તા. ૨૨/૧૧/૨૦૧૧
કરાઈ પોલીસ અકાદમી, ગાંધીનગર
૧૯૬૦ માં ગુજરાતે પોતાની વિકાસયાત્રાનો પ્રારંભ કર્યો. આટલાં વર્ષોમાં આ પહેલી ઘટના છે કે એક સાથે આટલી મોટી સંખ્યામાં પોલીસ ફોર્સમાં પી.એસ.આઈ., જે એક મહત્વપૂર્ણ એકમ હોય છે, તેમની પાસ-આઉટ પરેડ થઈ રહી છે. તે પણ ખૂબ ગર્વની વાત છે કે આ ૫૩૦ માં ૬૮ મહિલાઓ છે. પાછલાં ૫૦ વર્ષમાં આ પ્રકારની પાસ-આઉટ પરેડમાં જેટલી ટોટલ સંખ્યા મહિલાઓની હતી, તેનાથી આ વધારે છે, એક જ પરેડમાં. એ વાત પણ ધ્યાનમાં આવી છે કે ખૂબ મોટી સંખ્યામાં હાઈલિ ક્વૉલિફાઇડ નૌજવાનોએ એક મિશનના રૂપમાં આ ક્ષેત્રનો સ્વીકાર કરેલ છે. તેમાં ઘણા એન્જિનિયરો છે, ઘણા એવા નૌજવાનો છે કે જેમણે ડૉક્ટરેટ કરેલ છે, ઘણા બધા નૌજવાનો લૉ ગ્રૅજ્યુએટ છે, ઘણા બધા એવા છે કે જેઓ ક્યારેક શિક્ષક હતા, તે ક્ષેત્રને છોડીને અહીં આવેલ છે. ઘણા બધા નૌજવાનો છે જેઓ સરકારમાં કોઈને કોઈ પદ ઉપર હતા, તેને છોડીને અહીં આવ્યા છે. તો એક મિશનના રૂપમાં આ ક્ષેત્રમાં આવવું એ પોતે જ ગુજરાત પોલીસ દળ માટે એક શુભ સંકેત છે અને હું પોતે તેના માટે એક ગર્વનો અનુભવ કરું છું અને આપ સૌ નૌજવાનોને આ ક્ષેત્રને પસંદ કરવા બદલ હું ધન્યવાદ આપું છું, અભિનંદન આપું છું. મિત્રો, એક કસોટીનો સમય રહે છે, જ્યારે ટ્રેઇનિંગ હોય છે. ક્યારેક-ક્યારેક કેટલીક ક્ષણો એવી પણ આવી જતી હોય છે કે આ આટલી મહેનત કેમ? આ સવારથી સાંજ, મહિનાઓ સુધી... જ્યારે ટ્રેઇનિંગમાં હોઈએ છીએ ત્યારે લાગે છે કે ચાલો ભાઈ, જેટલા જલદી નીકળી જઈએ, સારું થશે. અને આ થવું બહુ સ્વાભાવિક છે. પરંતુ જો મંજિલ સુધી પહોંચવું હશે તો સફર ગમે તેટલી કઠિન કેમ ન હોય, તેને હસતા-હસતા પાર કરીએ ત્યારે મંજિલ પર પહોંચવાનો એક આનંદ આવતો હોય છે. આજે આપ સૌ માટે એ આનંદની પળ છે.
