મંચ પર બિરાજમાન સર્વે મહાનુભાવો અને સ્મૉલ અને મીડિયમ ઉદ્યોગ જગતના સર્વે ભાઈઓ અને બહેનો..! જે લોકોએ કાલનો સમારંભ જોયો હશે તે જો કદાચ આજના સમારંભને જોશે તો તે અનુમાન લગાવી શકશે કે ગુજરાત કઈ રેન્જમાં કામ કરી રહ્યું છે. જેટલું મોટા ઉદ્યોગોનું મહત્વ છે, તેના કરતાં પણ વધારે નાના ઉદ્યોગોનું મહત્વ છે. અને આજનો આખો દિવસ આ સમિટમાં નાના ઉદ્યોગોના વિકાસ માટે આપણે બધા મળીને શું કરી શકીએ છીએ, નાના ઉદ્યોગો દ્વારા પ્રોડક્ટ કરેલી ચીજોનું માર્કેટ કેવી રીતે મળે, નાના ઉદ્યોગ પણ વિશ્વ વ્યાપારમાં પોતાની જગ્યા કેવી રીતે બનાવે, નાના ઉદ્યોગની પણ એક બ્રાન્ડ ઈમેજ કેવી રીતે બને... આ બધા વિષય એવા છે કે જેને કદાચ આપણે સાથે મળી બેસીને વિચારીએ તો ખૂબ મોટું પરિવર્તન લાવી શકાય છે. કોઈ એક જિલ્લામાં એકાદ નાના ઉદ્યોગકાર માટે એકદમ નવી ટેક્નોલૉજીને લાવવી તેના ગજા બહાર હોય છે, તેના માટે મુશ્કેલી પડે છે. પરંતુ, બદલાતી જતી ટેક્નોલૉજીના સબંધમાં અમે સતત અમારા ઉદ્યોગ-જગતના મિત્રોને સાંકળતા રહ્યા, તેમને તક આપીએ, ભલે ઍક્ઝિબિશન હોય, ફેયર્સ હોય, સેમિનાર્સ હોય તો એકસાથે 12-15 લોકો આગળ આવશે અને કહેશે હા, ભાઈ અમે આ ટેક્નોલૉજીને હાયર કરવા માંગીએ છીએ. અને જ્યારે તમામ પ્રકારની કોશિશ કર્યા બાદ સફળતા મળે છે, બધા લોકો જોડાય છે તો એની મેળે જ કોઈપણ ઉદ્યોગકાર માટે નિર્ણય કરવામાં મુશ્કેલી નથી પડતી. આ પ્રમાણે સમિટના માધ્યમથી અમે અમારા ગુજરાતના નાના-નાના તાલુકાઓમાં બેઠેલા જે નાના-નાના ઉદ્યોગકાર છે,એકાદ નાનકડું મશીન છે, જાતે મહેનત કરે છે, કંઈને કંઈ કરી રહ્યા છે... પરંતુ તેમનો પણ ઈરાદો તો છે આગળ વધવાનો. તેઓ પણ ઈચ્છે છે કે નવી ઊંચાઈઓને પાર કરવી છે, પરંતુ, તેમને કોઈ કોઈવાર રસ્તો નથી મળતો. કોઈવાર કાન પર કોઈ જાણકારી મળે, પરંતુ, રસ્તો ખબર ન હોવાના કારણે, સોર્સ ખબર નહીં હોવાના કારણે, કયા લોકોના માધ્યમથી કરે તેનો રસ્તો ખબર નહીં હોવાના કારણે તેઓ પોતાની જિંદગી તેમાં પૂરી કરી દે છે. પિતાજીનું એક કારખાનું નાનુ મોટું ચાલી રહ્યું છે, બાળકો મોટા થઈ રહ્યા છે, બાળકોને લાગે છે કંઈક કરીએ, પરંતુ, પિતાજીને લાગે છે કે ના ભાઈ, આટલા વર્ષોથી હું ચલાવું છું, આવું સાહસ કરશો તો ક્યાંક ડૂબી ના જાઓ, હમણાં જરા ઊભા રહો..! ક્યારેક મા-બાપ પણ જે નવી પેઢી પોતાના કૌટુંબિક વ્યવસાયમાં પ્રવેશ કરે તો, તેનાથી પણ ક્યારેક-ક્યારેક ચિંતિત થાય છે કે શું કરીએ..! આ પ્રકારના સમારંભ દ્વારા બન્ને પેઢીના વિચારોને બદલવા માટે અમે એક કૅટલિક એજન્ટના રૂપમાં કામ કરી રહ્યા છીએ. જે જુની પેઢીના લોકો છે, જે જુની પરંપરાથી પોતાનું કામ કરવા માગે છે, જુની ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને કામ કરવા માગે છે, ખૂબ જ પ્રોટેક્ટિવ ઍન્વાયરમૅન્ટમાં કામ કરવા માગે છે અને નવી પેઢીથી જે ખૂબ જ એગ્રેસિવ છે, જે સાહસ કરવા માગે છે, નવી ટેક્નોલૉજીને એડૉપ્ટ કરવા માંગે છે અને કંઈપણ આવતા પહેલા જ ઘરમાં તણાવ રહે છે. દીકરો બાપને સમજી નથી શકતો, બાપ દીકરાનો સ્વીકાર કરવા તૈયાર નથી થતો અને વર્ષો સુધી એમ જ ચાલતુ રહે છે. અહીંયાં ઘણા લોકો એવા બેઠા હશે જેને આ પ્રકારનો અનુભવ થતો હશે છે..! પરંતુ જ્યારે આ બંને પેઢી આ પ્રકારના પ્રસંગ પર આવે છે ત્યારે વધારે ‘સીઇંગ ઈઝ બિલીવીંગ’, જ્યારે તેઓ આ ચીજોને નજીકથી જુએ છે તો તેમનો જુસ્સો બુલંદી પર પહોંચે છે અને પળવારમાં જ તેઓ નિર્ણય કરે છે કે હા બેટા, તું જે કહેતો હતો તે બરાબર છે, મને ભરોસો ન હતો પરંતુ મેં જોયું તો મને લાગ્યું કે હા યાર, આપણે કરી શકીએ છીએ..! તો મિત્રો, આપણે આપણા આ લઘુ ઉદ્યોગને ટેક્નોલૉજીની દ્રષ્ટિએ અપગ્રેડ કરવા છે. અમે ઈચ્છીએ છીએ કે દુનિયામાં જે પરિવર્તન આવ્યું છે તે પરિવર્તનને આપણે કેવી રીતે અડોપ્ટ કરીએ, આપણા મનને કેવી રીતે બદલીએ, એ ટેક્નોલૉજી માટે ગવર્નમેન્ટ કેવી રીતે સપોર્ટ કરે, કેવા પ્રકારની વ્યવસ્થાઓને વિકસિત કરવાથી આપણે સારી પરિસ્થિતિમાં બદલી શકીએ છીએ.
