સાબરકાંઠા જિલ્લો ૬પમું પ્રજાસત્તાક પર્વ રાજ્યકક્ષાની ઉજવણી
હિંમતનગર ખાતે રાજ્યપાલશ્રી અને મુખ્ય મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં એટ હોમ કાર્યક્રમ યોજાયો
ગુજરાતની રાજ્યકક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી સાબરકાંઠા-અરવલ્લી જિલ્લામાં થઇ રહી છે ત્યારે પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ રાજ્યના રાજ્યપાલ ર્ડા. શ્રીમતી કમલાજીએ એટ હોમ કાર્યક્રમ દ્વારા સાબરકાંઠા જિલ્લાના અગ્રણી મહાનુભાવો અને નાગરિકોને મળી પરસ્પર શુભેચ્છાની આપ-લે કરી હતી. તે વેળાએ મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્ય સચિવશ્રી ર્ડા. વરેશસિંહાએ ઉપસ્થિત રહી અગ્રણીઓ સાથે ૬પમા પ્રજાસત્તાક દિનની શુભેચ્છાની આપ-લે કરી હતી.
સાબરકાંઠા-અરવલ્લીની વિશેષ સંસ્કૃતિને અનુરૂપ રાજ્યપાલશ્રીનું મુખ્ય મંત્રીશ્રીએ સ્વાગત કર્યું હતું અને બંને મહાનુભાવોએ ૬પમા પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ અરસપરસ શુભેચ્છા પ્રદાન કરી હતી.
પોલીસ બેન્ડે રાષ્ટ્રગીત અને દેશભક્તિના ગીતોની સૂરાવલી રેલાવી વાતાવરણને સંગીતમય બનાવી દીધું હતું.
આ પ્રસંગે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી શ્રી રમણલાલ વોરા, જીલ્લા પ્રભારી અને કાયદા મંત્રી શ્રી પ્રદીપસિંહજી જાડેજા, હિંમતનગર સ્ટેટના રાજવી પરિવારના સભ્યો, મુખ્ય સચિવશ્રી ર્ડા. વરેશ સિંહા, ગૃહ અગ્ર સચિવ શ્રી એસ. કે. નંદા, જિલ્લાના પદાધિકારીઓ, રાજ્યના પોલીસ વડા શ્રી પી. સી. ઠાકુર સહિત વિવિધ વિભાગના સનદી અધિકારીઓ, જિલ્લાના અધિકારીઓ તેમજ હિંમતનગરના લબ્ધપ્રતિષ્ઠીત નાગરિકોએ ઉપસ્થિત રહી રાજ્યપાલશ્રી અને મુખ્ય મંત્રીશ્રીને પ્રજાસત્તાક પર્વ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી.