અમદાવાદ રાષ્ટ્રીય પુસ્તક મેળાનો ગરિમાપૂર્ણ પ્રારંભ
સાહિત્ય સંસ્કાર અને સંગમને ચરિતાર્થ કરતો આ પુસ્તક મેળો
એક સપ્તાહ સુધી સાહિત્ય સંસ્કાર પ્રેમીઓનું કેન્દ્ર બનશે
53 માં ગુજરાત ગૌરવ દિવસની પૂર્વ સંધ્યાએ અમદાવાદમાં પુસ્તક પ્રેમી નાગરિકો ઉમટયા
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અમદાવાદમાં દ્વિતીય રાષ્ટ્રીય પુસ્તક મેળો ખુલ્લો મુકતાં વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું કે, ગુજરાતીઓમાં તેજ ગતિથી પુસ્તક પ્રેમની સંસ્કારયાત્રા આગળ વધી રહી છે. ગુજરાતમાં તરતા પુસ્તકની સફળતા પછી પુસ્તક દાનનો મહિમા કરીએ.
ગુજરાત ગૌરવદિનની પૂર્વ સંધ્યાએ પુસ્તક મેળાનો મહિમા ગુજરાતની સાહિત્ય સંસ્કાર પ્રિતીનો સાક્ષાત્કાર કરાવે છે તેમ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગૌરવપૂર્વક જણાવ્યું હતું. અમદાવાદમાં મહાનગરપાલિકા, નેશનલ બુક ટ્રસ્ટ, ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત પ્રકાશક મંડળના સંયુક્ત ઉપક્રમે ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરના વિશાળ પરિસરમાં 350 જેટલા પુસ્તક પ્રકાશન સ્ટોલ ઉભા થયા છે જેનું મુખ્યમંત્રીશ્રીએ નિરિક્ષણ કર્યું હતું.
અગાઉ એક વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રીશ્રીની પ્રેરણાથી પ્રથમ રાષ્ટ્રીય પુસ્તક મેળો યોજાયો તેની અદભૂત સફળતાને પગલે આજથી શરૂ થયેલા આ દ્વિતિય રાષ્ટ્રીય પુસ્તક મેળાનું આટલું વિશાળ આયોજન એ ગુજરાતની જનતાની સંસ્કૃતિ અને સાહિત્ય પ્રિતીને આભારી છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, વાંચે ગુજરાતના અભિયાનને ગુજરાતની જનતાએ જે રીતે વધાવી લીધું તેમાંથી સાહિત્ય પુસ્તક પ્રેમનો આ આવિષ્કાર જોવા મળ્યો છે.ગયા વર્ષના પુસ્તક મેળાના વાંચકોએ વિશાળ ભકિતપૂર્વક લાભ લીધો હતો. આ વખતે તો પુસ્તક મેળાએ ગુજરાતી પરિવારોમાં ગ્રંથ મંદિરોનું વ્યાપક આંદોલન ઉપાડશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.
ઇ-લાયબ્રેરીની સફળતાનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ઇ-બુકનું મહાત્મ્ય વધી રહ્યું છે. ઇ-બુક, ઇ-લાયબ્રેરીથી ડીઝીટલ બુક હવે લોકપ્રિય થવાની છે. આંગળીના ટેરવે સાહિત્ય કૃતિઓ મળતી થઇ જવાની છે.હિન્દુસ્તાનમાં ગુજરાતમાં સરકારે પ્રથમવાર અદાલતોના બાર વર્કસ એસોસિયેશનોને ઇ-લાયબ્રેરીની ન્યાયતંત્રને પોષક ભેટ આપી છે. ગુજરાતના પુસ્તકાલયોને ઇ-લાયબ્રેરીનું મોડેલ બનાવવા આગળ વધી રહ્યા છીએ. રાજ્ય કક્ષાના મધ્યસ્થ ગ્રંથાલયમાં વીસ લાખ પુસ્તકો અને બે હજાર મેગેઝીનોની ઇ-લાયબ્રેરી શરૂ થઇ ગઇ છે. પુસ્તક મેળાના એક સપ્તાહ દરમિયાન સાહિત્ય સર્જકો અને સાહિત્ય સર્જન વિશે જે સામૂહિક સમાજશકિતના દર્શન થવાના છે તે આપણી સરસ્વતી માતાની સંસ્કાર સાધના માટે ગુજરાતીઓની આબરૂ વધારશે.
