મુખ્ય મંત્રીશ્રીનો ખેડૂતો સાથે વાર્તાલાપ કૃષિ મહોત્સવ-વિડીયો કોન્ફરન્સ
જળસંગ્રહ ખેતીવાડીની પ્રાણશક્તિ છે
ડાર્કઝોન જેવી દુઃખદ સ્થિતિનું પૂનરાવર્તન થાય નહીં તે માટે પાણી બચાવો
જળસંચયથી જળસિંચનના અભિયાનમાં જોડાઇ જવા ખેડૂતોને આહ્વાન
પર ડ્રોપ મોર ક્રોપ - પાણીના ટીપે ટીપે ટનબંધ ખેતી એ જ મંત્ર
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કૃષિ મહોત્સવ અભિયાન અંતર્ગત આજે વિડીયો કોન્ફરન્સ દ્વારા ત્રણ લાખથી વધારે ખેડૂતો સાથે સાંધ્ય વાર્તાલાપ કરતા જળસંગ્રહ જ ખેતીવાડીની પ્રાણશક્તિ છે તેમ જણાવ્યું હતું.ભૂતકાળમાં ૪૦ વર્ષમાં જ દશ હજાર હેકટરની સિંચાઇ ટપક સિંચાઇથી થતી હતી પણ આ સરકારે છેલ્લા દશ વર્ષમાં પાંચ લાખ હેકટર જમીનને ટપક સિંચાઇ હેઠળ આવરી લેવાના ખેડૂતોના વિશ્વાસને બિરદાવ્યો હતો અને ખેડૂતો ડાંગર, શેરડી, કેળા જેવા પાણીજન્ય પાકો પણ ટપક સિંચાઇથી જ વધુ ઉત્પાદન આપે છે તે પુરવાર થયું છે.
કૃષિ મહોત્સવનું આ એવું અભૂતપૂર્વ અભિયાન છે જે ભૂતકાળમાં ૪૦ વર્ષ સુધી ભૂલ ભરેલા માર્ગને કારણે ખેતીને ન કલ્પી શકાય એવું નુકશાન કઇ રીતે થયું તેનો ચિતાર આપેલો છે, એમ જણાવી મુખ્ય મંત્રીશ્રીએ ખેડૂતોને ખેતી માટે પાણી આપ્યું નહીં અને વીજળીના ભ્રામક માર્ગે ચડાવી દીધા હતા. તેની ભૂતકાળની સરકારોની અવળી નીતિની સમજ આપી હતી.
ખેતી માટે પાણી જરૂરી છે અને આ રાજ્ય સરકારે જળસંચય માટે ખેડૂતોમાં વિશ્વાસ જગાવ્યો ત્યારે ગુજરાતના ખેડૂતો, કચ્છ-કાઠીયાવાડ અને ઉત્તર ગુજરાતના ખેડૂતોએ સરકારની જળસંચયની યોજનાઓને ખભે ઉપાડી લીધી તેની સફળતાની સિદ્ધિની ભૂમિકા મુખ્ય મંત્રીશ્રીએ આપી હતી. જળસંચયના જનઅભિયાને છ લાખ કરતાં વધારે ચેકડેમ, ખેતતલાવડી, બોરી બંધના કામો પૂરા કર્યા છે. ચોમાસા પછી પાણી ખૂટે ત્યારે તળાવો ખોદવાનું ખેડૂતોને પ્રોત્સાહન આપ્યું. સેંકડો તળાવો ઊંડા થયા, ભૂગર્ભ પાણીના તળીયા ઊંચા લાવી દીધા પછી જળસંચયના સફળ અભિયાનથી ડાર્કઝોન ઉઠાવી શકાયો છે, એમ તેમણે જણાવ્યું હતું.
જમીનમાં પાણી ઉતારવા ર૧ નદીઓના દરિયાના મુખમાં બંધારા બનાવી ખારાપાટમાં મીઠા પાણીનું રોકાણ કર્યું છે અને ખેતી પોષણક્ષમ બની છે. સુજલામ્ સુફલામ્ કેનાલ અને નર્મદાની કેનાલના કામો સંયોજિત કરીને ત્રણ મીટરથી તેર મીટરની ભૂગર્ભ જળસપાટી ઊંચી લાવી દીધી છે. આવી ડાર્કઝોનની સ્થિતિનું ફરી પુનરાવર્તન થાય નહીં તે માટે પાણી વેડફાય નહીં પણ જળસંચયથી વરસાદનું ટીપેટીપું બચાવવાનું આહ્વાન તેમણે ખેડૂતોને આપ્યું હતું. ગમે તેવું નાનું ગરીબનું ખેતર હોય ત્યાં ખેતતલાવડી તો બનાવવી જ પડે તો જ ધરતીમાતાની તરસ છીપાશે અને ધરતીનું અમી ખેતરમાં ઉતરશે. ખેત તલાવડી બનાવનારને નરેગા યોજના હેઠળ સહાય મળશે, એમ પણ તેમણે જણાવ્યું હતું અને ચોમાસા પહેલાં ખેતતલાવડીનું અભિયાન ઉભું કરવા અનુરોધ કર્યો હતો.
જળસંચય માટે જેટલું કરી શકાય એને નિરંતર જાગૃતિથી કરતા રહેવાની અપીલ કરતા મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ધરતીના ખેતરમાં રેતી નહીં પાણી હોય એવી સ્થિતિ સર્જવાની પણ તેમણે સમજ આપી હતી.
આદિવાસી ડુંગરાળ વિસ્તારમાં પાણી રોકવા ટેરેસ તલાવડી કેટલી ઉપયોગી છે તેની સમજ પણ તેમણે આપી હતી અને લાખોની સંખ્યામાં ટેરેસ તલાવડી બનાવવા નરેગા યોજનાની સહાય પણ ઉપલબ્ધ થશે તેની વિગતો મુખ્ય મંત્રીશ્રીએ ખેડૂતોને આપી હતી. આગામી બે વર્ષમાં આખા આદિવાસી પૂર્વ પટ્ટામાં જળસિંચન અને જળસંગ્રહ માટે પણ તેમણે આહ્વાન કર્યું હતું.
ટપક સિંચાઇ અપનાવનારાને ૯પ ટકા સહાય સરકાર તરફથી મળે છે તેનો નિર્દેશ કરી મુખ્ય મંત્રીશ્રીએ ખેડૂતો અને ખાસ કરીને ઉત્તર ગુજરાત-મહેસાણાના કિસાનો પાણી બચાવો અને બેટી બચાવો મંત્ર મૂર્તિમંત કરે એવી પણ સંવેદનાશીલ અપીલ કરી હતી.
ટપક સિંચાઇથી કેટકેટલા કિસાનો મબલખ કમાણી કરતા થયા છે તેના અનેક દ્રષ્ટાંતો મુખ્ય મંત્રીશ્રીએ આપ્યા હતા. પર ડ્રોપ મોર ક્રોપ- ""એક એક ટીપે-ટન ટન ઉત્પાદન'' એમ તેમણે જણાવ્યું હતું.