સતત ચોથીવાર અને સૌથી લાંબા સમય સુધી રાજ્યશાસક તરીકે મુખ્ય મંત્રીનો પદભાર સંભાળી ઇતિહાસ સર્જતા શ્રી નરેન્દ્રભાઇ મોદી
રાજ્યપાલ શ્રી ર્ડા.કમલાજીએ ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે પદનામિત શ્રી નરેન્દ્રભાઇ મોદીને આજે મુખ્ય મંત્રી તરીકેના હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. સતત ચોથીવાર અને ૧૧ વર્ષથી અધિક સૌથી લાંબા સમયના રાજ્યશાસક તરીકે ગુજરાતના મુખ્ય મંત્રીશ્રીનું પદ સંભાળીને ઇતિહાસ સર્જનારા શ્રી નરેન્દ્રભાઇ મોદીના આ શપથવિધિ સમારોહ સાથે રાજ્યપાલશ્રીએ રાજ્ય મંત્રીમંડળના કેબીનેટ કક્ષાના૭ (સાત) અને રાજ્યકક્ષાના૯ (નવ) પદનામિત મંત્રીશ્રીઓને પણ હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.
કેબીનેટ મંત્રીશ્રી તરીકે સર્વશ્રી શ્રી નિતીનભાઇ પટેલ, શ્રીમતી આનંદીબેન પટેલ, શ્રી રમણલાલ વોરા, શ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, શ્રી સૌરભભાઇ પટેલ, શ્રી ગણપતભાઇ વસાવા, અને શ્રી બાબુભાઇ બોખિરીયાએ તથા રાજ્ય કક્ષાના મંત્રીશ્રી તરીકે સર્વશ્રી પરષોત્તમભાઇ સોલંકી, પરબતભાઇ પટેલ, શ્રીમતી વસુબેન ત્રિવેદી, શ્રી પ્રદિપસિંહ જાડેજા, શ્રી લીલાધરભાઇ વાઘેલા, શ્રી રજનીકાંત એસ. પટેલ, શ્રી ગોવિંદભાઇ પટેલ, શ્રી નાનુભાઇ વાનાણી અને શ્રી જયંતિભાઇ કવાડિયાએ શપથગ્રહણ કર્યા હતા.
આ શપથવિધિ સમારોહમાં મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ, છત્તીસગઢના મુખ્ય મંત્રી શ્રી ર્ડા.રમણસિંહ, ગોવાના મુખ્ય મંત્રી શ્રી મનોહર પરિકર, કર્ણાટકના મુખ્ય મંત્રી શ્રી જગદીશ શેત્તાર, ઝારખંડના મુખ્ય મંત્રી શ્રી અર્જુન મુંડા, પંજાબના મુખ્ય મંત્રી શ્રી પ્રકાશસિંઘજી બાદલ, તામિલનાડુના મુખ્ય મંત્રી સુશ્રી જયલલિતા તેમજ ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નિતીન ગડકરીજી તથા લોકસભા વિપક્ષના નેતા સુશ્રી સુષ્મા સ્વરાજ, રાજ્યસભા વિપક્ષના નેતા શ્રી અરૂણ જેટલીજી, એન.ડી.એ.ના નેતા શ્રી લાલકૃષ્ણ અડવાણીજી તેમજ ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય અગ્રણીઓ, સાંસદો તથા વિવિધ ધર્મસંપ્રદાયોના ધર્મચારીઓ, સંતોમહંતો તથા ગણમાન્ય આમંત્રિતો અને નગરજનો તથા નાગરિકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલશ્રીએ શપથવિધિ સંપન્ન થયા બાદ મુખ્ય મંત્રીશ્રી અને અન્ય મંત્રીશ્રીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. ત્યારબાદ મુખ્ય મંત્રીશ્રીએ ખુલ્લી જીપમાં પુરા સ્ટેડિયમમાં ફરીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.મુખ્ય સચિવ શ્રી એ.કે.જોતીએ શપથ વિધિ સમારોહનું સંચાલન કર્યું હતું.