પુસ્તક વેચાણની આવક કન્યા કેળવણી નિધિ માટે અર્પણ કરાશે
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ હિન્દીભાષી કવિયત્રી શ્રીમતી ઋતુપ્રિયા ખરે રચિત ગુજરાત વિષયક અભિનવ કાવ્યસંગ્રહ જય જય ગરવી ગુજરાત-જીવન હૈ ઉત્સવ જહાંનું આજે ગાંધીનગરમાં વિમોચન કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાતના થયેલા વિકાસની વિશિષ્ઠતાઓને વણી લઇને પ૦ જેટલા હિન્દી કાવ્યોની કૃતિઓને કોફી ટેબલ બુક તરીકે પ્રકાશિત કરવામાં આવી છે. ગુજરાત વિશે એક બિનગુજરાતી કવિયત્રી આટલો ગુજરાત પ્રેમ દર્શાવે છે એ માટે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અભિનંદન આપ્યા હતા. આ કાવ્યસંગ્રહના પુસ્તક વેચાણની આવક મુખ્યમંત્રીશ્રીની કન્યા કેળવણી નિધિમાં અર્પણ કરવાનો સ્તુત્ય નિર્ણય કવિયત્રીએ જાહેર કર્યો હતો.
શ્રીમતી ઋતુપ્રિયાના પતિ શ્રીયુત ખરે કેન્દ્રીય સેવામાં ગુજરાતમાં ર૦૦૪ થી ર૦૦૯ સુધી ફરજરત હતા અને તે દરમિયાન મુખ્યમંત્રીશ્રીના કુશળ નેતૃત્વમાં ગુજરાતની વિકાસયાત્રાની અનુભૂતિ કરી હતી તેનો આ કાવ્યસંગ્રહ પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે માહિતી કમિશ્નરશ્રી ભાગ્યેશ જ્હા અને શ્રીમતી ઋતુપ્રિયાના પરિવારજનો શુભેચ્છકો ઉપસ્થિત હતા.