મંચ પર બિરાજમાન સર્વે મહાનુભાવો અને આ વહેલી સવારે આટલી મોટી સંખ્યામાં પાટણ જિલ્લામાંથી પધારેલ સૌ યુવાન મિત્રો..!
આ સ્વામી વિવેકાનંદજીની 150 મી જયંતીનો અવસર છે. સ્વામી વિવેકાનંદજીની બે-ત્રણ બાબતો આપના ધ્યાને મૂકવા માંગું છું. વિવેકાનંદજીએ એક લેખ લખ્યો હતો અને એ લેખમાં એમણે કહ્યું હતું કે મારું આયુષ્ય 40 વર્ષથી વધારે નથી અને હું મારા નિર્ધારિત સમયે આ દુનિયાને છોડીને વિદાય થઈ જઈશ. આ વાત જ્યારે કહી હતી ત્યારે કોઈના ગળે ઊતરે નહીં, અચરજ થાય. પણ હકીકતે બન્યું એવું કે 40 મા વર્ષે જ એમણે દેહત્યાગ કરી દીધો. એમણે બીજી એક જાહેરાત કરી હતી 1897 માં, 1897 માં એમણે કહ્યું હતું. એ જ્યારે અમેરિકાના શિકાગોથી પાછા આવ્યા ત્યારે મદ્રાસના બંદરે એમનો સ્વાગત સમારંભ હતો અને ત્યારે એ વખતની મેદનીને એમણે સંબોધન કરતાં કહ્યું હતું કે મારી ભારતવાસીઓને વિનંતી છે કે તમે તમારા બધા જ દેવી-દેવતાઓને સુવાડી દો, તમારા બધા જ ઇષ્ટદેવતાઓને સુવાડી દો અને માત્ર ને માત્ર એક જ દેવીની પૂજા કરો અને એ દેવી એટલે ભારતમાતા. એમણે કહ્યું હતું કે આગામી 50 વર્ષ માટે તમે આ કરો, આગામી 50 વર્ષ એક જ માતા, માત્ર ભારતમાતા, એક જ દેવી માત્ર ભારતમાતા, આ એમણે કહ્યું હતું. અને મજા જુઓ કે 1897 ના ઠીક 50 વર્ષ પછી 1947, આ દેશ આઝાદ થયો. એમની આગાહી કેટલી સચોટ હતી એનું આ ઉદાહરણ છે. ભાઈઓ-બહેનો, એ મહાપુરુષે બીજી પણ એક આગાહી કરી હતી. એણે કહ્યું હતું કે હું મારી નજર સામે સ્પષ્ટ જોઈ રહ્યો છું કે આ મારી ભારતમાતા જગદ્દગુરુના સ્થાને બિરાજમાન હશે, મને સ્પષ્ટ દેખાય છે કે મારી ભારતમાતા વિશ્વગુરુ તરીકે બિરાજતી હશે. પણ ભાઈઓ-બહેનો, આઝાદીનાં આટલાં વર્ષ પછી પણ એ દિશામાં કોઈ સંકેત નજર નથી આવતો. મારો ભરોસો સ્વામી વિવેકાનંદમાં વધારે છે. ભલે કદાચ અત્યાર સુધી નહીં થયું હોય, પણ ભવિષ્યમાં નહીં જ થાય એ માનવાને કારણ નથી. અને એટલા માટે આપણે સ્વામી વિવેકાનંદના સપનાને સાકાર કરવા માટે, આ દેશવાસીઓએ ફરીથી સંકલ્પ કરવા માટે આ 150 મી જયંતી એક અવસર છે. સ્વામી વિવેકાનંદે બીજી વાત કરી હતી. એમણે કહ્યું હતું કે મને તમે સો યુવાનો આપો, હું દુનિયા બદલી નાખીશ. આજે વિવેકાનંદ નથી એટલે સો યુવાનોથી નહીં ચાલે પણ લાખો યુવાનોથી તો દુનિયા બદલી શકાય એટલો તો આપણને વિવેકાનંદમાં ભરોસો છે. આ સ્વામી વિવેકાનંદના સપનાં સાકાર કરવા માટે હિંદુસ્તાનમાં કંઈ થાય કે ન થાય, આપણે યુવા શક્તિને જોડીને આ ગુજરાતને શાનદાર, જાનદાર, પ્રગતિવાળું રાજ્ય બનાવીને રહેવું છે.
