૧૬ ડિસેમ્બર, ૨૦૧૧
સિંધુ અને સરસ્વતીના કિનારા પર આખી માનવજાતના કલ્યાણ માટે હંમેશા હંમેશા વિચારાયું છે. હું જ્યારે વિદ્યાર્થી અવસ્થામાં ધોળાવીરા જોવા ગયો હતો. હડપ્પા સંસ્કૃતિ, મોંહે-જો-દડો... અને ત્યાંની બારીકીઓને ત્યાંના લોકો મને સમજાવી રહ્યા હતા, તો મનમાં એટલો બધો ગર્વ થયો હતો કે આપણા પૂર્વજો કેટલું દૂરનું વિચારતા હતા. ત્યાંની એક એક ઈંટ, એક એક પથ્થર આ સિંધુ સંસ્કૃતિની પરંપરાના તે મહાન સપૂતોના પરાક્રમની કથા કહે છે. આજે દુનિયામાં ઓલિમ્પિક રમતોની ચર્ચા થાય છે અને મોટાં મોટાં રમતનાં મેદાનો, મોટાં મોટાં સ્ટૅડિયમોની ચર્ચા થાય છે. તમારામાંથી અહીં બેઠેલા એવા ઘણા લોકો હશે, જેમને કદાચ તમારા જ પૂર્વજોના તે પરાક્રમની તરફ જોવાનું સૌભાગ્ય પ્રાપ્ત નહીં થયું હોય. જો તમે ધોળાવીરા જશો તો ત્યાં જોવામાં આવશે કે ત્યાં ૫૦૦૦ વર્ષ પહેલાં કેટલું મોટું સ્ટેડિયમ હતું અને ખેલકૂદના કેટલા મોટા સમારંભ થતા હતા, તની બધી જ નિશાનીઓ આજે પણ ત્યાં મોજૂદ છે. એટલે કે એને કેટલી વિશાળતાથી જોતા હશે..! આજે આખી દુનિયામાં સાઇનેજની કલ્પના છે ભાઈ, ગલી આ તરફ જતી હોય તો ત્યાં ગલીનું નામ લખ્યું હોય છે, એરો કરીને લખ્યું હોય છે, સાઇનેજીસ હોય છે. અને સાઇનેજીસની શેના માટે જરૂર હોય છે? તમે કોઇ નાના ગામમાં જાઓ, તો ત્યાં સાઇનેજીસ નથી હોતી કે ભાઈ, અહીં જાઓ તો અહીં પટેલ વાસ છે, અહીં વાણિયા વાડ છે... એવું કાંઈ લખેલું નથી હોતું. કારણકે ગામ નાનું હોય છે, બધાને ખબર હોય છે કે ક્યાં શું છે, એટલા માટે કોઈ બોર્ડ લગાવવાની જરૂર નથી પડતી. ૫૦૦૦ વર્ષ પહેલાં ધોળાવીરા દુનિયાનું પહેલું શહેર હતું કે જ્યાં સાઇનેજીસ હતા, આજે પણ મોજૂદ છે. શું કારણ હશે? કારણ બે હશે. એક, એ ખૂબ મોટું શહેર હશે અને બીજું, ત્યાં દેશ-વિદેશના લોકો આવતા-જતા હશે, અને એટલા માટે જ તો આ વસ્તુની જરૂર પડી હશે. ૫૦૦૦ વર્ષ પહેલાં આવો વારસો, આપ કલ્પના કરી શકો છો, ભાઈઓ. શું ક્યારેય તમને ફીલ થાય છે? અને હું ઇચ્છીશ કે જ્યારે આપણે આ પ્રકારનો સમારંભ કરી રહ્યા છીએ અને આ મહાન પરંપરાનું ગૌરવગાન ગાવા માટે આપણે એકઠા થયા છીએ, તો આપણી નવી પેઢીને એના ઇતિહાસ અને સંસ્કૃતિનો પરિચય કરાવવા માટે કોઇ કાર્યક્રમ હોય તો કદાચ નવી પેઢી સુધી એ વાત પહોંચશે.
મિત્રો, મારો અહીં મુખ્યમંત્રીના સંબંધે ઓછો, તમારા પોતાના એક સાથીના સંબંધે વાત કરવાનો મને મૂડ થાય છે. મને ઘણીવાર લાગે છે કે કેમ કે હું... કારણકે અહીં અમદાવાદમાં અડધાથી વધારે સિંધી પરિવાર હશે જેના ઘરમાં હું જમ્યો હોઇશ. કારણકે ૩૫ વર્ષ સુધી એ જ પ્રકારનું જીવન જીવતો હતો, અનેક પરિવારોમાં મારું જવું અને તેમની સાથે જ જમવું, એ મારું... અને એટલે મેં ખૂબ નજીકથી આ બધી વસ્તુઓને જોઇ છે. પરંતુ આજે કોઇવાર સિંધી પરિવારમાં જાઉં છું તો બાળકો પાસ્તા અને પિઝાની આજુબાજુ ફરતા હોય છે તો મારા મનમાં થાય કે મીઠા લોલ્લા, તીખા લોલ્લા, પકવાન કોણ ખવડાવશે? આપ વિચારો, આ બધું હવે જતું જાય છે. મારા સિંધી પરિવારોમાંથી આ બધી વસ્તુઓ નષ્ટ થઈ રહી છે. શું એ આપણી જવાબદારી નથી કે આપણે એ વારસાને બચાવીએ? હું ઘણીવાર મારા મિત્રોને કહું છું કે ભાઈ, અમદાવાદમાં ક્યારેક તો સિંધી ફૂડ ફેસ્ટિવલ કરો. આ નરેન્દ્ર આખી દુનિયાને ખવડાવે છે પણ તે સિંધી ખાણું નથી ખવડાવતા. મેં કહ્યું ને કે મુખ્યમંત્રીની હેસિયતથી નહીં, પોતીકાંઓના સંબંધે તમારી વચ્ચે વાત કરી રહ્યો છું. કારણકે હું એટલો બધો હળીમળીને તમારા લોકો વચ્ચે મોટો થયો છું, એટલા માટે મને ખબર છે. તમે યુવા પેઢીને જઇને કહો, એમને પૂછો કે સિંધીઓનો પરંપરાગત પહેરવેશ કયો હતો? શું પહેરતા હતા? દુનિયા બદલાઈ છે, ઘણું વેસ્ટર્નાઇઝેશન તમારી અંદર ઘૂસી ગયું છે, મને