અમેરિકન કોંગ્રેસના સાંસદોના નેતૃત્વમાં ગુજરાત આવેલા ર૪ સભ્યોના અમેરિકાના બિઝનેસ ડેલીગેશનની મુખ્યમંત્રીશ્રી સાથે સૌજ્ન્ય મૂલાકાત સંપન્ન
ગુજરાત અને અમેરિકા વચ્ચે સંબંધો અને સમજણનો સેતુ વધુ મજબૂત બનશેઃ નરેન્દ્રભાઇ મોદી
સૌહાર્દપૂર્ણ અને ઉષ્માસભર વાતાવરણમાં ફળદાયી બેઠક યોજાઇ
અમેરિકન ડેલીગેશનના પ્રવાસથી અમેરિકા અને ગુજરાત વચ્ચેના પારસ્પરિક સંબંધો વધુ વ્યાપક ફલક ઉપર સુદ્રઢ બનશે
અમેરિકન સાંસદો અને ડેલીગેશન ગુજરાતના વિકાસ અને ગતિશીલ નેતૃત્વથી પ્રભાવિત
ભારત અને અમેરિકા મહાન લોકશાહી મૂલ્યો અને માનવ સમાજના કલ્યાણ માટે સાથે મળીને કાર્ય કરેઃ મુખ્યમંત્રીશ્રી
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાથે, અમેરિકન કોંગ્રેસના ત્રણ સાંસદોના નેતૃત્વમાં ગુજરાત આવેલા ર૪ સભ્યોના અમેરિકન બિઝનેસ ડેલિગેશને આજે ગાંધીનગરમાં અત્યંત સૌજ્ન્ય અને ઉષ્માસભર વાતાવરણમાં ફળદાયી બેઠક યોજી હતી.
પ્રથમ દ્રષ્ટિએ ગુજરાતની વિકાસયાત્રાથી અત્યંત પ્રભાવિત થયેલા આ ડેલિગેશનના અમેરિકન કોંગ્રેસના ત્રણેય સાંસદ સર્વશ્રી કેથી એમ. રોજર, શ્રી આરોન શોક અને સુશ્રી સિન્થીયા લુમિસ એ (Ms. CATHY MEMORRIS RODGERS, Mr. AARON SSCHOCK AND Ms. CYNTHIA LOOMIS) સ્પષ્ટપણે ગુજરાતના વિકાસની વિશેષતાઓના સંદર્ભમાં અમેરિકા અને ગુજરાત વચ્ચેના પારસ્પરિક સંબંધો વધુ મજબૂત બનાવવા મુખ્યમંત્રીશ્રીનું ગતિશીલ નેતૃત્વ આર્થિક વિકાસ દ્વારા જીવન સુધારણા માટે ઉપકારક બન્યું છે એમ જણાવ્યું હતું.
ભારતના પ્રવાસે આવેલા આ અમેરિકન ડેલીગેશને તેની પ્રવાસ યાત્રાનો પ્રારંભ ગુજરાતથી કર્યો હતો. મુખ્યમંત્રીશ્રી સાથેની આ બેઠકમાં ગુજરાતના વિકાસની પ્રસ્તુતિ સાથે ધોલેરા સહિતના SIR, કલ્પસર પ્રોજેકટ, દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર પ્રોજેકટ સહિત ગુજરાત માળખાકીય સુવિધા વિકાસ અને જનસુખાકારીની સાફલ્યગાથા નિહાળીને અમેરિકાના ડેલિગેશને શ્રી નરેન્દ્રભાઇ મોદીના વિકાસ-વિઝનને પ્રેરણારૂપ ગણાવ્યું હતું.
અમેરિકન ડેલીગેશનના સભ્યોએ મુખ્યમંત્રીશ્રી સાથેની પ્રશ્નોત્તરીમાં ગુજરાતના વિકાસની વિશેષતાઓ અને જનભાગીદારીની ભૂમિકા જાણવામાં ખૂબ જ રસ દાખવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ અમેરિકન સાંસદોના નેતૃત્વમાં ગુજરાત આવેલા ડેલિગેશનને આવકારતાં જણાવ્યું કે આ એક મહત્વની વિરલ ધટના છે. વિશ્વમાં અમેરિકા સૌથી જૂની લોકશાહી છે અને ભારત સૌથી મોટી લોકશાહી છે. આ બંને દેશો લોકશાહીના માનવીય મૂલ્યો માટે પ્રતિબધ્ધ રહેલા છે. અને સાંપ્રત દુનિયામાં લોકતાંત્રિક સિધ્ધાંતોને સુદ્રઢ બનાવીને જ સંકટો અને પડકારોનો સામનો કરી શકાશે જેના માટે આપણે સાથે મળીને વધુ વ્યાપક ફલક ઉપર કામ કરવાનું છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે માનવજાતની સુરક્ષા અને સલામતી સામેના પડકારરૂપ પરિબળોનો પ્રતિકાર ઉત્તરોત્તર વધતો રહયો છે. હું સમજું છું કે માનવતાવાદી મૂલ્યોમાં શ્રધ્ધા ધરાવનારી બધી જ શકિતઓએ એક થઇને લડવાનો સમય પાકી ગયો છે. આતંકવાદના સૌથી મોટા સંકટ સામેની લડાઇમાં માનવતાવાદી શકિતઓએ સંગઠ્ઠિત થવું જોઇએ. વૈશ્વિક સમાજ સામે બીજો મોટો પડકાર ગરીબી અને બેકારીનો છે. જે ધણી મોટી જનસંખ્યાને સીધો સ્પર્શે છે. આ ઉપરાંત વર્તમાન માનવ સમાજ અને ભાવિ પેઢીઓના કલ્યાણ માટે પર્યાવરણ રક્ષાનો મૂદો પણ અગત્યનો છે એમ તેમણે જણાવ્યું હતું અને ઉમેર્યું કે માનવસમૂદાયોના વ્યાપક કલ્યાણકારી હિતોની જાળવણી માટે લોકતાંત્રિક પ્રક્રિયાને વધુ મજબૂત કરવાની છે.