કોઈ-કોઈવાર કેટલીક પ્રોડક્ટ એવી હોય છે જે સમાજ માટે ખૂબ ઉપયોગી હોય છે. હેલ્થ કેઅર સેન્ટરની કોઈ પ્રોડક્ટ હોય, એજ્યુકેશન સેક્ટરની કોઈ પ્રોડક્ટ હોય, ઈવન સૉલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે કોઈ નાનકડું મશીન બનાવતું હોય. એકાદ વ્યક્તિ માટે મુશ્કેલ હોય છે, તે કરે પણ છે કોઈ-કોઈવાર તોય શું કરે છે? કદાચ માની લો કે વર્ષમાં તે છ મશીન બનાવે છે, તો પછી તે આઠ-દસ ગ્રાહકોથી વધારે જગ્યાએ પહોંચતો નથી. તેને એમ લાગે છે કે આ આઠ-દસ ક્લાયન્ટોને પકડી લીધા, કસ્ટમરને પકડી લીધો, કામ થઈ ગયું. તેની તો રોજી-રોટી ચાલે છે, પરંતુ, તેની આ ટેક્નોલૉજી જે વધુમાં વધુ લોકોને કામ આવે એમ છે તે દર વર્ષે આઠ કે દસ સ્થળે જ પહોંચે છે. તેની પાસે આટલો મોટો વરસો છે, તેની પાસે એસેટ છે, તેણે એક પ્રોડક્ટ ઊભી કરી છે, જો તે એવા સ્થાન પર આવે કે જ્યાં તે પ્રોડક્ટ બહાર પડે દુનિયાની સામે તો બધાને લાગે કે યાર, આનું પ્રોડક્શન વધારવાની જરૂરિયાત છે, આનું થોડું માર્કેટીંગ કરવાની જરૂરિયાત છે. વર્ષમાં આઠ લોકો જ કેમ એંશી જગ્યાઓ પર કેમ ન પહોંચવું જોઇએ...? તો મિત્રો, એના કારણે એક ઉપયોગિતાનું પણ વાતાવરણ બને છે. દરેક જણને એમ લાગે કે કે હા, જો આ વ્યવસ્થા વિકસિત હોય તો આ નગરપાલિકાના કામમાં આવી શકે છે, પંચાયતના કામમાં આવી શકે છે, સરકારી કચેરીઓમાં કામ આવી શકે છે, કૉર્પોરેટ હાઉસમાં કામ આવી શકે છે..! અને એટલા મિત્રો, આ પ્રકારના પ્રયત્નોથી આપણે સમાજોપયોગી જે પ્રોડક્ટ્સ છે, જે વ્યવસ્થાઓમાં પરિવર્તન લાવવા માટેનો એક આધાર બને છે, તે પ્રોડ્ક્ટ્સને શો-કેસ કરવા માંગીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે તમામ લોકો આ ચીજોને જુએ. હવે આ વાત બરાબર છે કે એક નાનકડા ગામમાં બેઠેલા ઉદ્યોગકાર માટે આ બધું કરવું મુશ્કેલ છે કારણ કે તે બિચારો જાતે જ જઈને લેથ પર બેસીને કામ કરે છે તે માર્કેટીંગ કરવા ક્યાં જશે. તેના માટે તે શક્ય જ નથી તો પછી આપણે જ કઈ એવું મિકેનેઝમ ડેવલપ કરવું પડે. જેમ કે આપણે કેટલાક ઉદ્યોગકાર મિત્રોને પણ સન્માનિત કર્યા. આ એ જ લોકો છે જેમને નાના-નાના ઉદ્યોગોમાં હોવા છતાં પણ કંઈકને કંઈક નવું ઈનોવેશન કર્યું છે, કંઈક નવું મેળવ્યું છે, કંઈક વર્ક કલ્ચરમાં ફેરફાર આવ્યો છે, પ્રોડક્ટિવિટીમાં ફેરફાર આવ્યો છે, ક્વૉલિટી ઑફ પ્રોડક્શનમાં ફેરફાર આવ્યો છે..! હવે આ લોકોને જ્યારે બધા લોકો જુએ છે ત્યારે એમને લાગે છે કે સારું ભાઈ, અમારા જિલ્લામાં આ વ્યક્તિએ આવું કામ કર્યું છે..? તો જોશે, પૂછશે કે બતાવો, તમે શું કર્યું હતું. તો એને પણ લાગશે કે હા યાર, હું પણ મારી ફેક્ટરીમાં કરી શકું છું, હું પણ મારા ત્યાં લગાવી શકું છું..!
મિત્રો, એક વાત સાચી છે કે આપણને વધારેમાં વધારે રોજગારી આપવાની ક્ષમતા આ લઘુ ઉદ્યોગકારોના હાથમાં છે, આપ લોકોના હાથમાં છે. લોકોના હાથમાં છે અને આપણે એવા પ્રકારની અર્થવ્યવસ્થા ઇચ્છીએ છીએ કે જેમાં વધારેમાં વધારે લોકોને લાભ થતો હોય. માસ પ્રોડ્ક્શન થાય, તે ઇકોનૉમી માટે તો જરૂરી છે જ, પરંતુ સાથે-સાથે પ્રોડક્શન બાય માસિસ પણ હોવું જોઇએ. માસ પ્રોડ્ક્શન હોય, પરંતુ એક લિમિટેડ મશીન દ્વારા આખી દુનિયા ચાલી જાય છે તો આપણે જોબ ક્રિએટ નથી કરી શકતા. સ્મૉલ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝના નેટવર્ક દ્વારા પ્રોડ્ક્શન બાય માસિસ હોય છે અને જ્યારે પ્રોડ્ક્શન બાય માસિસ હોય છે ત્યારે લાખો હાથ લાગે છે, તો લાખો લોકોનું પેટ ભરાય છે અને એટલા માટે સ્મૉલ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝ વધારેમાં વધારે લોકોને રોજગાર આપવાની એક તક છે. હવે વધારેમાં વધારે લોકોને રોજગાર આપવામાં પણ ક્યારેક-ક્યારેક મુશ્કેલી આવે છે કે ફેક્ટરીમાં ઉત્પાદન તો વધી રહ્યું છે, પણ આપણે કોઈ નૌજવાનને રાખી લઈએ તો છ મહિના તો એને શીખવાડવામાં જતા રહે છે. આ કંઈ ઓછું ઈન્વેસ્ટમેન્ટ નથી થતું. અને તે ઉપરાંત પણ વિશ્વાસ નથી રહેતો કે ભાઈ, જે છોકરાને હું લાવ્યો છું, છ મહિના મેં આને કામ શિખવાડ્યું છે. તેને કામમાં લગાવ્યો છે. પરંતુ ખબર નથી મારી ગેરહાજરીમાં તે જે ચીજ બનાવશે તે બજારમાં ચાલશે કે નહીં, તેના મનમાં ટેન્શન રહે છે. પરંતુ જો તેને સ્કિલ્ડ મેન પાવર મળે , દરેક પ્રકારના આધુનિક વિજ્ઞાન અને જ્ઞાન તથા ટેક્નોલૉજીથી પરિચિત નૌજવાન મળે તો તેનો આત્મવિશ્વાસ બુલંદ થશે. તેને એમ લાગશે કે હું જે પધ્ધતિથી કામ કરું છું એમાં તો મારા બે કલાક વધારે જાય છે. આ સ્કિલ્ડ લેબર મને મળ્યો છે, નૌજવાન એવો છે, આ વિષયને થોડો જાણે છે તો