અમદાવાદ
તા. ૨૧/૧૨/૨૦૧૧
ઘણીવાર એક વિચાર મારા મનમાં આવે છે કે ભાઈ, એક વિષયમાં વેસ્ટર્ન વર્લ્ડ અને આપણા લોકોમાં ક્યાં ફરક જોવા મળે છે? દા.ત. હાઇજિન, પર્સનલ હાઇજિન અને સોશિયલ હાઇજિન. આપણે ત્યાં એવા સંસ્કાર છે અને એવી પરંપરાઓ રહી છે કે વ્યક્તિગત અને સ્વાસ્થ્ય બાબતમાં ખૂબ જાગરૂકતા આપણા સમાજ જીવનની અંદર રહેલી છે. અમુકને અડવાનું નહીં, અમુકને લેવાનું નહીં, જમતી વખતે આમ કરવાનું, આટલા બધા નિયમો ઘરની અંદર આપણે બધાએ જોયેલા છે. પાણીના ઉપયોગ બાબતમાં પણ નિયમો જોયેલા છે, વાસણોના ઉપયોગ બાબતમાં, દરેક ઘરમાં આ પ્રકારના નિયમો છે જ અને સદીઓથી આ પરંપરા વિકસેલી છે. સ્નાન કરવાનું, રેગ્યુલર કરવાનું... આ બધી જ બાબતોનો આગ્રહ, પર્સનલ હાઇજિન બાબતોમાં, આપણે ત્યાં બિલકુલ ગળથૂથીમાં છે. પણ સોશિયલ હાઈજિનની બાબતમાં? કચરો ગમે ત્યાં નાખવો, એમાં આપણે જાગરૂક નથી. જ્યારે વેસ્ટર્ન વર્લ્ડમાં? જરૂરી નથી કે ઑફિસે નાહીને જવું જોઇએ અને મોટાભાગે એ લોકો ત્યાં સાંજે આવીને સ્નાન કરે છે. આપણે ત્યાં સ્નાન, પૂજા-પાઠ કરીને કોઇ પવિત્ર કામ કરવા જવું હોય એમ કરીને તૈયાર થાય. હું અહીં કોઇ પશ્ચિમની ટીકા કરવા નથી આવ્યો, વાત સમજવા માટે ઉપયોગ કરી રહ્યો છું. પરંતુ સોશિયલ હાઈજિનમાં, બધા જ નિયમોનું પાલન કરે અને એના કારણે આ સ્વચ્છતા, અમુક બાબતો અને એની અંદરનાં નૉર્મ્સ આપણને શીખવા જેવાં લાગે. હવે જો આ જે બન્નેનું કૉમ્બિનેશન થાય તો પર્સનલ હાઇજિન અને સોશિયલ હાઇજિન બંનેની સુરક્ષા જળવાઇ રહે.
જેમ આ એક બાબત છે, એવી જ રીતે આ શિસ્તની બાબત છે. આપણે ત્યાં વ્યક્તિગત જીવનની અંદર ગમે તેટલી શિસ્ત હોય, પણ સમૂહની અંદર આપણે સાવ જુદા હોઈએ છીએ. હમણાં હું બે દિવસ પહેલાં સુરતમાં હતો, મારો સદભાવના મિશનનો કાર્યક્રમ ચાલતો હતો. ત્યાં સામે એક બીજો કાર્યક્રમ ચાલતો હતો. એમનો આ રિવાજ છે, આજે પણ કંઈક પૅરેલલ પુસ્તકનું ઉદ્ઘાટન થતું હશે... વિજય, તમને કહું છું. પણ કદાચ કોઇએ નહીં રાખ્યું હોય. ત્યાં એક મંત્રીશ્રીના જન્મદિવસની કંઈક ૪૭ કિલોની કેક હતી અને એની જે લૂંટાલૂંટના દ્રશ્ય જોયાં ટી.