ભાઈઓ-બહેનો, આજે ધારપુરમાં સવારે મેડિકલ કૉલેજનું ઉદઘાટન કરવાનો મને અવસર મળ્યો. આમ તો મને જો સમયની અનુકૂળતા હોત તો, આ ધારપુર મેડિકલ કૉલેજનો પ્રસંગ પણ સમગ્ર ઉત્તર ગુજરાત માટે ઐતિહાસિક અવસર છે. સૌરાષ્ટ્રમાં તમે જુઓ તો જામનગરમાં મેડિકલ કૉલેજ, ભાવનગરમાં મેડિકલ કૉલેજ, સુરેન્દ્રનગરમાં મેડિકલ કૉલેજ, રાજકોટમાં મેડિકલ કૉલેજ, પણ ઉત્તર ગુજરાત આખું કોરું ધાકોર હતું..! આ જુના શાસકોએ શું શું કર્યું છે એનાં બધાં ઉદાહરણો છે. ભાઈઓ-બહેનો, આ ઉત્તર ગુજરાતના નસીબમાં આજે પહેલી મેડિકલ કૉલેજ આવી છે. આ અવસર આખા ઉત્તર ગુજરાત માટેનો છે અને મારું સપનું તો ગુજરાતના દરેકે જિલ્લામાં મેડિકલ કૉલેજ કરવાનું છે, આદિવાસી જિલ્લામાં પણ મેડિકલ કૉલેજ કરવાનું છે. જો ડૉક્ટરો જ નહીં હોય તો હોસ્પિટલોનાં મકાનો બનાવવાથી આરોગ્ય નહીં સુધરે, ગામડે ગામડે ડૉક્ટરોની સેવા ઉપલબ્ધ હોવી જોઇએ અને ગામડે ગામડે ડૉક્ટરોની સેવા ઉપલબ્ધ કરાવી હશે તો ડૉક્ટરો માટે મેડિકલ કૉલેજો કરવી પડશે. અને ભૂતકાળમાં બારમા ધોરણમાં છોકરો નિચોવાઈ જતો હતો, કારણકે સીટો ઓછી, 90-95% થી ઓછા માર્ક આવે તો મેડિકલમાં ઍડ્મિશન ન મળે. કુટુંબ આખું છોકરાને ડૉક્ટર બનાવવા માટે ગાંડું થઈ જાય. ઘેર મહેમાનને ના આવવા દે, ટી.વી.ના ચાલવા દે, આવી દશા..! ભાઈઓ-બહેનો, અને કરોડો રૂપિયા... જયનારાયણભાઈએ કહ્યું એમ ગયા 50 વર્ષમાં ગુજરાત-બહાર ભણવા જવા માટે છોકરાઓએ જે રૂપિયા ખર્ચ્યા છે, એમના મા-બાપે જે ડોનેશન આપ્યાં છે, એ જો ન કરવું પડ્યું હોત તો આજે અડધા જિલ્લામાં મેડિકલ કૉલેજ એ દાનમાંથી બની ગઈ હોત..! પણ જે દ્રષ્ટિ જોઇએ ને એ દ્રષ્ટિ નહોતી, મિત્રો. અને આવનારા દિવસોમાં ઉત્તર ગુજરાતના ચારેય જિલ્લામાં મેડિકલ કૉલેજ કાર્યરત થશે એ સપના સાથે અમે કામ કરી રહ્યા છીએ. અને આજે જ્યારે ધારપુરમાં મેડિકલ કૉલેજનું ઉદઘાટન કરી રહ્યો છું ત્યારે આ એક પવિત્ર જગ્યા છે, સરસ્વતી સાથે જોડાએલી જગ્યા છે એટલે આપણી આ ધારપુરની મેડિકલ કૉલેજ ‘શ્રી સરસ્વતી મેડિકલ કૉલેજ’ તરીકે ઓળખાશે.