મિત્રો, આપણી પ્રોડ્ક્શન કૉસ્ટ પણ ઓછી થશે, ક્વૉલિટી ઈમ્પ્રૂવ થશે અને આ ફિલ્ડમાં વર્ષો સુધી કામ કરવાવાળા ઉદ્યોગપતિ છે, જે બિઝનેસ મેન છે તેને પણ વિશ્વાસ આવશે કે યસ, સ્કિલ્ડ મેન પાવરના નેટવર્ક દ્વારા, તેની મદદ દ્વારા હું ઉત્તમ ક્વૉલિટીની ચીજો બજારમાં લાવી શકું છું. અને એટલા માટે મિત્રો, જેટલું સમયાનુકૂલ ટેક્નોલૉજી અપગ્રેડેશન આવશ્યક છે, જેટલો આપણી દ્રષ્ટિમાં બદલાવ આવશ્યક છે, એટલું જ આપણા માટે સ્કિલ ડેવલપમૅન્ટ પર ભાર દેવો જરૂરી છે. અને સ્કિલ્ડ મેન પાવર તૈયાર કરવા માટે આપણે ‘ટેલર મેડ સોલ્યુશન’ ન લાવી શકીએ. આપણે લોકોએ ‘નીડ બેસ્ડ સ્કિલ ડેવલપમૅન્ટ’ કરવું પડશે. જ્યાં જે પ્રકારની સ્કિલ આવશ્યક , તે સ્કિલને આપણે પ્રોવાઈડ કરી શકીએ છીએ? આપણે આપણા કોર્સીસને પણ તે કંપનીને અથવા તે ઉદ્યોગને જે પ્રકારના મેન પાવરની આવશ્યકતા છે તે પ્રકારના સિલેબસને આપણે તૈયાર કરી શકીએ છીએ શું? ગુજરાતે તે દિશામાં એક પગલું માંડ્યું છે.
આ પ્રકારના મેળાવડાના માધ્યમથી આપણે એ પણ આઈડેન્ટીફાઈ કરવા માગીશું કે જો એમ માની લઈએ કે ગુજરાતમાં લાખો નાના ઉદ્યોગો છે અને ગુજરાતના ઉદ્યોગોની બેકબોન સ્મૉલ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝ છે. લોકો ગમે તેટલો ભ્રમ કેમ ન ફેલાવે, પરંતુ સત્ય જે અહીંયાં બેઠી છે તે છે. પરંતુ કેટલાક લોકોએ જૂઠાણું ફેલાવીને રાખ્યું છે ગુજરાતની બાબતમાં અને સતત જૂઠાણું ફેલાવવામાં એમને આનંદ પણ આવે છે. અને જનતા જરા તેને ઠીક ઠીક પણ કરે છે. પરંતુ તેમની આદત સુધારવાની સંભાવના નથી. તેમના પર આપણે જરાય વિશ્વાસ મૂકી નથી શકતા. કેમ કે, મિત્રો, કારણ કે તેમના વેસ્ટેડ ઈન્ટરેસ્ટ છે. મિત્રો, આપણે ગુજરાતની અંદર સ્મૉલ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝના નેટવર્ક ઉપર ભાર આપવા માંગીએ છીએ. એટલું જ નહીં, આપણે સ્મૉલ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝને ક્લસ્ટરના રૂપમાં ડેવલપ કરવા પણ માંગીએ છીએ. હવે જુઓ, અહીંયાં સાણંદથી લઈને બહુચરાજી સુધી ઑટોમોબાઈલનું એક ક્લસ્ટર બની રહ્યું છે. તો એક મોટું કારખાનું બનવાથી મોટર બનતી નથી, એક મોટર ત્યારે બને છે જ્યારે પાંચસો-સાતસો નાના-નાના ઉદ્યોગકારો નાના-નાના સ્પેરપાર્ટ્સ બનાવીને એમને સપ્લાય કરે છે. ત્યારે જઈને એક કાર બને છે. કોઈનું આના પર ધ્યાન જ નથી જતું, એમને તો મારૂતિ દેખાય છે અથવા ફોર્ડ દેખાય છે અથવા નૈનો દેખાય છે. પરંતુ, આ ફોર્ડ હોય, મારૂતિ હોય કે નૈનો હોય, જ્યાં સુધી આ લોકો કામ નથી કરતા ત્યાં સુધી બની ન શકે. અને તેને નેટવર્કિંગ માટે આવશ્યકતા કઈ હોય છે કે જ્યાં ઈન્ડસ્ટ્રીનું ક્લસ્ટર હોય ત્યાં જ સરાઉન્ડિંગમાં માટે જો આપણે તે પ્રકારના નાના-નાના ઉદ્યોગોનું એક જાળું બિછાવી દઈએ અને પછી માનો કે ઑટો કમ્પોનન્ટ બનાવવાવાળા કોઈ લોકો છે તો ત્યાં જ તે પ્રકારની આપણી આઈ.ટી.આઈ. હશે, આ આઈ.ટી.આઈ.ના કોર્સીસ પણ ત્યાં હશે જે ત્યાંના બાળકોને ત્યાંના ઉદ્યોગોમાં રોજગાર આપી શકે. એટલે કે એક ઈન્ટિગ્રેટેડ એપ્રોચ હશે. હવે માની લો, વાપીમાં કોઈ ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝ છે અને પાલનપુરમાં આઈ.ટી.આઈ.માં ટેક્સટાઈલનો કોર્સ ચાલે છે. મને કહો, શું પાલનપુરનો છોકરો વાપીની અંદર ટેક્સટાઈલના કારખાનામાં નોકરી કરવા માટે જશે..? પોતાના મા-બાપને છોડીને જશે શું..? ત્યાં મકાન ભાડે લઈને રહેશે..? નહિં રહે..! પરંતુ, જો વાપીમાં ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી છે અને હું વાપીમાં જ ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી માટે રિક્વાયર્ડ ડેવલપમૅન્ટનું કામ કરું છું તો ત્યાંના નૌજવાનોને રોજગાર મળી જાય છે. ત્યાંની કંપનીને મેનપાવર મળી જાય છે અને ત્યાંથી મોટાભાગના લોકોને નોકરી છોડીને ભાગી જવાનું કારણ પણ મળી રહે છે. નહિંતર ઘણીવાર શું થાય છે, કોઈ ઉદ્યોગકારને ચિંતા એ જ રહે છે અને કોઈ મોટો ઓર્ડર લેતો નથી. ઓર્ડર કેમ નથી લેતો..? તેને લાગે છે કે યાર, બીજું બધું તો બરાબર છે પરંતુ, નોકરી છોડીને ચાલ્યા જશે તો હું ઓર્ડર કેવી રીતે પૂરો કરીશ, મારી પાસે માણસો તો છે નહીં ..! એટલે કે એક પ્રકારે તે પોતાની સાથે કામ કરવાવાળા જે વ્યક્તિઓ છે તેના ઉપર ડિપેન્ડન્ટ થઈ જાય છે. પરંતુ જો આવું ક્લસ્ટર હોય અને ક્લસ્ટરની અંદર એ જ વિસ્તારના નૌજવાનોને તે જ કામ માટે જો ટ્રેઈન કરવામાં આવે તો જો એક છોડીને જતો રહેશે તો બીજો મળી જશે, પરંતુ, તે ઉદ્યોગોમાં મેન પાવરની કમી ક્યારેય નહીં પડે અને મેન પાવરનું પણ એક્સપ્લોઈટેશન નહીં થાય.