વી પર, તો મને એમ થયું કે અરે, આ જન્મદિવસની સાથે આવું? કારણ શું? જો સહેજ જાહેર શિસ્તનો અભાવ ન હોત તો એ દ્રશ્ય કેટલું ઉત્તમ હોત અને કેટલું ગૌરવપૂર્ણ હોત, પણ એ જ ઘટનાએ કેવી રીતે વિચિત્ર રૂપ ધારણ કરી લીધું. આપણે ત્યાં જ્યાં ધાર્મિક બાબતો હોય છે ત્યાંની વિશેષતા જુઓ. બહુ ઓછાં મંદિરો હશે કે જ્યાં ‘ચંપલ અહિંયાં ઉતારો’ એવું લખ્યું હશે, બહુ ઓછા મંદિરો હશે. જમાનો બદલાય એમ હવે લખવું પડે છે, જેમ આજથી ૫૦ વર્ષ પહેલાં, ‘ચોખ્ખા ઘીની દુકાન’ એવું બોર્ડ મેં તો નહોતું વાંચ્યું! ૫૦ વર્ષ પહેલા આપણે આવું નહોતું પણ આજે લખવું પડે છે, ‘ચોખ્ખા ઘીની દુકાન’, કારણકે બજારમાં બીજું અવેલેબલ છે. તો, ‘ચંપલ અહીં કાઢો’ એવું ક્યારેય લખવું પડતું નહોતું અને હવે સ્થિતિ બદલાણી છે. એ જે હતું એનું કારણ, સંસ્કાર. કોઇ નૉર્મ્સ લખ્યા નહોતા. આપ વિચાર કરો કે આપણે ત્યાં કુંભનો મેળો થાય છે, એ કુંભના મેળામાં દરરોજ ગંગાના કિનારે એક આખું ઑસ્ટ્રેલિયા ભેગું થાય છે, આપ વિચાર કરો..! અને છતાં પણ કોઇ એવી મોટી કેઑટિક ઘટનાઓ આપણા કાને નથી આવતી. અને એના મૂળમાં પેલું જે ધર્મ-તત્વ પડ્યું છે, જે કંઈક એને દોરે છે, જે કંઈક એને બાંધે છે, એને ક્યાંક જોડે છે અને એના કારણે એ સમગ્ર વ્યવસ્થામાં વ્યવસ્થાપકો માત્ર કૅટલિક એજન્ટ હોય છે, સમાજ પોતે જ વ્યવસ્થાને વહન કરે છે. અને જ્યાં વ્યવસ્થાનું વહન કરવાનું સામર્થ્ય હોય છે ત્યાં વ્યવસ્થા આપોઆપ વિસ્તરતી હોય છે, વ્યવસ્થા આપોઆપ વિકસતી હોય છે. એનું સ્કેલ ગમે તેટલો મોટો થાય, એ વ્યવસ્થા વિકસતી જતી હોય છે, વિસ્તરતી જતી હોય છે.
આપણા સમાજજીવનની અંદર, ઘણીવાર આપણે ત્યાં કહીએ છીએ કે દુનિયાના અનેક દેશ આપણા પછી આઝાદ થયા, તો પણ આગળ નીકળી ગયા. તો કારણ શું? મુખ્ય કારણ લગભગ એ આવે છે કે સમાજ તરીકે એમનામાં ડિસિપ્લિન છે. હમણાં મને એક મિત્ર મળ્યા, એ જાપાન જઇને આવ્યા હતા. અમીર પરિવારના હતા તો ત્યાંની મોંઘામાં મોંઘી હોટેલના મોંઘામાં મોંઘા સ્યૂટમાં એમનું બુકિંગ હતું. પરંતુ ત્યાં સૂચના હતી કે ૨૬ ડિગ્રી ટેમ્પરેચરથી વધુ રૂમ ઠંડો નહીં થઈ શકે, તમે ગમે તેટલું પેયમેન્ટ આપો પણ આ નહીં થાય. કેમ? તો કહ્યું કે સુનામી અને અર્થક્વેક પછી અમારે ત્યાં પાવર જનરેશનની અંદર જે સમસ્યા ઊભી થઈ છે એટલે દેશ તરીકે અમે નક્કી કર્યું છે કે બધાએ એનર્જિ કન્ઝર્વેશન કરવાનું અને એના માટે ૨૬ ડિગ્રીથી નીચે ટેમ્પરેચર લઈ જવા માટે કોઈપણ પ્રકારે ઊર્જાનો ઉપયોગ નહીં કરવાનો, તેથી તમારે ૨૬ ડિગ્રીમાં રહેવું પડશે. અને જાપાન આખું એનો અમલ કરે છે, હું આ તાજેતરની સુનામી પછીની ઘટના કહું છું. આપણે ત્યાં ભૂલેચૂકે તમે આવો કોઇ નિર્ણય કરો તો શું થાય તેની તમે કલ્પના કરી શકો, સાહેબ..! બીજા બધા સમાચારો ગૌણ થઈ જાય, આ હેડલાઇન હોય. કાળા વાવટા, મોરચા એના જ કાર્યક્રમો ચાલતા હોય. કારણ સમાજ તરીકે શિસ્ત ત્યારે આવે છે જ્યારે સમાજ તરીકે જવાબદારીનું તત્વ પ્રમુખ હોય છે. સોશિયલ રિસ્પૉન્સિબિલિટિ વગર સોશિયલ ડિસિપ્લિન કોઇને આવશ્યક જ નહીં લાગે અને તેથી સામાજિક જવાબદારીનું વાતાવરણ ઊભું કરવું પડે. કમનસીબે દેશ આઝાદ થયા પછી આપણે ત્યાં અધિકારના તત્વને માહાત્મ્ય વધારે મળ્યું. દેશ આઝાદ થયો ત્યાં સુધી સમગ્ર દેશનું વાતાવરણ હતું, ફરજનું. દેશસેવા કરવી આપણી ફરજ છે, સ્વદેશી આપણી ફરજ છે, શિક્ષણ આપણી ફરજ છે, ખાદી પહેરવી આપણી ફરજ છે. ગાંધીજીએ જ્યારે ગળથૂથીમાં લોકોને આ પિવડાવી દીધું હતું કે આ બધું આપણી ફરજનો એક ભાગ છે, આપણે દેશને આઝાદ કરવો છે. પણ, દેશ આઝાદ થઈ ગયા પછી આપણને એમ લાગ્યું કે હવે તો ફરજોનો કાળ પૂરો થઈ ગયો, હવે અધિકારોનો કાળ છે. અને એના કારણે આપણી સમગ્ર સોચ અધિકારની આસપાસ છે અને એના કારણે પરિણામ એ બન્યું છે કે દરેક ચીજમાં મારું શું? આખી આપણી રચના જ એવી બની છે કંઇપણ હોય પહેલો સવાલ ઊઠે છે મનમાં કે મારું શું? અને ‘મારું શું?’ નો પોઝિટિવ જવાબ ન મળે, તો તરત જ મન જવાબ આપે છે કે ‘તો પછી મારે શું?’ જ્યાં સુધી ‘મારું શું?’ નો જવાબ મળવાનો છે, ત્યાં સુધી એને ધીરજ છે, પણ જે દિવસે નકારાત્મક જવાબ મળી ગયો, એ જ પળે એનો આત્મા કહી ઊઠે છે, “મારે શું? ફોડો ભાઈ, તમારું છે, કરજો...” અને આ જ અશિસ્તને જન્મ આપે છે.