ક્ષમા કરજો. સિંધી ભાષા બોલવાવાળા પરિવારો ઓછા થતા જાય છે. માં-દીકરો પણ અંગ્રેજીમાં વાતચીત કરે છે. મિત્રો, દુનિયામાં પોતાની માતૃભાષા, પોતાની રહેણી-કરણી, પોતાનો પહેરવેશ, એને જે સંભાળે છે, તેઓ એનામાં ફરી એકવાર પ્રાણ ફૂંકવાની તાકાત ધરાવે છે. અને એક સમાજના નાતે જો તમે ભટકી ગયા હો, તો મારી એક પ્રાર્થના છે કે એકવાર સંકલ્પ કરીને જાઓ કે આપણા ઘરમાં આપણે સિંધી કેમ ના બોલીએ. આપણે અમેરિકામાં હોઇએ, આપણે હોંગકોંગમાં રહેતા હોઇએ, આપણે ચીન ગયા હોઇએ, ક્યાંય પણ ગયા હોઇએ... કેમ ન બોલીએ? અને સિંધી ભાષાની, પોતાની ભાષાની એક તાકાત હોય છે. મને અડવાણીજી એકવાર કહેતા હતા, બેનઝિર ભુટ્ટો અહીં આવી હતી, તો એમની ફૉર્મલ મીટિંગ હતી, બધું પ્રોટોકૉલ મુજબ હોય છે, પરંતુ જેવા અડવાણીજીને જોયા, બેનઝિર સિંધીમાં ચાલુ પડી ગઈ અને આખા માહોલમાં એ બંને વચ્ચે એટલી આત્મીયતા હતી, એટલી મોકળાશથી વાતો થઈ રહી હતી... હવે જુઓ, આ ભાષાની કેટલી તાકાત હોય છે, જો આપણે એને ગુમાવી દઇશું તો... વ્યવસાય માટે અંગ્રેજીની જરૂરિયાત હોય તો ચોક્કસ ઉપયોગ કરો, બીજી દસ ભાષાઓ શીખો, કોણ ના પાડે છે? શીખવી પણ જોઇએ, આ અમારા સુરેશજીની સાથે તમે બેસો, તેઓ ગુજરાતી બોલશે તો ખબર પણ નહીં પડે કે તેઓ સિંધી ભાષા પણ જાણતા હશે, એટલું ઉત્તમ ગુજરાતી બોલે છે. ખૂબ જ સરસ ગુજરાતી બોલે છે તેઓ, એક શબ્દ આમથી આમ નહીં થાય. હું ખુશ છું એ વાતથી. પરંતુ આ મારા મનમાં છે, અહીં જુઓ આ સિંધી સંમેલન છે, કોઇના શરીર પર સિંધી કપડાં નથી. આને તમે ટીકા ના સમજતા, ભાઈ, આને તમે નિંદા ન સમજતા. આ તમારો વારસો છે, તમારી તાકાત છે, તમે એને કેમ ખોઇ રહ્યા છો? મને દુ:ખ થાય છે. અને એટલા માટે હું કહું છું કે ક્યારેક તો એવું હોય કે બધા સિંધી પહેરવેશમાં આવો. જુઓ, આજે મોરેશિયસમાં ૧૫૦-૨૦૦ વર્ષ પહેલાં આપણા લોકો ગયા હતા. મજૂર તરીકે ગયા હતા, મજૂર પણ નહીં ગુલામ તરીકે ગયા હતા. તેમને હાથકડીઓ પહેરાવીને જહાજોમાં નાખી નાખીને લઈ ગયા હતા. પરંતુ તેઓ જતી વખતે તેમની સાથે રામાયણ લઈ ગયા, તુલસીકૃત રામાયણ, બીજું એમની પાસે કશું હતું નહીં. મોરેશિયસ ગયા, દુનિયાના ઘણા દેશો એવા છે જ્યાં તેઓ ગયા, આ એક સહારો હતો એમની પાસે. આજે ૨૦૦ વર્ષ પછી પણ આપ જાવ, ઘણી વસ્તુઓમાં બદલાવ આવ્યો હશે તો પણ એક પેલું રામાયણ એમની પાસે હોવાના કારણે આ માટીની સાથેનો એમનો સંબંધ એવોને એવો જ રહ્યો છે. એમણે પોતાનાં નામ નથી બદલ્યાં, એમણે રામાયણની ચોપાઈ ગાવાનું સતત ચાલુ રાખ્યું છે અને એના જ કારણે એમનો સંબંધ... નહીંતો ૨૦૦ વર્ષમાં કેટલી પેઢીઓ બદલાઈ જાય છે. અહીં તો એ લોકો હાજર છે જેઓએ પેલી સિંધુ સંસ્કૃતિને પણ જોઇ છે અને પછીથી પેલા ખરાબ દિવસો પણ જોયા છે અને ત્યારબાદ હિંદુસ્તાનમાં આવીને પોતાનું નસીબ અજમાવ્યું, આખી પેઢી હાજર છે. પરંતુ, ૫૦ વર્ષ પછી કોણ હશે? કોણ કહેશે કે તમારા પૂર્વજોનાં પરાક્રમો ત્યાં થતાં હતાં, કોણ કહેશે? અને એટલે જ ભાઈઓ-બહેનો, મારું માનવું છે કે એ સમાજ, એ જાતિ, એ દેશ જે ઇતિહાસ ભૂલી જાય છે, એ ક્યારેય પણ ઇતિહાસનું નિર્માણ નથી કરી શકતો. ઇતિહાસ એ જ બનાવી શકે છે જે ઇતિહાસને જીવી જાણે છે. જે ઇતિહાસને દફનાવી દે છે, તેઓ ફક્ત ચાદર ઓઢાડવાથી વધારે જીંદગીમાં કંઈ જ કરી શકતા નથી. અને એટલા માટે એક એવો મહાન વારસો કે જેના તમે સંતાન છો, એને બચાવો, એને પ્રેમ કરો. અને જો આપણે આપણા વારસાને પ્રેમ નહીં કરીએ તો આપણે કેવી રીતે આશા રાખીએ કે આપણા પડોશી આપણા વારસાને પ્રેમ કરે? અને આ લાગણી કોઇની વિરુદ્ધ નથી હોતી. આપણે આપણી સારપ ઉપર ગર્વ લઇએ એનો મતલબ કોઇ માટે દુ:ખ થવાનું અને કોઇનું ખરાબ દેખાડવાનું કોઇ કારણ નથી હોતું. આપણને ગર્વ હોવો જોઇએ, કેટલો ઉજ્જવળ ઇતિહાસ છે..!