મિત્રો, ગુજરાતમાં ઔદ્યોગિક જગતથી જોડાયેલા આપ સૌ મિત્રોને એક વાત માટે હું અભિનંદન આપું છું કે આજે ગુજરાતમાં જે ઝીરો મેન-ડેઝ લૉસ છે, પીસફૂલ લેબર છે, તેનું મૂળ કારણ એ છે કે આપણે ત્યાં ઔદ્યોગિક જીવનમાં એક પરિવારભાવ છે. પોતાની કંપનીમાં કામ કરવાવાળો છોકરો પણ પરિવારનો હિસ્સો બની જાય છે, એક આત્મિયતાનો ભાવ હોય છે અને એના કારણે ક્યારેય માલિક અને નોકર એવો આપણે ત્યાં માહોલ બનતો નથી. આપણે જેટલા પ્રમાણમાં આ માલિક અને નોકર એવા ભાવથી બચીએ એટલો આપણો ઔદ્યોગિક વિકાસ થયો છે. અને હિંદુસ્તાનના ઘણા બધા રાજ્યો એવા છે, હિંદુસ્તાનના ઘણા નાના ઉદ્યોગકારો એવા છે જેમને ગુજરાતની આ ક્વૉલિટીની ખૂબ ઓછી ખબર છે. આપણે ત્યાં આઠ કલાકની નોકરી હોય છે તો પણ તે મજૂર નવ કલાક સુધી કામ કેમ કરે છે..? તેને લાગે છે કે ના-ના, આ તો મારી કંપનીની આબરૂનો સવાલ છે, આ માલ તો મારે સાત તારીખે આપવાનો છે, હું કામ કરીને રહીશ..! શેઠ ઈચ્છે કે ના ઈચ્છે, ઉદ્યોગકારની ઈચ્છા હોય કે ના હોય, પરંતુ, તે લેબર રાત સુધી પણ કામ કરીને તેને આપી દે છે. મિત્રો, આ વાતાવરણ જે આપણે ત્યાં બન્યું છે, તેનો અર્થ એમ થાય કે જે પ્રમાણે પ્રોડ્ક્ટની વેલ્યૂ આપણે વધારી છે, તે જ પ્રમાણે તે પ્રોડ્ક્ટની પાછળ જે હાથો વડે કામ થાય છે, તે હાથોની ઈજ્જત આપણે જેટલી વધારીએ, એટલી જ આપણા વ્યવસાયમાં ગેરંટી વધે છે, ક્વૉલિટીમાં ગેરંટી વધે છે અને આપણા પરિણામમાં વૃદ્ધિ થાય છે. અને એટલા માટે મિત્રો, આપણે જેટલી નાના ઉદ્યોગોની કેઅર કરવી છે, એટલી જ આપણી સાથે કામ કરવાવાળા આપણા લેબરર્સની ચિંતા કરવાની છે. આપણે ક્યારેય તેમનું એક્સપ્લોઈટેશન નહિં કરીએ, આ જે જે લોકોએ નક્કી કર્યું અને મેં જોયું કે જો તેને પાંચ રૂપિયાનું કામ મળે છે તો એ તમને પચીસ રૂપિયાનું કામ કરીને આપશે. ક્યારેય કોઈ ખોટમાં નહીં જાય. પોતાના સાથીઓની સંભાળ લેવાના કારણે ખોટમાં ગઈ હોય એવી કોઈ કંપની નહીં હોય, પરંતુ પોતાની જ ટીમના સભ્યો સાથે આ પ્રકારનું કામ નથી કરતા તો તે ખોટમાં જાય છે.
આ પ્રમાણે મિત્રો, સરકાર પણ નથી ઈચ્છતી કે ફેક્ટરીઓમાં જઈને નવી-નવી મુસીબતો ઊભી કરીએ. પહેલા તો એવા-એવા કાયદા હતા, જેમ કે એક બોઈલર ઈન્સ્પેક્શનનો હતો. હવે જે કંપનીઓને બોઈલરની જરૂર હતી તે સરકારને લખતી હતી કે અમારે ફલાણી તારીખે અમારું ઈન્સ્પેક્શન થઈ જવું જરૂરી છે. નહીંતર મારે મારું બોઈલર ઑપરેશન બંધ કરવું પડશે. હવે તે બોઈલર ઈન્સ્પેક્શન કરવાવાળું જે હોય તેની પાસે લૉડ ખૂબ હોય છે અને તે ડેટ નથી આપતો. તેને ટેન્શન રહે છે અને શું-શું મુસીબતો થાય છે તે બધી જાણે છે.! મેં એક નાનકડો કાયદો બનાવી દીધો. મેં કહ્યું ભાઈ, જે ફેક્ટરી ચલાવે છે, તે મરવા માગે છે કે શું? તે પોતાનું બોઈલર ફાટી જાય તેવી ઈચ્છા ધરાવે છે કે શું? તેને પોતાના બોઈલરની ચિંતા નથી થતી કે શું? તો અમે કહ્યું કે તમે એવું કામ કરો કે તેના ઉપર જવાબદારી નાખો અને તે કંપનીને કહો કે તે આઉટ સોર્સ કરીને, જે પણ તેના લાયસન્સવાળા લોકો છે, તેઓના બોઈલર ઈન્સ્પેક્શન કરાવી લે અને કાગળ સરકારને મોકલી આપે. મિત્રો, આટલું સરળ થઈ ગયું..! તો, તેના ઉપર જવાબદારી આવી ગઈ અને એના ઉપર જવાબદારી આવવાને કારણે તે સરકાર જેટલું કરે તેનાથી વધારે કરવા લાગ્યો. તેને લાગ્યું કે હા, યાર, મારું બોઈલર જો કદાચ બગડે તો મારી ફેક્ટરીમાં આગ લાગી જાય તો મારા પચાસ માણસો મરી જશે. જવાબદારી ખુદ તેના ઉપર આવી ગઈ. મિત્રો, આવા ઘણા નાના-મોટા કાનૂની ફેરફારો છે. જો તમારામાંથી એવા પ્રકારના સૂચનો આવે, જેના કારણે સિમ્પલીફિકેશન થાય, સરકાર આવીને ઓછામાં ઓછી મુશ્કેલીઓ ઊભી કરે... અને મિત્રો, આ હું જે બોલી રહ્યો છું ને, તે મારે કરવું છે અને હું તે સતત કરતો આવ્યો છું, ઘણું બધું મેં કરી પણ લીધું છે. પરંતુ છતાં પણ ક્યાંક કોઈક ખૂણામાં કંઈક બાકી રહી ગયું હોય તો મારે તેને ઠીક કરવું છે અને તેમાં મારે તમારા બધાની મદદ જોઇએ. આ સરકાર એવી નથી કે બધું તમારા ભરોસે છોડી દે અને તમને કહી દે કે ભાઈ, જે થવું હોય તે થાય, તમે જાણોને તમારું કામ જાણે, મરો-જીવો તમારી મરજી... ના, આ અમારું કામ છે કે તમે પ્રગતિ કરો, અમારું કામ છે કે તમારી મુશ્કેલીઓ દૂર થાય, આ અમારું કામ છે કે આપણે બધા ભેગા મળીને આગળ વધીએ..! મિત્રો, આજે ગુજરાતમાં ઈન્ડસ્ટ્રી ગ્રો કરી રહી છે. તેનું કારણ એ જ છે કે અમે એક એવું ઍન્વાયરમૅન્ટ ક્રિએટ કર્યું છે અને તે ઍન્વાયરમૅન્ટનો લાભ દરેક જણને મળે તે દિશામાં અમે પ્રયત્ન કરી રહ્યા છીએ.
