મહાત્મા મંદિર-ગાંધીનગર બાર કાઉન્સિલ ઓફ ઇન્ડીયાનો સ્વર્ણિમ જ્યંતી ઉજવણી સમાપન સમારોહ
સર્વોચ્ચ અદાલત, વડી અદાલતો અને ન્યાયપાલિકાના ન્યાયાધિશો તથા કાયદા ક્ષેત્રના તજ્જ્ઞો વ્યવસાયી વકીલોનું સમૂહ ચિન્તન કરવા બે દિવસનું વિધિ અને ન્યાયનું મહાસંમેલન
સામાન્ય માનવીના વિશ્વાસનું સંવર્ધન અને ન્યાયપ્રક્રિયા વધુ સક્ષમ બનાવવા ગુણાત્મક સુધારાની પ્રેરણા આપતા નરેન્દ્રભાઇ મોદી
- ન્યાયપ્રક્રિયામાં ટેકનોલોજીના મહત્તમ ઉપયોગની હિમાયત
- કોર્ટમાં આવતા બધા કેસોને ઓનલાઇન સોશ્યલ એનાલિસીસ કરીએ
- કાનૂની જાગૃતિ શિક્ષણ માટે ન્યાયતંત્ર માટેની અલગ ટીવી ચેનલ કેમ ઉભી ના થાય?
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સ્વર્ણીમ જ્યંતી ઉજવણીના સમાપન સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે ન્યાયપ્રણાલીમાં ગૂણાત્મક સુધારાના પ્રેરક સૂચનો કર્યા હતા. તંદુરસ્ત સમાજના નિર્માણ માટે ન્યાયમાં સામાન્ય માનવીનો વિશ્વાસ જળવાઇ રહે તે માટે ન્યાયપ્રક્રિયા વધુ સક્ષમ બની શકે એવી પૂરી સંભાવનાનો નિર્દેશ તેમણે કર્યો હતો.
સને ૧૯૬૧માં રચાયેલી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની પ૦ વર્ષની યશસ્વી વિકાસયાત્રા સંપન્ન થઇ છે. આજે મહાત્મા મંદિર ગાંધીનગરમાં બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાનો સ્વર્ણિમ જ્યંતી સમાપન સમારંભ શરૂ થયો છે જે આવતીકાલે પણ યોજાશે.
ભારતની સર્વોચ્ચ ન્યાયપાલિકાના માનનીય ન્યાયાધિશો, મહારાષ્ટ્ર-ગોવા અને ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિઓ અને ન્યાયતંત્રના કાયદા-કાનૂન ક્ષેત્રના પદાધિકારીઓ તથા બાર કાઉન્સીલોના પદાધિકારીઓ અને વ્યવસાયી વકિલો વિશાળ સંખ્યામાં આ સમારોહમાં ઉપસ્થિત રહયા હતા.
સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિશ્રી કે. એસ. પી. રાધાક્રિષ્ણને આ સમારોહનું ઉદ્દઘાટન કર્યું હતું.
ભારતના સામાન્ય માનવીની આશા અપેક્ષા ન્યાયપાલિકા અને ન્યાયપ્રણાલીમાં છે તેનો નિર્દેશ કરી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે અદાલતોમાં વિવાદી કેસોનો ભરાવો અને ન્યાયમાં વિલંબના અનેક નાના-મોટા પાસાં છે અને તેના કારણે ન્યાયવ્યવસ્થા ઉપર ખૂબ મોટી અસર પડે છે. આથી ન્યાયપ્રણાલીમાં આ બાબતોમાં ગુણાત્મક સુધારા કરી શકાય તો આપણી ન્યાયપ્રણાલી ઉપરનો વિશ્વાસ ટકી ના રહે એવું કોઇ કારણ નથી એમ તેમણે જણાવ્યું હતું.
સમાજના છેવાડાની વ્યકિતને ન્યાય મળે, તેના અધિકારો અને સુખ-સુવિધાની જીંદગી મળે તે વાતાવરણ ઉભૂ થવું જોઇએ અને ગાંધીજીએ આ માટે જે માર્ગ બતાવ્યો છે તે આજે પણ પ્રસ્તુત છે એમ તેમણે ઉમેર્યું હતું.
ટેકનોલોજીના આ યુગમાં ન્યાયપ્રણાલીની ગૂણવતા સુધારવામાં ડિજીટલ ઓનલાઇનનું નેટવર્ક ખૂબ જ સક્ષમ માધ્યમ છે. ગુજરાત સરકારે તમામ બાર કાઉન્સીલોમાં તાલુકા કક્ષા સુધી ઇ-લાયબ્રેરીની સુવિધા વકીલો માટે ઉભી કરી દીધી છે તેની ભૂમિકા તેમણે આપી હતી.
જો સ્ટેટ ગવર્નન્સ પોલીસી ડ્રિવન હોય (નીતિ આધારિત) હોય તો મોટાભાગના સરકારી વિવાદના કેસોનું ભારણ ઘટી જશે એમ ભારપૂર્વક જણાવતાં મુખ્યમંત્રીશ્રીએ ફોરેન્સીક સાયન્સ અને ટેકનોલોજીનો પ્રભાવ જીવનના અનેક ક્ષેત્રો ઉપર છે ત્યારે આર્થિક ગૂનાઓ અને સાઇબર ક્રાઇમ નિવારણ માટે ન્યાયપ્રક્રિયા ઉપર ટેકનોલોજીનો મહત્તમ વિનિયોગ કરવો જોઇએ તેના ઉપર ભાર મૂકયો હતો.
ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ન્યાયના દરવાજે આવતા તમામ કેસોનું ઓનલાઇન સોશ્યલ એનાલિસીસ યુનિવર્સિટીઓ દ્વારા અને સોશ્યલ રિસર્ચર્સનો સમન્વય કરીને જોઇએ જેથી કયા ક્ષેત્રમાં કયા વિવાદી કેસોનો કેટલો પ્રભાવ છે તેની જાણકારી મળી શકશે તો સમાજની માનસિકતાને બદલવામાં પણ ઉપકારક બનશે. સરકાર અને ન્યાયપાલિકાની કાનૂની પ્રશિક્ષણની આવશ્યકતા ઉપર ભાર મૂકતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સપ્તાહમાં એક દિવસ ટીવી માધ્યમથી કાનૂની શિક્ષણ જાગૃતિ માટે ન્યાયતંત્રની સ્વતંત્ર ટીવી ચેનલ શરૂ કેમ ના કરી શકાય? તંદુરસ્ત સમાજના નિર્માણ માટે ન્યાયતંત્રની સક્ષમતા ખૂબ મોટું પરિવર્તન લાવી શકશે તેમ તેમણે જણાવ્યું હતું.