૧૫ ઑગસ્ટ, ૨૦૧૨
અમદાવાદ
આજે એક એવા પ્રોજેક્ટનું આપણે લોકાર્પણ કરી રહ્યા છીએ જેના કારણે ઘણા બધા ડૉક્ટરોની દુકાન બંધ થઈ શકે એવું કામ આજે આપણે અમદાવાદને આપી રહ્યા છીએ. આ રિવરફ્રન્ટ શહેરની પણ તબિયત સુધારશે અને નાગરિકોની પણ તબિયત સુધારશે. મિત્રો, હજુ તો આ પહેલો કાર્યક્રમ છે રિવરફ્રન્ટમાં લોકાર્પણનો, ‘વૉક-વે’ નું લોકાર્પણ છે. અને એનું લોકાર્પણ થાય એ પહેલાં જ અડધો ડઝન કરતાં વધારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવૉર્ડ આ પ્રોજેક્ટ જીતી ગયું છે. જે લોકો ગુજરાતને બદનામ કરવા ટેવાયેલા છે, દિવસ-રાત એક જ કામ... આજના કાર્યક્રમ વિશે પણ તમે વાંચ્યું હશે, કેવી ગંદકી વાપરી છે એ તમે જોયું હશે..!
ભાઈઓ-બહેનો, બે પ્રોજેક્ટની હું ચર્ચા કરવા માંગું છું. નર્મદા યોજના માટે વર્લ્ડ બેંક પાસેથી આપણે પૈસા માંગેલા. અને વર્લ્ડ બેંકે એમ કહીને નર્મદા યોજનાને પૈસા આપવાની ના પાડી હતી કે આ પ્રોજેક્ટ ઍન્વાયરમૅન્ટ ફ્રેન્ડલી નથી, એના કારણે ઍન્વાયરમૅન્ટને નુકસાન થશે. આપણા વિરોધીઓએ, ગુજરાત વિરોધીઓએ જે કાગારોળ મચાવી, રોજ સવારે પત્રો લખવા એના કારણે વર્લ્ડ બેંકે આ પ્રકારનું પગલું લીધું. એ વખતે મેં નિર્ણય કર્યો હતો કે વર્લ્ડ બેંકની ઐસી કી તૈસી..! ગુજરાત એના બલબૂતા પર કરી બતાવશે. પરંતુ મારે વર્લ્ડ બેંકને જવાબ આપવો હતો. એમને સમજાવવું હતું કે અમે હિંદુસ્તાનના લોકો પર્યાવરણની કેટલી ચિંતા કરતા હોઈએ છીએ, માનવતાની કેટલી ચિંતા કરતા હોઈએ છીએ, અને અમારી શરતો પર તમને ઝુકાવીશું. નિવેદન નહોતું કર્યું, નિર્ધાર કર્યો હતો..! અને જ્યારે ગુજરાતમાં ભૂકંપ આવ્યો, ભૂકંપ પછી પુનર્નિર્માણનું જે કામ થયું, એ પુનર્નિર્માણના કામને, ભૂકંપ પછી અહીંયાં જે નવાં મકાનોની રચના કરી એના અંગે પર્યાવરણનો, ઍન્વાયરમૅન્ટનો વર્લ્ડ બેંકનો મોટામાં મોટો ‘ગ્રીન એવૉર્ડ’ ગુજરાત લઈ આવ્યું, મિત્રો..! ‘ગ્રીન મૂવમૅન્ટ’ કોને કહેવાય, ઍન્વાયરમૅન્ટ કોને કહેવાય એ વર્લ્ડ બેંકને પણ આપણે સમજાવી દીધું.