મિત્રો, અહીં જે શિક્ષા-દીક્ષા થઈ છે, તે એક સર્ટિફિકેટ મેળવવા માટે, કે એક ટ્રૉફી મેળવવા માટે નથી થતી, નોકરીમાં સ્થાન મેળવવા માટે નથી થતી, આ પ્રકારની જે ટ્રેઇનિંગ થાય છે તેને જીવનભર જીવવી પડે છે. અને જીવનમાં તે જ સફળ થાય છે કે તેણે તાલીમ-સમય દરમ્યાન જે મેળવ્યું છે, તેને જીવવાની આદત બનાવે છે. અહીં તો ડિસિપ્લિનમાં રહેવું સ્વાભાવિક છે કારણકે એ તો આ વ્યવસ્થામાં જ છે, અહીં વહેલા ઊઠવું સ્વાભાવિક છે કારણકે આપણે એક વ્યવસ્થામાં છીએ. સવારે બ્યૂગલ વાગતું હશે, વ્હિસલ વાગતી હશે, તે આપણને ફરજ પર લઈ જતી હશે. જ્યારે એક વ્યવસ્થાના માળખામાં હોઈએ છીએ ત્યારે પોતાની જાતને ઢાળવાનું મુશ્કેલ નથી હોતું. ક્યારેક આપણે ત્રણ બાય છ ના ઓરડામાં રહેવા માટે કોઈક કહે તો આપણે રહી ન શકીએ અને કોઈ કહે કે ૪૮ કલાક તમારે આમાં જ રહેવાનું છે, જે રીતે પણ પસાર કરવા હોય, તો એક બોજો લાગે છે. પરંતુ જો ૪૮ કલાકની મુસાફરી હોય અને ટ્રેનના પેલા નાનકડા કમ્પાર્ટમેન્ટમાં ટાઇમ કાઢવાનો હોય તો બહુ આરામથી કાઢી નાંખતા હોઈએ છીએ. કારણકે ખબર હોય છે કે હું એક વ્યવસ્થાની અંદર છું અને ૪૮ કલાક પછી જ મારે ઊતરવાનું છે, તો જાતે જ તે હસતા-રમતા કાઢી નાખો છો. મિત્રો, એટલા માટે આ વર્ષભરના સમયને પાર કરવામાં એટલી મુશ્કેલી નહોતી, જેટલી મુશ્કેલી હવે શરૂ થઈ રહી છે જ્યારે કોઈ કહેવાવાળું નહીં હોય, કોઈ પૂછવાવાળું નહીં હોય, એક્સર્સાઇઝ કરો એમ કહેવા માટે કોઈ હશે નહીં. જે વિષયોને જોયા છે, જે કાનૂની બારીકીને સમઝ્યા છીએ તેનો વિચાર કરો, તેને યાદ કરો અને દરેક ઘટનાની સાથે પોતાના મનને જોડીને... કે આમ બન્યું, હું હોત તો શું કરત? જ્યાં સુધી આપણું મન નિરંતર આ કામ નથી કરતું ત્યાં સુધી આપણે આપણા પ્રોફેશનમાં સફળ નથી થતા. ચોવીસે કલાક અહીંનો જે સમયગાળો છે, તેને જીવવાનો પ્રયત્ન કરવો તે સૌથી મોટી ચેલેંજ હોય છે. હું આશા કરું છું કે તમે જે નૌજવાનો આજે અહીંથી જીવનની એક નવી સંભાવના તરફ ડગ માંડી રહ્યા છો ત્યારે તમે આને કેવી રીતે કરી શકાય, જિંદગીનો હિસ્સો કેવી રીતે બનાવી શકાય, આ શિક્ષણ પદ માટે નહીં, એક જીવનની પુન:પ્રતિષ્ઠા માટે કેવી રીતે હોય, તેથી જો આ શિક્ષણ ઉપયોગી થશે તો હું માનું છું કે તમે તમારા યુનિફૉર્મની શોભા વધારશો, તમારા ખભા ઉપર જે નામ કે પટ્ટીઓ લાગેલી છે, એ પોતાના નામની શાન હોય છે. તે તમારા ખભાની શોભા નથી વધારતી, પરંતુ તમારા ખભા ઉપર જે નિશાન હોય છે તે તમારી આ રાજ્યને માટેની જવાબદારી દર્શાવે છે. તે ખભો તમારી શોભા માટે નથી હોતો, તે ખભો રાજ્યની શોભા માટે હોય છે. અને જે આ ખભાનું સામર્થ્ય સમઝે છે, તે ખભા ઉપર લાગેલી પટ્ટી, તેની ઉપર લાગેલ તે સિમ્બોલ, તેના પર લાગેલ એ નામ, આ બધાની પોતાની એક તાકાત હોય છે, તેની સાથે એક ગરિમા જોડાયેલી હોય છે, એક સન્માન જોડાયેલ હોય છે અને તેથી જ તમારો ખભો સમગ્ર રાજ્યની શક્તિ માટેનો ખભો બનતો હોય છે અને તે ખભાને સંભાળવા માટે સમગ્ર જીવનને, સમગ્ર શરીરને, સમગ્ર મનમંદિરને તેના માટે પ્રતિબદ્ધ કરવું પડે છે અને ત્યારે જ જીવન બનતું હોય છે.
