



ટ્વીટર પ્રોફાઇલ બનાવનાર મિત્રોનો હું આભાર માનું છું, આ પ્રયાસોએ મને ભાવવિભોર બનાવ્યોઃ નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદીએ કર્યું ટ્વીટઃ મને તમામ ભાષાનું જ્ઞાન નથી પરંતુ વિશ્વાસ છે કે વિશાળ સમુદાય સુધી પહોંચવામાં વિવિધ ભાષાની ટ્વીટ્સ મહત્ત્વની ભૂમિકા ભજવશે
નરેન્દ્ર મોદીની ટ્વીટ સંસ્કૃત, ઉર્દુ, તેલુગુ, ઉડિયા, મરાઠી સહિતની વિવિધ ભાષામાં વાંચી શકાશે
૨૦ લાખ પ્રશંસકો સાથે સોશિઅલ મિડીયાના સૌથી લોકપ્રિય આગેવાન બનતા નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદીએ તેમની ટ્વીટસને વિવિધ ભાષામાં ભાષાંતર કરી ટ્વીટ શૅર કરવાના તેમના હિતેચ્છુઓના પ્રયાસોને બિરદાવ્યા હતા. ૩જી ઓગસ્ટને શનિવારના રોજ તેમણે જણાવ્યું હતું કે વિવિધ ભાષામાં તેમની ટ્વીટ્સ શૅર કરાતાં તેઓ આનંદીત થયા છે અને આવા પ્રયાસો ભારતના વિશાળ જનસમુદાય સુધી પહોંચવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. શ્રી નરેન્દ્ર મોદીએ આ તબક્કે તેમના હિતેચ્છુઓને તેમની શૅર કરાતી ટ્વીટ્સનું ભાષાંતર કરતી વખતે ક્ષતિ ન રહી જાય તેનું ધ્યાન રાખવા તેમજ તેનું ખોટું અર્થઘટન કરવામાં ન આવે તે રીતે કરવા કહ્યું હતું.શ્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે લખ્યું હતું કે, “મને મારી ટ્વીટ્સ વિવિધ ભાષામાં જોઇને ખુશી થઇ રહી છે. આવી ટ્વીટર પ્રોફાઇલ બનાવવા બદલ હું મિત્રોના આભાર માનું છું. આ પ્રયાસોએ મને ભાવવિભોર બનાવી દીધો છે.” તેમણે વધુમાં લખ્યું છે કે, “મને તમામ ભાષાનું જ્ઞાન નથી પરંતુ વિશ્વાસ છે કે વિશાળ સમુદાય સુધી પહોંચવામાં વિવિધ ભાષાની ટ્વીટ્સ મહત્ત્વની ભૂમિકા ભજવશે”
હિતેચ્છુઓને ટ્વીટ્સનું ક્ષતિરહિત ભાષાંતર કરવા અપીલ કરતા તેમણે કહ્યું હતું કે, “હું વિવિધ ભાષામાં મારી ટ્વીટ શૅર કરતા તમામ મિત્રોને કહેવા માંગુ છું કે ટ્વીટ્સનું ભાષાંતર કરતી વખતે ક્ષતિ ન રહી જાય અને તેનું ખોટું અર્થઘટન ન કરાવામાં તેની પુરતી તકેદારી રાખવામાં આવે.”
અંગ્રેજી અને હિંદી ઉપરાંત શ્રી નરેન્દ્ર મોદીની ટ્વીટ ગુજરાતી, સંસ્કૃત, ઉર્દુ, તેલુગુ, મરાઠી, બાંગ્લા, ઉડિયા, તમીલ, મલયાલમ, કન્નડ તેમજ આસામી ભાષામાં પણ વાંચી શકાય છે.
શ્રી નરેન્દ્ર મોદીએ ૨૦૦૯ના જાન્યુઆરી માસમાં ટ્વીટર એકાઉન્ટ ચાલુ કર્યું હતું અને ત્યારથી જ સોશિઅલ મિડીયા પર દેશના સૌથી લોકપ્રિય વ્યક્તિત્વ તરીકે તેઓ ઉભરી આવ્યા છે. તાજેતરમાં તેમના ટ્વીટર પરના પ્રશંસકોની સંખ્યા ૨૦ લાખને પાર કરી ગઇ છે. પોતાના અંગત વિચારો, વિકાસની વાત, ગુજરાતની ગતિવીધિ અંગેની માહિતી આપીને નરેન્દ્ર મોદીએ સાવ અનોખા અભિગમ સાથે ટ્વીટરનો ઉપયોગ કર્યો છે. તાજેતરમાં તેમણે પુનામાં પ્રવચન માટેના સૂચનો ટ્વીટરના માધ્યમથી આપવા દેશના યુવાઓને અપીલ કરી હતી. જેને વ્યાપક પ્રતિસાદ પણ મળ્યો હતો.