અશિસ્ત એ તમારા બોલવા-ચાલવાના, ડિસિપ્લિનના દાયરાનો વિષય નથી. શિસ્ત એ સમાજના વિકાસયાત્રા તરફ જોવાના દ્રષ્ટિકોણનો એક હિસ્સો છે. તમે આખી આ વિકાસયાત્રાને કયા દ્રષ્ટિકોણથી જુઓ છો, એના આધારે હોય છે. એક માત-પિતા પોતાના બાળકોને કેવા સંસ્કાર આપવા માગે છે, એના આધારે નક્કી થાય છે કે બાળકનું કેવી શિસ્તમાં તમે પાલન કરવા માંગો છો. માં-બાપ ઘરમાં હોય, કોઇનો ટેલિફોન આવે, પિતાજી ઘરમાં હોય અને પિતાજી કહે કે, “એમ કહી દે કે પપ્પા બહાર ગયા છે”, પછી પપ્પા અપેક્ષા કરે કે મારો દીકરો જૂઠું ના બોલે, ઇમ્પોસિબલ. પણ જ્યારે હું આ કરું છું ત્યારે મારા મગજમાં મારું બાળક નથી હોતુ, મારા મગજમાં સામેવાળાનો ટેલિફોન હોય છે અને એના કારણે, એકાંકી થિંકિંગ હોવાના કારણે, હું મારી આખી પરિસ્થિતિ પર એનો પ્રભાવ શું પડશે એનો અંદાજ સુધ્ધા નથી કરી શકતો. મોટાભાગના લોકોને બસમાં જતા આપણે જોયા હશે. એકલો પેસેન્જર હોય તો એ શું કરતો હોય છે? કોઇ હોય તો બારીમાં કુદરતી સૌંદર્ય જુએ, ઝાડપાન... પણ મોટાભાગના શું કરે? બસની સીટમાં, અહીંયાં કોઇ બાકી નહીં હોય... અને એના ફોમમાંથી નાની-નાની-નાની કરચો બહાર કાઢે. સાહેબ, અહીંથી વડોદરા ઊતરે ત્યાં સુધીમાં બે ઇંચનો ગોબો પાડી દે. કોઇનું નુકશાન કરવા માગતો હતો? ના. એમાં કોઇ સ્પેશિયલ એન્ટરટેઇનમેન્ટ હતું? ના. પણ એક સ્વભાવનો, સંસ્કારનો અભાવ. અને એને એમ લાગતું નહોતું કે આ મારી સંપત્તિ છે અને તેથી એને બે ઇંચનો ગોબો પાડી દેવામાં એને કંઇ થતું નહોતું. નવી નકોર બસ મૂકી હોય, સરસ મજાની બસ મૂકી તો ડ્રાઈવરને પણ આમ ગર્વ થતો હશે અને એ બસ સરસ રીતે ચલાવતો હોય અને છતાંય સાંજે એ ડેપોમાં પહોંચે ત્યારે અનેક સીટ એવી હોય જેમાં બબ્બે ઇંચનો ગાળો પડ્યો હોય. આ સહજ બાબત છે. હું ઘણીવાર નૌજવાનોને કહું છું કે ભાઈ, આપણે કરાંજી કરાંજીને બોલીએ, “ભારત માતા કી જય, ભારત માતા કી જય... વંદે માતરમ...” બધું કરીએ, પછી? તરત જ પિચકારી મારીએ. આ જ ભારતમાતા પર ગુટકા ખાઈને તરત જ પિચકારી મારીએ. એને એ ખબર નથી કે હું જે ભારત માતાનો જય-જયકાર કરું છું એના પર જ આ પિચકારી મારીને ગંદકી કરું છું, એની મને ખબર છે? પણ કોઇ એને જો આ રેન્જમાં વાતને સમજાવે તો એને લાગે કે હા, યાર! નાની નાની બાબતો છે, દેશભક્તિ આનાથી પણ પ્રગટ થઈ શકે છે. દેશભક્તિ પ્રગટ કરવા માટે કોઇ ભગતસિંહના રસ્તે જ જવું પડે એવું કંઈ જરૂર નથી, ભાઈ. હું આટલી નાની નાની વાત કરું છું તો પણ હું દેશભક્તિ, સમાજભક્તિ, પિતૃભક્તિ, માતૃભક્તિ, ગુરુભક્તિ બધું જ કરી શકું છું.
