મને લાગે છે કે હું સૌથી પહેલા એક મહત્વપૂર્ણ કામ પૂરું કરું અને ત્યારબાદ તમામ વાતો જણાવું. હું અહીંયાં ઊભો થયો છું તમને ઈન્વિટેશન આપવા માટે. આપ લખી રાખો, 11 જાન્યુઆરી 2015, સાતમી વાઇબ્રન્ટ સમિટ માટે હું આપને આમંત્રણ આપું છું. એવું જ આમંત્રણ જ્યારે મેં 2011 માં આપ્યું હતું તો બીજા દિવસે અમારા મીડિયાના મિત્રોએ મારી ધોલાઈ કરી હતી કે હજુ ચૂંટણી બાકી છે અને મોદી 2013 નું ઈન્વિટેશન કેવી રીતે આપી રહ્યા છે..! આ વખતે એવી મુસીબત નથી, તો હું તમને સૌને ઉમંગ અને ઉત્સાહની સાથે, નવા સપનાંઓની સાથે, નવી આશાઓ સાથે ફરી એકવાર વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં આવવાનું આમંત્રણ આપું છું અને મને વિશ્વાસ છે કે તમે અવશ્ય પધારશો. મિત્રો, આ જે વાઇબ્રન્ટ સમિટનો તમે અનુભવ કર્યો, જોયું, સાંભળ્યું... દુનિયાભરના જેટલા પણ લોકો આવે છે તે તમામ માટે એક અજૂબા છે.
મિત્રો, ઈન્ટરનેશનલ કૉન્ફરન્સેસિસમાં હું પણ ગયો છું, સેમિનાર્સમાં હું પણ ગયો છું, પરંતુ, આટલા મોટા સ્કેલ પર, આટલી માઈન્યૂટ ડિટેઈલ સાથે, આટલી વિવિધતાઓની સાથે, આટલી બધી મલ્ટિપલ ઍક્ટિવિટીઝને જોડીને કદાચ જ વિશ્વમાં કોઈ ઈવેન્ટ આયોજિત થતી હશે. આ કામને સફળ બનાવવા માટે અનેક લોકોએ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રૂપથી મદદ કરી છે, જિમ્મેદારી ઉઠાવી છે, પરિશ્રમ કર્યો છે. હું આ મંચ પરથી તેને સફળ બનાવનારા તમામ લોકોનો હૃદયથી આભાર માનું છું, ગુજરાતની જનતા તરફથી આ કાર્યને સફળ બનાવવા માટે જોડાએલ સર્વેને હું અભિનંદન આપું છું..! ભાઈઓ-બહેનો, આ ઈવેન્ટમાં અનેક પાસાઓ ઉપર લોકોનું ધ્યાન જાય છે, પરંતુ, એક બાબત તરફ હજુ પણ નજર કરવાની આવશ્યકતા છે. લગભગ 121 દેશોના લોકો અહીં આવ્યા, આ આખું દ્રશ્ય એમણે જોયું, પળવાર માટે કલ્પના કરો મિત્રો, આ 121 દેશોના 2100-2200 લોકો જ્યારે પોતાના દેશ જશે, પોતાના લોકોથી વાતો કરશે તો શું કહેશે..? એમ કહેશે કે હું હિંદુસ્તાન ગયો હતો, હું ઈન્ડિયા ગયો હતો, હું ભારત ગયો હતો..! તેનો સીધે સીધો અર્થ છે મિત્રો, આ ઈવેન્ટથી દુનિયાના 121 કરતાં પણ વધારે દેશોમાં આપણે એક સંદેશ પહોંચાડવામાં સફળ થયા છીએ કે આ પણ એક હિંદુસ્તાન છે, હિંદુસ્તાનનું આ પણ એક સામર્થ્ય છે..! મિત્રો, હિંદુસ્તાનની આપણી એક ઈવેન્ટે 121 દેશોમાં નવા ઍમ્બૅસૅડર્સને જન્મ આપ્યો છે. અને તે આપણા દેશ માટે નવા એમ્બેસેડર્સ, તેમની ચામડીનો રંગ કોઈપણ કેમ ન હોય, તેમની ભાષા કોઈપણ કેમ ન હોય, પરંતુ, જ્યારે પણ હિંદુસ્તાનની વાત આવશે, હું વિશ્વાસથી કહું છું કે તે 121 દેશોના લોકો આપણા માટે કંઈને કંઈ સારું બોલશે અને બોલશે..! એક દેશના નાગરિક માટે આનાથી મોટી ગર્વની કઈ વાત હોઈ શકે છે મિત્રો કે આટલા દેશોમાં આટલા ગૌરવથી આપણા દેશની ચર્ચા થાય, આપણા દેશની પ્રસંશા થાય, આપણા દેશની સારપની વાત થાય..! મિત્રો, દરેક હિન્દુસ્તાની માટે આ છાતી ફૂલાવીને યાદ કરવા જેવી ઘટના ઘટે છે અને એટલા માટે, પરિશ્રમ ભલે ગુજરાતના લોકોએ કર્યો હોય, ધરતી ભલે ગુજરાતની હોય, ઈવેન્ટની સાથે ભલે ગુજરાતનું નામ જોડાએલું હોય, પરંતુ આ ભારતની આન, બાન, શાનને વધારનારી ઘટના છે, આ વાતને આપણે સ્વીકારવી પડશે.
ભાઈઓ-બહેનો, હું જોઈ રહ્યો હતો કે જે જીવનમાં કંઈક કરવા માગે છે, જેના પોતાના કંઈ સપના છે, સાધન ભલે સીમિત હશે પરંતુ, ઊંચી ઊડાનનો જીવનમાં જેનો ઈરાદો છે, કંઈ નવું કરી બતાવવાની જેમની ઈચ્છા છે, એવા હજારો નૌજવાનો આ સમિટની સાથે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રૂપથી જોડાએલા છે. એ બધાને કદી દુનિયાના દરેક દેશોમાં જવાનો અવસર નથી મળવાનો અને જ્યાં સુધી તક મળે ત્યાં સુધી એમને એક્સપોઝર નથી મળવાનું. મિત્રો, આ ઈવેન્ટના કારણે, આ એક્ઝિબિશનના કારણે દુનિયાના આટલા બધા દેશોના લોકોની સાથે વાત કરવાને કારણે આપણા દેશના, આપણા ગુજરાતના ઉભરતા એન્ટ્રપ્રિન્યોર્સ છે, જે ઉભરતી પેઢી છે, એ પેઢીમાં એક વિશ્વાસ ઊભો થાય છે કે હા યાર, દુનિયા આટલી વિશાળ છે, આટલું બધું છે તો ચાલો, આપણે પણ કોઈએક બાજુ હાથ લગાવી દઈએ, આપણે પણ એ દિશામાં આગળ વધીએ, આ વિશ્વાસ ઊભો કરે છે.
