૨૬ ફેબ્રુઆરી, ૨૦૧૨
આપણે ત્યાં જેટલું મહત્વ શિક્ષાનું છે એના કરતાં વધારે મહત્વ દીક્ષાનું છે અને શિક્ષિત વ્યક્તિ જ્યાં સુધી દીક્ષિત ન થાય ત્યાં સુધી શિક્ષા અધૂરી ગણાય છે. આમ શાસ્ત્રોમાં જોઇએ તો છેક તૈત્તિરીય ઉપનિષદમાં પહેલીવાર આ પ્રકારનો દીક્ષાંત સમારોહ નોંધાયેલો છે. પરંતુ આપણે ત્યાં પરંપરાગત રીતે ગુરુકુળની જે શિક્ષા પરંપરા હતી એમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ પૂર્ણ થાય પછી ગુરુજન અનેક કસોટીઓમાંથી એને પાર કરતા હતા, અનેક એવાં સહજ આયોજનો કરે કે જેમાંથી પસાર થતાં થતાં નિત્યક્રમ દરમિયાન પોતે જે શીખ્યા છે એનો અમલ કરી બતાવવો પડે, એને ખબર પણ ન હોય કે અહીં જે હું કરી રહ્યો છું એ મારી કોઇ કસોટીનો ભાગ છે. અને એનું બહુ જ માઈન્યૂટ ઑબ્ઝર્વેશન થતું અને એના પછી એ ડિગ્રીધારી બનતા હતા અને પછી એને જીવનના અન્ય આશ્રમ તરફ જવા માટેની પરવાનગી મળતી.
મિત્રો, વિદ્યાર્થીકાળ ઉત્તમ સમયગાળો હોય છે. આમ એક વાતનો આનંદ આવે કે ભાઈ, આજે અહીંથી ડિગ્રીધારી બનીને આપણે સમાજમાં જઈ રહ્યા છીએ, પણ એની સાથે જ એક મોટી જવાબદારી શરૂ થતી હોય છે. તમે વિદ્યાર્થી હો ત્યારે મિત્રો વચ્ચે, સમાજ વચ્ચે ઉભા હો તો પરિચય કરાવો કે હું ફાઇનલ યરમાં ભણું છું એટલે પછી લાંબા પ્રશ્નો ન પૂછે. ભણો છો, વાત પૂરી થઈ જાય. પણ જે પળે તમે એમ કહો કે હવે હું ગ્રૅજ્યુએટ થઈ ગયો છું એટલે તરત જ પ્રશ્ન આવે કે તો હવે શું કરો છો? હવે શું કરવાના છો? શું વિચાર્યું છે? અને નોકરીની બાબતમાં એ ચાલુ રહે અને છોકરીની બાબતમાં પણ ચાલુ થાય અને છોકરી હોય તો છોકરા માટેય ચાલુ થાય. સહજ છે. ભણતા હો ત્યાં સુધી કોઇ ટેન્શન નહીં, કોઇ પૂછે નહીં અને એટલા માટે ઘણા લોકો શું કરે કે બીજો કોઇ મેળ ન પડે ત્યાં સુધી સી.એ. ની અંદર એન્ટ્રિ લઈ લે, અને બીજું કંઈ ગોઠવાય નહીં ત્યાં સુધી કહેવા ચાલે કે, શું કરો છો? સી.એ. કરું છું, અનએન્ડિંગ પ્રોસેસ છે... મિત્રો, વિદ્યાર્થી હોઇએ ત્યારે જીવનમાં અનેક લોકો હોય છે કે જે આપણું માર્ગદર્શન કરતા હોય છે. એક પ્રકારે પ્રોટેક્ટેડ લાઇફ હોય છે. પરિવારમાં પરિવારજનો ચિંતા કરતા હોય, કુટુંબ સાથે સંબંધિત વડીલો ચિંતા કરતા હોય, શિક્ષણ સંસ્થાની અંદર ઇવન પટાવાળો પણ ઘણીવાર આપણને ગાઇડ કરતો હોય કે ના-ના ભાઈ, આ ન કરાય... એવું કહેતો