ઘણીવાર નકારાત્મકતા... હું એકવાર એક કાર્યક્રમમાં મુંબઈ ગયો, દસેક વર્ષ થયાં હશે. અને મારા આશ્ચર્ય વચ્ચે કાર્યક્રમના પ્રવેશદ્વાર ઉપર જ બચપણમાં મને જેમણે ભણાવ્યો હતો એ મારા શિક્ષક ઉભા હતા અને મેં એમને ૩૫-૪૦ વર્ષ પછી જોયા. મને બરાબર યાદ આવ્યું કે હા, એ જ છે. અને સહજ રીતે મે એમને પ્રણામ કર્યા, પગે લાગ્યો. સહજ, એટલે મને એમ કાંઈ એમાં વિચારવા જેવો અવસર જ નહોતો. પણ એ દિવસે એ ન્યૂઝ બની ગયા. હવે પગે લાગવું એ ન્યૂઝ હોય, ભાઈ? મારા મનને આમ આનંદ આવે કે ભાઈ મુખ્યમંત્રીની નમ્રતા જુઓ, આમ તેમ બધું... પણ મને મનમાં પ્રશ્ન થાય કે આ તો કંઈ ન્યૂઝ છે, ભાઈ? શું આ રાજ્યમાં કે આ દેશમાં કોઈપણ નાગરિકને એના ગુરુજન મળે ત્યારે એને પગે લાગવાના સંસ્કાર સહજ હોય, પણ એ જ્યારે ન્યૂઝ બની જાય ત્યારે ખબર પડે છે કે આ બધું કેવું બંધ થઈ ગયું છે..! આ સહજ પ્રક્રિયાઓ, કરવા જેવી પ્રક્રિયાઓ આપણે ત્યાં જાણે આજકાલ ગુનો બની ગયો છે. મને યાદ છે અમારા ગવર્નર સાહેબ હતા નવલકિશોર શર્માજી, આમ તો એ કૉંગ્રેસના માણસ છે, પણ મને સહજ રીતે હું જાઉં એટલે એમને પગે લાગવાનું મન થાય. સહજ, મારા ક્રમમાં. પણ મારે એટલા બધા સચેત રહેવું પડતું હતું કે આ ફોટોગ્રાફરો બહાર જાય પછી આ મારી વિધિ કરું. આ રહસ્ય આજે બહાર પાડું છું. નહીંતર સાહેબ, જાણે ગુનો થઈ જાય. રાજ્યનો મુખ્યમંત્રી, એ આવી રીતે કેવી રીતે ઝૂકે? મિત્રો, આ બધી જે બાબતો છે, એક એવી વિકૃતિ ધારણ કરી છે આપણે ત્યાં જે ઘણીવાર આપણા સંસ્કાર, આપણી શિસ્ત, આપણી જે પરંપરાઓ છે એમની સામે સંકટો પેદા કરવા માટેના જાણે એક યોજનાબદ્ધ રીતે પ્રયાસ ચાલુ છે. અને આપણે પછી ડગી જઇએ, આપણને પણ ડર લાગી જાય. સાર્વજનિક જીવનની અંદર વિકાસની યાત્રા કરવી હશે, વ્યક્તિના જીવનમાં પણ વિકાસ કરવો હશે તો શિસ્ત બહુ જ કામમાં આવે છે.શિસ્તનું એક બીજું રૂપ છે, ઑર્ગેનાઇઝ્ડ હોવું. મોટાભાગના લોકો આમ શિસ્તબદ્ધ હોય, પણ બહુ ઑર્ગેનાઇઝ્ડ ના હોય અને એના કારણે એમની શિસ્ત આપણને ડગલેને પગલે આમ વાગતી હોય. આપણી શિસ્ત એવી ના હોવી જોઇએ કે બીજાને વાગે. તમે મેળામાં ચાલતા હોવ અને પછી એક-દો એક-દો કરીને ચાલો તો પછી શું થાય? તમને તરત બહાર કાઢે કે ભાઈ, પરેડ કરવી હોય તો મેદાનમાં જાવ. મેળામાં તો મેળાની રીતે ચાલવું પડે તમારે, હલકા-ફૂલકા થઈને ચાલવું પડે. તો મિત્રો, ઑર્ગેનાઇઝ્ડ હોવું અને શિસ્તનું આ જે રૂપ પકડી લીધું છે ને એ તો એનો નાનો અંશ છે, એક સમગ્રતયા જીવનના દ્રષ્ટિકોણનો હિસ્સો, એના રૂપે શિસ્તને કેવી રીતે જોવાય છે.
મિત્રો, તમે ટ્રાઇબલ લોકોનું જો અધ્યયન કર્યું હશે, બહુ પ્રેરણા લેવા જેવું છે. આજકાલ જેટ્રોફાનો ઉપયોગ, બાયોફ્યુઅલ માટેની ચર્ચા છે ને, આ વિજ્ઞાનમાં તો હમણાં હમણાંથી જેટ્રોફાની ચર્ચા ચાલી. અમારે ત્યાં ડાંગમાં તમે જાવ ત્યાં આદિવાસી ભાઈઓ રાત્રિગમન કરતા હોય ત્યારે જેટ્રોફાનો શું અદભૂત ઉપયોગ કરે છે અને કેટલી સિસ્ટમૅટિક રીતે કરે છે એ શિસ્ત જોવા જેવી છે અને આજે પણ એ પરંપરા છે. એક તો આદિવાસી સ્થળાંતર કરતા હોય ત્યારે બધા લાઇનમાં જ ચાલે, જોડે-જોડે ચાલે પણ આપણે ગપ્પાં મારીને ખભે ખભા અથડાતાં ચાલીએ, એવું એ લોકો નહીં ચાલે. એકની પાછળ બીજું, બીજાની પાછળ ત્રીજું. મેં એમાં એક જણને પૂછેલું કે આ પધ્ધતિ કેવી રીતે વિકસી હશે? એનો જવાબ જે હતો સાહેબ સમજવા જેવો હતો. સાચો છે કે ખોટો છે એ કંઈ મેં તપાસ નથી કરી, પણ એણે મને જે જવાબ આપ્યો એ હું તમને કહું છું. એ કહે કે સાહેબ, અમે જંગલમાં ચાલતા હોઇએ, સાપ કે કંઈક હોય તો પહેલા માણસને જ ફેસ કરવાનું આવે, બાકી બધા સુરક્ષિત રહે. જો અમે આખું ટોળું ચાલીએ તો સંભવ છે કે અનેક લોકોને નુકશાન થઈ જાય. આ કદાચ અમારી પરંપરામાંથી જ વિકસ્યું હશે. જેટ્રોફાનું કેવી રીતે કરે? કાંટો લે, કાંટામાં પેલું જેટ્રોફાનું બી લગાવે અને એને આગ લગાવે અને ચાલે, એના અજવાળામાં ચાલે, એકનો પાંચ મિનિટ, સાત મિનિટના અંતરે પૂરું થાય તો બીજાના હાથમાં એ કાંટો હોય જ, એ તરત જ એનાથી સળગાવી દે. દસ લોકો ચાલતા હોય, વારાફરતી એટલા ડિસિપ્લિન વે માં, એક જ દિવાસળીથી એમના આ જેટ્રોફાનાં બીના પ્રકાશમાં આખી યાત્રા એટલી સિસ્ટમૅટિક પૂરી કરતા હોય છે. એનો અર્થ કે એમણે પોતાની નીડમાથી એક ફૉર્મ્યુલા ડેવલપ કરી, જેને એક શિસ્ત આપી અને એ જીવનનાં વર્ષો સુધી ગાળતા થયા. ઘણીવાર આ બધી બાબતોને આપણે સમાજજીવન તરીકે કેટલી સ્વીકારીએ છીએ એના ઉપર નિર્ભર રહેતું હોય છે.
આજે પણ આપણે ત્યાં મર્યાદા નામની ચીજની ઊંચાઈ કેટલી છે? બહુ ઓછા લોકોને અંદાજ આવે. તમે બસમાં ચડવા માટે લાઇનમાં ઉભા હો, ધક્કા-મુક્કી ચાલતી હોય અને કોઇ બીજો માણસ બારીમાંથી બસમાં રૂમાલ નાખીને સીટ પર મૂકી દે, તમે અંદર બરાબર ધક્કા-મુક્કી કરીને, કપડાં ફાટે, પસીનો થયો હોય અને અંદર ચડ્યા હો પણ પેલો આવીને કહે કે મેં રૂમાલ મૂક્યો છે તો તમે ઉભા થઈ જાવ. આ તમે જોયું હશે..! એણે બારીમાંથી રૂમાલ નાખ્યો છે, એણે કોઇ કસરત નથી કરી. કારણ? મર્યાદાના સંસ્કાર એવાને એવા પડ્યા હોય છે. મિત્રો, સમાજજીવનને આમ નિરીક્ષણ કરીએ તો કેટલાં અદભૂત અદભૂત ઉદાહરણો જોવા મળે છે અને તેથી શિસ્તનું જેટલું માહાત્મ્ય છે એટલું ઑર્ગેનાઇઝ્ડ હોવું એ પણ સફળતા માટે બહુ જરૂરી છે.