તમને લોકોને કચ્છમાં જવાની તક મળે તો જરૂર જજો. તમે આ વાત સાંભળી હશે, કચ્છની અંદર ૪૦૦ વર્ષ પહેલાં એક મેકણદાદા કરીને હતા. હિંગળાજ માતાના દર્શને જે લોકો જતા હતા અને રણની અંદર પાણીના અભાવને કારણે કોઇ કોઇવાર રણમાં જ મરી જતા હતા. અને યાત્રીઓ પણ ખૂબ જ કષ્ટ વેઠીને રણને ઓળંગીને હિંગળાજ માતાના દર્શન કરવા માટે સિંધ તરફ જતા હતા. તો એ પોતાની પાસે એક ગધેડો અને એક કૂતરો રાખતા હતા અને એ એવા ટ્રેઇન કરેલા હતા કે તે રણમાં જુવે કે કોઇ મનુષ્ય હેરાન તો નથી ને. એ ગધેડો અને કૂતરો રણમાં જઇને પાણી પહોંચાડતા હતા અને જરૂર પડે એમને ઉઠાવીને ત્યાં લઈ આવતા હતા. અને તેઓ નસીબદાર હતા કે તે રેગિસ્તાનના કિનારે એમની પાસે એક કૂવો હતો જેમાં શુદ્ધ મીઠું પાણી રહેતું હતું, આજે પણ ત્યાં મોજૂદ છે, ક્યારેક જો તમે જાવ તો. ભૂકંપમાં એ જગ્યા નષ્ટ થઈ ગઈ હતી, આપણે ફરીથી એને બીજીવાર બનાવી છે, બીજીવાર બનાવી છે એને. ૪૦૦ વર્ષ પહેલાં મેકણદાદાએ જે લખ્યું હતું એ આજે પણ અસ્તિત્વમાં છે, તેમણે એક વાત લખી હતી કે એક દિવસ એવો આવશે... એક માણસ ૪૦૦ વર્ષ પહેલાં લખીને ગયો છે, સિંધ અને ગુજરાતની સીમા પર બેઠેલા ચોકીદાર હતા, એ મેકણદાદા લખીને ગયા છે કે એક દિવસ એવો આવશે જ્યારે સિંધુ, સરસ્વતી અને નર્મદા ત્રણે એક હશે. ત્યારે કોણે વિચાર્યું હશે કે નર્મદા પર સરદાર સરોવર ડૅમ બનશે અને સરદાર સરોવરથી નર્મદાનું પાણી સિંધના કિનારા સુધી પહોંચશે, કોણે વિચાર્યું હશે? અને તમને લોકોને ખબર હશે, સિંધુ નદીમાં જ્યારે પૂર આવે છે તો પાકિસ્તાનના એ તરફના કિનારા પર સમુદ્રની પહેલાં એક ડૅમ બનેલો છે, તો સિંધુનું પાણી ઓવરફ્લો થાય છે અને ઓવરફ્લો થાય છે તો વધુમાં વધુ પાણી આપણા રેગિસ્તાનમાં, હિંદુસ્તાનમાં ગુજરાત તરફ આવે છે. અને તે જગ્યા આપ જુઓ તો માઇલો પહોળો પટ છે, જ્યાં આ પાણી આવે છે પરંતુ કમનસીબી એ છે કે તે ખારું, મીઠાનું એકદમ સમુદ્રના પાણી જેવું થઈ જાય છે, કામમાં નથી આવતું. પરંતુ હું રણમાં જ્યાં એ પાણી આવે છે, તે જગ્યા જોવા માટે ગયો હતો અને પાછળથી મેં ભારત સરકારને પત્ર લખ્યો હતો કે શું પાકિસ્તાન સાથે વાત ના થઈ શકે? કે આ જે ફ્લડ વોટર છે, જે સમુદ્રમાં જાય છે તેને જો કેનાલ દ્વારા આ બાજુ વાળી દઇએ તો મારા મેકણદાદાનું જે સપનું હતું, સિંધુ, સરસ્વતી અને નર્મદાને એક કરવી, તે આપણે કરી બતાવશું. મિત્રો, આ એવો વારસો છે જેના માટે આપણને ગર્વ હોવો જોઇએ, અને આપણે એની સાથે જોડાવું જોઇએ.
ભાઈઓ-બહેનો, હું આ સમાજનો આદર કરું છું એનું બીજું પણ એક કારણ છે. આપ કલ્પના કરી શકો છો કે ૧૯૪૭ ના એ દિવસો કેવા હશે, જ્યારે દેશનું વિભાજન થયું હતું, બધું જ બરબાદ થઈ ગયું હતું, બધું જ પાયમાલ થઈ ગયું હતું અને ઇશ્વરના ભરોસે તમે અહીં આવ્યા હતા. કેમ આવ્યા હતા? આપ અહીં કેમ આવ્યા હતા, મિત્રો? કંઈ લેવા માટે, કંઈ મેળવવા માટે? શું નહોતું તમારી પાસે? તમે એટલા માટે આવ્યા હતા કે આ ભૂમિને તમે પ્રેમ કરતા હતા, આ મહાન વારસાને તમે પ્રેમ કરતા હતા. તમે તમારા પૂર્વજોની આ મહાન સંસ્કૃતિ છોડવા માટે તૈયાર નહોતા, એટલા માટે તમે કષ્ટ વેઠ્યું છે. શું આ સ્પિરિટ તમારા બાળકોમાં પરકોલેટ થઈ રહેલ છે? જો ના, તો ખામી આપણા પૂર્વજોની નથી, ખામી આપણી વર્તમાન પેઢીની છે અને એટલા માટે ગંભીરતાથી વિચારવાની આવશ્યકતા છે. મિત્રો, હું બાળપણમાં, મારા ગામમાં એક સિંધી સજ્જનને કાયમ જોતો હતો. તે સમયે એમની ઉંમરમાં તો નાનો હતો, તે સમયે એમની ઉંમર લગભગ ૬૦-૬૫ વર્ષ હશે. આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ હતી એમની... આખો ચહેરો મને આજે પણ બરાબર યાદ છે. એકદમ દૂબળું-પાતળું શરીર, કપડાનું કંઈ ઠેકાણું નહીં, તેઓ બસ સ્ટેશન પર હમેશાં દેખાતા હતા અને પોતાના હાથમાં પાપડ કે ચોકલેટ કે બિસ્કિટ પૅસેન્જરને એક ટ્રે જેવું રાખતા હતા અને વેચતા હતા. હું જ્યાં સુધી મારા ગામમાં રહ્યો ત્યાં સુધી તો તેઓ જીવતા હતા અને મેં હમેશાં એમને આ કામ કરતા જોયેલ. તે એક દ્રશ્ય મારા મનને આજે પણ સ્પર્શે છે. કેટલી ગરીબી હતી એમની, એટલી કંગાળ અવસ્થામાં જીવન પસાર કરતા હતા, શરીર પણ સાથ નહોતું આપતું. મારું ગામ નાનું હતું, ત્યાં બિસ્કિટ કોણ ખાય? ચોકલેટ કોણ ખાય? કોણ ખર્ચો કરે? પરંતુ તેમ છતાંય પોતાના વ્યાવસાયિક સ્પિરિટની સાથે બસ સ્ટેશન પર જઇને ઉભા રહી જતા હતા, કંઈક વેચીને કંઈક કમાવાની કોશિશ કરતા હતા પરંતુ મેં ક્યારેય એમને ભીખ માંગતા જોયા નહોતા. બહુ ઓછા સમાજ એવા હોય છે જેમાં આ તાકાત હોય છે. અને સિંધી સમાજની અંદર જિનેટિક સિસ્ટમમાં આ તાકાત પડેલી છે, સ્વાભિમાનની. તેઓ કદી ભીખ નથી માંગતા..! તમે એ વારસો ધરાવો છો. આ પરંપરા તમારાં બાળકો સુધી કેવી રીતે પહોંચે, એ લોકોને આપણે કેવી રીતે તૈયાર કરીએ?