મિત્રો, હમણાં હું થોડા દિવસ પહેલા સૂરતમાં “સ્પાર્કલ’ કાર્યક્રમમાં ગયો હતો. જેમ્સ એન્ડ જ્વેલરીનો કાર્યક્રમ હતો. ત્યાં ભારત સરકારના પણ લઘુ ઉદ્યોગ વિભાગને જોવા માટે એક અધિકારી આવ્યા હતા. તેમણે જે ભાષણ કર્યું ત્યાં, તે જાણકારી મારા માટે પણ ખૂબ આનંદની હતી. તે જ જાણકારી મને મારા સરકારના અધિકારીઓએ આપી હોત તો હું તેમને દસ સવાલ પૂછત. હું તેમને કહેત કે ના યાર, આ વાત મારા ગળામાં નથી ઉતરતી, આવું કેવી રીતે બની શકે...? મારા મનમાં સવાલ ઊઠે છે, પરંતુ, કેમ કે ભારત સરકારના અધિકારીએ કહ્યું છે તો મને ખબર હતી કે તે સાત જગ્યાએ પૂછીને આવ્યા હશે અને વેરીફાય કર્યા વગર કશું નહીં કહે. અને મિત્રો, તેમણે જે જાણકારી આપી, તે જાણકારી ખરેખર આપણા સર્વે લઘુ ઉદ્યોગોથી જોડાએલા મિત્રો માટે ખૂબ આનંદ અને પ્રોત્સાહનનો વિષય છે. તેમણે કહ્યું કે આખા હિંદુસ્તાનમાં સ્મૉલ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝનો જે ગ્રોથ છે, તે 19% છે અને ગુજરાત એક એવું રાજ્ય છે જેની સ્મૉલ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝનો ગ્રોથ 85% છે. તમે વિચાર કરો મિત્રો, તેનો મતલબ કે ભારત સરકારનો એક જે રિપોર્ટ આવ્યો છે, તે રિપોર્ટ કહે છે કે ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં મિનીમમ બેરોજગાર લોકો છે. બેકારોની સંખ્યા આખા હિંદુસ્તાનમાં ઓછામાં ઓછી ક્યાંય હોય તો તે ગુજરાતમાં છે. હું પૉલિટિકલી જે બેકાર થઈ ગયા છે એમની વાત નથી કરી રહ્યો, એ તો બિચારા પંદર વર્ષથી બેરોજગાર છે. મિનીમમ બેરોજગાર જો કોઈ રાજ્યમાં હોય તો તે ગુજરાતમાં છે. ભારત સરકારનો બીજો એક રિપોર્ટ કહે છે કે સમગ્ર હિંદુસ્તાનમાં છેલ્લા પાંચ-સાત વર્ષમાં જે રોજગાર આપવામાં આવ્યા છે, તેમાં 72% રોજગાર એકલા ગુજરાતે આપ્યા છે. હવે આ ત્રણ ચીજોને ભેગી કરીને જોઇએ તો દેશનો ગ્રોથ 19% અને આપણો 85%, બીજો રિપોર્ટ કહે છે કે મિનીમમ બેરોજગાર લોકો, ત્રીજો રિપોર્ટ કહે છે કે 72% એમ્પ્લોયમેન્ટ આપણે આપીએ છીએ, આ ત્રણેયને જોડીને જો આપણે જોઈએ તો સાફ નજર આવે છે કે આપણી સ્મૉલ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝના ગ્રોથે દેશના નૌજવાનોની કેટલી મોટી સેવા કરી છે. રોજગાર આપવા માટે એક ક્ષેત્ર કેટલું મોટું ઉપકારી બન્યું છે, કેટલો મોટો લાભ થયો છે. અને આ ત્રણેય ચીજો, બધા આંકડા ભારત સરકારના છે.