અહીંયાં જ્યારે આ નદી ઉપર હજારોની સંખ્યામાં ઝૂંપડપટ્ટી થઈ ગઈ હતી, કબજો થઈ ગયો હતો, અનેક પ્રકારની કાયદેસર-ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો અડ્ડો બની ગયો હતો. અને રિવરફ્રન્ટ કરવો હોય તો એમનું પુનર્વસન પણ કરવું પડે. ચૂપચાપ બધાના સર્વે કરી લીધા, બધી જ વિગતો એકત્ર કરી લીધી. અમારા કૉંગ્રેસના મિત્રો હવનમાં હાડકાં નાખવા માટે એક પણ માર્ગ જતો નથી કરતા. ખાલી મીડિયાનો ઉપયોગ કરે છે એવું નહીં, કોર્ટ-કચેરીમાં જઈને પણ આ ઉત્તમમાં ઉત્તમ કામોને અટકાવવા માટે એમણે કોઈ તક છોડી નથી મિત્રો, કોઈ તક છોડી નથી..! આ રિવરફ્રન્ટ ન બને એના માટે ડઝનો વખત સ્ટે લાવવા માટે કોર્ટમાં ગયા છે. એટલું જ નહીં, આ મકાનો આપવાનાં હતાં એમાં પણ તોફાન ઊભું કર્યું કે આ છોકરો હવે મોટો થઈ ગયો છે એને જુદું મકાન આપો, આને આમ આપો, આને તેમ આપો... હજારો મકાનો બનાવ્યાં તેની સામે હોબાળો કરી મૂક્યો. કોર્ટમાં ત્યાં સુધી અરજી કરી કે આ મકાનો એવાં છે કે કોઈ રહેવા જ ન જઈ શકે. ઝૂંપડપટ્ટીમાં જીંદગી જીવનારા લોકોને ફ્લૅટ આપવાનો આપણે નિર્ણય કર્યો, ફ્લૅટ બનાવ્યા, તેમ છતાં કોર્ટ-કચેરીઓ કરી..! ભાઈઓ-બહેનો, આ જ કૉંગ્રેસ ગવર્નમેન્ટ દિલ્હીમાં બેઠી છે. અહિંયાં કૉંગ્રેસના લોકો કોર્ટ-કચેરીઓ કરીને, સ્ટે લાવીને આખા પ્રોજેક્ટને અટકાવવા માટે પ્રયત્ન કરે અને એ જ દિલ્હીની કૉંગ્રેસ સરકારની ‘હુડકો’ નામની એજન્સી ઉત્તમ કામગીરી માટે એવૉર્ડ આપે..! હાઉસિંગની ઉત્તમ કામગીરી કરી, પુનર્વસનનું ઉત્તમ કામ કર્યું, ગરીબ ઝૂંપડપટ્ટીના લોકોને સારામાં સારાં ઘર આપ્યાં એના માટે ‘હુડકો’ એ આપણને એવૉર્ડ આપ્યો..!
ભાઈઓ-બહેનો, આ કૉંગ્રેસના ચરિત્રને ઓળખવાની જરૂર છે. આ દેશ ગરીબ કેમ રહ્યો છે એનું મૂળ કૉંગ્રેસની માનસિકતા છે, કૉંગ્રેસનું ગરીબ મન છે. આજે સવારે હું પ્રધાનમંત્રીનું ભાષણ સાંભળતો હતો. રોજ કોઈ બોલતું હોય તો સાંભળવાની બહુ ઇચ્છા ન થાય, પણ બાર મહિનામાં માંડ એક વાર સાંભળવા મળતું હોય તો મન થાય કે ભાઈ, આપણે સાંભળીએ તો ખરા, પ્રધાનમંત્રી બોલે છે..? મારે માટે પ્રધાનમંત્રી મૌન ખોલે એ મોટી ઘટના હતી. એટલે હું જૂનાગઢમાં હતો, સવારે ખાસ ટીવી ચાલુ કરીને મેં એમને સાંભળ્યા. વાંચતા હતા એ...! અને એ પાછું હિંદીમાં લખેલું નહોતું, ગુરુમુખી ભાષામાં લખેલું હતું અને હિંદીમાં વાંચતા હતા..! કારણકે હું બરાબર જોતો હતો, એમણે એક પાનું ફેરવ્યું એટલે મને ખબર પડી કે આ પાછળની બાજુથી જે વાંચે છે એનો અર્થ એ કે ભાષા હિંદી નથી. હિંદી હોય તો આપણે આમથી આમ જઈએ (જમણેથી ડાબે), આમથી આમ (ડાબેથી જમણે) તો... ઉર્દૂ હોય તો આમ જઈએ, ગુરુમુખી હોય તો આમ જઈએ... હશે, આપણને ખબર તો પડી જ જાય બધી..! મિત્રો, કૉંગ્રેસ પાર્ટીના નેતા છે ડૉ. મનમોહનસિંહજી, યુપીએ સરકારે એમને પ્રધાનમંત્રી પદે બિરાજમાન કર્યા છે... એ એમના ભાષણમાં એમ કહે છે કે આપણા