મિત્રો, વ્યાવસાયિક ક્ષમતા. અમારા ગોપાલદાસ ભોજવાણી અહીં બેઠા છે, જ્યારે હું નાનો હતો ત્યારે અમે ક્યારેક ક્યારેક એમની દુકાને જઇને બેસતા હતા. તો એક વાત મારા ધ્યાનમાં આવી હતી, આજે એ પરંપરા છે કે નહીં એ મને ખબર નથી. પરંતુ મેં સોશ્યો-ઇકોનૉમીની દ્રષ્ટિથી ઘણા લોકોની સામે મારો આ વિષય મૂકેલ છે, ઘણી જગ્યાએ બોલ્યો છું. હવે એ પરંપરા રહી છે કે નહીં એ મને ખબર નથી, પરંતુ એ સમયે તો મેં મારી આંખોથી જોયેલ છે. કોઇ પણ સિંધી યુવક કે કોઇ વ્યક્તિ પોતાનો નવો વ્યવસાય ચાલુ કરે તો ભાઈબંધો, દોસ્તો, સંબંધીઓ બધા ઉદઘાટન સમયે આવે, એને એક પરબીડિયું આપે. એ પરબીડિયા પર કશું લખ્યું ના હોય, પરંતુ એમાં કંઈ ને કંઈ રકમ હોય, પૈસા હોય. અને જે કોઇ આવે તે એને આપે. મેં જરા ઝીણવટથી પૂછ્યું કે આ શું ચાલે છે? તો મારી જાણમાં આવ્યું કે સમાજની આ પરંપરા છે કે કોઇ પણ આવો નવો વ્યવસાય શરૂ કરે તો સમાજના લોકો મળવા આવે છે તો એને કંઈ ને કંઈ પૈસા આપે છે, જે એને બિઝનેસ કરવા માટે મૂડીના રૂપે કામ આવે છે. અને પછીથી તે ગમે ત્યારે આવો પ્રસંગ હોય ત્યારે પોતે પણ પોતાની રીતે જઇને આપી આવે છે. પરંતુ આપવાવાળાનું નામ નથી હોતું. મિત્રો, આ જે પરંપરા મેં જોઇ છે, પોતાના જ સ્વજનને, પોતાની જ જ્ઞાતિની વ્યક્તિને વ્યાવસાયિક ક્ષેત્રમાં પોતાના પગ પર ઊભો કરવા માટે આટલો સરસ સોશિયલ-ઈકોનોમીનો કૉનસેપ્ટ હતો. આ કદાચ, દુનિયામાં ખૂબ રેરેસ્ટ છે. આપણે ત્યાં લગ્નોમાં હોય છે, કે લગ્નોમાં આ રીતે આપે છે તો લગ્ન વખતે ખર્ચ થતો હોય છે તો ચાલો, તે પરિવારને એટલી મદદ થશે, એમનું કામ નીકળી જશે. પરંતુ વ્યવસાયમાં આ પરંપરા હું જ્યારે સિંધી પરિવારોની દુકાનોના ઉદઘાટનોમાં જતો હતો ત્યારે જોતો હતો. અને એમાં મને લાગે છે કે સોશિયલ-ઇકોનૉમીનો કેટલો ઊંચો વિચાર આપણા પૂર્વજોએ વધારીને આપણને આપ્યો છે..! કોઈપણ, કોઈપણ ડૂબશે નહીં, દરેક જણ એને હાથ પકડીને ઉપર લાવવાની કોશિશ કરશે, એવી મહાન પરંપરા રહેલ છે.
હું હમણાં શ્રીચંદજીને પૂછી રહ્યો હતો કે કોઈ સિંધી ટીવી ચેનલ છે? મને તો ખબર છે, મેં તેમને કેમ પૂછ્યું એની તમને ખબર હોવી જોઇએ ને? મને તો ખબર છે... ના, નાનો-મોટો કાર્યક્રમ હોવો એ અલગ વાત છે, તે આખી ચેનલ નથી, નાના-નાના કાર્યક્રમો આવે છે. ના, મેં યોગ્ય જગ્યાએ જ સવાલ પૂછી લીધો હતો. હવે એ કહે છે કે જમીન આપો. તે વેપારી માણસ છે, આમ અમારું ડીવૅલ્યુએશન શું કામ કરી રહ્યા છો, હિંદુજાજી? આખું ગુજરાત તમારા હવાલે છે, મોજ કરો..! પરંતુ મુંબઈના આપણા કેટલાક ભાઈઓ, કદાચ અહીં આવ્યા હશે, નારાયણ સરોવર પાસે એક આવું જ સિંધુ સંસ્કૃતિની પરંપરાનું કલ્ચરલ સેન્ટર બનાવવા માટે મુંબઈના જ આપણા કેટલાક મિત્રો આગળ આવ્યા છે અને તેમને અમે જમીન આપી છે, ખૂબ વિશાળ માત્રામાં. અને નારાયણ સરોવર, એટલે એક પ્રકારે આજના ભારતનો એક છેડો છે અને પાકિસ્તાનની સીમાની પાસે પડે છે, ત્યાં એક ખૂબ સરસ કલ્ચરલ સેન્ટર બનશે, તે દિશામાં કામ ચાલી રહ્યું છે, એનો લાભ થશે, બહુ મોટું કામ તેના કારણે થવાનું છે. હા, બેઠા છે અહીંયાં... તે કામ ઘણું સરસ થશે, મને વિશ્વાસ છે.
તમે લોકો ગુજરાતના વિશે સારી રીતે જાણો છો કે ગુજરાતે ઘણી તરક્કી કરી છે, પ્રગતિ કરી છે. બધાંને ભોજન કરવું હશે ને, કે ગુજરાતની કથા સંભળાવું..? અવાજ નથી આવતો. હા, સિંધીઓ બહુ મોડા જમે છે, હું પણ કોઇવાર જ્યારે આખો દિવસ કામ કરતો અને મોડું થઈ જાય તો તમારે ત્યાં જ જમતો હતો, હું સિંધી ઘરમાં જતો, કાંઇકનું કાંઇક મળી રહેતું હતું. ના, આજની તારીખમાં તો જરૂર ખાઈ લેજો. જુઓ, બાય ઍન્ડ લાર્જ ગુજરાતની છબી એવી રહી છે કે આપણે એક ટ્રેડર્સ સ્ટેટ હતા અને ટ્રેડર્સ સ્ટેટ હોવાના કારણે આપણે લોકો શું કરતા હતા? એક જગ્યાએથી માલ લેતા હતા, બીજી જગ્યા પર આપી દેતા હતા, અને વચ્ચે મલાઈ કાઢી લેતા હતા. આમ જ હતું, વેપારી લોકો શું કરે? એમાંથી તેનું ટ્રાન્સફૉર્મેશન થયું. આજે ગુજરાત ઇન્ડસ્ટ્રિઅલ સ્ટેટ બન્યું છે. અને આ એકવીસમી સદીના પહેલા દસકામાં ગુજરાતે જે પ્રગતિની ઊંચાઈઓને પાર કરી છે, જો કોઇ ગુજરાતને એક સૅમ્પલના રૂપમાં જુએ તો એને વિશ્વાસ થઈ જશે કે જો ગુજરાતમાં થઈ શકે છે તો આખા હિંદુસ્તાનમાં પણ થઈ શકે છે અને આપણો દેશ મહાન બની શકે છે. કારણકે આપણે એ જ લોકો છીએ, હિંદુસ્તાનના ખૂણે ખૂણામાં આપણે એક જ પ્રકારના લોકો છીએ. એ જ કાનૂન છે, એ જ વ્યવસ્થા છે. વિકાસ થઈ શકે છે અને પ્રગતિ કરી શકીએ છીએ, એનું ગુજરાતે ઉદાહરણ આપ્યું છે.