મિત્રો, ક્યારેય આપણે સ્વીકારીએ કે ના સ્વીકારીએ, આપણે માનીએ કે ના માનીએ, પરંતુ, દરેક વ્યક્તિની અંદર એક ફિઅર હંમેશા અસ્તિત્વ ધરાવે છે અને તે ફિઅર શું હોય છે..? તે પોતાનામાં એક અનનોન ફિઅર હોય છે, તમે કદાચ પહેલીવાર મુંબઈ આવો છો તો તમારા મનમાં એક ફિઅર હોય છે. તમારા માટે મુંબઈ અનનોન છે તો ફિઅર હોય છે કે કેવું હશે, ક્યાં જઈશ, કોને મળીશ, કેવી રીતે શરૂ કરીશ... તમારા મનની અંદર એક ભય છૂપાએલો હોય છે. તે ખૂબ સ્વાભાવિક છે. મિત્રો, આ ઈવેન્ટના કારણે દુનિયાના આટલા બધા દેશોને મળવું, સમજવું, સાંભળવું...તેના કારણે મારા દેશની, મારા રાજ્યની જે નવી પેઢી છે એમના માટે અનનોન ફિઅરના જે સેન્ટિમેન્ટ્સ છે તે પોતાની મેળે જ ખત્મ થઈ જાય છે અને તેની અંદર વિશ્વાસનું બીજ રોપી દે છે. જો તે અહીં કોઈ ન્યૂઝીલેન્ડના વ્યક્તિને મળે છે તો ન્યૂઝીલેન્ડ જતા પહેલા તેને ન્યૂઝીલેન્ડની બાબતમાં એક વિશ્વાસ પેદા થઈ જાય છે, અનનોન ફિઅર તેના દિલમાં નથી હોતો. મિત્રો, એક મનોવૈજ્ઞાનિક પરિણામ હોય છે અને તે મનોવૈજ્ઞાનિક પરિણામની પોતાની એક અલગ તાકાત હોય છે. હું નથી માનતો કે જે રૂપિયા-પૈસાનું ત્રાજવું લઈને બેઠા છે તેમના માટે આ બધી બાબતો સમજવી શક્ય હોય..! કદાચ મારી દસ સમિટ થશે ત્યારબાદ ઘણા લોકો એવા હશે કે જેમની સમજદારી શરૂ થશે.
મિત્રો, કોઈ કંપની કોઈ રાજ્ય અરબો-ખરવો રૂપિયા ખર્ચ કરીને પી.આર. એજન્સી હાયર કરી લે, દુનિયાની અંદર તે કંપની અથવા કોઈ સ્ટેટ પોતાના બ્રાન્ડિંગ માટે પ્રયત્ન કરે, પરંતુ હું દાવા સાથે કહું છું મિત્રો, આટલા ટૂંકા સમયગાળામાં ગુજરાતે જે પોતાનું બ્રાન્ડિંગ કર્યું છે, કદાચ દુનિયાની દસ આવી કંપનીઓ એકઠી થાય, તો પણ આવી સ્થિતિ ઊભી ન કરી શકે. અને કેવી રીતે થયું છે..? એવું એટલા માટે થયું કે આપણે શરૂઆતમાં એક મંત્ર લીધો. લોકો જુદા-જુદા માધ્યમથી ગુજરાતના વિષયમાં જાણતા હતા. હું પહેલીવાર જ્યારે 2003 માં લંડન ગયો હતો, સમિટને સફળ બનાવવા માટે લોકોને મળવા ગયો હતો. બીજી બાજુ ઓસ્ટ્રેલિયા તરફ પણ ગયો હતો. લોકોને હું કહી રહ્યો હતો કે તમે ગુજરાત આવો. ત્યારે લોકોના મનમાં એક જિજ્ઞાસા હતી અને પૂછતા હતા કે ગુજરાત ક્યાં આવ્યું..? ત્યારે મારે કહેવું પડતું હતું કે મુંબઈથી નોર્થ તરફ એક કલાકની ફ્લાઇટ છે. આજે લોકો કહે છે કે મુંબઈ જવું છે તો બસ ગુજરાતની પાસે જ છે. મિત્રો, આ બાબતો સામાન્ય નથી. એના માટે સમજી-વિચારીને અમે પુરૂષાર્થ કર્યો છે. અને ત્યારે, હું જ્યારે પહેલીવાર ગયો હતો, તે સમય હિંદુસ્તાનની પરંપરા કઈ હતી..? પરંપરા એ હતી કે હિંદુસ્તાનના રાજનેતાઓ વિદેશમાં જતા હતા, નીકળતા પહેલા પોતાના સ્ટેટમાં પ્રેસ કોન્ફરન્સ કરતા હતા, મુખ્યમંત્રી જતા હતા અને કહેતા હતા કે અમે ઈન્વેસ્ટમેન્ટ માટે જઈએ છીએ. દુનિયાના કોઈ દેશમાં જતા હતા, બે-ચાર એમ.ઓ.યૂ. કરતા હતા અને એ ટૂરને સફળ ગણવામાં આવતી હતી. ફરી પાછા આવતા હતા અને દુનિયાને કહેતા હતા કે અમે આટલા એમ.ઓ.યૂ. કરીને આવ્યા છીએ અને એ ટૂરને સફળ ગણવામાં આવતી હતી. અને ફરી ક્યારેય મીડિયા એમને પૂછતું ન હતું કે ભાઈ, તમે જઈને આવ્યા હતા તેનું શું થયું..? તે સમયનો જમાનો એવો હતો. મિત્રો, 2003 પહેલા ઈશ્વરે અમને કેવી સમજણ આપી હતી, શું અમને એવો વિચાર આપ્યો હતો, હું ઈશ્વરનો આભારી છું કે મેં ડે વનથી કામ કર્યું. મેં કહ્યું કે આપણે દુનિયાના દેશોમાં જઈને લોકોને સમજાવીશું અને વાત કરીશું, પરંતુ, આપણે તે કામ નહીં કરીએ જે સામાન્ય રીતે હિંદુસ્તાનની સરકારો કરે છે.
મિત્રો, અહીં હું કોઈની ટીકા નથી કરતો. હું એક દ્રષ્ટિકોણમાં ફેરફાર કેવી રીતે આવે છે તે બતાવવા માગું છું. અને હું જ્યારે વિદેશોમાં ગયો ત્યારે લોકો મને કહેતા હતા કે તમે શું ઈચ્છો છો..? હું કહેતો હતો કે હું બીજું કંઈ નથી ઈચ્છતો, હું ફક્ત એટલું જ ઈચ્છું છું કે આપ ફક્ત એકવાર ગુજરાત આવો. અને હું કહેતો હતો કે, ફીલ ગુજરાત..! આટલી નાનકડી વાત હું કહીને આવ્યો છું દુનિયાને, “ફીલ ગુજરાત”..! આજે મિત્રો, જે લોકો મારા ગુજરાતની ધરતી પર આવે છે અને હું મારી માટીની સૌગંધ ખાઈને કહું છું, આ માટીની તાકાત એટલી જબરદસ્ત છે, આપણા પૂર્વજોએ એટલો પરિશ્રમ કરીને સજાવેલી આ એવી માટી છે કે અહીં આવનારી દરેક વ્યક્તિ તેની સુગંધથી અભિભૂત થઈને દુનિયાના દેશોમાં જઈને પોતાની વાત બતાવે છે.