ભાઈઓ-બહેનો, વિદ્યાર્થીકાળમાં મુક્તિનો એક આનંદ હોય છે અને પરિણામે ગમે તેટલી મોટી જવાબદારી સંભાળવા માટે, આપણે વિદ્યાર્થી અવસ્થામાં હોઈએ ત્યારે, મન ઘણું મોકળું હોય છે, નિખાલસતા પણ હોય છે, પરંતુ જ્યારે તે જ શિક્ષા-દીક્ષાની સાથે જવાબદારી મળે છે ત્યારે જવાબદારીનો એક ખૂબ જ મોટો બોજો હોય છે અને આ એક એવું ક્ષેત્ર છે કે જ્યાં સૌથી વધારે તાણવાળું વાતાવરણ રહેતું હોય છે. દરેક ક્ષણે અટેન્શનમાં રહેવું પડે છે. ખબર નહીં ક્યારે શું આવશે, ક્યાં દોડવું પડશે, ક્યાં ભાગવું પડશે..! એવા સમયે તમને અહીં જે યોગનું શિક્ષણ આપવામાં આવેલ છે, જો તે તમારા જીવનનો ભાગ બને તો તાણથી મુક્ત થઈને, સ્વસ્થ મનથી, ગમે તેટલી મુશ્કેલીઓ કેમ ન આવે, ગમે તેટલાં સંકટો કેમ ન આવે, ગમે તેટલી ગહન પરિસ્થિતિને પહોંચી વળવાની સ્થિતિ કેમ ન આવે, સ્વસ્થ મનથી જો કરવું હોય તો તમને અહીં જે યોગનું શિક્ષણ આપવામાં આવેલ છે, તેને તમે જીવનનો એક ભાગ બનાવશો તેવી હું આપ સૌ પાસેથી આશા રાખું છું. જો તમારા ચહેરા ઉપર સ્મિત હશે તો તમે બહુ આસાનીથી કઠોરમાં કઠોર કામ પણ કરી શકો છો અને તેથી જ અહીં જે શિક્ષા-દીક્ષા મળેલ છે, તેના માટેનો જે હ્યૂમન એંગલ છે, જે બારીકી છે, તેને ક્યારેય ભૂલવી ન જોઇએ, તેને પ્રાથમિકતા આપવી જોઇએ.
ભાઈઓ-બહેનો, આજે આપણે જઈ રહ્યા છીએ, એક વ્યવસ્થાની અંદર આપણે આવ્યા છીએ. એક ખૂબ જ મોટી લાંબી પાઇપ-લાઇનમાં એક બાજુ ઘૂસીએ તો કંઈ ન કરો તો પણ બીજી બાજુ એમ પણ નીકળવાનાં છીએ. અને કેટલાક લોકો એવા હોય છે કે જીવનમાં એક વ્યવસ્થામાં પ્રવેશ કરી લે છે ત્યારબાદ એમને એમ લાગે છે કે સમય જ તેમને આગળ લઈ જશે. મિત્રો, જે સમયની પ્રતીક્ષા કરતો રહે છે, ન તો તે જિંદગીમાં કાંઈ મેળવી શકે છે, ન તો જીવનમાં કોઈને કંઈ આપવાનો સંતોષ લઈ શકે છે. નૌજવાનો, હું નથી ઇચ્છતો કે તમે આને પોતાની મંજિલ માનો, તમે આને એક મુકામ માનો. તમે મનમાં નક્કી કરીને જાઓ કે વધારે આગળ જવું છે, વધારે નવી ઊંચાઈઓ પર જવું છે. આના માટે જેટલી પોતાની ક્ષમતા વધારવી પડશે, જેટલું પોતાનું જ્ઞાન વધારવું પડશે, જેટલું પોતાનું કૌશલ્ય વધારવું પડશે, અમારે અમારી જે પણ ક્વૉલિટીને જોડવી પડશે, તેને જોડવા માટે અમે પ્રયત્ન કરીશું અને તેમ કરો છો તો મને વિશ્વાસ છે મિત્રો, તમારા માટે આ મુકામ જ રહેશે. સમય પ્રતીક્ષા નહીં