એક સમય હતો, આપણા ૧૬૦૦ કિ.મી. ના દરિયા કિનારાને આપણે બોજ માનતા હતા. આપણે માનતા હતા કે અરે ભાઈ, અહીં શું થશે? આ પાણી, આ ખારું પાણી, પીવા માટે પાણી નહીં... ગામ છોડી છોડીને, કચ્છ અને સૌરાષ્ટ્રના લોકો ગામ છોડી છોડીને જતા રહેતા હતા. ગામનાં ગામ ખાલી થઈ જતાં હતાં. આપણે એને બોજો માન્યો હતો. મિત્રો, આપણે આજે એ સમુદ્રને ઑપોર્ચ્યૂનિટિમાં કન્વર્ટ કરી દીધેલ છે. ક્યારેક જે બોજ લાગતો હતો તેને આપણે અવસરમાં બદલી નાખ્યો અને ૧૬૦૦ કિ.મી. ના સમુદ્ર કિનારા પર ૪૦ થી વધુ બંદર, એક આખું નેટવર્ક ઊભું કર્યું છે. અને આખા હિંદુસ્તાનનો ટોટલ જે કાર્ગો છે, પ્રાઇવેટ કાર્ગો, તેના ૮૫% કાર્ગોનું હેન્ડલીંગ ગુજરાતના સમુદ્ર કિનારે થાય છે.
કચ્છ. ૨૦૦૧ માં ભયંકર ભૂકંપ આવ્યો, એવું લાગતું હતું કે હવે ગુજરાત ખતમ થઈ જશે. અને તે ભીષણ ભૂકંપ હતો, ૧૩,૦૦૦ થી વધારે લોકો મૃત્યુ પામ્યા હતા, લાખો મકાનો ધ્વસ્ત થઈ ગયાં હતાં, આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નષ્ટ થઈ ગયું હતું. સ્કૂલ, કૉલેજ કશું જ નહીં, હોસ્પિટલો સુધ્ધાં નહોતી બચી. ઇશ્વર એવો રુઠ્યો હતો કે જેની આપણે કલ્પના ન કરી શકીએ. એક રીતે ગુજરાત મોતની ચાદર ઓઢીને સૂતું હતું અને આખો દેશ માનતો હતો કે હવે ગુજરાત ઊભું નહીં થાય. મિત્રો, વર્લ્ડ બેંકનો રેકોર્ડ કહે છે કે સમૃદ્ધ દેશને પણ ભૂકંપ જેવી આપત્તિમાંથી બહાર આવતાં ૭ વર્ષ લાગી જાય છે, મિનિમમ ૭ વર્ષ. મિત્રો, ગુજરાત ૩ વર્ષની અંદર અંદર દોડવા લાગ્યું. એક સમય હતો જ્યારે કચ્છનો ગ્રોથ નેગેટિવ હતો, પૉપ્યુલેશન પણ. લોકો બહાર જતા રહેતા હતા, વસ્તી ઓછી થતી જતી હતી. આજે કચ્છ જે ૨૦૦૧ માં મોતની ચાદર ઓઢીને સૂતું હતું, એ આજે હિંદુસ્તાનનો ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ જિલ્લો છે, ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ. આ દસ વર્ષમાં કચ્છની અંદર ૨૦ કિ.મી. ના રેડિયસમાં, મુંદ્રાની આજુબાજુ ૨૦ કિ.મી.ના રેડિયસમાં, ૮૦૦૦ મેગાવોટ વીજળીના ઉત્પાદનનું કામ શરૂ થઈ ગયું છે, એટલે કે વીજળી પેદા થવી શરૂ થઈ ગઈ છે. વિધિન ૨૦ કિ.મી. રેડિયસ. હિંદુસ્તાનનાં કેટલાંય રાજ્યો હશે કે આખાં રાજ્ય પાસે ૮૦૦૦ મેગાવોટ વીજળી નહીં હોય. અહીં ૨૦ કિ.મી. ની રેડિયસમાં ૮૦૦૦ મેગાવોટ વીજળીનું ઉત્પાદન..! અંજારની પાસે ૧૫ કિ.મી. રેડિયસમાં સ્ટીલ પાઇપનું ઉત્પાદન થાય છે અને દુનિયાનું સૌથી વધારે સ્ટીલ પાઇપનું મેન્યુફેક્ચરીંગ આ ૧૫ કિ.મી. રેડિયસમાં અંજારમાં થશે.
મિત્રો, ગુજરાત એક એવો પ્રદેશ છે જેની પાસે રૉ મટિરિયલ નથી, માઇન્સ અને મિનરલ્સ આપણી પાસે નથી, આયર્ન ઓર આપણી પાસે નથી... પરંતુ સ્ટીલનું સૌથી વધારે ઉત્પાદન આપણે કરીએ છીએ. આપણી પાસે ડાયમંડની ખાણો નથી, પરંતુ દુનિયાની અંદર ૧૦ માંથી ૯ ડાયમંડ આપણે ત્યાં તૈયાર થાય છે. દુનિયાની કોઇ અભિનેત્રી એવી નહીં હોય કે જેના શરીર પર ડાયમંડ હોય અને મારા ગુજરાતીનો હાથ ન લાગ્યો હોય. ઈશ્વરે આપણને નથી આપ્યું, આપણને એ સૌભાગ્ય નથી મળ્યું, આપણી પાસે નથી. આપણી પાસે કોલસો નથી, આપણી પાસે પાણી નથી, તેમ છતાં પણ હિંદુસ્તાનમાં ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જે ૨૪ કલાક, ૨૪x૭ વીજળી ઘરે ઘરે પહોંચાડે છે, ૨૪ કલાક વીજળી મળે છે. મારે ત્યાં ક્યારેક ૫ મિનિટ પણ વીજળી જતી રહે ને, તો બહુ મોટા સમાચાર બની જાય છે કે મોદીના રાજમાં ૫ મિનિટ માટે અંધારું થઈ ગયું..! હિંદુસ્તાનનાં બીજાં કેટલાંક રાજ્યો એવાં છે કે જ્યાં વીજળી આવે તો સમાચાર બને છે કે મંગળવારે વીજળી આવી હતી..! મિત્રો, વિકાસના પરિમાણમાં આટલો મોટો ફરક છે.
