નવી સરકાર અને ગુજરાતના વિકાસ અંગે વડાપ્રધાનશ્રીએ શુભકામના વ્યકત કરી...
ગુજરાતના કેન્દ્ર સરકાર સમક્ષના મહત્વના પ્રશ્નોની રજૂઆત કરતા મુખ્યમંત્રીશ્રી
દિલ્હીમુંબઇના ભાવે જ ગુજરાતને ગેસ પૂરવઠો ફાળવવાના અદાલતી આદેશનું પાલન થવું જોઇએ
સરદાર સરોવર ડેમની સંપૂર્ણ ઊંચાઇ માટે દરવાજા મૂકવાની મંજૂરી સત્વરે આપો
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે નવી દિલ્હીમાં વડાપ્રધાન ડો. મનમોહનસિંહની મૂલાકાત લીધી હતી. આશરે ૪પ મિનીટની આ બેઠકમાં ગુજરાતના વિકાસ સહિત અનેક વિષયો અંગે ચર્ચા થઇ હતી.
સતત ચોથીવાર ગુજરાતની જનતાનો આદેશ મેળવીને રાજ્ય શાસનનું નેતૃત્વ સંભાળ્યા પછી શ્રી નરેન્દ્રભાઇ મોદીની વડાપ્રધાનશ્રી સાથે આજે પ્રથમ મૂલાકાત યોજાઇ હતી. વડાપ્રધાનશ્રીએ નવી રાજ્ય સરકાર અને ગુજરાતના વિકાસ માટે હાર્દિક શુભકામના પાઠવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ પણ દેશની જનતાના વ્યાપક હિતમાં ગુજરાત પોતાની શકિતથી યોગદાન આપવા તત્પર છે એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
ડો. મનમોહનસિંહ સમક્ષ મુખ્યમંત્રીશ્રીએ વ્યાપક ફલકના વિષયો સહિત ગુજરાતમાં કિસાનોને નર્મદા યોજનાના કેનાલ નેટવર્ક દ્વારા પાણી પહોંચાડવા માટેના આયોજનને સંપૂર્ણ બનાવવા, સરદાર સરોવર ડેમની ઉંચાઇ હાલના ૧ર૧.૯પ મીટરથી ૧૩૮ મીટર ઉપર લઇ જવા ડેમના દરવાજા મૂકવાની મંજૂરી વહેલામાં વહેલી તકે આપવા વિનંતી કરી હતી. સરદાર સરોવર ડેમના દરવાજા મૂકવાની મંજૂરીનો પ્રશ્ન ઘણો લાંબા સમયથી અનિર્ણિત છે અને તેના કારણે સરદાર સરોવર યોજનાના પાણીનો ઘણો મોટો પુરવઠો દરિયામાં વેડફાઇ જાય છે. જો ડેમની ઉંચાઇ પૂરેપૂરી ૧૩૮ મીટર લઇ જવાય તો નર્મદા યોજનાનું બધું જ પાણી કેનાલ નેટવર્ક દ્વારા ખેતી માટે ગુજરાતના કિસાનોને મળી શકે એ હકિકતની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ રજૂ કરીને ડેમના દરવાજા મૂકવાની પરવાનગી સત્વરે મળે તેવો ભારત સરકારને અનુરોધ કર્યો હતો.
ગુજરાતના કેન્દ્ર સરકાર સમક્ષના મહત્વના અનિર્ણાયક પ્રશ્નોની રજૂઆતો પણ મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન સાથેની આ અત્યંત સૌહાર્દપૂર્ણ બેઠકમાં આવરી લીધી હતી.
ગુજરાતની સરદાર સરોવર યોજનાને અન્ય રાજ્યોની જેમ ડેઝર્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (DDP) અન્વયે એકસેલરેટેડ ઇરિગેશન બેનિફીટ પ્રોજેકટ (AIBP) ના ૯૦ ટકા કેન્દ્રીય સહાયનો લાભ મળવો જોઇએ એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
ગુજરાતને દિલ્હી અને મુંબઇને જે ભાવે જે ગેસ પૂરવઠો કેન્દ્ર સરકાર ફાળવે છે તે જ ભાવે ગેસ મળવો જોઇએ તેવી રજૂઆત કરતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ એમ પણ જણાવ્યું કે રાજ્ય સરકારે વડી અદાલતમાં ન્યાય માંગીને દિલ્હીમુંબઇના ભાવે ગુજરાતને ગેસપૂરવઠો મળવો જોઇએ એવી રજૂઆત કરેલી જેમાં ન્યાયતંત્રએ ગુજરાત સરકારની તરફેણમાં ચૂકાદો આપેલો, પણ તેમ છતાં ભારત સરકારે આ અદાલતી ચૂકાદાનું પાલન નહીં કરતાં સર્વોચ્ચ અદાલતમાં વિવાદને લઇ જઇને ગુજરાતને દિલ્હીમુંબઇના ભાવે ગેસ આપવાની બાબતમાં વિલંબ કરવાનું વલણ દાખવ્યું છે, જે અન્યાયી છે એની નારાજગી સાથે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. ગુજરાતના ગેસ આધારિત વીજમથકો માટે ગેસનો પર્યાપ્ત પૂરવઠો આપવા તથા કેન્દ્રીય સહાય માટેની રજૂઆતો પણ તેમણે કરી હતી.
વડાપ્રધાન ડો. મનમોહનસિંહે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીની રજૂઆતોને ખૂબ ધ્યાનથી લીધી હતી અને જણાવ્યું હતું કે તેઓ જાતે ગુજરાતના આ બધા મૂદાઓ વિશે અંગત રસ લેશે.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના વિકાસ દ્વારા દેશની જનતાની સેવા થઇ રહી છે તેની રૂપરેખા પણ આપી હતી.