ભાઈઓ-બહેનો, મને પાટણ જિલ્લાના આગેવાનો વચ્ચે મળવા આવ્યા હતા. એમણે ફરિયાદ કરી હતી કે સાહેબ, તમે સદભાવના મિશનમાં આવ્યા, આખા રાજ્યમાં બધે ગયા પણ અમારા જિલ્લામાં પૅકેજ જાહેર કરવાનું રહી ગયું હતું. મેં એમને કહ્યું હતું કે ભાઈ, હવે જ્યારે આવીશ ત્યારે પહેલું કામ આ તમારું પૂરું કરી આપીશ, કારણકે એ દિવસે ઉતાવળ ઉતાવળમાં મારા ભાષણમાં એ વાતનો ઉલ્લેખ રહી ગયો હતો અને રહી ગયો એટલે એની નોંધ લેવાણી કે ભાઈ, બધા જિલ્લાને સદભાવનામાં પૅકેજ મળ્યું તો અમને કેમ નહીં? ભાઈઓ-બહેનો, આજે જ્યારે આપની વચ્ચે આવ્યો છું ત્યારે મારે ગર્વ સાથે કહેવું છે કે પાટણ જિલ્લાને પણ વિકાસના કામો માટે 2000 કરોડ રૂપિયા અને તે પૈકીના 275 કરોડ રૂપિયાનાં કામ ઑલરેડી ચાલુ છે. ભલે કદાચ પૅકેજ જાહેર કરવામાં હું મોડો પડ્યો હોઉં, પણ તમને પૅકેજ આપવામાં મોડો નથી પડ્યો. આપ્યું છે પહેલાં, જાહેરાત પછી કરું છું.
ભાઈઓ-બહેનો, આજે જ્યારે હું અહીં આવ્યો છું ત્યારે બનાસકાંઠા અને પાટણ, એના માટે પણ મારે મહત્વની જાહેરાત કરવી છે. આપણો આ પાટણ તાલુકો ખૂબ પથરાયેલો તાલુકો છે, ગામોની સંખ્યા પણ વધારે છે તેથી અમે નક્કી કર્યું છે કે પાટણ તાલુકાના બે ભાગ કરીને એક પાટણ તાલુકો અને બીજો સરસ્વતી તાલુકો બનાવવામાં આવશે. અને 26 જાન્યુઆરી, 2013 થી આ નવો સરસ્વતી તાલુકો પણ કાર્યરત કરી દેવામાં આવશે. એ જ રીતે સમી તાલુકો, સમી તાલુકાનો પણ ખૂબ લાંબો પાટ છે. વહીવટી દ્રષ્ટિથી આપણે અનેક સુધારાઓ કર્યા છે, આજે કરીએ છીએ એવું નહીં, આપણે પ્રાંતની ઓફિસો વધારી દીધી. એ જ રીતે સમી તાલુકાનો પણ પાટ લાંબો હોવાના કારણે સમી તાલુકામાંથી શંખેશ્વર તાલુકો જુદો બનાવવામાં આવશે. એ જ રીતે મારે બનાસકાંઠા જિલ્લાની વાત પણ આજે પાટણમાં કરી દેવી છે. બનાસકાંઠા જિલ્લો વિસ્તરેલો છે, તાલુકા પણ ઘણા છે તેમ છતાંય પાકિસ્તાનની સરહદે આવેલો વાવ તાલુકો, એનો પાટ ખૂબ પહોળો છે, ચારે બાજુ પથરાએલો છે. છેવાડાના વિસ્તારને વિકાસના લાભ મળે એટલા માટે વાવ તાલુકામાં અલગ સૂઈગામ તાલુકો જુદો બનાવવામાં આવશે. ભાઈઓ-બહેનો, પાટણ જિલ્લાને અને બનાસકાંઠા જિલ્લાને બંનેને એનો લાભ મળે એ આપના ધ્યાનમાં આવતું હશે.