ફાર્માસ્યૂટિકલની દુનિયામાં, લગભગ ૪૫% દવાઓનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે. દુનિયાના દરેક દેશમાં આપણે તેને એક્સ્પૉર્ટ કરીએ છીએ. હવે આપણે કેમિકલની દુનિયામાં હતા, તમને લોકોને ક્યારેક દહેજ જવાનો મોકો મળે, હિંદુસ્તાનનું એકમાત્ર લિક્વિડ કેમિકલ માટેનું પૉર્ટ છે આપણી પાસે અને એક નવું એસ.આઈ.આર. જ્યાં બન્યું છે આપણું, દહેજમાં. શાંઘાઈની બરાબરી કરી રહ્યું છે, એની તુલના થાય છે, શાંઘાઈ જેવાં દહેજનાં કેમિકલ પૉર્ટ છે આપણી પાસે અને હવે ત્યાં એસ.આઈ.આર. બની રહ્યું છે. તો આપણા ગુજરાતની ઓળખ મોટા ભાગે કેમિકલના પ્રોડક્શનની દુનિયામાં હતી, હવે તેમાંથી આપણે એન્જિનિયરિંગ ફીલ્ડમાં ગયા છીએ. અને જ્યારે ‘નેનો’ અહીં આવી ત્યારે દુનિયાને પહેલીવાર જાણ થઈ કે ગુજરાત નામની પણ કોઇ જગ્યા છે, નહીંતર કોઇ જાણતું નહોતું. અને મિત્રો, નેનો તો હજી હમણાં આવી છે અને પરિણામ એ આવ્યું છે કે કદાચ ગાડીઓની કંપનીનાં જેટલાં પ્રખ્યાત નામો છે, તે તમામે તમામ ગુજરાતમાં આવી રહી છે. આવનારા દિવસોમાં આપણે ૫ મિલિયન કાર બનાવીશું ગુજરાતમાં, ૫ મિલિયન કાર. આપ કલ્પના કરી શકો છો કે ઇકોનૉમી કયા પ્રકારે કામ કરતી હશે, કેટલી ઝડપથી આપણે લોકો આગળ વધી રહ્યા હોઇશું..! ઔદ્યોગિક વિકાસની અંદર આપણે એક વધારે ક્ષેત્રમાં પદાર્પણ કરેલ છે.
આખુ વિશ્વ ગ્લોબલ વૉર્મિંગની ચર્ચા કરી રહ્યું છે, ક્લાઇમેટ ચેન્જની ચર્ચા કરી રહ્યું છે. દુનિયામાં ચાર જ સરકાર એવી છે કે જેમને પોતાનું ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ હોય અને સરકાર એ મુજબ કામ કરતી હોય. આખા વિશ્વમાં ચાર, એ ચારમાં એક સરકાર છે, ગુજરાતની સરકાર. આપણું અલગ ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ છે અને આપણે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી ડેવલપમેન્ટ પર ભાર આપીએ છીએ, કારણકે આપણે જાણીએ છીએ કે ગુજરાત જે રીતે વિકાસ કરી રહ્યું છે, તો માનવજીવનનું પણ રક્ષણ થવું જોઇએ અને બંનેનો મેળ હોવો જોઇએ. અને તેમાં આપણે ઇનિશિયેટીવ લીધું છે, સોલાર એનર્જીનું. મિત્રો, હું ખૂબ ગર્વ સાથે કહું છું કે આજે ગુજરાત દુનિયાનું ‘સોલાર કૅપિટલ’ બની ગયું છે, વી આર ધી વર્લ્ડ કૅપિટલ ઑફ સોલાર એનર્જી. આવનારા દિવસોમાં સોલાર એનર્જીના ક્ષેત્રમાં, સોલાર એનર્જી ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરીંગના ક્ષેત્રમાં, આપણો દબદબો રહેવાનો છે અને ભવિષ્યમાં આપણે એને હજી વધારે આગળ વધારવાના છીએ. રૂફ ટોપ સોલાર સિસ્ટમ માટે આપણે પોલિસી લાવી રહ્યા છીએ. જે પણ મકાન બનાવશે, તેની છત પર સોલાર સિસ્ટમ હશે, સરકાર એની પાસેથી વીજળી ખરીદવાનું નક્કી કરશે કારણકે દુનિયામાં જે પ્રકારે પેટ્રોલિયમની કિંમત અને કોલસાની કિંમત વધી રહી છે, તો વીજળીનું ખૂબ મોટું સંકટ પેદા થઈ શકે છે. અને મિત્રો, હું વિશ્વાસપૂર્વક કહું છું, ગમે તેટલું સંકટ કેમ ના આવે, ગુજરાત તે સંકટમાંથી બચી જશે. અને એનર્જી વગર વિકાસ રોકાઈ જશે, જ્યાં પણ આ સંકટ હશે, વિકાસ રોકાઈ જશે. પણ આપણે એના માટે ઘણું વિચારીને કામ કર્યું છે. આપણે હમણાં બાયોફ્યુઅલમાં ખૂબ કમ કરી રહ્યા છીએ. અને મિત્રો, બાયોફ્યુઅલમાં કામ કરીએ છીએ તો એક દિવસ એવો આવશે કે આજે આપણે ખાડીના તેલ પર જીંદગી પસાર કરીએ છીએ, એક દિવસ એવો આવશે કે ઝાડીના તેલથી આપણું કામ ચાલી જશે. બાયોફ્યુઅલ હશે તો ખેતરમાં તેલ પેદા થશે. આપણે એ દિશામાં ખૂબ મોટા પ્રમાણમાં કામ કરી રહ્યા છીએ અને એક મંત્ર લઈને ચાલી રહ્યા છીએ કે હવે ખાડીનું તેલ નહીં, ઝાડીનું તેલ જોઇએ. એ દિશામાં આપણે કામ કરી રહ્યા છીએ, તેનાથી ખૂબ મોટો બદલાવ આવવાનો છે, એવી સ્થિતિ બનવાની છે.