મિત્રો,આનાથી સ્પષ્ટ થાય છે કે અમારો આ જે સ્મૉલ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝ પર ભાર દેવાનો પ્રયત્ન છે, તેમાં અમે થોડાં ડગલાં વધુ આગળ વધવા માંગીએ છીએ, ભાઈઓ. અને તમે બધા કદાચ ન કરી શકો, પરંતુ, મિત્રો, નિર્ણય તો કરવો જ પડશે..! એક વાત છે, આખી દુનિયામાંથી આવેલો માલ હવે ડંપ થઈ રહ્યો છે. તેની સામે હવે ટકવાનું છે. હું 1999-2000 ની વાત કરું છું, ત્યારે તો હું મુખ્યમંત્રી ન હતો પરંતુ મને યાદ છે, 12-15 વર્ષ પહેલાંની વાત છે, મેં એમને કહ્યું હતું કે ભાઈ, તમારી ચિંતા તો બરાબર છે, પરંતુ, તેનો તો ઉપાય એ છે કે આપણે ચીન કરતાં વધારે સારા જૂતા આપીએ અને ચીનથી સસ્તાં જૂતા આપીએ. જો આપણે આ બાબતો પર ભાર દઈશું તો કોઈ આપણો મુકાબલો નહીં કરી શકે. અને અમે જ્યારે કહીએ કે સારા જૂતા દઈએ તો એનો મતલબ જૂતા ટકાઉ હોવા જોઇએ, ફક્ત જોવામાં જ સારા હોય એવું નહીં. અને મેં કહ્યું, મારો વિશ્વાસ છે કે જો તમે ટકાઉ વસ્તુઓ ઉપર ભાર મૂકશો તો હિંદુસ્તાનના ગ્રાહકોનું માનસ એવું છે કે તે ટકાઉ વસ્તુઓ પસંદ કરે છે અને પછી દુનિયાની કોઈ તાકાત એવી નથી કે જે તેનો માલ અહીં વેચી જાય. મિત્રો, આ એક નાનકડો સિદ્ધાંત છે, શું આપણે જે ચીજોનું પ્રોડ્ક્શન કરીએ છીએ તેને દુનિયાનો જે માલ હિંદુસ્તાનની તરફ આવી રહ્યો છે તેની સામે ટકવા માટે શું તે ટકાઉ છે કે નહીં, તેના ઉપર આપણે ગંભીરતાથી વિચારવું પડશે અને ત્યારે જ આપણે આ ગ્લોબલ માર્કેટમાં અને આ કન્ઝૂમરિઝમના જમાનામાં આપણે ટકી રહીએ છીએ, અધરવાઈઝ આપણે ટકી ન શકીએ, મિત્રો, ક્યારેક તો આપણે નજીવો નફો રળીને પણ ટકાઉ ચીજો ઉપર ભાર આપવો પડશે, એટ દ સેમ ટાઈમ, માર્કેટનો એક બીજો નેચર બન્યો છે, તમે ઘણા લોકો જોયા હશે, 20 વર્ષની ઉંમરમાં જે પ્રકારના જૂતા પહેરે છે, તેઓ 75 વર્ષના થઈ જાય તો પણ બદલતા નથી. તેઓ એ જ મોચીને શોધશે, તેના દ્વારા જ બનાવડાવશે, એવું હતું. પરંતુ, આજની પેઢીમાં..? આજની પેઢીનો સ્વભાવ બદલાઈ ગયો છે. તેમને સતત નવી ડિઝાઈન જોઇએ છે, નવો કલર જોઇએ...તેનો અર્થ એ થયો કે આપણે ત્યાં સતત રિસર્ચ થવું જોઇએ. ભલે આપણે સ્મૉલ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝવાળા જ કેમ નથી, જ્યાં સુધી આપણે માર્કેટમાં નવી ચીજ નહીં આપીએ, ત્યાં સુધી માર્કેટમાં આ જે દુનિયામાંથી આક્રમણ થઈ રહ્યું છે એની સામે આપણે ટકી નહીં શકીએ અને તેથી આપણે સતત ડિઝાઇનિંગ હોય, ક્વૉલિટી રિસર્ચ હોય, કોમ્પોનન્ટ રિસર્ચ હોય, આવા તમામ વિષયો પર ભાર આપવો પડશે, કારણકે આપણે ટકવું છે. નહીંતર જણાવો મિત્રો, જે લોકો હોળીમાં પિચકારી બનાવીને વેચે છે, તેઓ બિચારા વર્ષભર પિચકારી બનાવતા હતા અને હોળીના સમયમાં માલ વેચતા હતા અને રોજી-રોટી કમાતા હતા. તેઓએ બધું બનાવીને રાખ્યું છે અને માની લો ચીનથી પિચકારી આવીને ડમ્પ થઈ ગઈ તો તેની બિચારાની પિચકારી કોણ ખરીદશે ..! તેને ચિંતા રહે છે. પરંતુ, જો આપણી વસ્તુઓ ટકાઉ હોય મિત્રો, તો હું માનું છું કે આપણે કોઈપણ આક્રમણને પાર પાડી શકીએ છીએ.
બીજી બાબત છે મિત્રો, કે આપણે ડિફેન્સિવ જ રહેવું છે શું ..? કંઈપણ કરીને પોતાની રોજી-રોટી કમાવી લો, પોતાના ધંધાને બચાવી લો યાર, ચલાવી લો. બાળકો મોટા થશે તો તેઓ જોઈ લેશે, આપણે તો આપણો ગુજારો કરીએ..! એવું મોટાભાગે આપણને સાંભળવા મળે છે. હું માનું છું કે આપણને મનોવૈજ્ઞાનિક રીતે એક ખૂબ મોટા પરિવર્તનની આવશ્યકતા છે. આપણા ઉદ્યોગ જગતના મિત્રોને ડિફેન્સિવ ન રહેવું જોઇએ. કેમ આપણે એવું સપનું ન જોઇએ કે હું જે પ્રોડ્ક્ટ બનાવી રહ્યો છું, હું દુનિયાના બજારમાં જઈને છાતી ચૌડી કરીને વેચીને આવીશ. આપણે પણ કેમ એગ્રેસિવ ના બનીએ..? આપણે સંપૂર્ણ વિશ્વના બજારમાં કબજો કરવાની કોશિશ કેમ ન કરીએ..? મિત્રો, આ સમિટના માધ્યમથી અમે જે રીતે દુનિયામાંથી ટેક્નોલૉજી લાવવા માટે ઉત્સુક છીએ, તેવી જ રીતે દુનિયામાંથી બજાર શોધવા માટે પણ ઉત્સુક છીએ. વિશ્વમાં અમે અમારો માલ ક્યાં-ક્યાં વેચી શકીએ છીએ, ક્યાં-ક્યાં પહોંચાડી શકીએ છીએ, ક્યાં-ક્યાં માર્કેટની સંભાવના છે, ત્યાંની ઇકોનૉમીને અનુકૂળ અમારી પ્રોડ્ક્ટ અમે કેવી રીતે પહોંચાડી શકીએ છીએ...જો આ ચીજો પર આપણે ભાર મૂકીએ તો મિત્રો આપણે ક્યારેય કોઈ દેશનો કયો માલ અહીં આવીને ટપકી પડવાનો છે, કોના ત્યાંથી કેટલો ડંપ થવાનો છે, એવી કોઈ વાત આપણી ચિંતાનું કારણ નહીં બને. આપણે જો એગ્રેસિવ હોઈશું, ઑફેન્સિવ હોઈશું, આપણે વિશ્વના બજાર પર કબ્જો કરવા માટે વિચારીશું... અને હું માનું છું મિત્રો, ગુજરાતના લોકો સાહસિક છે, આમ કરી શકે છે. ગુજરાતના વેપારીઓમાં દમ છે, જો તેમને કહેવામાં આવે કે તમે ટાલિયાને કાંસકો વેચીને આવો તો વેચી આવશે. એમની અંદર તે એન્ટરપ્રોન્યોરશિપ છે, તેઓ કરી શકે છે. જો તેમને કહેવામાં આવે કે તમે હિમાલયની અંદર ફ્રિજ વેચીને આવી જાઓ તો સાહેબ, તે વેચીને આવી જશે. તે સમજાવી દેશે કે ગ્લોબલ વાર્મિંગ શું છે, હિમાલય હવે ગરમ થવાનો છે, તમારે ફ્રિજની આ રીતે જરૂર પડશે..! મિત્રો, જેની અંદર આ એન્ટરપ્રીન્યોરશિપની ક્વૉલિટી છે, તેના મનમાં આ વિચાર કેમ નથી આવતો કે હું દુનિયાના બજાર પર કબ્જો કરું..!
મિત્રો, બદલાતા જતા યુગમાં આપણી નાની-મોટી ઈન્ડસ્ટ્રીઝને પણ એકાદ નૌજવાનને તો પોતાને ત્યાં ઇન્ફર્મેશન ટેક્નોલૉજીથી જોડાએલ રાખવો જ પડશે. આજે ઑનલાઈન બિઝનેસ એટલા મોટા પ્રમાણમાં થાય છે, વિશ્વની રિક્વાયરમેન્ટની જાણ થાય છે. તમે કોઈને પણ ભલે બે કલાક માટે હાયર કરો, કેટલાક એવા આઈ.ટી.ના બાળકો પણ હોઈ શકે છે કે દિવસમાં છ કંપનીઓમાં બે-બે કલાક સેવા આપી શકે છે, જેમ કે, અકાઉન્ટન્ટ હતા પહેલા. તમારે ત્યાં અકાઉન્ટન્ટ કંઈ પરમેનન્ટ થોડા રાખતા હતા, અઠવાડિયામાં બે કલાક આવતા હતા અને પોતાનું અકાઉન્ટનું કામ કરીને ચાલ્યા જતા હતા. તો આ રીતે આપણે એક નવી વિદ્યા ડેવલપ કરવી પડશે. આ જે આઈ.ટી.ના ક્ષેત્રમાં જે બાળકો એક્સપર્ટીઝ છે, એવા બાળકોની અઠવાડિયામાં બે-ત્રણ કલાક સેવા લેવી, તેમને કહેવાનું કે ભાઈ, દુનિયામાં જુઓ શું શું થઈ રહ્યું છે, નવી ટેક્નોલૉજી શું છે, નવા વેપારની સંભાવનાઓ કઈ છે, જુઓ અને કોરસ્પોન્ડસ કરો, આપણો માલ આપણે વેચી શકીએ છીએ શું..? મિત્રો, થોડું તમે વિચારશો કે આજે દુનિયા એટલી નાની થઈ ગઈ છે કે આપણે પોતાનું માર્કેટ શોધી શકીએ છીએ. અને જો પ્રોડક્ટમાં દમ હશે તો મિત્રો, આપણે આપણી વાત પણ દુનિયામાં પહોંચાડી શકીએ છીએ અને માલ પણ પહોંચાડી શકીએ છીએ અને મને લાગે છે કે આપણા ગુજરાતના ઉદ્યોગકારોએ આ દિશામાં વિચાર કરવો જોઇએ.
એક બીજી વાત છે મિત્રો, મેં જોયું કે ઘણા આપણા ઉદ્યોગકારો જેમણે પોતાની ચીજોને વિશેષ રીતે બનાવી છે, પરંતુ હવે જૂના જમાનાનો આપણો સ્વભાવ છે અને તેના કારણે આપણે આપણી પ્રોડક્ટની પેટેન્ટ નથી કરાવતા. કોઈ નાનો ઉદ્યોગકાર પણ કેમ ન હોય, આપણે પેટેન્ટ કરાવવી જોઇએ. મિત્રો, આ વિષયમાં હવે એક કામ કરવાનો છું. સરકારની અંદર જે ઈન્ડેક્સ-બી જેવા જે આપણા ડિપાર્ટેમેન્ટ છે, હવે પછી, આપણે ડેડિકેટેડ ટૂ ધી સ્મૉલ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝ, એક આખું યુનિટ સરકારના ઉદ્યોગ વિભાગમાં શરૂ કરવાના છીએ. એક આખી સરકારી વ્યવસ્થા ડેડિકેટેડ ટૂ ધી સ્મૉલ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝ હશે. તે લઘુ ઉદ્યોગો માટે, નાના ઉદ્યોગો માટે, કૉટેજ ઈન્ડસ્ટ્રીઝ માટે હશે અને તેને આ પ્રકારની કાનૂની મદદ કેવી રીતે મળે જેમ કે, પેટન્ટ કેવી રીતે કરાવવી, પેટન્ટનું રજિસ્ટર કેવી રીતે કરાવવું, તેમની કંપનીનું નામ થશે, બ્રાન્ડ થશે, પ્રોસેસ થશે, પ્રોડ્ક્ટ થશે...આ બધી બાબતોમાં સરકાર તમારી મદદ કરવા માગે છે, આવનારા દિવસોમાં એ એકમને પણ આપણે ઊભો કરીશું જેના કારણે નાના-નાના ઉદ્યોગોને પણ લોકોની મદદ મળશે. નહીંતર શું થશે, તમે એક બનાવી લો, બીજું તેને ખોલીને વિચારશે કે હા યાર, આ તો હું પણ કરી શકું છું, તો એ પણ પોતાને ત્યાં શરૂ કરી દેશે, ..! અને એના કારણે જેણે મહેનત કરી હોય એને બિચારાને તો મુસીબત આવી જાય. તો અમે ઈચ્છીએ છીએ કે તમારી સિક્યૉરિટી માટેની પણ વ્યવસ્થા થાય અને અમારી સરકાર તરફથી અમે આપની મદદ કરવા માંગીએ છીએ જેથી આપની પાસે જે નૉલેજ છે, ઇનોવેશન છે, તેની પેટન્ટ તમારી પાસે રહે, તે તમારી ઑથોરિટી બની રહે, તે દિશામાં અમે કામ કરી રહ્યા છીએ.