નવજુવાન મિત્રો, પાટણના યુવકો માટે, ઉત્તર ગુજરાતના યુવકો માટે ભૂતકાળ કેવો હતો? એ દસમું-બારમું ભણતો હોય ત્યારથી આગળ શું ભણશે એનો વિચાર ઓછામાં ઓછો હોય, પણ કયા ગામમાં જઉં તો રોજીરોટી મળશે એનો જ વિચાર ચાલતો હોય. કચ્છના લોકો કચ્છની કઠિન પરિસ્થિતિ જોઇને કચ્છ છોડીને જતા રહે, પણ ઉત્તર ગુજરાતનો છોકરો કચ્છની અંદર શિક્ષકની નોકરી મળે તો ય બિચારો હોંશે હોંશે લેવા જાય, કારણકે પેટ ભરવા માટે કોઈ વ્યવસ્થા નહીં. ખેતી કુદરત ઉપર આધારિત, પાંચ વર્ષમાં માંડ ત્રણ પાક લઈ શકે. દોહ્યલું જીવન, શિક્ષક સિવાય કોઈ રોજગાર નહીં. આપણા ઘણાં ગામ એવાં છે જ્યાં શિક્ષકો જ શિક્ષકો પેદા થાય, દરેક ઘરમાં તમે હાથ નાખો તો શિક્ષકો હોય, કારણ બીજું કંઈ હતું જ નહીં..! ભાઈઓ-બહેનો, આખો વિસ્તાર પછાત રહી ગયો. એમાં એક બદલાવ લાવવાનું આપણે અભિયાન ઊપાડ્યું છે. અને નવજુવાન મિત્રો, આપને આજે અંદાજ નહીં આવે કે આપના ભાગ્યના દરવાજા કેવા ખૂલી ગયા છે, પણ તમે તમારા અગાઉના લોકોને જોશો કે એમની હોનહાર જીંદગી કેવી રોળાઈ ગઈ છે, ત્યારે તમને ખબર પડશે કે તમને કેવો સ્વર્ણિમ અવસર મળ્યો છે, આ સરકારને કારણે મળ્યો છે, વિકાસની દ્રષ્ટિને કારણે મળ્યો છે. અને વિકાસની દ્રષ્ટિને કારણે જે ઉત્તર ગુજરાત ધૂળની ડમરીઓ અને ધોમ ધખતા તાપવાળું ઉત્તર ગુજરાત આજે સુજલામ-સુફલામને કારણે, નર્મદા યોજનાને કારણે આપનો આખો વિસ્તાર લીલોછમ થવા માંડ્યો છે, ભાઈઓ. કૃષિ ક્ષેત્રે એક નવી ક્રાંતિની સંભાવના પાટણ જિલ્લાના યુવકો સામે આવીને ઊભી છે. અને હું પાટણ જિલ્લાના યુવકોને આવાહન કરું છું કે કૃષિક્ષેત્ર દ્વારા પણ, પશુપાલન દ્વારા પણ, ડેરી ઉદ્યોગ દ્વારા પણ આપ વિકાસની એક નવી ક્રાંતિ સર્જો એના માટેનું બધું જ ગ્રાઉન્ડ-વર્ક મારી સરકારે પૂરું કરી દીધું છે, હું આપને નિમંત્રણ આપું છું..!
ભાઈઓ-બહેનો, ક્યારેય કોઈએ કલ્પના કરી હતી કે આ પાટણ જિલ્લો, આ પાકિસ્તાનની સરહદનો જિલ્લો એ તો વળી ઔદ્યોગિક વિસ્તાર બની શકે..? અહીંયાં કોઈ ઉદ્યોગો થઈ શકે..? કલ્પના નહોતા કરી શકતા..! ભાઈઓ-બહેનો, આ તમારું પડોશી બહુચરાજી, આ બાજુ સાંતલપુર... આખી દુનિયાનું ધ્યાન જાય, આ કંઈ નાની વાત નથી, દોસ્તો. માત્ર હિંદુસ્તાન ચર્ચા કરે એવું નહીં, આખી દુનિયા નોંધ લે એવો સોલાર પાર્ક આ તમારા સાંતલપુરની અંદર કાર્યરત થઈ ગયો. અને 2009 ની ચૂંટણીમાં મેં જ્યારે પાટણમાં ભાષણ કર્યું હતું તો કેટલાક લોકોએ મારી મજાક ઉડાવી હતી કે આ મોદી બધાને આંબા-આમલી બતાવે છે પણ કશું થવાનું નથી, એવું કહ્યું હતું. આ સોલાર પાર્ક બની ગયો..!
