મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ લંડનમાં આજે યોજાયેલી બિઝનેસ કલ્ચર મીટઃ ‘‘ગુજરાત સકસેસ''ને ગાંધીનગરથી સેટેલાઇટ ટેકનોલોજીના વિડિયો કોન્ફરન્સ માધ્યમથી સંબોધતા જણાવ્યું કે ગુજરાતનો એકવીસમી સદીનો આખો દશક આધુનિક વિકાસની અપૂર્વ સફળતાનો બની ગયો છે.
લંડનના ૧૦૦ જેટલા બિઝનેસ લિડર્સ જેમાં બિનનિવાસી ગુજરાતીઓ અને બ્રિટીશ પાર્લામેન્ટના વરિષ્ઠ સાંસદોની આ બિઝનેસ કલ્ચર મીટ બ્રિટનના એશિયન વોઇસ ગુજરાત સમાચાર મેગેઝીન ગ્રુપ દ્વારા યોજાઇ હતી. વિડિયો કોન્ફરન્સ દ્વારા ગાંધીનગરથી પ્રેરક સંબોધન કરતા મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની સ્વર્ણિમ જયંતીની ઉજવણીમાં જનશકિતના સાક્ષાત્કારની સફળતા ગણાવી હતી.
ગુજરાત સરકાર માત્રને માત્ર વિકાસના મંત્રને વરેલી છે અને નીતિ-નિર્ધારણ, પારદર્શિતા અને વિકાસના વ્યૂહમાં જનભાગીદારીના કારણે અનેક નવી ઉંચાઇ પાર કરી છે તેની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાત એક દશકામાં તેના ઇતિહાસમાં પહેલીવાર ઔદ્યોગિક ક્ષેત્રે નંબર વન બન્યું છે અને તેની સાથે ભારતમાં સૌથી વધુ ૯.૬ ટકાનો કૃષિ વિકાસ હાંસલ કરીને કૃષિ ક્ષેત્રે પણ પ્રથમ સ્થાન મેળવ્યું છે.
લંડનના ગુજરાતીઓ દ્વારા વિશ્વભરના ગુજરાતીઓને સ્વર્ણિમ જયંતી સમાપન સમયે ૩૦મી એપ્રિલ, - ૧ લી મે ૨૦૧૧ ના કાર્યક્રમોમાં ભાગ લેવાનું નિમંત્રણ તેમણે આપ્્યું હતું. સમાપન મહોત્સવની પૂર્વ સન્ધ્યાએ ગાંધીનગર મહાત્મા મંદિરમાં વિશ્વભરના બિનનિવાસી ગુજરાતીઓનું સંમેલન યોજાઇ રહ્યું છે એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં ટેકનોલોજી અને ઇગવર્નન્સ દ્વારા સામાન્ય માનવીની ફરિયાદોને ન્યાય મળે તે માટે સ્વાગત ઓન લાઇન પબ્લીક ગ્રીવન્સ રિડ્રેસલ સાથે પ્રો-પ્રિપલ પ્રો એકટીવ ગુડ ગવર્નન્સ P2 G2 નું મોડલ આપ્યું છે તેની ભૂમિકા આપી હતી અને સામાજિક સેવાઓના માળખાકીય સુવિધા વિકાસની સાફલ્યગાથા રજૂ કરી હતી.
ગુજરાતમાં ગ્રામીણ ગરીબી નિવારણના કાર્યક્રમો દેશમાં સૌથી સફળ રહ્યા છે અને ગ્રામ અર્થતંત્ર સંગીન બન્યું છે એમ તમેણે જણાવ્યું હતું.
શ્રી મનોજ લાડવાએ સમગ્ર સભાનું સંચાલન લંડનમાં કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ પાંચ બ્રિટીશ સાંસદો સર્વશ્રી લાડ ગુલામભાઇ નૂન, શ્રીયુત્ સ્ટીફેન ટીમ્સ, શ્રીયુત કીથ વાઝ, બોબ બ્લૈક મૈન અને શ્રીયુત સ્ટીવ પાઉન્ડ સાથે વિડીયો કોન્ફરન્સથી સંવાદ કર્યો હતો. લંડનના વરિષ્ઠ બિઝનેશ મેન શ્રી લાડ ગુલામ નૂન અને બ્રિટનના લેબર પાર્ટીના લીડર સહિત પાંચ પાર્લામેન્ટેરીયનોએ મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાતે સાધેલા અપૂર્વ વિકાસ અને કલાઇમેટ ચેંજ તથા ભ્રષ્ટાચારના દૂષણને ડામવા માટેના નવા આયામોની પ્રસંશા કરી હતી.
ગુજરાતનું પાટનગર વિશ્વની પ્રથમ સોલાર સિટી બનશે અને પર્યાવરણની રક્ષા માટે ઊર્જા બચત સાથે સૂર્ય ઊર્જા અને પવન ઉર્જાના ક્ષેત્રો ગુજરાતમાં વિકસી રહ્યા છે. કલાઇમેટ ચેંજના પડકારને પહોંચી વળવા કાર્બન ક્રેડિટ ઉપરાંત ગ્રીન ક્રેડિટની પહેલ પણ ગુજરાતે કરી છે તેમ તેમણે જણાવ્યું હતું. ગુજરાતે સમગ્ર દેશમાં પ્રાથમિક શાળાઓના શિક્ષણને ગુણવત્તાસભર બનાવવા સ્કુલ ગ્રેડેશન એન્ડ ટિચર્સ ગ્રેડેશનની પહેલ પણ કરી છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
ગુજરાતના બધા જ ગામડામાં બ્રોડ બેન્ડ આઇટી કનેકટીવિટી છે અને દુનિયાનો કોઇપણ ગુજરાતી પોતાના વતન કે કોઇપણ ગામમાં ઇ-ગવર્નન્સ નેટવર્કથી સંપર્ક કરી શકે છે એમ તેમણે જણાવ્યું હતું. ગુજરાત વિશ્વને ઉત્તમ શિક્ષકો પૂરા પાડવા સમર્થ બનવા માંગે છે અને ક્રિકેટ સહિત રમતગમતના ખેલાડીઓના શ્રેષ્ઠ નિર્માણ માટે ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી સ્થપાશે એમ તેમણે જણાવ્યું હતું.
શ્રી સી.બી.પટેલે આભારદર્શન કર્યું હતું. તેમણે જણાવ્યું કે અમેરિકા અને બ્રિટને આર્થિક-ઔદ્યોગિક વિકાસ માટે સામે ચાલીને મુખ્યમંત્રીશ્રીને આમંત્રણ આપવું પડશે એવી સ્થિતિનું નિર્માણ થવાનું છે.