બીજી એક વાત છે મિત્રો, આપણે બધા લોકો છુટક-છુટક આપણી ચીજો માટે દુનિયામાં પોતાની જગ્યા નથી બનાવી શકતા, બધાને ખબર હશે કે આજથી પાંચ-દસ વર્ષ પહેલા બજારમાં આપણે પેન ખરીદવા જતા હતા અને જો તેના પર ‘મૅડ ઈન જાપાન’ લખ્યું હોય તો આપણે કદી પૂછતા ન હતા કે જાપાનની કઈ કંપનીએ આ પેનને બનાવી છે, કદી પૂછતા ન હતા..! તે પેન ઉપર કંપનીનું નામ પણ લખેલું ન હોય, પરંતુ, ફક્ત ‘મૅડ ઈન જાપાન’ લખેલું હોય તો આપણે ખરીદી લેતા હતા, પોતાના ખિસ્સામાં મૂકતા હતા અને પોતાના દસ દોસ્તોને મહિના સુધી બતાવતા હતા કે જુઓ, ‘મૅડ ઈન જાપાન’ છે..! એવો એક જમાનો હતો..! તેનો મતલબ એમ થયો કે તેમણે પોતાની એક બ્રાન્ડ બનાવી દીધી, પછી બધી કંપનીઓના માલ પર ‘મૅડ ઈન જાપાન’ લખી દીધું તો બજારમાં ચાલ્યો જતો. મિત્ર, આપણા માટે પણ આવશ્યક છે કે આપણે દરેક કંપનીની બ્રાન્ડ બનાવવા જઈશું કદાચ આપણી એટલી પહોંચ પણ નહીં હોય અને એટલી તાકાત પણ નહીં હોય, પરંતુ, જો આપણે ‘મેડ ઇન ગુજરાત, ઇન્ડિયા’ એવો જો માહોલ બનાવી દઈએ..! મિત્રો, તે ખૂબ જ આવશ્યક છે અને એટલા માટે મારો આગ્રહ છે કે આપણે આજે મળ્યા છીએ તેના પર ચર્ચા કરીએ, તમારા નાના-નાના એસોસિયેશનમાં પણ આની પર ચર્ચા થાય, પરંતુ, ક્યારેક ને ક્યારેક આ દિશામાં વિચારવું પડશે, પરંતુ આ ત્યારે થશે, ફક્ત એના પર લખી દીધું ‘મેડ ઈન ગુજરાત, ઈન્ડિયા’ તેનાથી કામ નથી ચાલતું. આપણે આપણી પ્રોડ્ક્ટની ક્વૉલિટીની બાબતમાં કોઈ કૉમ્પ્રોમાઇઝ નહીં કરવા માટેના નૉર્મ્સ બનાવવા પડશે. ઝીરો ડિફેક્ટ, આપણે જે પણ મૅન્યુફૅક્ચર કરીએ છીએ, જે પણ પ્રોડ્ક્ટ તૈયાર કરીએ છીએ, તેમાં જો ઝીરો ડિફેક્ટ હશે ત્યારે જઈને આપણે દુનિયામાં ઊભા રહી શકીએ, આપણે જે પ્રોડ્ક્ટ તૈયાર કરીએ છીએ તે જો કૉસ્ટ ઇફેક્ટિવ હશે તો દુનિયામાં જઈને આપણે ઊભા રહી શકીએ, આપણે જે પ્રોડક્ટ કરીએ છીએ તે ટકાઉ હશે તો આપણે દુનિયાની સામે જઈને ઊભા રહી શકીએ અને એટલા માટે ભાઈઓ-બહેનો, આપણે તે દિશામાં કામ કરવું પડશે.
બીજી એક માર્કેટેબલ ચીજ આજે બજારમાં છે. તમે જો તમારી પ્રોડ્ક્ટની સાથે એમ કહો કે તે ઍન્વાયરમૅન્ટ ફ્રેન્ડલી ટેક્નોલૉજીથી બનેલ છે તો દુનિયામાં એક ખૂબ મોટો એવો વર્ગ છે જે તેને ખરીદે છે. આજે પણ જેમ કે ખાણી-પીણીમાં એક ખૂબ મોટો વર્ગ તૈયાર થયો છે, તેને જો એમ કહો કે લો ખાઓ, તો કહેશે કે ના-ના, હું ખાઈને આવ્યો છું, અત્યારે મારું મન નથી. પરંતુ, જો તમે તેને ધીમેથી એમ કહો કે ના-ના ખાઓને, આ ઓર્ગેનિક છે, તો તે તરત જ કહેશે, સારું ઓર્ગેનિક છે, લાવો-લાવો...! હવે ચીજો ચાલી જાય છે ભૈયા, હવે તેની પાસે કોઈ લેબોરેટરી તો છે નહીં કે ટેસ્ટ કરાવશે કે તે ઓર્ગેનિક છે કે નહીં, પરંતુ, તે ખાશે કારણ કે તે ઓર્ગેનિક છે..! મિત્રો, આપણે ખોટું નથી કરવું, સાચું કરવું છે. ઍન્વાયરમૅન્ટ ફ્રેન્ડલી ટેક્નોલૉજી, આ પણ પ્રોડક્ટની સાથે-સાથે વેચાનારી ચીજ બનવાની છે. દુનિયામાં દરેક ચીજને જુઓ, સારું તો આ એન્વાયર ફ્રેન્ડલી ટેક્નોલૉજી છે તો બરાબર છે..! અને એટલા માટે મિત્રો, દુનિયાના માર્કેટની પસંદ જે રીતે બદલાઈ રહી છે, કન્ઝ્યૂમરના જે મુજબ વિચાર બદલાઈ રહ્યા છે, તે પ્રમાણે વસ્તુઓને આપણી સ્મૉલ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝ ગ્લોબલ વિઝનની સાથે તૈયાર કરે તે મારું સપનું છે. તે અહીં ધોળકા-ધંધુકામાં માલ વેચે તેના માટે આપણે આટલી મહેનત નથી કરી રહ્યા, મિત્રો, દુનિયાના બજારમાં છાતી પર પગ મૂકવા માટે મારા ગુજરાતનો વેપારી માલ વેચે તેના માટે અમે આ કોશિશ કરી રહ્યા છીએ. વિશ્વના બજારમાં આપણે આપણા ડગ માંડવાના છે એના માટે અમારો પ્રયત્ન છે. હિંદુસ્તાનમાં તો છે, હિંદુસ્તાનમાં તો તમારો માલ વેચાવાનો જ વેચાવાનો છે, તમારી પોતાની એક પ્રતિષ્ઠા છે, પરંતુ, તે દિશામાં આપણે પ્રયત્ન કરીએ.
મિત્રો, હું ઈચ્છું છું કે આખો દિવસ આ વિષય પર ચર્ચા થનારી છે, ખૂબ જ એક્સપર્ટ લોકો દ્વારા આપણને મદદ મળવાની છે અને આ વિદ્યાને આપણે સતત આગળ વધારવા માંગીએ છીએ અને મારો ઈરાદો છે મિત્રો, નવી ટેક્નોલૉજી કેવી રીતે આવે, નવા ઈનોવેશન કેવી રીતે થાય, વધારેમાં વધારે નૌજવાનોને રોજગાર કેવી રીતે મળે, તેના માટે અનુકૂળ સ્કૂલ ડેવલપમૅન્ટ કેવી રીતે થાય અને આપણે વિશ્વના બજારમાં પોતાનો માલ પહોંચાડવા માટે કેવી રીતે એગ્રેસિવ, પ્રો-એક્ટિવ થઈને કામ કરીએ, આપણે ડિફેન્સિવ ના રહીએ, તે દિશામાં આગળ વધીએ. મારી તમને સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ છે, ધન્યવાદ..!