મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનો જાપાન પ્રવાસ - પ્રથમ દિવસ
ધોલેરા SIR, DMIC પ્રોજેકટ, કલ્પસર પ્રોજેકટ, ફાસ્ટ ટ્રેક બૂલેટ ટ્રેઇન અને મેટ્રો
ટ્રેઇન પ્રોજેકટ, દહેજ ડિસેલીનેશન પ્લાન્ટ, જાપાની ઇન્ડસ્ટ્રીઅલ ઝોન,જાપાન સરકારને બુધ્ધ મંદિર નિર્માણમાં સહભાગી થવા નિમંત્રણ, રિન્યુએબલ એનર્જીના રિસર્ચ માટે ઇંજન
સોમવારનો આખો દિવસ જાપાન સરકારના મંત્રીશ્રીઓ સાથેની ફળદાયી મૂલાકાતો
JETRO જાપાન એક્ષ્પોર્ટ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન આયોજિત સેમિનારમાં ૪૦૦ જેટલા જાપાની વેપાર-ઉઘોગના પદાધિકારીઓ ઉપસ્થિત ગુજરાતમાં બે જાપાની SEZ સ્થપાશે
ગુજરાત અને જાપાનના આર્થિક સંબંધોને નવી શકિત મળશે
જાપાન અને ગુજરાત વચ્ચે માળખાકીય સુવિધા વિકાસના પ્રોજેકટમાં જાપાનની ભાગીદારીની નવી ક્ષિતિજો આકાર લેશે JETROના સેમિનારમાં જાપાની કંપનીઓનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યોઃ
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે ટોકીયોમાં જાપાન એક્ષ્પોર્ટ ઓર્ગેનિઇઝેનશન (JETRO) આયોજિત સેમિનારને સંબોધતા ગુજરાત અને જાપાન વચ્ચે આર્થિક-ઔઘોગિક સંબંધોમાં નવો મોડ આપવાના નિર્ધાર સાથે જાપાનની ઔઘોગિક કંપનીઓને ગુજરાતમાં ભાગીદાર બનવાનું ઇજન આપ્યું હતું.ગુજરાત અને જાપાનના સાંસ્કૃતિક જીવનશૈલી સાથે બે જાપાનીઝ સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીઅલ ઝોનનું નિર્માણ આકાર લઇ રહ્યું છે અને આ ઝોન JETRO PPP મોડલ ઉપર બનાવશે. ગુજરાતના દૂરોગામી વિકાસ પ્રોજેકટમાં જાપાન સરકારનો પણ વિધ્યેયાત્મક પ્રતિભાવ મળી રહ્યો છે ત્યારે જાપાન અને ગુજરાત વચ્ચે ઐતિહાસિક સંબંધોનો નવો સેતુ રચાશે એમ જણાવ્યું હતું.
JETROના આ સેમિનારને જાપાનના વેપાર-ઉઘોગ ક્ષેત્ર તરફથી ખૂબ જ ઉમળકાભર્યો પ્રતિસાદ મળ્યો હતો અને ગુજરાત સાથે આર્થિક-વાણીજ્ય અને ઔઘોગિક સંબંધોને વ્યાપક ફલક ઉપર વિકસાવવાની તત્પરતા સાથે ગુજરાતમાં પ્રોજેકટ અને મૂડીરોકાણ માટે આ સેમિનાર જાપાનની કંપનીઓ અને ઉઘોગકારો માટે સક્ષમ પ્લેટફોર્મ બની ગયો હતો. ૪૦૦ જેટલી જાપાની કંપનીઓના પદાધિકારીઓ અને જાપાની નેશનલ મિડિયાએ એમાં ભાગ લીધો હતો.મુખ્યમંત્રીશ્રીએ પ્રેરણાત્મક સંબોધનમાં જણાવ્યું કે ગુજરાત અને અને જાપાન વચ્ચેના આ સંબંધો લાગણી અને સદ્દભાવનાના સેતુ ઉપર સુદ્રઢ થયા છે. હિન્દુસ્તાનમાં ગુજરાતે ઔઘોગિક ઊંચાઇ પાર કરી દીધી છે પરંતુ લાખો નાના-લધુ ઔઘોગિક એકમોના નેટવર્કથી ઔઘોગિક વિકાસની નવી ઓળખ બની ગઇ છે. ગુજરાતના લોહીમાં ઔઘોગિક પ્રગતિનું પ્રોત્સાહક બળ વહે છે. જાપાનની કોઇને કોઇ કંપની દર અઠવાડિયે ગુજરાતમાં નવા ઉઘોગ સ્થાપવા આવતી રહી છે. ગુજરાતમાં શાંતિપૂર્ણ અને હુન્નર કૌશલ્ય ધરાવતી માનવશકિત, વીજળી પૂરવઠાની ખાતરી અને માત્ર રોડ-રેલ્વે-પોર્ટ-એક્ષ્પોર્ટ જેવા કોમ્યુનિકેશનના પરંપરાગત માળખાકીય સુવિધાની ઉપલબ્ધી પછી નેકસ્ટ જનરેશન જેવા ઇન્ફ્રાસ્ટ્રકચર જેમાં ગેસગ્રીડ, ઇન્ટરનેટ બ્રોડબેન્ડ કનેકટીવિટી જેવી ર૧મી સદીના પ્રગતિશીલ દેશોના બેન્ચમાર્કની બરોબરી ગુજરાત કરી રહ્યું છે એની વિષદ ભૂમિકા તેમણે આપી હતી.