મિત્રો, કાલે મંચ પરથી પૂછવામાં આવ્યું હતું કે ખબર નહીં ગુજરાતની માટીમાં એવું શું છે..! આ સવાલ ખૂબ સ્વાભાવિક છે, દરેકના મનમાં ઉઠે છે. પહેલા ન હતો ઉઠતો. ભાઈઓ-બહેનો, આ માટીમાં એક પવિત્રતા છે અને આ માટીમાં આપણા પૂર્વજોનો પરસેવો છે, આ ધરતીને આપણા પૂર્વજોએ ખુદ પોતાના પરસેવાથી સીંચી છે અને ત્યારે જઈને આ ધરતી ફળદ્રુપ બની છે અને આ ધરતીના અનાજને ખાનારા પણ તે જ ફળદ્રુપતા અને શક્તિથી ભરેલા છે જે દુનિયાની સાથે આંખોમાં આંખ મિલાવીને વાત કરવાનું સામર્થ્ય રાખે છે. ભાઈઓ-બહેનો, આપણે વિકાસની નવી ઊંચાઈઓને પાર કરવા માગીએ છીએ. જો આપણે દુનિયાને જાણીશું નહીં, દુનિયાને સમજીશું નહીં, બદલાતી જતી દુનિયાને ઓળખીશું નહીં, આપણે તેની સાથે વાત નહીં કરીએ તો આપણે એક કૂવામાંના દેડકાની જેમ પોતાની દુનિયામાં મસ્ત રહીશું અને બની શકે કે આપણી જિંદગી પૂરી થઈ જાય તો પણ આપણને આનંદ જ આનંદ રહે કે ઘણું બધું થયું. પરંતુ, જ્યારે બદલાતા જતા વિશ્વને જોઇએ, જ્યાં સમૃદ્ધિ પહોંચી ગઈ છે તે વિશ્વને જોઇએ તો આપણી અંદર પણ એમ થશે કે અરે યાર, આ તો ક્યાં પહોંચી ગયા, આપણે તો પહોંચવાનું હજુ બાકી છે..! અને ત્યારે જઈને દોડવાની ઈચ્છા જાગે છે, ચાલવાનું મન થાય છે, નવા સપના જાગે છે અને પરિશ્રમ કરવાની પરાકાષ્ઠા થાય છે અને એટલા માટે પરિવર્તન આવવાની સંભાવના પેદા થાય છે. અને એટલા માટે ભાઈઓ-બહેનો, સમયની માંગ છે કે આપણે આ બદલાયેલા યુગમાં કોઈપણ વિષયમાં વિશ્વથી અલગ ના રહી શકીએ.
પોતાને જાતને દુનિયાથી અલગ થલગ કરીને, એક ખૂણામાં બેસીને આપણે આપણી દુનિયાને આગળ વધારવાના સપનાઓને કદી પૂરા નહીં કરી શકીએ. અને એટલા માટે બદલાતા જતા વિશ્વને સમજવાની તક આ પ્રકારની સમિટમાંથી મળે છે. મિત્રો, મને ખુશી છે, ગુજરાતના સામાન્ય પરિવારના લોકો લાખોની સંખ્યામાં આ ઍક્ઝિબિશન જોવા માટે છેલ્લા પાંચ દિવસથી લાઇનમાં ઊભા છે. કેમ..? એમને તો કંઈ લેવું-વેચવું નથી, તેઓ અહીં જે પણ જોશે તેનાથી તો તેમની દુનિયા બદલાવવાની નથી. પરંતુ, અમે એક જિજ્ઞાસા પેદા કરી છે. અને આ અમારી સૌથી મોટી સફળતા છે કે મારા રાજ્યના સામાન્યમાં સામાન્ય નાગરિકની અંદર અમે એક જિજ્ઞાસા પેદા કરી છે, તેનું પણ મન કરે છે કે ચલો, યાર, શું સારું છે જરા જોઇએ તો ખરા...! તેમને લાગે છે કે બની શકે કે આજે જોઇશું તો કાલે મેળવીશું પણ ખરા..! મિત્રો, એક ટ્રાન્સફોર્મેશન છે, એક બદલાવ છે, તે બદલાવને આપણે સમજવાની આવશ્યકતાછે. અને આ સમિટના માધ્યમથી હું મારા ગુજરાતની એક ખૂબ મોટી પ્રતિભા અને શક્તિ, ભલે ગામ હોય, તાલુકો હોય, જિલ્લો હોય, ત્યાં સમાજજીવનનું સંચાલન કરવાવાળી એક શક્તિ હોય છે, તે શક્તિની અંદર સમિટના માધ્યમથી હું નવા સપનાઓને સજાવવા, નવી દિશા પકડવા, એક નવા માપદંડોની તરફ વધવા માટે એક નવું અનફોલ્ડમેન્ટ કરી રહ્યો છું. આ સમિટ તે અનફોલ્ડમેન્ટનું કારણ બની રહી છે. આ ખૂબ મોટું પરિવર્તન આવી રહ્યું છે.
મિત્રો, કોઈપણ ગુજરાતીને ગર્વ થાય છે. આગ્રામાં 200 દેશોના લોકો તાજમહલ જોઈને જશે તો પણ આગ્રાનો આદમી તે ગૌરવનો અનુભવ નહીં કરે, કેમ કે તાજમહેલને બનાવવાવાળાએ બનાવ્યો, ઈશ્વરની ઈચ્છા હતી એટલે એ મહાશયનો આગ્રામાં જન્મ થયો અને આવવાવાળાને તે ખબર પડી કે તે દુનિયાની એક અજાયબી છે તો ચલો હું પણ એક ફોટો પડાવીને આવી જાઉં..! પોતાનાપણું લાગતું નથી. પરંતુ, આ ધરતી પર પોતાના પરસેવાથી પ્રયત્ન કરી કરીને દુનિયાના 121 દેશોના લોકો આવ્યા તો આપણા બધા લોકોને એમ લાગે છે કે યાર, મારા મહેમાન છે, આ મારા પોતાના છે ..! મિત્રો, હું એક વાત જણાવા માગું છું. આ વાત પણ જે હું કહું છું તે ઘણા લોકોની સમજની બહારની ચીજ છે. તે સમજશે તેમના માટે હું સમજ છોડી દઉં છું. મિત્રો, આ 121 દેશોના લોકોનું અહીં આવવું, દરેક વાઇબ્રન્ટ સમિટમાં આવવાવાળા લોકોની સંખ્યા પણ ઘણી છે. અનેક દેશના લોકો છે જે દરેક વાઇબ્રન્ટ સમિટમાં જાય છે.
