત-ગમતમાં સુષુપ્ત શકિત ધરાવતા ૮૪પ૬ર એથ્લેટ્સની પ્રતિભા શોધ કરીને તેનું રજીસ્ટ્રેશન કરેલું છે અને પર૩ર કોચ તથા ૪૪૧ ટ્રેઇનર્સ ઉપરાંત ૧૯૮૩૧ સ્વયંસેવકો અને ૧૬૪૦૦ કુટુંબો મંદબુધ્ધિના બાળકોને રમત ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા અવિરત પ્રયાસ કરતા રહ્યા છે તેમને પણ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ હાર્દિક અભિનંદન આપ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાને આજે સવારે સંવેદનાસભર વાતાવરણમાં ગુજરાતના આ ૧૧ યશસ્વી બાળકો જેમાં ૭ કન્યાઓ પણ ઉપસ્થિત હતી તેની સાથે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સંવાદ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રી સાથે સમૂહ તસ્વીર પડાવવા આ મંદબુધ્ધિના એથલેટ્સમાં ભાવવિભોર અનુભૂતિ જોવા મળી હતી.
સ્પેશિયલ ઓલિમ્પીકસ ગુજરાત ચેપ્ટરના અધ્યક્ષ રાકેશ શાહે એથેન્સ-ગ્રીસમાં તા. રપ જૂનથી ૪ જુલાઇ સુધી યોજાયેલ મંદબુધ્ધિના રમતવીરોના આ સ્પેશિયલ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પીકસમાં ૧૮૪ જેટલા રમતવીર બાળકોએ ભારતભરમાંથી ભાગ લીધો તેની રૂપરેખા આપી હતી. દુનિયાના ૧૮૦ દેશોના ૭પ૦૦ જેટલા રમતવીરોની સ્પર્ધામાં ગુજરાતના ૧૧ વિકલાંગ બાળકોએ ગોલ્ડન અને સિલ્વર મેડલો જીત્યા હતા જે હોંશેહોશે આજે આ વિજેતા બાળકોએ મુખ્યમંત્રીશ્રીને બતાવ્યા હતા.
શ્રી રાકેશ શાહ જેઓ ધારાસભ્ય પણ છે તેમણે જણાવ્યું હતું કે એરમાર્શલ ડી. કીલોર (D. KEELOR) ચેરમેન ઓફ સ્પેશિયલ ઓલિમ્પીકર્સે અને એશિયા સ્પેસિફિક એમ. ડી. ડેવીડ રૂથરફોર્ડે ગુજરાત જેવા રાજ્એ સ્પેશિયલ ઓલિમ્પીકસ માટે જે વિકલાંગ રમતવીરોના પ્રતિભા શોધ, પ્રશિક્ષણ તથા સ્પર્ધાઓનું વ્યવસ્થાપન કર્યું છે તેને એક રોલ મોડેલ ગણાવ્યું હતું.