જાપાન અને ભારતના સાંસ્કૃતિક સંબંધો સંવેદના અને સદ્દભાવનાની બૂનિયાદ છે તેની ભૂમિકા સાથે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ૧૯પર માં ભારત જાપાન વચ્ચે શાંતિના કરાર (Peace Treaty) થયેલા તેવું આ આ ૬૦મું વર્ષ છે અને ભારત હંમેશા જાપાનની સાથે જ રહ્યું છે. સાર્વજનિક વૈશ્વિક ક્ષેત્રે ભારત ઉપર દબાણ હોવા છતાં અને તત્કાલિન ભારત આઝાદ નહીં હોવા છતાં જાપાનનું મિત્ર બનીને ઉભૂં રહ્યું. ર૧મી સદીમાં પણ ભારત અને જાપાન, એશિયામાં મોટી આર્થિક તાકાત અને વિશ્વની માનવજાતના કલ્યાણ માટે નવી શકિત બનશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.
JETROના ચેરમેન હિરોયુકી ઇસીગે (HIROYUKI ISHIGE) એ મુખ્યમંત્રીશ્રીના પ્રગતિશીલ અને વિઝનરી નેતૃત્વને બિરદાવી ગુજરાત ડેલીગેશનનો સત્કાર કર્યો હતો. વૈશ્વિક મંદીમાં પણ ભારત અને જાપાન આર્થિક તાકાત કઇ રીતે બની શકે અને ગુજરાતના રાજકીય સ્થિરતાના શાસન અને વિશ્વના આર્થિક પ્રશ્નો સાથેની સ્પર્ધામાં ટકી રહેવાની શકિત અને ક્ષમતાની રૂપરેખા તેમણે આપી હતી.
આ અગાઉ સોમવારના દિવસ દરમિયાન જાપાન સરકારના વરિષ્ઠ મંત્રીશ્રીઓ સાથેની બેઠકમાં ગુજરાતના વિઝનરી પ્રોજકેટ સહિત ગુજરાતના વિકાસની ભવિષ્યની સંભાવના સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીની રજૂઆતોને જાપાન સરકારે ઉમળકાભર્યો પ્રતિસાદ આપ્યો હતો જેના કારણે ગુજરાત અને જાપાન વચ્ચે સહભાગીતાના દૂરોગામી પરિણામો સાથે નવી ક્ષિતિજો આકાર લેશે.
ટોકીયોમાં મુખ્યમંત્રીશ્રીનો જાપાન પ્રવાસનો સોમવારનો દિવસ અત્યંત વ્યસ્ત પણ ખૂબ સફળ રહ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ આજે જાપાન પ્રવાસમાં ટોકીયોના રોકાણના પ્રથમ દિવસે જાપાન સરકારના વિવિધ મંત્રાલયોના મંત્રીશ્રીઓ સાથે ગુજરાતના વિશિષ્ઠ પ્રોજેકટ સાકાર કરવામાં જાપાન સરકારના સહયોગ માટેની ભૂમિકા અંગે ત્રણ ફળદાયી બેઠકો યોજી હતી.
જાપાનના આર્થિક વેપાર અને ઉઘોગના મંત્રી શ્રીયુત યુકીઓ એડાનો (YUKIO EDANO) સાથેની બેઠક (METI) ઃ ગુજરાતના આર્થિક વિકાસથી પ્રભાવિત METI શ્રી એડાનો સાથેની આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીએ DMIC પ્રોજેકટ (દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીઅલ કોરિડોર)ને વાયા અમદાવાદથી ધોલેરા-ભાવનગર-કલ્પસર સુધી વિસ્તૃત કરવાની નેમ વ્યકત કરી હતી અને જાપાન સરકાર ગુજરાત સાથે ભાગીદારી કરે તેવી અપેક્ષા વ્યકત કરી હતી. અમદાવાદ-મુંબઇ-પૂનાની સૌથી ઝડપી ગતિની બૂલેટ ટ્રેન અને ગાંધીનગર-અમદાવાદ ધોલેરા મેટ્રો ટ્રેઇન પ્રોજેકટ જાપાનની બૂલેટ ટ્રેનના મોડેલને આધારે સાકાર કરવા માટે પણ તેમણે રજૂઆત કરી હતી. કલ્પસર અને ધોલેરા SIR ને જાપાનના મંત્રીશ્રીએ વિઝનરી પ્રોજેકટ ગણાવ્યા હતા જે સંદર્ભમાં કલ્પસર અને ધોલેરા SIR માટે મુખ્યમંત્રીશ્રીએ માળખાકીય સુવિધામાં ટેકનોલોજી સહયોગની પણ રજૂઆત કરી હતી. અમદાવાદ માંથી વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ મેનેજમેન્ટ અને ધોલેરામાં નદીઓના ફલડ વોટર ચેનેલાઇઝ કરવાની ટેકનોલોજી માટેની ભૂમિકા તેમણે આપી હતી. જાપાનના બે ઇન્ડસ્ટ્રીઅલ ઝોન જાપાન અને ગુજરાત વચ્ચે આર્થિક ઉપરાંત સાંસ્કૃતિક સંબંધોમાં પણ નવી ચેતના જગાવશે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં જાપાની ભાષાના વર્ગો શરૂ કરવામાં સહયોગની અપેક્ષા રાખી હતી.