ભાઈઓ-બહેનો, અમારું ચરિત્ર કૉંગ્રેસ જેવું ચરિત્ર નથી, છેતરપિંડી કરવી એ અમારું કામ નથી. નૌજવાન મિત્રો, આ કૉંગ્રેસ પાર્ટીએ, દિલ્હીમાં બેઠેલી સરકારે 2004 માં તમને વચન આપ્યું હતું, 2009 માં વચન આપ્યું હતું. આજે પણ તમારામાંથી કોઈને ઇન્ટરનેટ પર સર્ફિંગ કરવાનો શોખ હોય તો કૉંગ્રેસનો મૅનિફેસ્ટો જોઈ લેજો એમાં લખ્યું છે, 2004 માં એમણે કહ્યું હતું કે દરેક કુટુંબમાં એક વ્યક્તિને રોજગાર આપશે. નવજુવાન મિત્રો, મળ્યો છે તમને..? ખોંખારીને જવાબ આપો, આવું મડદાલ મડદાલ બોલો તો કોઈ ના આપે..! મળ્યું છે, તમારામાંથી કોઈને મળ્યું છે..? તો આ છેતરપિંડી કરવાની જરૂર શું હતી, ભાઈ? આ છેતરપિંડી કરવાવાળા લોકો છે. 2009 માં એમણે કહ્યું હતું કે એક કરોડ લોકોને રોજગાર આપીશું, એક કરોડ લોકોને..! મળ્યું છે ભાઈ કોઈને..? કોઈને મળ્યું હોય તો મને કહો. આ પ્રકારે યુવકો સાથે છેતરપિંડી કરવાની આમની હિંમત... અને ભાઈઓ-બહેનો, કોઈ ભૂલ કરે તો માફ કરાય, કોઈ ગુનો કરે તો ય ઉદારતા વર્તાય, પણ કોઈ છેતરપિંડી કરે એને ક્યારેય માફ ન કરી શકાય ભાઈઓ, ક્યારેય માફ ન કરી શકાય. દિલ્હીમાં બેઠેલી સરકારે આ દેશની યુવા શક્તિ સાથે છેતરપિંડી કરવાનું પાપ કર્યું છે. એની સામે આજે હું તમારા ઉત્તર ગુજરાતના વિસ્તારમાં ઔદ્યોગિક ક્રાંતિ લઈને આવ્યો છું. અને નવજુવાન મિત્રો, કોઈપણ યુવક કે યુવતી, આ મારા શબ્દો લખી રાખજો, જવાબદારીપૂર્વક બોલું છું દોસ્તો, કોઈપણ યુવક કે યુવતી પોતાનો સ્વતંત્ર ધંધો કરવો હશે, ઉદ્યોગ કરવો હશે અને બૅન્કમાં લોન લેવા જશે તો બૅન્કવાળો શું કહેશે કે તને તો જ લોન મળે કે તું કોઈ ગેરંટર લાવે..! હવે પેલો બિચારો, એને ખાવાના ફાંફાં હોય એને ગેરંટર કોણ મળે? મળે ગેરંટર, ભાઈ? કોણ તૈયાર થાય? જો મારા નવજુવાનોને ગેરંટરના કારણે ઉદ્યોગ વિકાસ કે વ્યાવસાયિક જીવનમાં પ્રવેશતાં અટકવું પડતું હોય તો મેં હિંમતપૂર્વક નિર્ણય કર્યો છે કે મારા ગુજરાતનો કોઈ નવજુવાન બૅન્કમાં લોન લેવા જશે અને એને ગેરંટરની જરૂર હશે તો ગેરંટર મારી સરકાર બનશે. મિત્રો, આ નિર્ણય નાનો નથી. તમે કલ્પના કરો અને આ નિર્ણય એટલા માટે નથી કે મારામાં હિંમત છે, આ નિર્ણય એટલા માટે છે કે મારો તમારામાં ભરોસો છે. આ ભરોસાનો સોદો છે, દોસ્તો..! મને વિશ્વાસ છે કે મારો ગુજરાતનો નવજુવાન ક્યારેય કોઈનો રૂપિયો ડુબાડશે નહીં, ક્યારેય ખોટું નહીં કરે, કોઈ બૅન્કમાંથી ઉચાપત નહીં કરે એ ભરોસો છે અને એટલા માટે આપના ગેરંટર બનવા માટેનો હિંમતભર્યો નિર્ણય મેં કર્યો છે.