ઘણા લોકોની શિસ્ત સમગ્ર વાતાવરણ માટે બોજ બની જતી હોય છે. શિસ્ત એવી હોય જ નહીં કે જે બોજ વધારે, શિસ્ત હંમેશા સરળતા આપે. તમે આમ ધીર ગંભીર ચહેરો રાખીને આમ કાયમ ચોવીસ કલાક રહેતા હો સાહેબ, એનાથી કંઈ શિસ્ત ના આવે. શિસ્ત બોજ ના બની જાય, શિસ્ત આહલાદક બની જાય, એક ઉમળકાથી થાય અને તેથી શિસ્તના એ રૂપને જે પકડે એ જ ટીમ ફોર્મ કરી શકે છે, એ જ ટીમ પાસે કામ લઈ શકે છે. જે શિસ્તને જડબેસલાક નિયમોમાં બાંધે એ ક્યારેય ટીમ ઊભી ન કરી શકે. અને તેથી જાહેર જીવનની શિસ્તને પણ મર્યાદાઓની આવશ્યકતા હોય છે. એમાં વેલ્યૂ એડિશન થવું જોઇએ, મૂલ્યવૃદ્ધિ થવી જોઇએ. અને નૈતિક અધિસ્થાન અને મૂલ્યમાં ઊંડાણ આવે તો જ મૂલ્યવૃદ્ધિ થતી હોય છે, અન્યથા સંભવ નથી હોતી. અને તેથી શિસ્તને આ રૂપમાં જોવી કે ભાઈ, નક્કી કરેલું કામ સમયસર કરે છે કે નહીં એટલા પૂરતું સીમિત નથી.
અનેક લોકો એવા છે કે મા કહેતી હોય કે બેટા, હવે તારે સૂઈ જવાનું છે. બેટો કહે કે ના મા મારે કાલે પરીક્ષા છે. મા કહે, બેટા બીમાર છું તું, માંદો પડીશ, કાલે રાત્રે પણ જાગ્યો હતો... હવે એક અર્થમા અશિસ્ત છે, પણ બીજા અર્થમા એના કામ માટેનું એનું ડિવોશન છે, એ કદાચ શિસ્ત કરતાં પણ વધારે ઊંચાઈ ધરાવે છે અને તેથી આ બન્નેને ત્રાજવે તોલી નહીં શકાય કે ભાઈ, તે તારી માનું માન્યું નહીં. માએ ખૂબ સરસ રાંધ્યું હોય, દીકરો કહે કે મારે જમવું નથી. કારણ? હું જમીશ તો રાત્રે મને ઊંઘ આવશે, મારે વાંચવું છે. અને માટે માની લાગણીને ઠુકરાવીને પણ, જમવાનો ઇન્કાર કરીને પણ, એ વાંચવામાં મશગૂલ રહે એ એની પ્રતિબદ્ધતા છે. તો શિસ્તની ઊંચાઈથી જોઇએ તો કદાચ શિસ્ત લાવી શકાય પણ મારી શિસ્તને તેં માની નહીં અને એટલા માટે તું નકામો છું એવો જો મા સ્ટૅન્ડ લે તો કદાચ ના માને સંતોષ થશે, ના બાળકને સંતોષ થશે અને ના બંનેની વિકાસયાત્રામાં એકબીજાના પૂરક બની શકશે. અને તેથી આ હ્યૂમન સાઇકિને કેવી રીતે પકડીએ છીએ એના આધારે શિસ્તને જોડી શકાય. શિસ્તને તમે એ અર્થમા ન લઈ શકો. હવે હમણાં જે બહારનું ઉદાહરણ કહ્યું, મને તો અત્યારે યાદ નથી શું થયું હતું કારણ કે મારે તો રૂટીનમાં ઘણીવાર આમ કરવાનું આવતું હશે. પણ એ કોઈ ભુજાનું બળ નથી મિત્રો, ભુજાના બળથી નથી થતું, લાગણી અને પ્રેમના એક વાતાવરણથી તે સ્થાપિત થાય છે.