હોય, તમે અનુભવ્યું હશે મિત્રો, અને આપણને પણ એમ થાય કે આ પટાવાળાને સમજણ પડે છે અને મને નહોતી પડી..! શિક્ષકગણ પણ આપણને ગાઇડ કરે કે ભાઈ, આ કરાય અને આ ન કરાય. અને એના કારણે આપણે નિશ્ચિંત હોઇએ છીએ. કોઇપણ ભૂલ થાય તો ક્યાંક કોઈક રોકનાર, કોઈક ટોકનારની વ્યવસ્થા હોય છે અને એના કારણે મોકળા મને ડગ માંડવાની હિંમત આવતી હોય છે. પણ જે પળે આ અવસ્થાથી બહાર આવીએ ત્યારે પ્રત્યેક પળે નિર્ણય જાતે કરવો પડતો હોય છે. આજુબાજુ જોઇએ ત્યારે કોઇ શિક્ષક ઉભા નથી હોતા, સમાજની આપણા તરફ જોવાની એક આખી માનસિકતા બદલાણી હોય છે અને એક પ્રકારે એક કસોટી કાળનો આરંભ થતો હોય છે. આજે જે લોકો પદવી પ્રાપ્ત કરી રહ્યા છે એ બધા મિત્રો જીવનના કસોટી કાળની અંદર પગરણ માંડી રહ્યા છે. અને જ્યારે કસોટી શરૂ થાય છે એ વખતે પ્રત્યેક પળ, બચપણથી આજ સુધી જ્યાં જ્યાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હશે, જે જે ગુરુજનો પાસેથી કંઈ શીખ્યા હોઇશું એની આખી કથા મનમાં ડગલે ને પગલે યાદ આવતી હોય છે. કંઈ કરવા જઈએ ત્યાં વિચાર આવે કે હા યાર, ક્લાસમાં સાહેબે પેલી વાત તો કહી હતી..! ક્યાંક ઇન્ટર્વ્યૂ આપવા જઈએ ને કોઇ પ્રશ્ન આવે તો તરત વિચાર આવે કે હા યાર, સાહેબે કહ્યું તો હતું પણ આજે યાદ નથી આવતું. ડગલે ને પગલે આ કાર્યકાળ તમને યાદ આવશે મિત્રો અને એ અર્થમાં જેમનો દીક્ષાંત સમારોહ થઈ રહ્યો છે પરંતુ જે લોકો ભવિષ્યના દીક્ષાંત સમારોહના સ્વાભાવિક દાવેદાર છે એ લોકો પણ અહીં બેઠા છે એમને પણ એમાંથી પ્રેરણા મળે કે હા ભાઈ, જીવનની શરૂઆત અઘરી હોય છે. ડગલે ને પગલે જીવનમાં પ્રત્યેક કસોટીમાંથી પાર થવું પડતું હોય છે.
હું ઇચ્છીશ કે વીર નર્મદના નામ સાથે જોડાયેલ આ યુનિવર્સિટીના આપણે વિદ્યાર્થી છીએ ત્યારે બીજું કંઈ કરી શકીએ કે ના કરી શકીએ મિત્રો, નર્મદનું એક વાક્ય જીવનમાં ઊતારીએ, ‘ડગલું ભર્યું કે ના હટવું...’. અને નર્મદની પુણ્યતિથિએ જ્યારે આપણને આશીર્વાદ પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યારે... મિત્રો, સમાજજીવનની અંદર અવઢવમાં રહેનારા લોકો ક્યારેય ન તો કંઈ મેળવી શકે છે, ન ક્યારેય સમાજને કંઈ આપી શકે છે. જે લોકો નિર્ણાયક હોય છે એ લોકો નિર્ધારિત મંજિલને પ્રાપ્ત કરી શકતા હોય છે. જે લોકો અનિર્ણીત હોય છે એમનો ઘણો બધો સમય એ અવસ્થામાં જ ગૂંચવાતો હોય છે. તમે ઘણા લોકો જોયા હશે બસ સ્ટેશન પર... ચાર બસો ઊભી હોય તો નક્કી ન કરી શકે કે આમાં જવું કે આમાં જવું. અને ત્રણ જતી રહે પછી છેલ્લે જે મળે એમાં ચડી જાય, નક્કી ન કરી શકે. અને આ અનુભવ રોજબરોજના હોય છે. કેટલાય લોકો માંદા પડ્યા હોય તો ઓપરેશન કરાવવું કે ના કરાવવું, આ ડૉક્ટર પાસે કે પેલા ડૉક્ટર પાસે... એમાં રોગ એટલો બધો વકરી ગયો હોય કે ડૉક્ટરના હાથની બાજી જ ના રહી હોય. કારણ? અનિર્ણાયકતા. મિત્રો, અવઢવવાળી જીંદગીને અને યુવાનને ક્યારેય સંબંધ ન હોવો જોઇએ. હું યુવાન છું એનો મતલબ છે કે હું નિર્ણાયક છું અને જો હું નિર્ણાયક નથી તો નિશ્ચિત છે કે હું યુવાન નથી. હું અત્યંત ભયભીત છું, હું અત્યંત અસુરક્ષિત છું, મને ડગ માંડતા ડર લાગે છે કે ક્યાંક પડી તો નહીં જાઉં... મતલબ, મારા મનની યુવાની મેં ગુમાવી દીધી છે અને તેથી નિર્ણાયક હોવું, અવઢવ મુક્ત જીંદગી હોવી એ યુવા હોવાની પહેલી શરત છે મિત્રો અને જે લોકો નિર્ણાયક હોય છે એ સાહસિક પણ હોય છે. અવઢવવાળો માણસ એટલા માટે અવઢવ નથી કરતો, મૂળભૂત તો સાહસનો અભાવ છે. એ ભયભીત છે કે કદાચ કંઈ થઈ જશે તો? કદાચ કોઇ કંઈ કહેશે તો? કદાચ આમ થશે તો? મિત્રો, બાળકને ક્યારેય અવઢવ નથી હોતી, કારણ એને ભય નથી હોતો. જેને ભય છે એને અવઢવ હોય છે અને તેથી વ્યક્તિના જીવનની અંદર અભય, મારી મનની રચનામાં અભય, જીવનની પ્રગતિ માટેની અનિવાર્યતા હોય છે. જ્યાં સુધી અભયની મન:સ્થિતિ ન હોય, ગમે તેવા વાતાવરણની અંદર પણ ભય મને સ્પર્શતો ન હોય, મને અંધકાર જેવું કંઈ ભાસતું ના હોય, મને પ્રત્યેક પળે પ્રકાશ દેખાતો હોય, એ જ જીંદગીની રાહ નક્કી કરી શકતો હોય છે અને મિત્રો, પ્રકાશ જોવા માટે સૂરજ ઊગવાની રાહ નથી જોવી પડતી. મિત્રો, સામર્થ્યવાન લોકો તારાના પ્રકાશમાં પણ રસ્તો શોધી શકતા હોય છે. સુવર્ણ પળોની રાહ જોવા માટે જીંદગી નથી હોતી મિત્રો. જીવનના અંધકારની અંદર પણ તારાના પ્રકાશમાં રોશનીની રોનક અને મિત્રો ઘેરો અંધકાર હોય, વાદળછાયું હોય તો મારો આદિવાસી ભાઈ આગિયાના પ્રકાશની અંદર જીંદગીની રાહ બનાવતો જોયો છે. જો એક આગિયો જીંદગીની રાહ બતાવી શકતો હોય તો હું તો એવી સમૃદ્ધિની જીંદગી જીવનારો માનવી છું, મારા જીવનમાં રુકાવટ શાના માટે? આ જો સંકલ્પ શક્તિ હશે તો જીવન બદલી શકાતું હોય છે.
