ભારતીય જનતા પાર્ટીનો જન્મ સત્તા પ્રત્યેની ભૂખના કારણે નથી થયો, ભારતીય જનતા પાર્ટીનો જન્મ સત્તાના દલાલોની ભલાઈ કરવા માટે નથી થયો. આ પાર્ટીનો જન્મ દેશના કરોડો નાગરિકોનું ભાગ્ય બદલવા માટે થયો છે, તેમના કલ્યાણ માટે થયો છે. અને જ્યારે કોઈ સારું કામ કરે છે તો અવરોધો ઓછા નથી આવતા. ભાઈઓ-બહેનો, ક્યારેક હું કેરળની બાજુ નજર કરું છું. શું કારણ છે કે સામ્યવાદીઓના સતત હુમલાઓ થવા છતાં, પણ આપણા સેંકડોં કાર્યકર્તાઓને મોતને ઘાટ ઉતારવા છતાં પણ, ભલે કેરળ હોય કે બંગાળ હોય, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને જીત મળે કે ના મળે, જિંદગી ખપાવી દેવામાં ક્યારેય બાંધછોડ નથી કરતા..! શું કારણ છે કે સત્તાની ગલીઓથી દૂર-દૂર સુધી કોઈ સબંધ ન હોવા છતાં પણ એક ભારત માતાની જય માટે પોતાનું જીવન ન્યૌછાવર કરવાવાળા લક્ષાવતી લોકો આજે ભારતીય જનતા પાર્ટીનો ઝંડો ઉઠાવીને ચાલી રહ્યા છે..! હું દિલ્લીમાં બેઠેલા શાસકોને ચેતવણી આપું છું કે જો તમે એવું માનતા હોવ કે તમારા સી.બી.આઈ. ના હુમલા ભારતીય જનતા પાર્ટીને નિરાશ કરી મુકશે, તો તમે એમ માનવામાં ભૂલ કરો છો. તમને એવું લાગે છે કે પોતાના ગવર્નરોના માધ્યમથી તમે ભારતીય જનતા પાર્ટીની સરકારોને હેરાન કરશો તો તમે લખીને રાખો, જ્યાં ભાજપની સરકારો છે, ત્યાં જનતા દિલ્લી સરકાર અને કોંગ્રેસ પાર્ટીના આ વલણને વીણી-વીણીને જવાબ આપે છે અને આપતી રહેશે..! સારી બંધારણીય સંસ્થાઓને ભારતીય જનતા પાર્ટીની સરકારોને પરેશાન કરવા, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને પરેશાન કરવા, ભારતીય જનતા પાર્ટીના પક્ષને મુશ્કેલીઓમાં મૂકવો, આના માટે જ ઉપયોગમાં લેવામાં આવે છે. કોંગ્રેસના મિત્રો, આ દિલ્લીમાં તમારી સત્તાનો નશો વધારે દિવસો સુધી ટકવાનો નથી..!
ભાઈઓ-બહેનો, કોંગ્રેસમાં અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે બહુ મોટો ફેર છે. ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને કોંગ્રેસ પાર્ટીની વિચારધારા વચ્ચે ક્યારેય કોઈ મેળ ન પડી શકે. ભાજપાનું ચારિત્ર્ય અને કોંગ્રેસના ચારિત્ર્યની ક્યારેય કોઈ સરખામણી ન કરી શકે. ભાઈઓ-બહેનો, કોંગ્રેસ જેના પર આસન લગાવીને બેઠી છે, જેના શબ્દો કોંગ્રેસની નીતિ માનવામાં આવે છે એવા એક નેતાનું મેં બે દિવસ પહેલા ભાષણ સાંભળ્યું. મિત્રો, મને ખૂબ જોરથી આંચકો લાગ્યો, મનમાં એક દુ:ખ થયું કે શું આ લોકો દેશના વિષયમાં આવું વિચારે છે..? ભાઈઓ-બહેનો, કોંગ્રેસના એક નેતા કહી રહ્યા છે અને કોંગ્રેસ પાર્ટીની વિચારધારાને પ્રગટ કરી રહ્યા છે કે આ ભારતદેશ એક મધપૂડો છે. મારા કોંગ્રેસના મિત્રો, તમારા માટે આ દેશ મધપૂડો હોઈ શકે છે, પરંતુ અમારા માટે તો આ દેશ અમારી માં છે..! આ ભારત દેશ અમારી માતા છે, તેના સો કરોડ દેશવાસીઓ અમારા ભાઈ-બહેન છે..! આ પવિત્ર ભૂમિ છે, આ ઋષિમુનિઓની ભૂમિ છે, અટલ બિહારી