મહાત્મા ગાંધી માનવજાતના કલ્યાણની યાત્રામાં દીવાદાંડી સમાન છે એવી ભૂમિકા સાથે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે ગુજરાત તો મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ છે અને ગાંધીજીના આદર્શોના પગલે ગુજરાતના લોકો માનવ કલ્યાણના પથ ઉપર જ આગળ વધી રહયા છે.
સવિશેષ કરીને ર૧મી સદીના પ્રારંભના દશકમાં ગુજરાતે સર્વાંગીણ અને સર્વસમાવેશક વિકાસ સાથે પર્યાવરણ મૈત્રીપૂર્ણ વિકાસની પ્રક્રિયામાં જનશકિતને જોડી છે. ગુજરાતના વિકાસે ભારતમાં પ્રભાવ ઉભો કર્યો છે એની રૂપરેખા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
ગુજરાતના વિકાસની અનુભૂતિ કરવાનો અનુરોધ કરતાં અમેરિકન ડેલીગેશનને મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે માનવકલ્યાણ માટે હજુ ધણું કરવાનું છે. ગુજરાત એના માટે કટિબધ્ધ છે અને વિશ્વમાં આ ક્ષેત્રે કાર્યરત પરિબળો સાથે સહભાગી બનવા તત્પર છે.
ગુજરાતીઓ ગ્લોબલ કોમ્યુનિટી છે અને પોતાના સંસ્કાર-મૂલ્યોના કારણે વિશ્વભરમાં પ્રેમ અને આદર મેળવી રહયા છે તેનો નિર્દેશ કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાત પોતાના આદરભાવનો સાક્ષાત્કાર પણ સમગ્ર દુનિયાને કરાવવા આતુર છે. પરસ્પરના સ્નેહ અને લાગણીના આ વ્યવહાર-વિનિયોગથી જ રચનાત્મક બળોને એક પ્લેટફોર્મ પ્રાપ્ત થશે.
મુખ્યમંત્રીશ્રીએ અમેરિકન કોંગ્રેસના સાંસદો સહિતના આ ડેલિગેશનની ભારત અને ગુજરાતની યાત્રા ભારત અને અમેરિકાના સંબંધો અને સમજણને વધુ મજબૂત ફલક ઉપર લઇ જશે એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
અમેરિકામાં ગુજરાતના વતનીઓની ધણી મોટી સંખ્યા વસે છે અને બિઝનેસના સંબંધો વિકસેલા છે તે સંદર્ભમાં અમેરિકાથી આવેલા આ મહત્વના ડેલીગેશનનો પ્રવાસ આપણા બંને દેશોના લોકો વચ્ચે વિશ્વાસનો સુદ્રઢ સેતુ બનાવવામાં પ્રભાવક અને ફળદાયી બનશે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
અમેરિકન કોંગ્રેસના ત્રણ સાંસદોએ ડેલિગેશન સાથે ગુજરાતનો પ્રવાસ કરીને એક સારો પ્રારંભ કર્યો છે અને આપણે આ પ્રક્રિયાને આગળ વધારવી જ છે. ગુજરાત તરફથી હું વૈશ્વિક સમાજની સુખાકારી અને સ્નેહપૂર્ણ સંબંધોને વધારે મજબૂત બનાવવાની પ્રતિબધ્ધતા વ્યકત કરૂં છું એમ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું.
આ સૌજ્ન્ય મૂલાકાત સંપન્ન થયા બાદ ત્રણેય અમેરિકન કોંગ્રેસ સંસદ સભ્યોએ મુખ્યમંત્રીશ્રી સાથે વ્યકિતગત વન-ટુ-વન બેઠકોમાં વિવિધ વિષયો ઉપર વિચાર-પરામર્શ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રી સાથે ફળદાયી બેઠકમાં રાજ્યના મુખ્ય સચિવશ્રી વરેશ સિન્હા, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્યસચિવશ્રી કે. કૈલાસનાથન, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવશ્રી જી. સી. મુર્મુ, ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ બોર્ડના મેનેજિંગ ડિરેકટર અને મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી અરવિંદ શર્મા, ઇન્ડેક્ષ્ટ-બી ના મેનેજીંગ ડિરેકટરશ્રી મુકેશ કુમારે પણ ભાગ લીધો હતો.
અમેરિકન ડેલીગેશનના માનમાં મુખ્યમંત્રીશ્રીએ આજે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ અને સ્નેહભોજનનું આયોજન કરેલું છે.