મિત્રો, ઘણીવાર સમાજજીવનમાં આપણે જ્યારે કામ કરતા હોઇએ છીએ ત્યારે તમને એમ લાગતું હશે કે મારા બાપુજીએ ફી ભરી હતી એના કારણે હું ગ્રૅજ્યુએટ થયો છું, એના કારણે આજે પદવી પ્રાપ્ત કરું છું, એવું નથી દોસ્તો. હું રાત્રે મોડે સુધી વાંચતો હતો માટે હું હવે પદવીધારી બન્યો છું, એવું નથી. પરીક્ષાના દિવસોમાં સારામાં સારી ફિલ્મ પણ મેં જતી કરી હતી માટે પાસ થયો છું, એવું છે? એવું નથી હોતું. અનેક લોકોએ મારી જીંદગી ઘડવા માટે કંઈક ને કંઈક યોગદાન આપ્યું છે. હું કૉલેજમાં કંટાળ્યો હોઇશ અને કોઈકવાર કૅમ્પસમાં બહાર જઇને કોઇ ઝાડના છાંયામાં નાની કીટલી લઈને કોઇ ચા બનાવનારો બેઠો હશે, મેં એની ચા પીધી હશે, મેં તાજગી અનુભવી હશે, ફરી ક્લાસરૂમમાં આવ્યો હોઇશ. આજે પદવી લેતી વખતે એને પણ યાદ કરજો, એને પણ યાદ કરજો કે કોઈક વાર સામાન્ય ગલીમાં જીવનારા માનવીએ તમારી પસંદગીની ચા બનાવીને તમને તાજગી આપી હતી. મિત્રો, કોઇવાર પરીક્ષામાં દોડતા જતા હશો, બસ ચૂકી ગયા હશો, મોડા પડ્યા હશો અને તમે ડ્રાઇવરને વિનંતી કરી હશે કે સાહેબ, જરા દબાવજેને ભાઈ, ઝડપી ચલાવજેને, મારે પરીક્ષામાં પહોંચવાનું છે અને ડ્રાઇવરે રિસ્ક લઈને કદાચ તમને પહોંચાડ્યા હશે. મિત્રો, આજે એમને પણ યાદ કરજો. મિત્રો, તમે જે ખુરશી પર બેસીને, જે બેન્ચ પર બેસીને ભણતા હશો એ બેન્ચ સાફ કરવા માટે કોઇ પટાવાળાએ પોતાની આખી જીંદગી ખપાવી દીધી હશે, એ પટાવાળાને જરા યાદ કરજો. મિત્રો, કેટકેટલા લોકોનું યોગદાન હોય છે, કેટકેટલા લોકોના પ્રયત્નને પરિણામે હું જીંદગીમાં કંઈ પ્રાપ્ત કરી શકતો હોઉં છું, એનો અર્થ એ થયો કે સમગ્ર સમાજનું મારા પર ઋણ હોય છે. આ સમાજનું ઋણ ચૂકવવા માટેની વેળા હું પદવી પ્રાપ્ત કરું પછી શરૂ થાય છે. જીવનની પ્રત્યેક પળ હું આ સમાજનું ઋણ ચૂકવતો રહીશ. આ સમાજનું મારા પર જે ઋણ છે, મારા જીવનભર ક્યારેય એને હું ભૂલીશ નહીં. એ કર્તવ્યના પાલનને હું નિભાવીશ. આ જો જીવનનો ભાવ હશે તો આપણે જીવનમાં એક સંતોષની અનુભૂતિ કરી શકીશું.મિત્રો, આ પદવીદાન સમારોહમાંથી વિદાય થઈ રહ્યા છો ત્યારે અગર જો આપ વિદ્યાર્થી મટી ગયા તો આપ સમજી લેજો કે આપ જીવન તરફ નહીં, મૃત્યુ તરફ પ્રયાણ કરી રહ્યા છો. હું બહુ જ જવાબદારીપૂર્વક મિત્રો વાત કરું છું. અગર જો અહીંથી નીકળતાની સાથે જ જો તમે એમ માની લીધું કે તમારો વિદ્યાર્થીકાળ પૂરો થઈ ગયો તો એનો અર્થ એ થયો કે તમારો જીવનકાળ પૂરો થઈ ગયો અને તમારો મૃત્યુકાળ પ્રારંભ થઈ ગયો છે. મિત્રો, વિદ્યાર્થી જીવનપર્યંત જીવતો હોવો જોઇએ. જીવનના અંત સુધી વિદ્યાર્થી જીવતો હોવો જોઇએ. આપણી ભીતર જો વિદ્યાર્થી ન જીવતો હોય તો જીવનની વિકાસયાત્રા અસંભવ છે, જીવનમાં ઠહેરાવ આવી જાય છે. અને કોઇ યુવાન એવો ન હોઇ શકે કે જેના જીવનમાં ઠહેરાવ આવે, જીવનમાં નિરંતર વિકાસયાત્રા હોય અને તેના માટે અનિવાર્ય છે કે પ્રત્યેક પળ હું વિદ્યાર્થી હોઉં. પ્રત્યેક પળ જાણવાની મારી કોશિશ છે, મારી જિજ્ઞાસા છે. પ્રત્યેક પળ મારામાં શીખવાની મનોવૃત્તિ છે. અને જીવનના મૂળભૂત તત્વોને જીવનની સાથે બાંધવા પડે, પોતાના જીવનનું ડી.એન.એ. બનાવવું પડે. વિદ્યાર્થી અવસ્થા, મનની વિદ્યાર્થી અવસ્થા એ આપણું પોતાનું ડી.એન.એ. હોવું જોઇએ. અને એ જો હોય તો જ જીવનમાં પ્રગતિની શક્યતા બનતી હોય છે.