મિત્રો, વારંવાર અહીં આવવાથી આ ધરતી પ્રત્યે તેમને લગાવ થાય છે, તેમને પણ પોતાનાપણું લાગે છે. તમે જોયું હશે, આટલા બધા દેશોના લોકો, દરેક જણની કોશિશ છે ‘નમસ્તે’ બોલવાની, દરેકની કોશિશ છે ‘કેમ છો’ બોલવાની..! તેઓ પોતાની જાતને આ માટી સાથે જોડવાની કોશિશ કરી રહ્યા છે. અહીંની પરંપરા અને અહીંની સંસ્કૃતિ સાથે પોતાની જાતને જોડવાનો તેઓમાં ઉમંગ છે. તેનો મતલબ એમ થયો મિત્રો, જેને આપણે કોઈ થર્મોમીટરથી માપી ન શકીએ, કોઈ પેરામીટરથી માપી ન શકીએ એવી એક ઘટના આકાર લઈ રહી છે. અને તે ઘટના શું છે? દુનિયાના અનેક લોકોનું ગુજરાત સાથે બૉન્ડિંગ થઈ રહ્યું છે. આ મારી વાત આવનારા દિવસોમાં સાચી થઈને સિદ્ધ થઈને રહેશે અને હું સાફ માનુ છું કે આ જે બોન્ડિંગ છે, તે અમૂલ્ય છે. તેનો કોઈ હિસાબ-કિતાબ ન લગાવી શકાય. અને હું વિશ્વાસથી કહું છું કે ધિસ બૉન્ડિંગ ઈઝ સ્ટ્રોંગર ધેન બ્રાન્ડિંગ..! ગુજરાતની બ્રાન્ડની જેટલી તાકાત છે મિત્રો, તેનાથી વધારે ગુજરાતની સાથે જે બોન્ડિંગ થઈ રહ્યું છે તે પેઢીઓ સુધી રહેવાવાળું કામ આ ધરતી પર થઈ રહ્યું છે.
ગુજરાતમાં કોઈ પણ ઘટના ઘટશે, સારી કે ખરાબ, તમે વિશ્વાસ કરજો મિત્રો, આ તમામ લોકોના દેશમાં ગુજરાતની ચર્ચા અવશ્ય થશે. સારી-ખરાબ ઘટનાની સાથે તેમનું પણ મન જોડાએલું હશે. મિત્રો, એક અર્થમાં ગુજરાતનું એક વિશ્વરૂપ ઊભું થઈ રહ્યું છે. એક્સપાન્શન ઑફ ગુજરાત, ગુજરાતનું એક નવું વિશ્વરૂપ ઊભું થઈ રહ્યું છે. મિત્રો, આટલા ટૂંકા સમયમાં એક રાજ્યનું વિશ્વરૂપ બનવું એ પોતે જ ખૂબ મોટી સિદ્ધિ છે. અને આ સિદ્ધિને માપવા માટે આજની પ્રચલિત જે પરંપરાઓ છે, માન્યતાઓ છે તે કદી કામ નહીં આવે. એક અલગ દ્રષ્ટિથી જોવું પડશે. ભાઈઓ-બહેનો, દુનિયાના આટલા બધા દેશોના લોકો, આપણા ઉત્તરપ્રદેશના વ્યક્તિને પણ ગુજરાતી ખાણું ખાવું હોય તો પૂછે છે કે યાર, આમાં ગોળ તો નથી નાખ્યો ને..! દાળ ગળી તો નથી ને..! તેના મનમાં સવાલ ઊઠે છે, મિત્રો, જેને એક કલાક નોન-વેજ વિના ચાલતું નથી એવા 121 દેશના નાગરિકો બે દિવસ પોતાની પરંપરા છોડીને આપણી ગુજરાતની જે પણ વેજિટેરિયન ડિશ છે તેની મજા લઈ રહ્યા છે. મિત્રો, આ નાની વાત છે શું..? મિત્રો, આ સમિટમાં મેં કહ્યું હતું કે મારા મનમાં આપણા દેશની યુવા શક્તિ છે, મારા રાજ્યનું યુવા ધન છે. આપણે લાંબો સમય રાહ જોઈ શકીએ નહીં મિત્રો, આપણે આપણા રાજ્યના યુવકોને સજ્જ કરવા પડશે. બદલાતા જતા વિશ્વની અંદર પોતાની તાકાતથી માથું ઊચું કરીને નીકળાય તેવી સ્થિતિ આપણા નૌજવાનો માટે ઊભી કરવી પડશે. અને આ આપણા સૌની જવાબદારી છે, સરકાર તરીકે જવાબદારી છે, સમાજ તરીકે જવાબદારી છે, શિક્ષા સંસ્થાઓ તરીકે જવાબદારી છે, આપણે તેમને સજ્જ કરવા પડશે. પરંતુ એક-બે એક-બે પ્રયત્નોથી ડ્રૈસ્ટિક ચેન્જ નથી આવતો મિત્રો, છુટક છુટક પ્રયત્નોથી ઈમ્પેક્ટ ક્રિએટ નથી થતું, એના માટે તો સામુહિક રૂપથી, મોટા પાયા પર અને ખૂબ અગ્રેસિવ મૂડમાં તે વિરાટતાના દર્શન કરાવવા પડશે, ત્યારે જઈને બદલાવ આવે છે. મિત્રો, ક્યારેક-ક્યારેક આપણા શાસ્ત્રોમાંથી આપણે પણ કશુંક શીખી શકીએ છીએ. નાનકડા કૃષ્ણએ માટી ખાધી. હું નથી માનતો કે માખણ ખાનારી વ્યક્તિને માટી ખાવાનો શોખ હશે..! પરંતુ, કંઈ ના કંઈ તો રહસ્ય હશે. ત્યારે તો માટી ખાધી હશે, અને માટી છુપાઈને નથી ખાધી, મા યશોદા જોઈ જાય તે રીતે ખાધી હતી. મા યશોદાને ગુસ્સો આવે તે રીતે ખાધી હતી અને છેક ત્યારે મા યશોદાએ મોઢું ખોલ્યું અને વિશ્વરૂપના દર્શન થયા અને ત્યારે જ યશોદાએ કૃષ્ણની તાકાતનો સ્વીકાર કર્યો હતો. મિત્રો, મનુષ્યનો સ્વભાવ છે..! યશોદાને પણ શક્તિનો સાક્ષાત્કાર ન થયો ત્યાં સુધી તેની શક્તિની અનુભૂતિ નહોતી થઈ, એટલા માટે આપણી આ નવી પેઢીને પણ શક્તિનો સાક્ષાત્કાર કરાવવો પડશે. અને તે મૂળ વિચારને લઈને આપણે આ વખતે નૉલેજને કેન્દ્રમાં રાખીને વિશ્વના અનેક દેશોમાંથી ગણમાન્ય યુનિવર્સિટીઓને બોલાવી. મિત્રો, હું વિશ્વાસપૂર્વક કહું છું, આજ સુધી સમગ્ર દુનિયામાં ક્યાંય પણ દુનિયાના અલગ-અલગ દેશોની 145 યુનિવર્સિટીઓ એક છત નીચે એકઠી થઈ હોય અને તે રાજ્યના લોકો તે 145 લીડિંગ યુનિવર્સિટીઓ સાથે બેસીને, બે દિવસ સંવાદ કરીને પોતાના રાજ્યના યુવા જગતને ક્યાં લઈ જવું તેની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરતા હોય, આ ઘટના દુનિયામાં ક્યાંય નથી બની, દોસ્તો. મને ગર્વ છે તે ઘટના મારા ગુજરાતમાં ઘટી ગઈ, આ વાઇબ્રન્ટ ગુજરાતની સાથે ઘટી..!