કરે, તમે સમય પાસે જશો અને તક મળતાં જ તમે પણ કેમ ઉચ્ચ પદ ઉપર પહોંચો, જેટલા પણ રસ્તાઓ પરથી પસાર થવું પડે થાવ, જેટલી પણ કસોટીઓને પાર કરવી પડે કરો, પરંતુ તમે ઉચ્ચ પદ ઉપર જવાનું સપનું લઈને મંજિલને ઊંચી રાખો, એક એક મુકામને પાર કરતા જાઓ અને કંઈક નવું મેળવવાનો સંકલ્પ લઈને ચાલશો, મને વિશ્વાસ છે દોસ્તો, તમારામાંથી કેટલાય લોકો આ રાજ્યની આન-બાન-શાન બનીને સમગ્ર હિંદુસ્તાનમાં પોતાનું નામ રોશન કરી શકે છે તેનો મને ભરોસો છે, તમે પોતાની જાત ઉપર ભરોસો કરો, તમે તમારા જીવનને આગળ વધારી શકો છો.
મને એ વાતનો ગર્વ છે, હું અહીં જ્યારે પાસીંગ-આઉટ પરેડના નિરીક્ષણ માટે જઈ રહ્યો હતો તો પહેલાં કેટલાક નાગરિકો તરફ હું જોતો હતો અને હું અનુભવ કરી રહ્યો હતો કે મોટા ભાગના તેમાં તે પરિવાર બેઠેલા હતા જેમનો દીકરો, જેમનો ભાઈ આ પરેડમાં શામેલ થયેલા છે. હું તેમની તરફ જોતો હતો. ખૂબ જ સામાન્ય પરિવારના બધા સ્વજનો અહીં બેઠેલા છે. કોઈ બહુ ઉચ્ચ પરિવારમાંથી આવેલા લોકો નથી. કેટલીયે એવી વિધવા માતાઓ છે, જેમનો દીકરો આજે આ યુનિફૉર્મમાં શાનથી ઊભેલો હશે. તે વિધવા માં ને ક્યારે ખબર હતી કે મારો દીકરાને આ પ્રકારનું પદ કેવી રીતે મળી શકે છે. અત્યારનું તંત્ર જે પ્રકારે ચાલી રહેલ છે, કોઈ ભરોસો ન કરી શકે કે એક વિધવા માં નો દીકરો જેને કોઈ ઓળખતું પણ નથી, પરંતુ વ્યવસ્થાના કારણે, ટ્રાન્સ્પૅરન્સિના કારણે, પોતાની ક્ષમતાના કારણે તે ત્યાં સુધી પહોંચી ગયો છે. ભાઈઓ-બહેનો, જે રીતે આપણને આ મોકો મળેલ છે, આપણે જીવનભર આ વાતને યાદ રાખીશું, કે આજે મારી માં ખુશ છે, કારણકે એક ટ્રાન્સ્પૅરન્ટ વ્યવસ્થાના કારણે હું આ જગ્યાએ પહોંચી શક્યો છું. મારો ભાઈ ખુશ છે, મારી બહેન ખુશ છે, મારા પિતાજી ખુશ છે, મારી માં ખુશ છે... જેમને આ વિશ્વાસ હશે કે મારા પરિવારની ખુશીમાં મને જે આ પ્રવેશ મળેલ છે, અહીં સુધી આવવા માટે મારા માટે જે બારી ખૂલી છે, તેના માટેની જે પારદર્શિતા હતી, તે પારદર્શિતા બહુ મોટી તાકાત હતી. જો મારી જિંદગીનો આનંદ તે પારદર્શિતા છે, મારા પરિવારની ખુશીનું કારણ તે પારદર્શિતા છે તો મારું કર્તવ્ય બને છે કે હું જીવનભર તે પારદર્શિતાનું પાલન કરીશ જેથી હું પણ હજારો-લાખો લોકોની ખુશીઓનું કારણ બની શકું. અને તેથી જ મિત્રો, હું તમારી પાસેથી અપેક્ષા રાખીશ, હું તમને