દેશમાં રોજગારી વધે એના માટે ઉદ્યોગો લાવવાની જરૂર છે, વિદેશમાંથી મૂડીરોકાણ કરવાની આવશ્યકતા છે, આ દેશમાં માળખાકીય સુવિધાઓ વધારવાની આવશ્યકતા છે... આ બધું ડૉ. મનમોહનસિંહજી આજે સવારે બોલ્યા છે. હજીયે ટીવી પર ચાલતું હશે, વચ્ચે વચ્ચે ટુકડા આવતા હશે. આ જ કૉંગ્રેસના પાર્ટીના નેતા મનમોહનસિંહજી દિલ્હીમાંથી એક ભાષણ કરે છે અને એમના જ ચેલા-ચપાટાઓ જે અહીં ગુજરાતમાં બેઠા છે, કૉંગ્રેસના મિત્રો, એ જાહેરાત આપે છે. એ જાહેરાત જોવા જેવી છે, તદ્દન મનમોહનસિંહજીની વિરુદ્ધમાં, આખી કૉંગ્રેસની જાહેરાત મનમોહનસિંહજીની વિરુદ્ધમાં છે..! મનમોહનસિંહજી એમ કહે કે કારખાનાં આવવાં જોઈએ, વિકાસ થવો જોઈએ, ઊર્જાનું ઉત્પાદન થવું જોઈએ, આવું બધું કહે, ત્યારે ગુજરાત કૉંગ્રેસની ટીવી પરની જાહેરાત એમ કહે છે કે અમારે રોડ નથી જોઈતા, અમારે કારખાનાં નથી જોઈતાં, અમારે તો અડધો રોટલો મળે તો ચાલે... જોઈ’તી ને જાહેરાત..? મિત્રો, તમે મને કહો, આ કૉંગ્રેસ તમને અઢારમી શતાબ્દીમાં લઈ જવા માંગે છે, તમારે અઢારમી સદીમાં જવું છે..? આવી દરિદ્ર માનસિકતાવાળી જાહેરાતો લઈને કૉંગ્રેસ આવે કે અમારે રોડ નથી જોઈતા, બોલો... અમારે કારખાનાં નથી જોઈતાં, અમારે વીજળી નથી જોઈતી, અમારે છોકરાંઓને ભણવા માટે કૉલેજો નથી જોઈતી, યુનિવર્સિટીઓ નથી જોઈતી... બસ, અડધો રોટલો આપો એટલે પૂરું..! આ સાંઇઠ વરસ સુધી એ જ આપ્યું છે આમણે..! હું કૉંગ્રેસના જાહેરાતના જે ઇન્ચાર્જ હશે ને એમને અભિનંદન આપું છું કે તમારું પોત તો ખબર પડી..! તમે આનાથી લાંબું વિચારી શકો એમ નથી. અને આ દેશના ગરીબ લોકોને મોંઘવારીથી બચાવીને રોજીરોટી આપવાની જવાબદારી દિલ્હી સરકાર તમારી છે. તમે આ મોંઘવારી ઘટાડતા નથી. તમે સો દિવસમાં મોંઘવારી હટાવવાનું કહીને ગયા હતા, આજે પણ ગુજરાતનો ગરીબ માનવી, હિંદુસ્તાનનો ગરીબ માનવી આ દિલ્હીની સલ્તનતને પૂછે છે કે તમે મોંઘવારી ઘટાડવાનું કહ્યું હતું, થયું શું, એનો જવાબ આપો..! ભાઈઓ-બહેનો, નહીં આપી શકે.
ભાઈઓ-બહેનો, આજે આ અમદાવાદ નગરીને આંગણે રિવરફ્રન્ટની રચના થઈ છે. એનું પહેલું પગથિયું, એનો વૉક-વે આજે ખુલ્લો મૂક્યો છે. હું ઇચ્છું કે સમાજના સૌ લોકો એમની તંદુરસ્તી માટે એનો ઉપયોગ કરે. પણ સાથે-સાથે, જેમ કાંકરીયામાં જેમ અમદાવાદના નાગરિકોએ, ગુજરાતના નાગરિકોએ મારી વિનંતીને માન આપ્યું હતું. એમને મેં કહ્યું હતું કે કાંકરીયાની સ્વચ્છતાને કોઈ આંચ ન આવે, કાંકરીયાની એકપણ વસ્તુ તૂટવી ન જોઈએ. ભાઈઓ-બહેનો, નવું કાંકરીયા બનાવે આજે લગભગ પાંચ વર્ષ થયાં, આ અમદાવાદના નાગરિકોએ એકપણ વસ્તુને તૂટવા નથી દીધી, ક્યાંય કચરાનું નામોનિશાન નથી..! ભાઈઓ, આ રિવરફ્રન્ટને પણ એવું જ, આપણે આપણા ઘર કરતાં પણ ચોખ્ખું રાખવું છે, આપણા ઘર કરતાં પણ વધારે સાફ-સૂથરું રાખવું છે. અને એકવાર જો નાગરિકો નક્કી કરે ને કે અમારે ચોખ્ખું રાખવું છે તો આ કૉર્પોરેશનની