જાપાનમાંથી ટેકનોલોજી ટ્રાન્સફર માટે દહેજમાં જાપાનના સહયોગથી એશિયાના સૌથી મોટા ડિસેલીનેશન પ્લાન્ટને ઝડપથી આગળ વધારવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો. અમદાવાદમાં METIનું સેન્ટર સ્થાપવા બાબતે તથા આગામી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં જાપાન ડેલીગેશન પાર્ટનર કન્ટ્રી તરીકે ત્રીજીવાર સહભાગી બનશે. જાપાનના બે ઇન્ડ્રસ્ટ્રીઅલ ઝોન નિર્માણથી જાપાનના લધુ અને મધ્યમ ઉઘોગો માટે પણ ગુજરાતમાં ભાગીદાર થવાના દ્વાર ખૂલી જશે તેમ આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું.
જાપાનના ભૂમિ, માળખાકીય સુવિધાઓ, પરિવહન અને પ્રવાસન મંત્રી શ્રીયુત યુચિરો હાટા (Mr. YUCHIRO HATA) ઃ સાથેની મુખ્યમંત્રીશ્રીની મૂલાકાત પણ અત્યંત ફળદાયી રહી હતી. જાપાને જે રીતે ત્સુનામીની કુદરતી આફતમાંથી ઝડપથી બહાર આવી આર્થિક પ્રગતિની હરણફાળ ભરી છે તે માટે અને ગુજરાતની સાથે ભૂકંપનાં આપત્ત્િા વ્યવસ્થાપન અંગે સંવેદના બતાવવા માટે મુખ્યમંત્રીશ્રીએ જાપાન સરકાર અને પ્રજાને અભિનંદન આપ્યા હતા. ગુજરાત અને જાપાન વચ્ચે બુધ્ધ ટુરિઝમના નવા ક્ષેત્રો માટેની ઉજ્જવળ સંભાવનાઓની રૂપરેખાથી જાપાન સરકારના મંત્રીશ્રી પ્રભાવિત થયા હતા.જાપાન પાર્લામેન્ટ હાઉસનું સત્ર ચાલી રહ્યું હોવા છતાં, જાપાનના મંત્રીશ્રીઓએ મુખ્યમંત્રી અને ડેલીગેશનનો ઉષ્માભર્યો સત્કાર કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદ-ટોકીયો વચ્ચે વિમાની સેવા શરૂ કરવા, DMIC પ્રોજેકટ માટેના સહયોગ દ્વારા જાપાન-ગુજરાત વચ્ચે પરસ્પર સહભાગીતાના સંબંધોને નવો ઓપ આપવા કરેલી ચર્ચાને પણ મંત્રીશ્રી યુચિરો હાટાએ આવકારી હતી.
ગુજરાત રિન્યુએબલ એનર્જીમાં ભારતનું અગ્રીમ રાજ્ય બન્યું છે ત્યારે ગુજરાતની ભૂમિ ઉપર જાપાન સરકારને રિન્યુએબલ એનર્જીના રિસર્ચ માટે ગુજરાત સાથે ભાગીદારી કરવા થવા પણ મુખ્યમંત્રીશ્રીએ આમંત્રણ આપ્યું હતું.
જાપાનના પૂર્વપ્રધાનમંત્રી શ્રીયુત શિન્ઝો આબે સાથેની સૌજન્ય મૂલાકત પણ ખૂબ જ ઉષ્માસભર રહી હતી. ર૦૦૭ના વર્ષમાં મુખ્યમંત્રીશ્રીના જાપાન પ્રવાસ પછી ગુજરાત સાથેના સંબંધો સાતત્યપૂર્ણ અને મજબૂત બની રહ્યા છે અને બુધ્ધના અવશેષોથી ગુજરાતની ભૂમિ ઉપર ભવ્ય બુધ્ધ મંદિરના નિર્માણના પ્રોજેકટને તેમણે આવકાર્યો હતો.