વિનંતી કરીશ, હું આગ્રહ રાખીશ... અને જ્યારે તમે ઈશ્વરને સાથે રાખીને, આજે જે શપથ લીધી છે, તે શપથનો એકે એક શબ્દ જીવવો પડે છે, દોસ્તો. શપથ, તે ફક્ત વાણી નથી, શપથ એ ફક્ત શબ્દ નથી હોતા. તિરંગો ઝંડો આપણા જીવનની આન, બાન, શાન હોય છે. તેને જ્યારે સ્પર્શ કરીએ છીએ, ત્યારે એક નવી ચેતનાનો સંચાર થાય છે. તમને જ્યારે એવી પરિસ્થિતિમાં તેનો સ્પર્શ થાય છે તો તમારી અંદર તે ચેતનાનો સંચાર થાય છે, તમે જીવનભર તે ક્ષણને યાદ રાખશો. એ તિરંગા ઝંડાની શાન માટે જે મહાપુરુષોએ આ તિરંગા ઝંડા માટે બલિદાન આપ્યાં હતાં, ૧૮૫૭ થી લઈને ૧૯૪૨ સુધી કેટકેટલા લોકોએ પોતાનાં જીવન આપી દીધાં ત્યારે ’૪૭ માં આપણે આ તિરંગા ઝંડાનું સન્માન અને ગૌરવ મેળવ્યાં છે. ભાઈઓ-બહેનો, જે ગૌરવને આજે આપણને સ્પર્શ કરવાની તક મળી છે, તે આપણી જિંદગીનું કેટલું મોટું સામર્થ્ય બની શકે છે, આપણી જિંદગીની કેટલી મોટી ચેતનાને જગાડવાની એક તક બની શકે છે. શપથના શબ્દો, શબ્દો ન રહીને મારા જીવનનો સંકલ્પ કેમ બને, શપથની ભાવના મારા જીવનની ભાવના કેવી રીતે બની જાય અને પ્રત્યેક પળે ઈશ્વરને યાદ કરીને હું તેને જીવવાની કોશિશ કરું અને ત્યારે આ શપથનું મૂલ્ય સમજી શકાય છે અને મારું જીવન તે શપથની શક્તિને કારણે આગળ વધતું રહે છે, તેના માટે હું તમને શુભકામનાઓ આપું છું.
ભાઈઓ-બહેનો, દેશ નવાં નવાં સંકટોમાંથી પસાર થઈ રહ્યો છે. એક જમાનો હતો, જ્યારે સેનાઓ યુદ્ધ કરતી હતી તો કેટલાયનાં લોહી વહેતાં હતા, કેટલીયે માં ની ગોદ ઊજડી જતી હતી..! સમય બદલાઈ ચૂક્યો છે. આજે યુદ્ધમાં ટેક્નોલૉજીએ સ્થાન લીધું છે. સામી છાતીએ ગોળીઓ ઝીલવાની સ્થિતિ ઓછી થતી જાય છે. તેમ છતાં પણ દેશની જીત અને હાર શક્ય બની શકે છે, નવાં ક્ષેત્રો ખૂલી ચૂક્યાં છે. અને તે જ પ્રકારે સામાન્ય જીવનમાં સુરક્ષાનો વિષય પણ પહેલાં જેવો નથી રહ્યો. ટેક્નોલૉજીએ ગુનાહિત કૃત્યોમાં સ્થાન લઈ લીધું છે. એકાદ બે ગુનાનો એ વિષય નથી રહ્યો, હવે તો આતંકવાદ, નક્સલવાદ જેવી સમસ્યાઓ સામે દેશને ઝઝૂમવું પડે છે. મિત્રો, યુદ્ધમાં જેટલા જવાનો નહીં મર્યા હોય, તેનાથી વધારે જવાનો આતંકવાદીઓની ગોળીઓથી માર્યા ગયા છે. દેશના વિકાસને અટકાવી દેવામાં નક્સલવાદ આજે એક બહુ મોટું કારણ બનેલ છે. આ દેશના કેટલાયે વિસ્તારો એવા છે, જ્યાં સરકારે જઈને સ્કૂલ બનાવી, નક્સલવાદીઓએ ઉડાવી દીધી, ક્યાંક હોસ્પિટલ બનાવી તો નક્સલવાદીઓએ ઉડાવી દીધી. અસંતોષની આગ ઊભી કરવા માટે કોણ જાણે કેટકેટલા લોકોને મારવામાં આવી રહ્યા છે. ભાઈઓ-બહેનો, આ આતંકવાદ હોય, નક્સલવાદ હોય, આપણે આપણા જાનની બાજી લગાવીને પણ નિર્દોષ નાગરિકોની રક્ષા કરવી પડતી હોય છે. અને મિત્રો, જ્યાં સુધી આપણી અંદર સાહસ ન હોય, ત્યાં સુધી આપણે તે પરિસ્થિતિને સંભાળી શકતા નથી. અને સાહસ પુસ્તકોમાંથી પ્રાપ્ત નથી થતું, સાહસની માળા જપવામાં નથી આવતી, પોતાની જાતને તૈયાર કરવી પડતી હોય છે અને જ્યારે મનમાં પવિત્રતા હોય, મનમાં સંકલ્પ હોય તો ભય નામની કોઈ વસ્તુ નથી રહેતી, ભાઈઓ. અને તેથી હું આપની પાસેથી ઇચ્છું છું કે મારો દરેક સાથી અભય હોવો જોઇએ, નિર્ભય હોવો જોઇએ, અભય અને નિર્ભય આ વરદીનો સૌથી મહત્વનો ગુણ હોવો જોઇએ. જો તે અભય નથી કે નિર્ભય નહીં હોય તો કદાચ ભયની સામે તે વિચલિત થઈ જશે અને તેથી જ, ભાઈઓ-બહેનો, આપ એક એવા દાયિત્વ તરફ જઈ રહ્યા છો ત્યારે જીવનને તે ઊંચાઈઓ પાર કરવા માટે, સામાન્યમાં સામાન્ય માણસની રક્ષા માટે પોતાની જાતને લગાવી દેશો.ભાઈઓ-બહેનો, પોલીસ જનતા જનાર્દનની મિત્ર હોય છે, આ આપણે બાળપણથી સાંભળતા આવ્યાં છીએ. મારે આ ચારિત્ર્ય લાવવું છે અને તેટલા માટે આપણે રક્ષા શક્તિ યુનિવર્સિટી શરૂ કરેલ છે. એ રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં પહેલાં અમે એ ટ્રેઇનિંગ આપવા માંગીએ છીએ કે સુરક્ષા દળના જવાનોની એક લાંબી ટ્રેઇનિંગ હોય. નોકરી માટે નહીં, જીવન માટેની ટ્રેઇનિંગ હોય. નોકરી, આ કારકિર્દી... એ તો બાઇપ્રોડક્ટ હોય, તે દિશામાં આપણે જવા માંગીએ છીએ. આવનારા દિવસોમાં તેનો પણ આપણે ઉપયોગ કરવા માંગીએ છીએ. હું આજે સરકારના કેટલાક મિત્રો સાથે વાત કરી રહ્યો હતો. હવે દોઢ વર્ષનો સમય છે તમારી પાસે, જેમાં તમે અહીં જે શીખ્યા છો, તેને તલવારની ધાર ઉપર જીવીને બતાવવું પડશે. બધા જ લોકો ઝીણવટથી તમને જોશે, દરેક વસ્તુનો રિપૉર્ટ બનશે, તમારી નાનામાં નાની ભૂલ પણ તમારા માટે બહુ મોટું સંકટ બની શકે છે. આવો દોઢ વર્ષનો સમય હોય છે, જેમાં તમારે ફક્ત ડિસિપ્લિનથી જ તમારી જાતને સિદ્ધ કરવાની હોય છે. તેમાં અનેક પ્રકારની પદ્ધતિઓ છે. તેમાં એક નવી પદ્ધતિ જોડવા માટે હું વિચારી રહ્યો છું. હું આ ક્ષેત્રના વિદ્વાનો છે તેમને કહીશ કે તેના પર