આપ વિચાર કરો, ગયા દસ જ વર્ષમાં સાડા ત્રણ લાખ લોકોને સરકારમાં રોજગાર આપવાનું કામ આ સરકારે કર્યું છે. એટલું જ નહીં, આ વર્ષમાં બીજા એક લાખ લોકોની ભરતી થવાની છે, એક લાખ લોકોની સરકારમાં ભરતી થવાની છે. ભારત સરકાર, હમણાં આંકડા જાહેર કર્યા. ભારત સરકારે કહ્યું કે સમગ્ર દેશમાં કુલ જે રોજગાર મળ્યા છે એમાંથી 72% રોજગાર એકલું ગુજરાત આપે છે, એકલું ગુજરાત... અને 28% માં આખું હિંદુસ્તાન..! ડૂબી મરો ડૂબી મરો, તમે શું ચલાવો છો, ડૂબી મરો..! એમની પાસે કશી આશા જ ના રાખતા, એ ઝાડ ગણવામાં પડ્યા છે. આખું દિલ્હી શોધે છે કે કયા ઝાડમાંથી પૈસા નીકળે, બોલો..! પ્રધાનમંત્રી સહિત ઝાડ શોધવા નીકળ્યા છે કે કયા ઝાડમાંથી પૈસા પાકે...! અને પછી તેમાંથી 2-જીનું ઝાડ શોધી કાઢે, કોયલાનું ઝાડ શોધી કાઢે, આ ખેલ ચાલે છે..? તમે મને કહો ભાઈ, કોઈ સાઇકલની ચોરી કરે એ તો સાંભળ્યું હોય ને? જરા જવાબ આપોને યાર, કોઈ સાઈકલ ચોરી કરી હોય એ સાંભળ્યું હોય ને? કોઈ મોટર ચોરી કરી જાય એ સાંભળ્યું છે? કોઈના રૂપિયા ચોરાઈ ગયા સાંભળ્યું છે? કોઈનું પાકીટ ચોરાઈ ગયું સાંભળ્યું છે? કોઈનો મોબાઈલ ફોન ચોરાઈ ગયો સાંભળ્યું છે? કોઈના જર-ઝવેરાત ચોરાઈ ગયા સાંભળ્યું છે? હીરા-મોતી ચોરાઈ ગયા સાંભળ્યું છે? પણ કોલસો ચોરાઈ જાય એવું સાંભળ્યું છે..? આ લોકો બે લાખ કરોડનો કોલસો ચોરી ગયા બોલો, બે લાખ કરોડનો કોલસો..! હવે અમારે રોવું કે હસવું કંઈ ખબર નથી પડતી. આવી સરકાર અમારા દેશની..? કોલસો ના છોડે...? સાહેબ, તમારા ઘરની બહાર થેલો પડ્યો હોય ને કોઈ ગરીબ ભિખારી પણ કોયલાને હાથ ન લગાડે બોલો. આપણા ઉત્તર ગુજરાતમાં છાણાં હોય છે, છાણાં પડ્યા હોય છે ને? કોઈ છાણાંને હાથ લગાવે છે? કોઈ દિવસ છાણું ચોરી ગયો? આ લોકો બે લાખ કરોડનો કોલસો ચોરી ગયા બોલો, કોલસો ચોરી ગયા..!
