પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવતા નરેન્દ્રભાઈ મોદી
રાષ્ટ્રીય પર્વની વિકાસ પર્વ તરીકે ઉજવણીમાં જનભાગીદારીને બિરદાવતા મુખ્ય મંત્રીશ્રી
લોકશાહીમાં નાગરિકના અધિકારો અને ફરજો-કર્તવ્ય એકબીજાના પૂરક પોષક મતદાતા ભારતનો સાચો ભાગ્ય વિધાતા
અરવલ્લી જિલ્લો : 1,4ર1 વિકાસ કામો : રૂા. 1,07પ કરોડના કામોનું વિકાસ પર્વ
કુલ રૂા. બે કરોડની વિકાસ ગ્રાન્ટ આપતા મુખ્ય મંત્રીશ્રી
ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્ર્ભાઇ મોદીએ 6પમા પ્રજાસત્તાક પર્વની સાબરકાંઠાની રાજ્ય કક્ષાની ઉજવણીમાં સહભાગી બનેલા નવરચિત અરવલ્લી જિલ્લાએ રાષ્ટ્રીય પર્વને વિકાસ પર્વ તરીકે ઉજવવામાં કરેલી જનભાગીદારીને લોકશાહીની સાચી શક્તિ્ ગણાવી હતી.
ગુજરાતના વિકાસમાં જનભાગીદારીએ જોડાઇને વિકાસની નવી ઊંચાઇ પાર કરી છે એમ મોડાસાના જિલ્લા મથકે અરવલ્લી ઉત્સવમાં ઉપસ્થિત વિશાળ જનતાનું અભિવાદન કરતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
અરવલ્લી જિલ્લામાં આદિવાસી કુટુંબોને નડેલી ગોઝારી માર્ગ દુર્ઘટનામાં થયેલા કમનસીબ મૃત્યુને કારણે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અરવલ્લી ઉત્સવનું ઉદ્દઘાટન કર્યું નહોતું અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ ભાગ લીધો નહોતો.
અરવલ્લી જિલ્લામાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે યોજાયેલા વિકાસ ઉત્સવમાં મંત્રીશ્રીઓના હસ્તે્ 7પ7 જેટલા લોકાર્પણ, 6પ9 જેટલા ખાતમુહૂર્તો અને જાહેરાતોના મળી કુલ 1,4ર1 વિકાસકામો સંપન્ન થયા જેની પાછળ 1,07પ કરોડ રૂપિયાનું બજેટ વાપરવામાં આવ્યું તેને અભૂતપૂર્વ વિકાસની યાત્રા ગણાવતાં મુખ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું કે, પ્રમાણિકતા, નિષ્ઠા અને જનહિતના ઉદ્દેશથી સુશાસનની પ્રતીતિ થાય તો જનતાનો વિશ્વાસ જળવાય છે અને વિકાસયાત્રામાં જનશક્તિ જોડાય છે. ગુજરાતમાં 6 કરોડ ગુજરાતીઓએ વિકાસયાત્રામાં જોડાઇને લોકશાહીનો પાયો મજબૂત કર્યો છે, સાચા અર્થમાં લોકશાહી જીવી બતાવી છે, તેમ તેમણે જણાવ્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીના હસ્તે ડિઝીટલ ટેકનોલોજીથી અરવલ્લી જિલ્લા સેવાસદનના ભવન અને દહેગામ- ધનસુરા માર્ગ વિસ્તૃતિકરણના વિકાસ કામોનો પ્રારંભ થયો હતો અને નડીયાદ- કપડવંજ- મોડાસા માર્ગ આધુનિકરણનું લોકાર્પણ થયું હતું.