બાજપાઈ કહ્યા કરતા હતા કે અહીંના કંકરે-કંકર અમારા માટે શંકર છે, અટલ બિહારી બાજપાઈ કહ્યા કરતા હતા કે ગંગાજીમાં વહાવેલી મારી અસ્થિને લઈને કાન માંડશો તો તેમાંથી પણ અવાજ આવશે, ભારત માતાની જય..! આ અમારા સંસ્કાર છે. અમારા માટે આ મા છે મા..! આ માની પીડા અમે જોઈ નથી શકતા. આ અમારી મા છે, જેના સંતાનોનું દુ:ખ-દર્દ અમારી ચિંતાનું કારણ છે. તમારા માટે આ મધપૂડો હશે, અમારા માટે તો આ અમારી મા છે..! અને મહેરબાની કરીને કોંગ્રેસના મિત્રો, અમારી ભારતમાતાનું અપમાન ન કરો, તમને જો હિંદુસ્તાનના લોકોની ભાષા સમજમાં ન આવતી હોય તો ક્યાંકથી શીખી લો, પરંતુ તમારા અજ્ઞાનના કારણે મારા દેશની સંસ્કૃતિ અને પરંપરાને બરબાદ કરવાનું પાપ ન કરો..! ભાઈઓ અને બહેનો, હું કદી કોઈ નેતાના ભાષણ પર સમય બરબાદ નથી કરતો, કારણ કે તે ધ્યાન દેવા યોગ્ય હોતા પણ નથી. પરંતુ જ્યારે અમારી ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવે છે ત્યારે માના કલ્યાણ માટે જીવન ખપાવવાળા લક્ષાવતી કાર્યકર્તાઓને પીડા થવી ખૂબ સ્વાભાવિક છે. ભાઈઓ-બહેનો, હું પરેશાન છું..! આ દેશમાં પાણીની સમસ્યા છે, તેની દેશના નેતાઓને ખબર જ નથી. તમારા પર અમને દયા આવે છે..! અમારા ગુજરાત કોંગ્રેસના નેતા પાણીને લઈને ગુજરાતના નાગરિકોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હું કોંગ્રેસના મિત્રોને પ્રાર્થના કરું છું, હાકલ કરું છું કે જો તમને ગુજરાતના ખેડૂતોની ચિંતા છે અને સાચા હૃદયથી ચિંતા છે તો તમે સમય બરબાદ કર્યા વગર દિલ્લીની તમારી સરકાર પર દબાણ લાવો અને સરદાર સરોવર ડૅમની ઊંચાઈનું કામ જે અટકી ગયું છે તેને પહેલા પૂરું કરો. મારા પાર્ટીના મારા કાર્યકર્તાઓ, ગામે-ગામથી અવાજ ઉઠવો જોઇએ, અમારા નર્મદા ડૅમનું કામ પૂર્ણ કરવા માટે હવે અમે વધારે સમય રાહ જોવા તૈયાર નથી..! અમે દિલ્લીના શાસનને પડકારીશું અને કોંગ્રેસના લોકોએ દરેક ગલી-મહોલ્લામાં જવાબ આપવો પડશે. ભાઈઓ-બહેનો, કોંગ્રેસ પાર્ટી પાસેથી સુધરવાની આશા ન રાખતા, તેઓ ક્યારેય સુધરી નહીં શકે..! ગુજરાતની પ્રજાએ જે રીતે કોંગ્રેસ પાર્ટીને સજા આપી છે, જે પ્રકારે તેના એક-એક દિગ્ગજ નેતાઓને ગુજરાતની જનતાએ પરાસ્ત કરી દીધા છે... જે ભાષા છેલ્લા પાંચ વર્ષમાં તેઓ પ્રયોગ કરી રહ્યા છે, જે જૂઠાણાઓના સહારે ગુજરાતની જનતાને ભ્રમિત કરવાનો રાત-દિવસ પ્રયત્ન કરી રહ્યા છે, જે ગંદી ગાળોનો ઉપયોગ થઈ રહ્યો હતો... ગુજરાતની જનતાએ તે ભાષા બોલવાવાળા લોકોને વીણી-વીણીને સાફ કરી દીધા. આશા હતી કે તેઓ સમજશે, સુધરશે અને લોકતંત્રની મર્યાદાઓનું પાલન કરશે, પરંતુ ભાઈઓ અને બહેનો, આ સરકારને હજુ તો કાલે 101 દિવસ થયા છે, પરંતુ 100 દિવસ પણ તેઓ રાહ જોવા તૈયાર નથી, તેમની મનોસ્થિતિ શું હશે તેનો અંદાજ તમે લગાવી શકો છો.! ભાઈઓ-બહેનો, ભારતીય જનતા પાર્ટી વિકાસના મંત્રને લઈને ચાલી છે. આજે ગુજરાતની ધરતી પર આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ પધાર્યા છે ત્યારે હું ગુજરાતની જનતા તરફથી તેમને કહેવા માગું છું કે આજે ચારે તરફથી તમે આટલું વિશાળ દિલ બતાવ્યું છે, સાર્વજનિક જીવનમાં આટલી ઊંચાઈનો અનુભવ કરાવ્યો છે, મારા જેવા નાના કાર્યકર્તાને તમે ખૂબ મોટાઈ પ્રદાન કરી છે, ભાઈઓ-બહેનો, રાજનીતિમાં આ નાની ઘટના નથી હોતી, પોતાના સાથીને આટલી ઊંચાઈ પર લઈ જવા માટે ખૂબ મોટું દિલ જોઇએ..! પરંતુ આજે હું કહેવા માગું છું કે તમે મને જે માન-સન્માન આપ્યું છે, તમે મને જે ઈજ્જત આપી છે, દેશભરના કાર્યકર્તાઓના દિલમાં મારી જગ્યા બનાવવા માટે તમે કોઈ કસર છોડી નથી, પરંતુ આ યશ ભલે મોદીને મળતો હશે , નામ ભલે મોદીનું લેવાતું હશે, પરંતુ આ યશના ખરા હકદાર આ બધા મારા ભાઈ-બહેન છે, મારા કાર્યકર્તાઓ છે..! મારા કાર્યકર્તા ભાઈઓ-બહેનો, તમે પરિશ્રમ ન કર્યો હોત, તમે વિકાસમાં વિશ્વાસ ના કર્યો હોત, તમે દેશની ભલાઈના મંત્રને ચરિતાર્થ ન કર્યો હોત તો નરેન્દ્ર મોદીને કોણ ઓળખનાર હતું..? આ ઓળખ તમારા કારણે બની છે, તમારા પુરૂષાર્થના કારણે બની છે, તમારા ત્યાગ અને તપશ્ચર્યાને કારણે બની છે. અને આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીનો જન્મ દિવસ છે, હું તમને સૌને અભિનંદન આપું છું, તમને સૌને વંદન કરું છું..! મારા કાર્યકર્તા ભાઈઓ-બહેનો, મેં પહેલા જ દિવસથી જ્યારથી આ કાર્ય સંભાળ્યું છે, તે દિવસથી હું કહું છું, આજે ફરીથી કહું છું કે હું પરિશ્રમ કરવામાં કોઈ કમી નહિં રાખું, હું બદઇરાદાથી કોઈ પાપ નહિં કરું..! ભાઈઓ-બહેનો, હું જ્યારે કહું છું કે ‘ઇન્ડિયા ફર્સ્ટ’, તો તે લક્ષ્યથી, તે માર્ગથી ભારતીય જનતા પાર્ટી કદી વિચલિત ન થઈ શકે. અમારા માટે પક્ષથી મોટો દેશ છે. અમે દેશ માટે જીવવા-મરવાવાળા લોકો છીએ, ગલી-મહોલ્લામાં પણ કામ કરીશું, પરંતુ ભારતમાતા માટે કરીશું. અમે ગુજરાતની સેવા કરીએ છીએ, પરંતુ અમારો તો મંત્ર છે, ‘ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ’..! આપણે સૌએ મા ભારતીના કલ્યાણ માટે, નિરાશાની ખાઈમાં ડૂબેલા સમાજમાં એક નવો વિશ્વાસ પેદા કરવા માટે આપણા આ કાર્યને આપણે કરતું રહેવાનું છે. ભાઈઓ-બહેનો, ભારતીય જનતા પાર્ટી આજે આખા દેશમાં એક આશાનું કિરણ બની ગઈ છે. અને આ વાત પૉલિટિકલ પંડિત છે તે જાણે છે. પૉલિટિકલ પાર્ટીઓનો જન્મ થયા બાદ એંશી-એંશી વર્ષ સુધી તેમને સત્તા સ્થાન પર પહોંચવાનો મોકો નથી મળ્યો, એવા દુનિયામાં ઘણા ઉદાહરણ છે. આ ભારતીય જનતા પાર્ટી છે, આટલો વિશાળ દેશ, આટલી મોટી લોકશાહી, પરંતુ જન્મથી જવાની સુધીની યાત્રા પૂરી થાય ત્યાં સુધી પહોંચતાં-પહોંચતા આ દેશની જનતાએ અટલ બિહારી બાજપાઈના નેતૃત્વમાં અમને સેવા કરવાનો મોકો આપ્યો હતો. ઈંગ્લેન્ડની લેબર પાર્ટીને એંશી વર્ષ સુધી મોકો મળ્યો ન હતો. ભારતીય જનતા પાર્ટીની જન્મથી જુવાની સુધીની યાત્રા પૂરી થાય