મિત્રો, 145 યૂનિવર્સિટીઝનું એકસાથે આવવું અને ગુજરાત આજે જ્યાં છે તેને ધ્યાનમાં રાખીને ચર્ચા કરીને આગળ વધવાના સપના સજાવવા અને રોડ મેપ તૈયાર કરવો, આ તેના પોતાનામાં જ એક ખૂબ મોટી શુભ શરૂઆત છે. મિત્રો, આપણે આ વાતને માનીને ચાલીએ છીએ કે ભારત 21 મી સદીનું નેતૃત્વ કરશે. આ સદઈચ્છા આપણા બધાના મનમાં પડેલી છે. અને વિશ્વાસ પણ એટલા માટે પેદા થાય છે કે 21 મી સદી જ્ઞાનની સદી છે અને જ્યારે-જ્યારે માનવજાતે જ્ઞાનયુગમાં પ્રવેશ કર્યો છે, ત્યારે-ત્યારે હંમેશા હિન્દુસ્તાને વિશ્વનું નેતૃત્વ કર્યું છે. એ સદભાગ્ય છે કે આપણી હયાતીમાં આપણે એ જ્ઞાનયુગમાં પ્રવેશ કર્યો છે અને તેથી 21 મી સદી હિંદુસ્તાનની હોવાની સંભાવના છે. જો બેઠક તૈયાર છે તો આપણા લોકોની જવાબદારી બને છે કે દુનિયાએ જ્ઞાનની જે ઊંચાઈઓને પ્રાપ્ત કરી છે, તે જ્ઞાનની ઊંચાઈઓને આંબવાનું સામર્થ્ય આપણી યુવા પેઢીમાં આવવું જોઇએ, આપણી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સમાં આવવું જોઇએ, આપણી સંસ્થાઓમાં તે પ્રકારનું વાતાવરણ બનવું જોઇએ અને તેના માટે એક પ્રયત્ન આ વાઇબ્રન્ટ સમિટની સાથે કર્યો.
મિત્રો, આખા વિશ્વને આપણે ઘરડી થતી જોઇએ છીએ. પોતાની આંખોથી જોઇએ છીએ કે વિશ્વ ખૂબ તેજીથી ઘડપણ તરફ વધી રહ્યું છે. દુનિયાના કેટલાય દેશો છે જે કદાચ ચાર રસ્તે ઊભા રહીને કલાક સુધી લોકોને આવતા-જતા જુવે તો ખૂબ મુશ્કેલીથી 2-5% યુવાનો દેખાશે, મોટાભાગના ઘરડા લોકો જઈ રહ્યા હશે...! આજે વિશ્વમાં એકમાત્ર હિંદુસ્તાન જ છે જે વિશ્વનો સૌથી યુવાન દેશ છે. મારા દેશના 65% નાગરિકો 35 વર્ષથી ઓછી વયના છે..! જે દેશ પાસે આટલી મોટી યુવા શક્તિ છે, જ્ઞાનનો યુગ છે અને જ્યારે આપણે સ્વામી વિવેકાનંદની 150 મી જયંતિ મનાવી રહ્યા છીએ અને આજે જ્યારે સ્વામી વિવેકાનંદનો 150 મો જન્મ દિવસ છે, તે પળે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે, શું આપણા લોકોની જવાબદારી નથી કે આપણે બધા લોકો ભેગા મળીને 150 વર્ષ જે વ્યક્તિના જન્મને થયા હોય અને જેણે આજથી 125 વર્ષ પહેલા સપનું જોયું હતું. 125 વર્ષ વીતી ગયાં, શું આપણે કદી વિચાર્યું છે કે વિવેકાનંદ જેવા મહાપુરૂષના સપનાં કેમ અધૂરાં રહ્યાં..? શું કમી રહી ગઈ..? તેમણે સપનું જોયું હતું અને વિશ્વાસથી કહ્યું હતું કે મારી આંખોની સામે જોઈ રહ્યો છું કે મારી ભારતમાતા જગદગુરૂના સ્થાન પર બિરાજમાન છે, દેદિપ્યમાન છબી હું મારી ભારતમાની જોઈ રહ્યો છું, આ સ્વામી વિવેકાનંદે કહ્યું હતું.
મિત્રો, શું સમયની માગ નથી કે જ્યારે આપણે સ્વામી વિવેકાનંદજીની 150મી જયંતિ મનાવી રહ્યા છીએ તો તેમના સપનાને સાકાર કરવા માટે આપણે આપણી જાતને સજ્જ કરીએ, પ્રતિબદ્ધ કરીએ, પ્રતિજિત કરીએ અને પુરૂષાર્થની પરાકાષ્ઠા કરી-કરીને આ ભારતમાતાને જગદગુરૂના સ્થાન પર બિરાજમાન કરવાનું સપનું લઈને આગળ વધીએ. જે દેશની પાસે આટલી મોટી યુવાશક્તિ હોય તે દેશ શું નથી કરી શકતો..! તેની બાહુઓમાં સામર્થ્ય હોય તો જગતની બધી આવશ્યકતાઓની પૂર્તિ કરવા માટે આપણે આપણી જાતને સજ્જ કેમ ન કરી શકીએ? મિત્રો, આટલા મોટા સપનાને સાકાર કરવું પણ ખૂબ નાની શરૂઆતથી સંભવ બને છે. અને આપણે ભાર મૂક્યો છે સ્કિલ ડેવલપમૅન્ટ પર.