ભાઈઓ-બહેનો, હમણાં ભારત સરકારે એક એવો નિર્ણય કર્યો. આ વાત યુવાનો સમજવા જેવી છે, પત્રકાર મિત્રોએ પણ સમજવા જેવી છે. હમણાં એમણે કહ્યું કે ભાઈ ગેસના બાટલા લોકોને અમે આપીએ છીએ એના કારણે અમને સબસિડીનો બહુ બોજ આવે છે. એટલા માટે હવે અમે સબસિડીનો બોજ વહન નથી થઈ શકે એમ, તો હવે છ જ બાટલા આપીશું, બાકી તમારે અઢાર બાટલા વર્ષે જોઈતા હોય તો બજારમાંથી કાળા બજારમાંથી લઈ આવજો, આવું પ્રધાનમંત્રીએ જાહેર કર્યું. હવે એમની આવડત જુઓ, એમના અણઘડ વહીવટનો નમૂનો જુઓ આ કે એમને સબસિડીનો ભાર પડે છે તો ઉપાય શું શોધ્યો? બાટલા તમને આપવાનું બંધ કરી દીધું. અમે ઉપાય કયો શોધ્યો? આ દેશની તિજોરીમાં બોજ ન પડે, સામાન્ય માનવીને ગેસની તકલીફ ન પડે, એના બળતણ માટે એને ખોટો આર્થિક બોજ ન પડે, એના માટે ગુજરાતે શું કર્યું..? આપણે 2200 કિલોમીટર લાંબી ગેસની પાઈપલાઇન લગાવી આખા ગુજરાતમાં, 2200 કિલોમીટર, 10,000 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો..! મિત્રો, આ ચીજને સમજવા જેવી છે. સારી સરકાર કોને કહેવાય અને ભૂંડી સરકાર કોને કહેવાય, આ એક ઉદાહરણ ઉપર એની તુલના થઈ શકે એવી છે. 10,000 કરોડ રૂપિયાનો ખર્ચો કરીને 2200 કિલોમીટરની ગેસની પાઈપલાઈન લગાવી અને 300 ગામોમાં એક મુખ્ય પાઈપલાઇનમાંથી નાની પાઈપલાઇનના ગેસના કનેક્શન આપી દીધાં, 300 ગામોમાં..! હિંદુસ્તાનમાં કોઈપણ ગામડામાં પાઈપલાઇનથી ગેસ હજુ કોઈએ આપ્યો નથી, ગુજરાત પહેલું રાજ્ય હતું કે જેણે 300 ગામોમાં પાઈપલાઇનથી ગેસ આપ્યો, મિત્રો. અને પછી દિલ્હીવાળા જાગ્યા, ત્યાં સુધી ઊંઘતા હતા પાછા. મેં 2200 કિલોમીટરની પાઈપલાઇન નાખી ત્યાં સુધી ઊંઘતા રહ્યા, મેં 300 ગામોમાં પાઈપલાઇન નાખી ત્યાં સુધી ઊંઘતા રહ્યા, મેં 7 લાખ ઘરોમાં જેમ રસોડામાં નળમાં પાણી આવે એમ પાઈપથી ગેસ આવે એમ 7 લાખ ઘરોમાં પાઈપલાઇનથી ગેસ આપી દીધો ત્યાં સુધી દિલ્હીની સરકાર ઊંઘતી રહી..! પછી ગેસના બાટલા વપરાવાના ઘટ્યા કારણકે 7 લાખ કુટુંબોને ગેસના બાટલા જરૂર ના પડી. ભારત સરકારની બાટલા દીઠ સબસિડી બચવા માંડી, વર્ષે લગભગ 600 કરોડ રૂપિયાની સબસિડી આપણે બચાવી આપી. પણ એમને થયું કે આ મોદી તો સ્વતંત્ર થઈ ગયા, હવે એને અમારી પાસે બાટલા માગવા આવવું નહીં પડે, હવે એને બાટલાની જરૂર નહીં પડે અને આ મોદીની દાદાગીરી વધી જશે, આ મોદીને ઠેકાણે પાડો..! આ તમે જુઓ કેવું કરે છે દિલ્હીવાળા? આ મોદીને ઠેકાણે પાડવા માટે સાહેબ, એમણે ફતવો બહાર પાડ્યો. તમને જાણીને અચરજ થશે, ફતવો એવો બહાર પાડ્યો કે હવે મોદી સરકાર ગુજરાતની અંદર નવી એક ઇંચ પણ પાઈપલાઇન લગાવી નહીં શકે, ગેસની પાઈપલાઇન લગાવવાનો અધિકાર માત્ર દિલ્હીમાં મનમોહનસિંહજીની, સોનિયાજીની સરકારને છે, મોદી