કૃષિવિકાસના દશ ટકાના સાતત્યપૂર્ણ દરને ઉદ્દીપક ગણાવતા ડો. અશોક ગુલાટી
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજ્ન્ય મૂલાકાતે આવેલા ભારત સરકારના કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ ઓફ પ્રોડકશન પોલીસીના અધ્યક્ષ ડો. અશોક ગુલાટીએ ગુજરાતમાં કૃષિક્ષેત્રે દશ ટકાના સાતત્યપૂર્ણ વિકાસદરને ઉદ્દીપક ભૂમિકા તરીકે ગણાવી અન્ય રાજ્યો માટે તેને પ્રેરણાસ્ત્રોત બનાવવાની અપેક્ષા વ્યકત કરી હતી.ગુજરાતના કૃષિમહોત્સવ અને જળસંચય અભિયાન ઉપરાંત કયાં કયાં પરિબળોએ કૃષિવિકાસ દરની ઉંચાઇ જાળવવામાં ભૂમિકા કરી તેની ઉત્તમ પ્રક્રિયાથી અન્ય રાજ્યોને વાકેફ કરવાની જરૂર છે એમ તેમણે જણાવ્યું હતું.
બેઠકમાં મુખ્યમંત્રીશ્રીએ દિલ્હીની શ્રીરામ કોલેજ ઓફ કોમર્સમાં કૃષિવિકાસ અને વિશેષ કરીને ન્યુ ટેક્ષ્ટાઇલ પોલીસી અને તેની અંતર્ગત કોટનનની ફાઇવ એફ કોર્મ્યુલા (ફાર્મ ટુ ફાઇબર ટુ ફેબ્રીક ટુ ફેશન ટુ ફોરેન) વિશે કપાસ ઉત્પાદકો માટે વેલ્યુએડિશનની ટોટલ ચેઇનની સાચી દિશા બતાવવા માટે ડો. અશોક ગુલાટીએ મુખ્યમંત્રીશ્રીની પ્રસંશા કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ગ્લોબલ એગ્રી હાઇટેક ફેર દર બે વર્ષે સને ર૦૧૪ થી યોજવાનું આયોજન ગુજરાત સરકારે હાથ ધર્યું છે તેમ જણાવ્યું હતું. કિસાનોને તેમની ખેતપેદાશોનું મહત્તમ ભાવવળતર મળે, ઉત્પાદકતામાં વૃધ્ધિ થાય અને દેશના કૃષિ આધારિત અર્થતંત્રના વિકાસમાં ગુજરાત દીવાદાંડી કઇ રીતે બને તે અંગે મુખ્યમંત્રીશ્રી સાથે ડો. અશોક ગુલાટીએ ચર્ચા કરી હતી.
આ પ્રસંગે કૃષિ અને સહકાર વિભાગના અગ્ર સચિવશ્રી આર. કે. ત્રિપાઠી, સભ્ય ડો. અશોક વિશનદાસ અને ડો. આનંદી સુબ્રહ્મણ્યમ ઉપસ્થિત હતા.