મિત્રો, એક જમાનો એવો હતો કે આપણાં ૪૦૦૦ ગામડાં એવાં હતાં કે જ્યાં ફેબ્રુઆરી મહિના પછી લગભગ ૬ મહિના સુધી ટૅન્કરથી પાણી જતું હતું. જ્યાં સુધી ટૅન્કર ગામમાં ના આવે, પીવાનું પાણી મળતું નહીં. આ હાલત ગુજરાતની આ એકવીસમી સદીમાં ૨૦૦૧-૦૨ માં હતી. આપણે નર્મદા યોજનાની પાઇપ લાઇનથી પીવાનું પાણી ગામડાંઓમાં પહોંચાડવા માટેની યોજના બનાવી અને ૧૪૦૦ કિ.મી. પાઇપલાઇન આપણે ૭૦૦ દિવસમાં લગાવી દીધી, ૭૦૦ દિવસમાં ૧૪૦૦ કિ.મી. પાઇપલાઇન. આપણા દેશમાં આદત એવી છે કે કોઈ એક શહેરમાં ૨ ઇંચની પાઇપ લગાવે તો પણ ૩-૪ વર્ષ સુધી કામ ચાલે અને ખાડા એવાને એવા હોય છે. કેમ? તો કહે કે પાણીની પાઇપલાઇન લગાવવાની છે. આપણે ૭૦૦ દિવસમાં ૧૪૦૦ કિ.મી. પાઇપલાઇન લગાવી અને પાઇપની સાઇઝ એવી છે કે તમે પરિવાર સાથે મારુતિ કારમાં બેસીને એ પાઇપમાંથી પસાર થઈ શકો, એ સાઈઝની પાઇપ છે. ૭૦૦ દિવસમાં ૧૪૦૦ કિ.મી.ની પાઇપલાઇન. ગુજરાત એકલું એવું રાજ્ય છે દેશમાં કે જ્યાં ૨૨૦૦ કિ.મી.ની ગેસ ગ્રિડ છે. મારે ત્યાં ઘરોમાં, કિચનમાં ટેપથી ગેસ મળે છે, બોટલ-સિલિન્ડરની જરૂર નથી પડતી. કેટલાંય શહેરોમાં થયું છે, હજી બીજાં ઘણાં શહેરોમાં કામ આગળ વધવાનું છે. એટલે કે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નવા રૂપને પકડ્યું છે. પહેલાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું રૂપ એવું હતું કે કોઇ રોડ બની જાય, બસ સ્ટોપ બની જાય, ધીરે ધીરે આવ્યું કે એક રેલવે સ્ટેશન થઈ જાય, થોડા આગળ વધ્યા તો એરપૉર્ટ બની જાય... આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિચાર ૨૧મી સદીને ધ્યાનમાં રાખીને ગેસ ગ્રિડ, પાણીની ગ્રિડ... એ દિશામાં છે. અને બીજું એક કામ આપણે જે કર્યું છે, તે છે ઑપ્ટિકલ ફાઇબર નેટવર્ક. આપણે દુનિયામાં ઑપ્ટિકલ ફાઇબર નેટવર્કની લેન્થના સંબંધમાં દુનિયામાં નં. ૧ પર છીએ. અને મિત્રો, માનવ સંસ્કૃતિની વિકાસયાત્રા જે થઈ રહી છે તેમાં ખૂબ મોટું પરિવર્તન આવેલ છે. એક જમાનો હતો, જ્યાં નદી હોય, ત્યાં માનવ સંસ્કૃતિનો વિકાસ થતો. પછી એક એવું પરિવર્તન આવ્યું, જ્યાંથી હાઇવે પસાર થતા હોય એની આજુબાજુમાં માનવ સંસ્કૃતિ વિકાસ કરવા લાગી જતી હતી. હવે તો લોકો મંદિરો પણ બનાવે છે તો હાઈવેની પાસે બનાવે છે, જેથી ‘ગ્રાહક’ને તકલીફ ન પડે. પરંતુ સમય બદલાઈ રહ્યો છે મિત્રો, હવે જ્યાંથી ઑપ્ટિકલ ફાઇબર પસાર થતા હશે, ત્યાં માનવ વસ્તી રહેવાની છે. અને ગુજરાત એક એવું રાજ્ય છે કે જ્યાં દુનિયામાં લેન્થ વાઇઝ સૌથી મોટું ઑપ્ટિકલ ફાઇબર નેટવર્ક છે. છેલ્લા બજેટમાં, ૨૦૧૧-૧૨ ના બજેટમાં, ભારત સરકારે પોતાના બજેટમાં કહ્યું કે તેઓ હિંદુસ્તાનમાં ૩૦૦૦ ગામમાં બ્રોડ-બેન્ડ કનેક્ટિવીટીનો પાઇલટ પ્રોજેક્ટ કરશે. આ દિલ્હીની ભારત સરકાર હતી, અહીં કોઈ એકે પક્ષ સાથે જોડાયેલ મિત્ર હોય તો મને માફ કરજો, હું કોઇ પક્ષની નિંદા નથી કરતો. પરંતુ ભારત સરકારે બજેટ સમયે આ ઘોષણા કરી હતી કે ૩૦૦૦ ગામમાં બ્રોડ-બેન્ડ કનેક્ટિવીટીનો પાઇલટ પ્રોજેક્ટ કરીશું. ભાઈઓ-બહેનો, તમને એ જાણીને આનંદ થશે કે ગુજરાતનાં ૧૮,૦૦૦ ગામડામાં ત્રણ વર્ષથી બ્રોડ-બેન્ડ કનેક્ટિવીટી છે અને તેના કારણે આજે હું મારા ગાંધીનગરથી કોઈપણ ગામમાં વિડિઓ કૉન્ફરન્સથી વાત કરી શકું છું, આપણે અંતરિયાળ ગામની સ્કૂલોની અંદર લૉંગ ડિસ્ટન્સ એજ્યુકેશનથી ભણાવી શકીએ છીએ, એક સારા ટીચર ગાંધીનગરમાં બેસીને ૫૦૦ કિ.મી. દૂર આવેલ ગામની શાળાનાં બાળકોને ભણાવી શકે છે, આ નેટવર્ક ગુજરાતમાં છે..!
સામાન્ય રીતે રાજ્યો કેન્દ્ર સરકારથી કંઈને કંઈ માંગતા રહેતાં હોય છે. હમેશાં છાપામાં આવતું હોય છે કે, ફલાણાએ રોડ માટે માગણી કરી, ફલાણા માટે માગણી કરી, હોસ્પિટલ માટે પૈસા માગ્યા, ઘઉં વધારે માગ્યા, ક્યાંક વળી આવે કે અમને મીઠું આપો, એવું પણ આવે છે... તો, આવું છે આપણા દેશમાં. પરંતુ ગુજરાત શું માગે છે? ગુજરાતની માગણીનું સ્વરૂપ જ કંઈક અલગ છે. મેં એક વર્ષ પહેલાં વડાપ્રધાનને પત્ર લખ્યો હતો. મેં કહ્યું કે સાહેબ, આપણા આટલા સૅટેલાઇટ્સ છે, મને એ સૅટેલાઇટનો ઉપયોગ કરવા માટેનો અધિકાર આપો, આવો કાગળ લખ્યો હતો મેં. કારણકે મારે ત્યાં ટેક્નોલૉજીનો એટલો ઉપયોગ થાય છે કે મારે આ નેટવર્કની જરૂર છે. અને મિત્રો, મને ખુશી છે કે ત્રણ દિવસ પહેલાં ભારત સરકારે આપણને સૅટેલાઇટમાંથી એક ટ્રાન્સપોન્ડર, એટલે કે ૩૬ મેગા હર્ટ્ઝ, એટલી યુટિલિટિનો આપણને અધિકાર આપ્યો છે. આજે મારે ત્યાં લૉંગ ડિસ્ટન્સ માટે એક ચેનલ ચલાવી શકું છું, હવે હું ચૌદ ચેનલ ચલાવી શકીશ, ચૌદ. આપ કલ્પના કરી શકો છો કે વિકાસને કઈ ઊંચાઈઓ પર અને કઈ હદે હું લઈ જઈ રહ્યો છું..! આપણે ત્યાં કેટલા મોટા કેન્વાસ પર કામ થઈ રહ્યું છે. મેં થોડીક જ બાબતોની તમને જરા ઝલક આપી છે.