મિત્રો, શિસ્તની પહેલી શરત છે, અપનત્વ. પોતાપણાનો ભાવ જ શિસ્ત લાવી શકે છે. તમે જયાં સુધી પોતાપણાના ભાવની અનુભૂતિ ના કરાવો, ત્યાં સુધી તમે શિસ્ત ન જ લાવી શકો. સમાજજીવનમાં પણ શિસ્ત લાવવી હશે તો પોતાપણાનો ભાવ જરૂરી હોય છે, અપનત્વનો ભાવ જરૂરી હોય છે અને જ્યાં અપનત્વ હોય ત્યાં શિસ્ત સ્વાભાવિક હોય છે. ઘણીવાર માણસને લક્ષ્ય જોડતું હોય છે. થિયેટરની અંદર શાંતિ જાળવો એવું કહેવું જ ના પડે, કારણ? બધાનો ઇન્ટરેસ્ટ છે કે શાંતિ જાળવો તો લાભ મળે અને તેથી શાંતિ જળવાય અને એમાં જો સહેજ કોઇ ગરબડ કરે તો પંદર લોકો આમ ઊંચા થઈને જોવા માંડે. એનો અર્થ એ થયો કે આ જે સ્વાભાવિક અપેક્ષાઓ પડી હોય છે, જેને હિસાબે પોતાનું હિત જળવાયેલું છે, પોતાની એક સીમિત કોઈક ઇચ્છા પણ જળવાયેલી છે એ પણ માણસને શિસ્તમાં બાંધતી હોય છે. ગમે તેવો અશિસ્ત કરનારો માણસ હોય, પણ એમાં એને શિસ્ત બાંધતી હોય છે. અને તેથી કેવા સંજોગો છે એના ઉપર આધાર હોય છે. એટલે મિત્રો, શિસ્તને કોઇ ચોખટમાં જોઇએ અને તો જ મૂલ્યાંકન કરીએ તો કદાચ એ સામર્થ્ય નહીં આવે.
આપણે એક સમાજ તરીકે... આપણામાં અનેક શક્તિઓ પડી છે, અપાર શક્તિઓનો ભંડાર છે, મિત્રો. આપણી આખી પરિવાર વ્યવસ્થા, હજુ કદાચ એના ઉપર બહુ અધ્યયનો નથી થયાં, પણ ફેમિલી નામની જે ઇન્સ્ટિટયૂટશન છે કદાચ એનાથી મોટું શિસ્તનું માળખું બીજે ક્યાંય નહીં હોય. અદભૂત વ્યવસ્થા છે. કોઇ કાયદામાં લખાયેલી વ્યવસ્થા નથી, પણ અદભૂત વ્યવસ્થા છે. હા, જ્યાં એનું ધોવાણ થયું હશે, ત્યાં વેરવિખેર પણ થયું હશે. પણ જ્યાં સહેજ જળવાયું હશે, તો એનો આનંદ પણ હશે. આ ફેમિલી ઇન્સ્ટિટયૂટની અંદર આપણે ત્યાં પડેલી જે બાબતો છે એના વિસ્તારની જરૂરિયાત છે. જે શિસ્ત મારા પરિવારના વિકાસ અને આનંદનું કારણ બની છે, એ મારા પરિવારથી વિસ્તરીને મારા સમાજમાં આવે, મારા સમાજથી વિસ્તરીને મારા ગામમાં આવે, મારા ગામમાંથી વિસ્તરીને મારા રાજ્યમાં આવે અને મારા રાજ્યમાંથી વિસ્તરીને મારા દેશનો હિસ્સો બને અને જો આ ક્રમને આપણે આગળ ધપાવીએ તો હું માનું છું કે ‘૨૧ મી સદી, હિંદુસ્તાનની સદી’ એ સપનું લઈને જે આપણે ચાલીએ છીએ, એના મૂળની આવશ્યકતા પૂરી કરવાનો એક આધાર બની શકે.
ભાઈ રાજીવ ગુપ્તાને અભિનંદન આપું છું, જેમની માતૃભાષા ગુજરાતી નથી અને છતાં પુસ્તક ગુજરાતીમાં લખ્યું છે એ બદલ પહેલા અભિનંદન અને નાના-નાના એમના રોજબરોજના કામમાંથી એમણે અનુભવ લીધેલા છે. હું પણ જતાં-આવતાં જરૂર એ વાંચીશ, આપ પણ વાંચજો. મારા માટે નથી કહેતો પણ પ્રકાશક ખુશ થઈ ગયા...