કામ કરે અને એક જ અઠવાડિયામાં કોઈ નિર્ણય અમે કરી શકીએ. અહીંથી એક એક નૌજવાન જે તૈયાર થઈને જાય છે, તેને દોઢ વર્ષના સમયગાળામાં ઓછામાં ઓછા ૧૦૦ કલાક પોતાની નીચે જે કોન્સ્ટેબલ્સ છે, અહીં જે તેમણે ટ્રેઇનિંગ લીધેલ છે... ૧૦૦ કલાક, ૨૫-૨૫ ની ચાર બેચ હોય કે ૩૦-૩૦ ની ત્રણ બેચ હોય, આવનારા દોઢ વર્ષમાં પેલા લોકોને તે ટ્રેઇનિંગ આપે. રોજ સવારે ૫ થી ૮, ૫:૩૦ થી ૮, તે કોન્સ્ટેબલને ટ્રેઇનિંગ આપે. જે અહીં શીખ્યા છે, તે ત્યાં શિખવાડે. એક સિલેબસ બનાવવામાં આવે, ૧૦૦ કલાકનું. અને એ કામ તમે લોકો કરો જેથી અહીં જે તમે શીખ્યા છો, તેને શિખવાડવાથી તે વધારે પાકું થાય છે, વધારે આક્રમક સ્વભાવ બની જાય છે. ક્યારેક-ક્યારેક શીખવા સમયે ઘણી બધી વસ્તુઓ પર આપણું ધ્યાન નથી જતું. ઇગ્ઝૅમમાં તો ગમે તેમ નીકળી જઈએ છીએ, પરંતુ જ્યારે શીખવાડવાનું હોય છે ત્યારે ઘણી બધી વાતો તરફ આપણું ધ્યાન જતું હોય છે અને તેટલા માટે તમારા આ દોઢ વર્ષના કામમાં ૧૦૦ કલાકનું એક વધારે કાર્ય, તેને પણ જોડવા માટે હું વિચારી રહ્યો છું. અને આપણે જોઇશું કે જે કોન્સ્ટેબલોને તમે ટ્રેઇન કરેલ છે, તેમાંથી કેટલા પરસેન્ટ છે જેઓને સફળતા મળે છે, તેના આધારે અમે નક્કી કરીશું કે તમે અહીંથી શું મેળવ્યું છે. અહીંથી કંઈ ભૂલીને જવાનું નથી.
મને વિશ્વાસ છે મિત્રો, એક સાથે આ રાજ્યની અંદર આટલી મોટી સંખ્યામાં તમારા જેવા નૌજવાનોના આખી વ્યવસ્થા સાથે જોડાવાના કારણે ગુજરાતના પોલીસ દળને એક નવી તાકાત મળશે, સામાન્ય માનવીના સુખ-દુખના સાથી બનીને તેમને સલામતીનો એક નવો અનુભવ આપણે કરાવી શકીશું અને ગુજરાતનો સામાન્યમાં સામાન્ય માણસ પણ આપણી ઉપસ્થિતિ માત્રથી સુરક્ષાનો અનુભવ કરે, આપણી ઉપસ્થિતિ માત્રથી તેને શાંતીથી નીંદર આવી જાય તે પ્રકારનો આપણો વ્યવહાર રહે, આ જ એક અપેક્ષા સાથે તમને સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. તમારા પરિવારજનોને પણ અભિનંદન આપું છું કે સમાજે આટલું બધું આપ્યું છે, તમારા દીકરાને એક મહત્તા આપી છે. આપણે બધા સાથે મળીને સમાજનું ઋણ ચૂકવવા માટે જ્યારે પણ મોકો મળે ત્યારે કંઇકને કંઈક કરતાં રહીએ. આ જ અપેક્ષા સાથે તમને સૌને ભારત માતાની સેવા માટે, ડગ માંડવા માટે, એક નવી જવાબદારી સાથે આગળ વધવા માટે હું આહવાન કરું છું, શુભકામનાઓ પાઠવું છું.
ખૂબ ખૂબ ધન્યવાદ..!