આ આખા સમિટમાં આપણે એ વાત પર ભાર દઈ રહ્યા છીએ કે આખી દુનિયાને વર્ક-ફોર્સની જરૂરત છે, સ્કિલ્ડ મેન પાવરની જરૂરત છે. આજે હું એ વાત પર ભાર આપી રહ્યો છું કે સારી દુનિયાને વર્ક-ફોર્સની જરૂરત છે, સ્કિલ્ડ મેન પાવરની જરૂરત છે. આજે હું યૂ.કે.ના લોકોની સાથે વાત કરી રહ્યો હતો, બ્રિટિશ ડેલિગેશનની સાથે. તે મને પૂછી રહ્યા હતા કે તમારી શું આવશ્યકતા છે. મેં તેમને અલગ પૂછ્યું, મેં કહ્યું કે તમે બતાઓ, તમને દસ વર્ષ પછી કઈ ચીજોની જરૂર પડશે તેનો હિસાબ લગાવ્યો છે શું..? મેં કહ્યું હિસાબ લગાવો અને અમને બતાવો, અમે તેની પૂર્તિ કરવા માટે અત્યારથી જ પોતાની જાતને તૈયાર કરીશું. દુનિયાને નર્સિસ જોઈશે, દુનિયાને ટીચર્સ જોઈશે, દુનિયાને લેબરર્સ જોઈશે... અને મિત્રો, મારું સપનું છે. અત્યારે પણ હું કહું છું કે કેટલીક વાતો છે જે કેટલાક લોકોને સમજમાં આવે તે શક્ય નથી, દોસ્તો..! લોકોને લાગતું હશે કે અહીંથી મારૂતિ એક્સપોર્ટ થાય, લોકોને લાગતું હશે કે અહીંથી ફોર્ડ એક્સપોર્ટ થાય, લોકોને લાગતું હશે કે અહીંથી તેમની પ્રોડ્ક્ટ એક્સપોર્ટ થાય... મિત્રો, મારું સપનું તો એ છે કે મારે ત્યાંથી ટીચર્સ એક્સપૉર્ટ થાય..! મિત્રો, એક વ્યાપારી જ્યારે દુનિયામાં જાય છે તો ડોલર અને પાઉન્ડ જમા કરે છે, પરંતુ જ્યારે એક ટીચર જાય છે તો એક આખી પેઢી ઉપર કબ્જો કરી લે છે..! આ તાકાત હોય છે એક ટીચરની..! અને જ્યારે વિશ્વમાં માગ છે અને આપણી પાસે નૌજવાન છે, તો કેમ આ બંનેનો મેળ કરીને આપણે દુનિયામાં આપણા ટીચર્સને ન પહોંચાડીએ..! વિશ્વની આવશ્યકતા પણ પૂરી થાય અને આપણા નૌજવાનોનું નસીબ પણ બદલાય. મિત્રો, સંપૂર્ણ વિચાર બદલવાની આવશ્યકતા છે. અને આ વિચાર બદલવાની દિશામાં આ સમિટના માધ્યમથી સમાજ અને રાષ્ટ્રની અંદર કેવી રીતે બદલાવા આવવો જોઇએ તે દુનિયાની સાથે બેસીને આપણે સમજી વિચારીને આગળ વધવાની કોશિશ કરી રહ્યા છીએ. અને મિત્રો, આ અર્થમાં હું આ ઈવેન્ટને સૌથી સફળ ઈવેન્ટ માનું છું. 2003 માં આપણે જ્યારે પહેલીવાર વાઇબ્રન્ટ સમિટ યોજી તો ગુજરાતના વ્યાપારીઓ અને ઉદ્યોગકારો, હિંદુસ્તાનના વ્યાપારીઓ અને ઉદ્યોગકારો એ બધા મળીને જેટલી સંખ્યા થઈ હતી, 2013 માં તેના કરતાં ચારગણી વધારે સંખ્યા તો વિદેશથી આવનારની છે. તે સમયે બધા મળીને જેટલા હતા...અમે નાનકડા ટાગોર હૉલમાં યોજી હતી અને ક્યાંક મીડિયાની નજરમાં અમારું ખરાબ ન લાગે એટલા માટે મેં કહ્યું હતું કે પાછળ યાર, થોડા લોકો બેસી જાઓ એટલે ભરાએલું દેખાય..! કેમ કે, પહેલીવાર પ્રયોગ કરતો હતો, લોકો સવાલ ઊઠાવી રહ્યા હતા કે લોકો ગુજરાત કેમ આવશે ..? તે નકારાત્મક ચીજથી મેં રસ્તો શોધવાની કોશિશ કરી અને આજે 2013 માં આપણે જોઈ રહ્યા છીએ મિત્રો, શું હાલત છે..! હું તો કહું છું મિત્રો, કે મારું આ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ, આ કન્સેપ્ટ ડેવલપ ન થયો હોત તો કદાચ આ મહાત્મા મંદિર પણ ન બનતું. આટલું મોટું આયોજન કેમ ઊભું થઈ રહ્યું છે...? આ આયોજનો એટલા માટે ઊભા થઈ રહ્યા છે કારણ કે અમને લાગી રહ્યું છે કે આપણે દુનિયાની સાથે ડગ માંડીને ચાલવા માટે પોતાની જાતને સજ્જ કરી રહ્યા છીએ.
મિત્રો, અહીં જે આયોજનમાં નૌજવાન લાગી રહ્યાછે તેઓ કૉલેજના સ્ટયૂડન્ટ્સ છે, સ્કૂલના સ્ટયૂડન્ટ છે, એક અઠવાડિયા માટે અહીં તેમની સ્પેશ્યલ ટ્રેઈનીંગ પણ થઈ રહી છે, જોઈ રહ્યા છો? મિત્રો, તેમની આંખોમાં કૉન્ફિડન્સ જુઓ તમે, આટલો મોટો ઈવેન્ટ એમને ફક્ત જોયો છે. કોઈને કહ્યું આમ જાઓ, કોઈને કહ્યું અહીં બેસો.... આ કામ જ કર્યું હશે. એટલા માટે થઈને આયોજનમાં જોડાએલા લોકોની આંખમાં આટલી ચમક આવી છે, તો મિત્રો, મારા આખા ગુજરાતના જે લોકો આ નિર્ણય પ્રક્રિયામાં સામેલ થાય છે તેમના જીવનમાં કેટલો મોટો બદલાવ આવશે તે આપણે સીધે-સીધું જોઈ શકીએ છીએ, બહાર કંઈ શોધવાની જરૂર નથી, મિત્રો. ભાઈઓ-બહેનો, આપણે ગુજરાતને નવી-નવી ઊંચાઈઓ પર લઈ જવું છે. અમે પાછળના વર્ષમાં એક પ્રયોગ કર્યો હતો. તે પ્રયોગ હતો એગ્રિકલ્ચર સેક્ટર માટે. ક્યારેક મેં જોયું હતું કે ઈઝરાયેલની અંદર જ્યારે એગ્રિકલ્ચરલ ફેઅર થાય છે તો મારા ગુજરાતના ઓછામાં ઓછા બે હજાર ખેડૂતો હજારો રૂપિયા ખર્ચીને ઈઝરાયેલના એગ્રિકલ્ચરલ ફેઅરને જોવા માટે જાય છે. કેટલાક કૉ-ઓપરેટિવાળા પણ જાય છે, પરંતુ તેમના ખર્ચની વ્યવસ્થા તો ત્યાંથી જાય છે, પરંતુ, સામાન્ય ખેડૂત પણ જાય છે..! અને ત્યારે મેં વિચાર્યું કે મારા ખેડૂતો માટે પણ મારે કંઈક કરવું જોઇએ. આપણે 2012 માં પહેલીવાર દુનિયાના દેશોના લોકોને, એગ્રો ટેક્નોલૉજી ક્ષેત્રના લોકોને અહીં બોલાવ્યા. આ જ મહાત્મા મંદિરમાં આવો જ વિશાળ કાર્યક્રમ કર્યો હતો અને આટલો જ ભવ્ય કર્યો હતો. શરૂઆત હતી, હિંદુસ્તાનના લગભગ 14 રાજ્યો તેમાં ભાગ લેવા આવ્યા હતા. અને તેની સફળતા જોઈને મિત્રો, અમે નિર્ણય કર્યો કે અમે જેવી રીતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ કરીએ છીએ, તેવી જ રીતે 2014 માં ફરીથી ’16 માં ફરીથી ’18 માં એગ્રિકલ્ચરલ સેક્ટરમાં ટેક્નોલૉજી કેવી રીતે આવે, ફૂડ પ્રોસેસીંગ કેવી રીતે થાય, વેલ્યૂ એડિશન કેવી રીતે થાય.. આ તમામ વિષયોને હું મારા ગામડા સુધી લઈ જવા માગું છું, ખેડૂતો સુધી લઈ જવા માગું છું અને આખી દુનિયાને હું અહીં લાવવા માંગું છું.