ભાઈઓ-બહેનો, આ વર્ષ સ્વામી વિવેકાનંદજીની ૧૫૦મી જયંતીનું વર્ષ છે. અને ૧૫૦મી જયંતીનું વર્ષ જ્યારે ઊજવી રહ્યા છીએ ત્યારે ગુજરાતે, રાજ્ય સરકારે પોતે ‘યુવાશક્તિ વર્ષ’ તરીકે એને મનાવવાનું નક્કી કર્યું છે અને એમાં પણ યુવાશક્તિ એટલે માત્ર નિબંધ સ્પર્ધાઓ થાય કે વક્તૃત્વ સ્પર્ધાઓ થાય એટલેથી અટકતું નથી. એક ફોકસ કર્યું છે, કૌશલ્યવર્ધનનું. હુન્નર... મિત્રો, જીવનની અંદર જ્ઞાનની સાથે હુન્નરની એટલી જ આવશ્યકતા હોય છે અને જો હુન્નર ન હોય તો જ્ઞાન ઘણીવાર એક ખાબોચિયામાં વાસ કરતું થઈ જતું હોય છે. અને એ ઘટનાનો મેં ઘણીવાર ઉલ્લેખ કર્યો છે, આજે ફરી કરવા માગું છું. એકવાર દાદા ધર્માધિકારી, વિનોબાજીની સાથે એમના સાથીદાર હતા, ગાંધીવિચારના ચિંતક હતા. એમના ઘણા પુસ્તકો વાંચવા જેવા છે. દાદા ધર્માધિકારીએ એક જગ્યાએ લખ્યું છે કે એકવાર એક યુવાન મને મળવા આવ્યો અને મને કહેતો હતો, “દાદા, કંઈક નોકરીનું કરી આપોને...”, તો દાદાએ એને પૂછ્યું, “ભાઈ, તને શું આવડે છે?”, તો પેલા યુવકે જવાબ આપ્યો, “હું ગ્રૅજ્યુએટ છું.” એમણે કહ્યું, ”એ તો બરાબર છે, પણ તને શું આવડે છે?” તો એણે ફરી કહ્યું, ”હું ગ્રૅજ્યુએટ છું” પછી પોતાની બૅગમાંથી સર્ટિફિકેટ બતાવ્યાં, તો એમણે કહ્યું, “એ તો બરાબર છે, તું ગ્રૅજ્યુએટ છે પણ તને આવડે છે શું?” ફરી એણે કહ્યું, “ સાહેબ, હું ગ્રૅજ્યુએટ છું.” દાદાએ કહ્યું, ”ભાઈ, એ તો બધું બરાબર પણ મને એમ કહે કે તને ડ્રાઇવિંગ આવડે છે?” તો કહે, ”ના”, “તને ટાઇપરાઇટર આવડે છે?” તો કહે, ”ના”, “તને રસોઈ બનાવતા આવડે છે?, તને તરતા આવડે છે?”, “ના, પણ હું ગ્રૅજ્યુએટ છું, મારી પાસે સર્ટિફિકેટ છે.” મિત્રો, ડિગ્રીની સાથે જીવન કૌશલ્ય અનિવાર્ય હોય છે અને એ વાતને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં સ્વામી વિવેકાનંદજીના ૧૫૦ વર્ષ નિમિત્તે સમગ્ર રાજ્યમાં કૌશલ્યવર્ધન માટેનું એક મોટું અભિયાન આપણે ચલાવવાના છીએ. દરેકને કોઇને કોઇ એક્સ્ટ્રા ટૅલેન્ટ હોય, કોઇને કોઇ એક્સ્ટ્રા આવડત હોય, કોઇ કોઇ હુન્નર એને આવડતો હોય, એ આત્મબળે જીવી શકવાનું એને સામર્થ્ય મળે. મિત્રો, ભારત ભાગ્યવાન છે અને આપણે બધા એક એવા યુગમાં છીએ કે જે વખતે હિંદુસ્તાન દુનિયાનો સૌથી યુવાન દેશ છે. આ દેશના ૬૫% લોકો ૩૫ કરતાં નાની ઉંમરના છે. જે દેશ પાસે આટલી મોટી યુવાશક્તિ હોય, એના સપનાં કેટલાં યુવાન હોય, એના સપનાં કેટલાં તેજસ્વી હોય..! આ યુવાન સપનાં, યુવાન તેજસ્વી સપનાં સાથે આ ભારતમાતા વિશ્વગુરુ બને એ સ્વામી વિવેકાનંદનું સ્વપ્ન સાકાર કરવા માટેનો યુગ આપણા હયાતીકાળમાં આવ્યો છે. એ જો યુવાનના મનની અંદર આપણે પ્રગટાવી શકીએ તો આવડો મોટો દેશ, ૧૨૦ કરોડની જનસંખ્યા, ૬૫% નવજુવાનોથી ભરેલો દેશ, મિત્રો, એના કૌશલ્ય દ્વારા, એની ક્ષમતા દ્વારા, એના જ્ઞાન દ્વારા, એની બુદ્ધિ દ્વારા એ વિશ્વવિજેતા બની શકે એવું સામર્થ્ય ધરાવતો હોય છે. અને, વિવેકાનંદજીનું એ સ્વપ્ન હતું કે ‘હું મારી આંખો સામે જોવું છું, હું મારી આંખો સામે જોવું છું, આ ભારતમાતા કોઇને કોઇ દિવસ જગદગુરુના સ્થાને બિરાજાએલી મને દેખાય છે’. મિત્રો, વિવેકાનંદજીનું સ્વપ્ન, ૧૫૦ વર્ષ વીતી ગયાં, આપણા માથે પૂર્ણ કરવાની જવાબદારી છે. એક યુવાન તરીકે સંકલ્પ લઈને આપણે નીકળીએ તો ભારતમાતાને જગદગુરુના સ્થાને બિરાજિત કરી શકીએ.
મિત્રો, ગુજરાતમાં શિક્ષણની જે આહલેક જગાવી છે, એના સુફળ જોવા મળી રહ્યાં છે. કન્યા કેળવણીનું અભિયાન ચલાવ્યું, પ્રવેશોત્સવ ચલાવ્યો. જે દિવસોમાં કામની મેં શરૂઆત કરી હતી, ૭-૮ વર્ષ પહેલાં ત્યારે લોકોને અંદાજ નહોતો કે આ બધી ચીજો ચાલે છે શું? મિત્રો, આજે સ્થિતિ એવી છે કે ઉચ્ચ શિક્ષણમાં એટલા મોટા પાયા પર લોકો જઈ રહ્યા છે. વંચિતો, દલિતો, આદિવાસીઓ મોટી સંખ્યામાં જઈ રહ્યા છે. અને, એટલા માટે આ બજેટમાં મેં ૧૦૦ કરોડ રૂપિયા જેવી માતબર રકમ માત્ર છેવાડાના વિસ્તારનાં બાળકો જે ભણીને આગળ આવ્યા છે એમના માટે હોસ્ટેલો બનાવવા માટે નક્કી કરેલ છે. ગુજરાતના બજેટની અંદર ૧૦૦ કરોડ જેટલી માતબર રકમનું બજેટ માત્ર હોસ્ટેલો બનાવવા માટે કર્યું છે, જેથી કરીને આંતરિયાળ વિસ્તારના લોકોને ભણવા માટેની સુવિધા મળે, ક્યાંક એમને રહેવા માટેની જગ્યા મળે આવું એક મોટું અભિયાન ઉપાડ્યું છે. મિત્રો, ગુજરાતનો વિકાસ જે રીતે થઈ રહ્યો છે એને અનુરૂપ માનવબળનો વિકાસ થાય એના પર આપણે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ૨૦૦૧ માં જ્યારે ગુજરાતની જનતાએ મને આ જવાબદારી સોંપી ત્યારે આ રાજ્યમાં માત્ર ૧૧ યુનિવર્સિટી હતી. ભાઈઓ-બહેનો, આજે ૪૧ યુનિવર્સિટી છે. ગઈ સદીમાં જેટલી કૉલેજો હતી એના કરતાં વધારે યુનિવર્સિટીઓ છે અને યુનિવર્સિટીઓએ પણ વિશ્વ કક્ષાની યુનિવર્સિટીની દિશામાં ડગ માંડ્યા છે અને એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છે.
આજે જે નૌજવાન મિત્રો જીવનની એક નવી રાહ પર ડગ માંડી રહ્યા છે એમને અંત:કરણપૂર્વક અભિનંદન આપું છું, શુભકામનાઓ આપું છું.
ધન્યવાદ..!