મિત્રો, આપણે કેટલાંક કામો એવાં કરીએ છીએ કે જે સાંભળીને તમને નવાઈ લાગશે. આ દસ વર્ષમાં ગુજરાતમાં મિલ્ક પ્રોડ્ક્શનમાં ૬૦% ગ્રોથ છે, કેન યૂ ઇમેજિન? ૬૦% ગ્રોથ છે. અને એની પાછળ જે મહેનત કરી છે તેનું પરિણામ આવ્યું છે. આપણે ત્યાં પશુ આરોગ્ય મેળા આપણે કરીએ છીએ. અને કોઇ પશુને ૩ કિ.મી. થી વધારે જવું ના પડે, કારણકે બીમાર પશુને તેનાથી વધારે દૂર લઈ જવાં તે ક્રાઇમ છે, ઇશ્વરનો અપરાધ છે. તો આપણે લગભગ ૩૦૦૦-૩૫૦૦ કેટલ કૅમ્પ લગાવીએ છીએ, એમના હેલ્થ ચેક-અપ માટે. અને આ આપણે લગાતાર કરીએ છીએ છેલ્લાં સાત વર્ષથી. અને વેક્સિનેશન, દવાઓ, એમની સંભાળ... એનું પરિણામ એ આવ્યું છે કે સામાન્ય રીતે જેમ ઠંડી વધુ હોય તો આપણને શરદી થઈ જાય છે, વરસાદ વધુ હોય તો આપણને શરદી થઈ જાય છે, તેવું જ પશુઓને પણ થાય છે. કેટલાંક ડિઝીઝ એવાં હોય છે કે વેધરમાં થોડો ચેન્જ આવે તો પણ પશુને થઈ જાય. પરંતુ નિયમિત દેખભાળના કારણે મારા રાજ્યમાંથી ૧૧૨ ડિઝીઝ એવાં હતાં, જે આજે ટોટલી ઇરૅડિકેટ થઈ ગયાં, દૂર થઈ ગયાં મારા રાજ્યમાંથી અને તેની પશુઓની હેલ્થ પર ખૂબ અસર પડી. એટલું જ નહીં, આપણે પશુઓની કેર કેવી કરીએ છીએ? આપણે ત્યાં મોતિયાનું ઓપરેશન થાય છે, કૅટરૅક્ટનું ઓપરેશન થાય છે અને કેટલાક ગરીબ વિસ્તારોમાં તો ચેરિટી ખાતર નેત્રયજ્ઞ થતા હોય છે અને ગરીબ લોકોને મફતમાં નેત્રમણિ લગાવવાનું કામ કરતા હોય છે. આપણે બધાએ સાંભળ્યું છે કૅટરૅક્ટના ઓપરેશન વિશે, નેત્રબિંદુના ઓપરેશન વિશે, નેત્રમણિના ઓપરેશન વિશે... આજે પહેલી વાર હું તમને સંભળાવું છું કે આખા વિશ્વની અંદર ગુજરાત એકમાત્ર રાજ્ય એવું છે કે જ્યાં કેટલનાં કૅટરૅક્ટનાં ઓપરેશન કરું છું. પશુના નેત્રમણિનાં ઓપરેશન મારા રાજ્યમાં થાય છે, મારા રાજ્યમાં પશુઓની ડેન્ટલ ટ્રીટમેન્ટ થાય છે, આટલી બારીકાઈથી કેર કરવાના કારણે આજે મિલ્ક પ્રોડક્શનમાં આપણે અહીં પહોંચ્યા છીએ. અને મિત્રો, જે અહીં સિંગાપુરથી આવ્યા હશે તેમને હું ખાતરીપૂર્વક કહું છું કે આજે જો તમે સિંગાપુરમાં ઇન્ડિયન સ્ટાઇલની ચા પીતા હશો, તો લખી રાખજો, દૂધ મારા ગુજરાતનું હશે. મિત્રો, આપણે એગ્રિકલ્ચર સેક્ટરમાં જે કામ કર્યું છે, આજે દુનિયાના કોઇ પણ દેશમાં જો ભીંડાનું શાક ખાવ છો, તો લખી રાખજો, એ ભીંડા મારા બારડોલીથી આવ્યા હશે. મિત્રો, એક જમાનો હતો જ્યારે ગીરની કેસર પ્રસિદ્ધ હતી. આજે કચ્છની કેસર, કચ્છ જે રણ હતું... કચ્છની અંદર મેંગોનું ઉત્પાદન થાય છે અને આજે મારી કચ્છની કેસર દુનિયાભરના દેશોમાં એક્સ્પૉર્ટ થાય છે.
મિત્રો, દસ વર્ષના ગાળામાં શું કરી શકાય છે તેનું ફક્ત એક નાનાકડું સૅમ્પલ મેં બતાવ્યું છે તમને, આખી ફિલ્મ જોવી હોય તો આખા મહિનાની કથા બેસાડવી પડે. તમામ ક્ષેત્રોમાં વિકાસ થયો છે અને વિકાસ એ જ તો એક મંત્ર છે. અને ભાઈઓ-બહેનો, બધી જ સમસ્યાઓનું સમાધાન વિકાસ છે, બધાં સંકટોનું સમાધાન વિકાસ છે, આ જ એક મંત્રને લઈને આપણે ચાલી રહ્યા છીએ.
મને તમારા બધાની વચ્ચે આવવાનો મોકો મળ્યો, હું આપનો આભારી છું. શરૂઆતમાં મેં જે વાતો કહી હતી, તે ફક્ત તમારા પ્રત્યે અતિશય પ્રેમ હોવાના કારણે, તમારા પ્રત્યે મારા મનમાં અંદરથી આદરભાવ છે તેના કારણે મારી તમને સૌને ફરી એકવાર વિનંતી છે, આ મહાન પરંપરાને નષ્ટ ન થવા દેશો, આ સંસ્કૃતિને નષ્ટ ન થવા દેશો. તમે બાળકોમાં આ ભાષા, આ સંસ્કાર, આ ખાણી-પીણી, એને જીવંત રાખવા માટેની કોઈક યોજના બની જાય તો હું માનું છું કે આ દેશની ખૂબ મોટી સેવા થશે.
ખૂબ ખૂબ આભાર..!