મિત્રો, મારો ખેડૂત જુએ, તેને સમજે..! અમે તે દિશામાં પ્રયત્ન કરવા માગીએ છીએ. મિત્રો, આપણે વિકાસની નવી ઊંચાઈઓને પાર કરી છે, તેમાં આજે હું એસ.એમ.ઈઝની સાથે બેઠો હતો. અને એક વાત અમારા એસ.એમ.ઈ. સેક્ટરના ધ્યાનમાં આજે આવી કે આપણે પોતાની કંપનીમાં જે કંઈ ઉત્પાદન કરીએ છીએ, સ્થાનિક બજાર સુધીનું જ વિચારીને ન કરીએ. આપણે દુનિયાના બજારમાં ડગ માંડવા માગીએ છીએ. તે દિશામાં આપણી નાની-નાની કંપનીઓ પણ જાય, અને મિત્રો, બધું જ સંભવ છે. એ કોઈ ચીનનો જ ઠેકો નથી કે તે માલ પેદા કરે અને આપણા બજારમાં ઠાલવે. આપણામાં પણ દમ છે, આપણે દુનિયાના બજારમાં જઈને, છાતી ઠોકીને માલ વેચી શકીએ છીએ. મિત્રો, આ મિજાજ હોવો જોઇએ, નહીંતર કોઈ કોઈવાર મેં જોયું છે કે જ્યારે વેપારીઓ મળે છે ત્યારે, “સાહેબ, શું કરીએ, વેપાર જ ખતમ થઈ ગયો છે.” મેં કહ્યુ, કેમ..? અરે, છોડો સાહેબ, પહેલા તો અમ્બ્રેલા વેચતો હતો, પરંતુ, હવે ચાઈનાથી એટલા મોટા જથ્થામાં અમ્બ્રેલા આવે છે કે મારી અમ્બ્રેલા વેચાતી જ નથી. અરે, રડતો કેમ રહે છે, ભાઈ..? આપણે ચાઈનાના બજારમાં જઈને અમ્બ્રેલા વેચવાનો મૂડ બનાવીએ, આપણે આખી દુનિયાને વેચી શકીએ છીએ, મિત્રો..! હું આ વાતાવરણ બદલવા માગું છું અને એટલા માટે કોશિશ કરી રહ્યો છું. આપણે એગ્રિકલ્ચરલ સેક્ટરમાં પણ તે પ્રમાણે જવા માગીએ છીએ. મિત્રો, આજે હમણાં જોયું, કેનેડાથી એક્સિલેન્સી મિનિસ્ટર અહીં આવેલા છે, તેમણે કહ્યું કે તેઓ અહીં કેનેડાની જે ઓફિસ છે તેને અપગ્રેડ કરી રહ્યા છે, તેમને લાગે છે કે તેમના રેગ્યુલર કામ માટે આવશ્યક થઈ ગયું છે. મને આજે યૂ.કે.ના હાઈકમિશ્નર જણાવતા હતા કે અહીંનું જે બ્રિટિશ એમ્બેસીનું જે ચેપ્ટર છે તેને તે ઈક્વિવેલન્ટ ટૂ મુંબઈ બનાવવા જઈ રહ્યા છે. હવે કેટલી સગવડો વધશે, મિત્રો,..!
મિત્રો, ગુજરાતીઝ આર બેસ્ટ ટૂરિસ્ટ્સ..! તેમણે અઠવાડિયામાં એક દિવસ થાઈલેન્ડથી વિમાન સેવા શરૂ કરવા માટે કહ્યું છે. જોજો, ત્રણ મહિનામાં અઠવાડિયામાં ત્રણ દિવસ ના કરે તો મને કહેજો..! મિત્રો, આ જે નાની-નાની ચીજો છે જેની પોતાની એક તાકાત છે, મિત્રો, તમે જુઓ મિત્રો, ગુજરાતે એશિયામાં પોતાની એક અલગ ઓળખ ઊભી કરવી જોઇએ, એશિયાના દેશોમાં પોતાનું સ્થાન ઊભું કરવું જોઇએ અને સ્થાન ઊભું કરવા માટેનો એક રસ્તો છે, ભગવાન બુદ્ધ..! ઘણા ઓછા લોકોને સમજમાં આવ્યું હશે આ..! અને મિત્રો, થાઈલેન્ડ અને ગુજરાતનો આ સબંધ ફક્ત એક વિમાનની સેવાનો નથી. થાઈલેન્ડ અને ગુજરાતની વચ્ચે સીધી વિમાનની સેવા, ગુજરાતની ધરતી પર જે બુધ્ધની અનુભૂતિ છે અને થાઈલેન્ડ જે બુદ્ધનો ભક્ત છે. આ બુદ્ધના માધ્યમથી થાઈલેન્ડ અને ગુજરાતનું જોડાણ, શ્રીલંકા અને ગુજરાતનું જોડાણ, જાપાન અને ગુજરાતનું જોડાણ, શ્રીલંકા અને ગુજરાતનું જોડાણ, એશિયન કન્ટ્રીઝના બુદ્ધિઝમનું ગુજરાતના બુદ્ધિઝમ સાથે જોડાણ...અને આપણે ભાગ્યશાળી છીએ કે આપણી પાસે ભગવાન બુદ્ધના અવશેષો છે. આખી દુનિયા આપણા ભગવાન બુદ્ધના રેલિક્સને હાથ લગાવીને જોઈ શકે છે. આપણે તેના માધ્યમથી આખા એશિયાને ગુજરાત સાથે જોડાવા માગીએ છીએ. ફક્ત ટીચર્સ મોકલીને કામ અટકવાનું નથી મારું..!