આ ન કરી શકે. બોલો ગુજરાત કોનું, ભાઈ? ખોંખારીને બોલો, ગુજરાત કોનું? આ ધરતી કોની? આ પૈસા કોના? આ સરકાર કોની? આ ગ્રાહકોને ગેસ જોઇએ તો પાઈપલાઇન ન નાખી શકીએ? જેને પાઈપલાઇન જોઇએ એ પૈસા આપવા તૈયાર છે, સરકાર પૈસા નાખવા તૈયાર છે..! આપને આશ્ચર્ય થશે, 300 ગામોમાં પાઈપલાઇન નાખ્યા પછી બે વર્ષ થયાં, મારી ઉપર પાઈપલાઇન નાખવાનો પ્રતિબંધ નાખી દીધો છે. મને પાઈપ નાખવા દો એના માટે મારે સુપ્રીમ કોર્ટમાં જવું પડ્યું, સુપ્રીમ કોર્ટમાં..! જો ભારત સરકારે આ પાપ ન કર્યું હોત તો 7 લાખ ઘરોમાં જે ગેસ પહોંચાડ્યો છે, એ આજે 20 લાખ ઘરોમાં ગેસ પહોંચી ગયો હોત અને આજે જો 20 લાખ ઘરોમાં મારો પાઈપલાઇનથી ગેસ પહોંચ્યો હોત તો સાડા ત્રણ કરોડ બાટલાની ગુજરાતમાં જરૂર ન પડત. આ તમારે 18 ના 6 કરવા પડ્યા, 24 ના 6, એ તમારે ન કરવા પડ્યા હોત, ઉપરથી તમારી તિજોરીમાં કરોડ-કરોડો, અરબો-ખરવો રૂપિયાની સબસિડી બચી જાત, ભારત સરકારની મોટામાં મોટી સેવા ગુજરાત કરી શકત, પરંતુ કમનસીબી જુઓ, એમની દીર્ધદ્રષ્ટિનો અભાવ જુઓ કે એક બાજુ બાટલા બંધ અને બીજી બાજુ પાઈપલાઇનને તાળું, આ પ્રકારનો અણઘડ વ્યવહાર કરનારા લોકો છે એની સામે મારો આક્રોશ છે, ભાઈઓ..! અને પાછા અહીંયાં કૉંગ્રેસના નેતાઓ સમજ્યા કર્યા વગર નિવેદન કરે છે, હવે એ લોકો સમજીને કંઈ કરે એ આશા રાખવી મુશ્કેલ છે કારણકે ઈશ્વરે અમુક કામ અમુક માટે જ રાખ્યાં હોય..! એમણે કાલે આમ, કૉંગ્રેસની સરકારોએ ત્રણ બાટલા પોતાના તરફથી આપવાના જાહેર કર્યા છે, મોદી કેમ જાહેર ના કરે... અરે લલવાઓ, આ મોદીએ તો 7 લાખ ઘરોમાં પાઈપલાઇનથી આપી દીધું, અમારી તો આ બાટલાની સામે જોવાનીયે તૈયારી નથી અને 20 લાખ કુટુંબોમાં પાઈપલાઇનથી પહોંચાડવાની આજે પણ તૈયારી છે..!
ભાઈઓ-બહેનો, દિલ્હીમાં ગુજરાત વિરોધનું વાતાવરણ છે. જાણે આપણે કોઈ દુશ્મન દેશનું રાજ્ય હોઈએ ને, ડગલે ને પગલે એવો વ્યવહાર ચાલે છે. મને તો જોઈને એમને શું થતું હશે મને આશ્ચર્ય થાય છે. આખી સી.બી.આઈ. લગાડી દીધી છે બોલો, આખી સી.બી.આઈ...! આ મારે સી.બી.આઈ.થી ડરવું જોઇએ, ભાઈ? તમે છો ને? આપના ભરોસે છે બધું, પાકું?
ભાઈઓ-બહેનો, આજે આ હોમગાર્ડના ચહેરા પર મને ખુશી દેખાય છે. કાયમ ઊભા રહેતા હોય, આજે એમને બેસવા મળ્યું છે. 400% નો વધારો, 50,000 હોમગાર્ડ્ઝને લાભ મળ્યો છે. અને મને વિશ્વાસ છે કે આ નવજુવાનો ગુજરાતની સેવા-સુરક્ષામાં અગાઉ કરતાં ઉત્તમ કામગીરી કરીને બતાવશે એવો મને પૂરો ભરોસો છે. હોમગાર્ડના મિત્રોને મારી શુભકામનાઓ છે.
ભાઈઓ-બહેનો, આપે સ્વાગત કર્યું, સન્માન કર્યું, આ યુવા પરિષદ નવાં સપનાં લઈને આગળ વધે એ જ અપેક્ષા સાથે...
ભારત માતા કી જય...!! ભારત માતા કી જય...!! ભારત માતા કી જય...!!