તાકાત નથી કે એને ગંદું કરી શકે..! આ કૉર્પોરેશન ગંદું ન કરી શકે એ હું તમને વિશ્વાસ આપું છું. જો આ શહેરના નાગરિકો, આ રાજ્યના નાગરિકો નક્કી કરે કે આને અમારે સ્વચ્છ રાખવું છે, કોઈ ચીજની અમારે તોડફોડ નથી થવા દેવી..! આપણા શહેરની અમાનત છે, મિત્રો. અને આ રિવરફ્રન્ટનું લોકાર્પણ કદાચ થતું હશે અમદાવાદની ધરતી ઉપર, પણ હકીકતમાં આ રિવરફ્રન્ટનું લોકાર્પણ હિંદુસ્તાનને થઈ રહ્યું છે. કારણ આખા હિંદુસ્તાનમાં આ પહેલો એવો પ્રોજેક્ટ છે કે જેની આપણે શરૂઆત કરી છે. આખા દેશમાં ક્યાંય નથી, મિત્રો..! હજુ આવનારા દિવસમાં આપણે એવી બસ લાવવાના છીએ કે જેને ઉપરની બસમાં ન જવું હોય, એક છેડેથી બીજા છેડે આ પાણીમાં ચાલનારી બસમાં જાય..! ટ્રાન્સ્પૉર્ટેશનનાં જેટલાં પણ સાધનો ઊભાં થઈ શકે, આપણે ઊભાં કરવાનાં છે. મેં યંગ મિત્રોને આકર્ષિત કરવા માટે એકવાર અસિતભાઈને કહ્યું હતું કે આપણે ‘ફેસબુક ફોટોગ્રાફી કૉમ્પિટિશન’ કરીએ. અને મેં જોયું કે ‘ફેસબુક ફોટોગ્રાફી’ માં કેટલા બધા જવાનીયાઓ ભાગ લઈ રહ્યા છે. અને એમની ‘ફેસબુક ફોટોગ્રાફી’ એટલી બધી રિ-ટ્વીટ થઈ રહી છે, એટલી વ્યાપક એની પબ્લિસિટી થઈ રહી છે..! આજે દુનિયામાં કોઈ એક પ્રોજેક્ટને સોશિયલ મીડિયામાં સૌથી વધારે જોવાતો હોય તો એ આ રિવરફ્રન્ટ છે. મેં આજે એમને કહ્યું છે કે દર અઠવાડિયાંનો ફેસબુકનો સ્પર્ધામાં જે ઉત્તમ ફોટો આવે એને અહિંયાં પ્રદર્શનમાં મૂકો, પછી જે દર મહિનાનો ઉત્તમ આવે એને પ્રદર્શનમાં મૂકો અને આખા વર્ષમાં જે બેસ્ટ ફોટો પુરવાર થાય એને મોંઘામાં મોંઘી કાર આપવાનું ઇનામ છે, સાડા છ લાખ રૂપિયાની કાર એને મળવાની છે..! મોબાઈલથી ફોટા પાડો, ફોટા પ્રિન્ટ કરીને મોકલવાની જરૂર નથી, સસ્તામાં સસ્તું... બસ, ફોટો પાડો અને મેઇલ કરો..! તમારા મિત્રો જુવે, લાઇક કરે, આગળ મોકલે... ચારે તરફ ચાલે ફેસબુકનું નેટવર્ક. રિવરફ્રન્ટ આખી દુનિયામાં નંબર એક પર આવી શકે એવી તાકાત ધરાવે છે. અમદાવાદના જવાનીયાઓ લાગી પડે..!
ભાઈઓ-બહેનો, આ પ્રકારની વ્યવસ્થાઓ શહેરની તાજગી આપતી હોય છે, શહેરમાં એક નવી પ્રાણશક્તિ પૂરતી હોય છે. આ અરબો-ખરબો રૂપિયાનો જે ખર્ચ કર્યો છે એ આ શહેરની જનતા માટે છે, આ નૌજવાનો માટે છે, ભાવી પેઢી માટે છે. મિત્રો, માનસિક દરિદ્રતામાંથી આ ગુજરાતને બહાર લાવવાનું એક ભગીરથ કામ આપણે કર્યું છે, એના ભાગરૂપે આ કર્યું છે. અને આજે રિવરફ્રન્ટના કામ માટે એના આર્કિટેક્ચર, એના ડિઝાઇનર... કારણકે દેશમાં પહેલી વાર બનતું હતું, એટલે બધી જ વસ્તુઓ નવેસરથી કરવાની હતી. એ આ નવેસરથી કરેલા બધા જ પ્રયોગોમાં આપણે સફળતાપૂર્વક પાર ઊતર્યા છીએ ત્યારે આજે પંદરમી ઑગસ્ટે આઝાદીના પર્વની પણ શુભકામનાઓ અને આ નવા નજરાણાની પણ આપને શુભકામનાઓ. મારી સાથે બોલશો...
ભારત માતા કી જય...!!
છેક પેલા પુલ સુધી લોકો છે, અવાજ ત્યાં સુધી પહોંચવો જોઈએ...
ભારત માતા કી જય...!!