મિત્રો, ઘણા બધા સપના મનમાં પડેલા છે, અને આ સમય નથી કે આજે જ બધી વાતો પૂરી કરી દઉં. પરંતુ, ભાઈઓ બહેનો, આ રાજ્ય સફળતાની નવી ઊંચાઈઓને આંબવા માટે સંકલ્પબદ્ધ છે. આપણે ગુજરાતના સામાન્યમાં સામાન્ય લોકોના જીવનની ભલાઈ માટે કોશિશ કરવાવાળા લોકો છીએ. મેં જોયું છે કે આ વખતે એક આખો સેમિનાર એફૉર્ડેબલ હાઉસિંગ માટેનો હતો અને દુનિયાની ટૉપમોસ્ટ કંપનીઓ વહેલામાં વહેલા મકાન કેવી રીતે બને, સસ્તામાં સસ્તા મકાન કેવી રીતે બને, સારામાં સારી ટેક્નોલૉજીથી મકાન કેવી રીતે બને, ઓછામાં ઓછી જગ્યામાં મોટા ટાવર કેવી રીતે ઊભા કરી શકાય... આ બધા વિષયો ઉપર આજે ચર્ચા કરી રહ્યા હતા. આ ચર્ચા શું ગરીબની ભલાઈ માટે કામ નથી આવવાની..? પરંતુ, આવું કોણ સમજાવે..! મિત્રો, અહીં કૃષિના ક્ષેત્રમાં જે બદલાવ આવ્યો છે તેની ચર્ચા કરવા માટે ડેલિગેશન્શ અહીં છે અને કૃષિના ક્ષેત્રમાં કઈ નવી ટેક્નોલૉજી લઈને આવ્યા છીએ તેની ચર્ચા કરી રહ્યા છીએ. મિત્રો, આપણે કેનેડાની સાથે એક એમ.ઓ.યૂ. કર્યું અને પહેલી વાર આપણા ગુજરાતની એક કંપની મલ્ટિનૅશનલ ના રૂપમાં કેનેડા જઈને ઉદ્યોગ શરૂ કરી રહી છે. ઉદ્યોગ શબ્દ આવતા જ કેટલાય લોકોના કાન ભડકી જાય છે..! ઉદ્યોગ એટલે કે ખબર નહીં કોઈ મોટું પાપ હોય, એવો એક માહોલ દેશમાં બનાવવામાં આવ્યો છે..! મારી આ કંપની કેનેડા જઈને શું કરશે ..? કેનેડા જઈને ત્યાંની સરકારને મળીને ત્યાં આપણે પોટાશના કારખાના લગાવીશું અને તે પોટાશ મારા ગુજરાતના ખેડૂતોના ખેતરમાં કામ આવે એના માટે મહેનત કરી રહ્યા છીએ. ઉદ્યોગ શબ્દ સાંભળતાં જ કેટલાય લોકો ભડકી જાય છે જાણે કોઈ પાપ થઈ રહ્યું હોય..!
મિત્રો, જીવનના દરેક ક્ષેત્રમાં બદલાવ કેવી રીતે આવે, ક્વૉલિટી ઑફ લાઇફમાં પરિવર્તન કેવી રીતે આવે, વિશ્વની બરોબરી કરવાનું સામર્થ્ય આપણામાં કેવી રીતે પેદા થાય... આ સમિટના માધ્યમથી જીવનના પ્રત્યેક ક્ષેત્રને સ્પર્શ કરવાનો આપણે પ્રયાસ કર્યો છે. આ અમારી ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝના સબંધમાં અમારા ઘ્ણા બધા સેમિનાર થયા. આ જે ઈન્વેસ્ટમેન્ટ માટે ઘણા લોકો આવ્યા છે તેઓ ટેક્સ્ટાઈલ ક્ષેત્રમાં વધારે આવ્યા છે. જે લોકો ઉદ્યોગને ગાળૉ આપવા માટે દિવસ-રાત લાગેલા રહે છે હું એમને પૂછવા માગુ છું, મારો ખેડૂત જે કોટન પેદા કરે છે, તે ખેડૂતનું પેટ કેમ ભરાશે જો મારી સરકાર કોટન એક્સપોર્ટ નહીં કરવા દે. મારા ખેડૂતનું કોટન ઉત્પન્ન થયું છે અને હજારો, લાખો, કરોડોની ખોટ મારા ખેડૂતને જાય છે, તો કેમ મારા ખેડૂતના આ કૉટન પર વેલ્યૂ એડિશન ન કરું, કેમ હું ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝ લગાવીને મારા ખેડૂતનું કોટન ઉઠાવીને રેડિમેડ ગારમેન્ટ બનાવીને દુનિયાના બજારમાં ન વેચું? શું આ ખેડૂતની ભલાઈ માટે નથી? પરંતુ, ખબર નથી કેમ એક એવું વાતાવરણ બનાવી દીધું છે. આ વિકૃતિઓ અને નકારાત્મકતામાંથી ગુજરાત ઘણી વખત બહાર નીકળી ગયું છે. મિત્રો, આ સમિટનો સૌથી મોટો સંદેશ છે કે દુનિયાના સમૃદ્ધ દેશો પણ રિસેશનની ચર્ચામાં ડૂબેલા છે, બજારની મંદીના પ્રભાવનો વિશ્વના સમૃદ્ધ દેશ અનુભવ કરી રહ્યા છે, આખું વિશ્વ ઈકૉનમી હાલક-ડોલક થઈ રહી છે તેની ચિંતામાં ડૂબેલું છે.... મિત્રો, આવા વાતાવરણમાં, ધુંધળી પરિસ્થિતિમાં, કન્ફૂઝનની અવસ્થામાં પ્રકાશ ક્યારે રેલાશે તેની રાહ જોવાની સ્થિતિમાં, હું દાવા સાથે કહું છું મિત્રો, આ સમિટ સમગ્ર વિશ્વના આર્થિક જગતની અંદર એક પૉઝિટિવ મેસેજ આપવાનું સામર્થ્ય ધરાવે છે. દુનિયાના દરેક સમૃદ્ધ દેશને ગુજરાતની આ ઘટના એક પૉઝિટિવ મેસેજ આપવાની તાકાત રાખે છે.
અનેક વિષયોમાં આપણે સિદ્ધિ મેળવી છે, આ સિદ્ધિ પરિવર્તનની એક નવી આશા લઈને આવી છે, મિત્રો, આ ગુજરાતને મહાન બનાવવાનું છે, ભવ્ય બનાવવાનું છે, સમૃદ્ધ બનાવવાનું છે, અને સ્વામી વિવેકાનંદજીના સપના સાકાર થાય, તે સપનાઓને સાકાર કરવાની ગુજરાતની જેટલી જવાબદારી છે તેને સારી રીતે નિભાવવાનો અમારો પ્રયત્ન છે. હું ફરી એકવાર આ સમિટ માટે વિશ્વના જેટલા દેશોએ સહયોગ આપ્યો છે તેમનો આભારી છું. હું વિશેષરૂપથી કેનેડાના પ્રાઈમ મિનિસ્ટરનો આભારી છું, જેમણે વિશેષરૂપે કાલે પોતાના એક એમ.પી.ને મોકલીને એક ચિઠ્ઠી મોકલી અને આપણને શુભકામનાઓ આપી અને એટલા માટે હું કેનેડાના પ્રધાનમંત્રીનો ખૂબ ખૂબ આભારી છું જેમણે ગુજરાત પર આટલો વિશ્વાસ મૂક્યો છે. દુનિયાનો સમૃદ્ધ દેશ ભારત જેવા દેશના એક નાનકડા રાજ્ય પ્રતિ આટલા આદર સહિત જોડાવાનો પ્રયત્ન કરે તે તેના પોતાનામાં જ બેમિસાલ છે. હું વિશ્વના સર્વે રાજનેતાઓ જે અહીં આવ્યા, રાજદૂત આવ્યા, વિશ્વના બધા દેશોએ ભાગીદારી નોંધાવી તે સર્વેનો હું હૃદયથી અભિનંદન પાઠવું છું, ધન્યવાદ આપું છું, અને ફરી એકવાર તમે સર્વે આવ્યા, તમારો ખૂબ-ખૂબ આભાર..! અને ફરી એકવાર 11 જાન્યુઆરી, 2015 માટે તમને હું ફરીથી આમંત્રણ આપું છું, યૂ આર મોસ્ટ વેલકમ, 11 જાન્યુઆરી, 2015..! થેન્ક યૂ વેરી મચ દોસ્તો, થેન્ક્સ અ લોટ..!