તે પહેલાં જ દેશની જનતાએ તેના પર અમીવર્ષા કરી દીધી હતી. તમે કલ્પના કરી શકો છો કે લોકો કોંગ્રેસથી કેટલા તંગ આવી ગયા છે, લોકો દેશની બરબાદીથી કેટલા તંગ આવી ગયા છે..! અને ત્યારે જઈને ભાઈઓ-બહેનો, ભારતમાનું ભાગ્ય બદલવું એ ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાની જવાબદારી છે. સ્વામી વિવેકાનંદજીની સ્મૃતિમાં આપણે આ 150મું વર્ષ મનાવી રહ્યા છીએ. વિવેકાનંદજીનું સપનું પૂરું કરવા માટે દેશવાસીઓને બહારથી કોઈ નવી પ્રેરણાની જરૂર નથી. વિવેકાનંદજીના શબ્દો પૂરતા છે, વિવેકાનંદજીનો સંદેશ પૂરતો છે, વિવેકાનંદજીનું જીવન જ પૂરતું છે..! તેમાંથી પ્રેરણા લઈને એક નવા ઉમંગ અને વિશ્વાસ સાથે આગળ વધવાનું છે. ભાઈઓ-બહેનો, આજે ભારતીય જનતા પાર્ટી જ્યાં પણ પહોંચી છે, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ જે પરિસ્થિતિ પેદા કરી છે તે કોઈ એક વ્યક્તિના કારણે નથી. પેઢીઓની પેઢીઓ પસાર થઈ ગઈ, પરિવારનાં પરિવાર આ પાર્ટી માટે ખપી ગયાં. એક જમાનો હતો, જો મોંઘવારી માટે ભાજપના કાર્યકર્તાઓ સરઘસ કાઢે તો 21-21 દિવસની સજા થતી હતી. આખો પરિવાર 21-21 દિવસ સુધી ગુજરાતની જેલોમાં રહેવા માટે મજબૂર થઈ જતો હતો. આવા અનેક કાર્યકર્તાઓના પરિશ્રમને કારણે આ પાર્ટી અહીંયા પહોંચી છે. આ પાર્ટીને અહીંયા પહોંચાડવા માટે પોતાના પરિવારોને ખપાવી દેવાવાળા, પોતાની જવાનીને ખપાવી દેવાવાળા એ લક્ષાવધી કાર્યકર્તાઓનું આજે હું પુણ્યસ્મરણ કરું છું, તેમનું અભિનંદન કરું છું, તેમને વંદન કરું છું..! ભાઈઓ-બહેનો, એક મહત્વપૂર્ણ કાર્યક્રમ આજે આપણે કરવાનો છે. આપણે અહીંથી સંકલ્પ લઈને જવાના છીએ. આપણી પાર્ટીના પૂર્વ અધ્યક્ષ શ્રીમાન રૂપાલાજી આપણને બધાને એક સંકલ્પ લેવડાવવાના છે. પરંતુ આ સંકલ્પની એક વિશેષતા છે આપણા હાથમાં એક મીણબત્તી આપવામાં આવી છે, જેને પ્રજ્જવલિત કરવાની છે, , જ્યારે મીણબત્તી પ્રજ્જવલિત થશે ત્યારે બધી રોશની બંધ થવાની છે. ભાઈઓ-બહેનો, આ પ્રકાશની તરફ જવાનો સંદેશ છે, અને ઘરે-ઘરે, ગામે-ગામ કમળ ખિલાવવાનો સંદેશ છે. અને જે લોકો ભારતીય જનતા પાર્ટીને રાત-દિવસ ગાળો આપે છે, નવી-નવી ડિક્શનરીના શબ્દો કાઢે છે તેઓ કાન ખોલીને સાંભળી લે, તમે ભારતીય જનતા પાર્ટી પર જેટલો વધારે કાદવ ઉછાળશો, કમળ એટલું જ વધારે ખીલવાનું છે. આ કમળનો સંદેશ લઈને આવો, મારા ભાઈઓ-બહેનો, આજે આપણી પાર્ટીના 33 વર્ષની યાત્રાનું ગૌરવ કરતા એક નવી યાત્રાનો શુભ સંકલ્પ કરીને જઈએ, મારી તમને બધાને પ્રાર્થના છે કે તમને બધાને જે મીણબતીઓ આપવામાં આવી છે તેને પ્રજ્જવલિત કરો અને અહીંની વ્યવસ્થાવાળાઓને મારી પ્રાર્થના છે કે સ્ટેડિયમમાં વધારે લાઈટો બંધ કરીને આ નજારાનો અનુભવ કરો અને જ્યાં સુધી આ વિધિ પૂરી ન થાય, આપણે આપણું સ્થાન છોડીશું નહીં, આપણે જઈશું નહીં, મારી સાથે બોલો - ભારત માતાની જય..! ભારત માતાની જય..! ભારત માતાની જય..!