લક્ષ્મીના પૂજારી એવા ગુજરાતી સરસ્વતીના પુજારી તરીકેની પ્રતિષ્ઠાછબી બનાવવા આ સાહિત્ય સંસ્કારનું ઉત્તમ અભિયાન છે એમ તેમણે જણાવ્યું હતું. ‘વાંચે ગુજરાત'ના અભિયાન પછી ઘરમાં ગ્રંથમંદિરની ડિઝાઇન બિલ્ડીંગ ઓર્કીટેકટમાં સમાવાનું પ્રેરક સૂચન તેમણે કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ માહિતી વિભાગ પ્રકાશિત કચ્છની સંસ્કૃતિનું અદ્ભૂત નજરાણું સમા તસવીરકાર દિનેશ કુંબલે અને તેમના પત્નીએ કચ્છમાં ખૂણે ખૂણે ફરીને પ્રવાસનને શ્રેયસ્કર પુસ્તકનું વિમોચન કર્યું હતું. પ્રવાસન વિષયક પુસ્તકોના પ્રકાશન ક્ષેત્રનું ખેડાણ કરવાનું પ્રેરક સૂચન પણ તેમણે કર્યું હતું. પુસ્તક મેળામાં પ્રવાસન વિષયક વિવિધ ભાષામાં પુસ્તકોના પ્રકાશનનો એક વિશિષ્ઠ મેળો યોજવા તેમણે પ્રકાશનોને સૂચવ્યું હતું. બંગાળી અને મરાઠી ભાષાના સાહિત્ય-સંસ્કારની જાહોજલાલીની જેમ ગુજરાતી સાહિત્યની આગવી મહિમા મંડિત થઇ શકે એ રીતે પુસ્તક મેળો સફળ બને એવો અનુરોધ તેમણે વ્યકત કર્યો હતો.મુખ્યમંત્રીશ્રીએ સમાજમાં બાળ સાહિત્યની ખોટ પૂરી કરવા આઇ.ટી.સોફટવેર દ્રારા બાળ સાહિત્યકૃતિઓનો વ્યાપ વિડિયો ગેમ્સના માધ્યમથી સાહિત્ય રૂચિમાં બાળકોને આકર્ષશે એવું આહવાન આપ્યું હતું.લબ્ધ પ્રતિષ્ઠિત ક.મા.મુનશી અને રાજેન્દ્ર શાહ જેવા સાહિત્ય સર્જકોને તેમણે વંદન કર્યા હતા. આ ગ્રંથ પરિક્રમણ યાત્રામાંથી કોઇ વંચિત રહે નહીં તેવી અભિલાષા તેમણે વ્યકત કરી હતી.
ખ્યાતનામ સાહિત્યકાર અને સર્જક શ્રી ભગવતીકુમાર શર્માએ જણાવ્યું હતું કે, પુસ્તકનું બહુમાન કરવાની પરંપરા પ્રશંસનીય છે જે પ્રજા પુસ્તકો અને તેના રચયિતાઓનું સન્માન કરે છે તે પ્રજા વંદનીય છે. આજે યોજાયેલા પુસ્તક મેળાને પヘમિ ભારતના શ્રેષ્ઠ મેળા તરીકે ઓળખાવ્યો હતો. શ્રી શર્માએ જણાવ્યું હતું કે, વાંચકોની વાંચનવૃત્તિ આજે ટી.વી.કેન્દ્રી બની છે ત્યારે પુસ્તકોને વાંચકો સુધી પહોંચાડવાની પ્રવૃત્તિ સાચા અર્થમાં પ્રશંસનીય છે.મુખ્યમંત્રીશ્રીએ શરૂ કરેલા વાંચે ગુજરાત અભિયાનને બિરદાવતા તેમણે જણાવ્યું હતું કે, ગ્રંથનગરી નવસારીનો જાજલ્યામ વાંચન વૈભવ ગુજરાત આખામાં પ્રસરશે અને વાંચે ગુજરાત અભિયાન તેનું વાહક બનશે.નેશનલ બુક ટ્રસ્ટ નવી દિલ્હીના નિયામક શ્રી એમ.એ. સિકંદરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત નેશનલ બુક ફેરને આવકારતાં જણાવ્યું હતું કે અમદાવાદમાં યોજાયેલ પુસ્તક મેળો સમગ્ર દેશમાં બુક ઇવેન્ટ બન્યો છે. અમદાવાદમાં આગામી સમયમાં બુક પ્રમોશન સેન્ટરનો પ્રારંભ કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.
પ્રારંભમાં આવકાર પ્રવચન કરતાં અમદાવાદ મહાનગરપાલિકાના મયેર શ્રીમતી મીનાક્ષીબેન પટેલે જણાવ્યું હતું કે, વાંચે ગુજરાત અભિયાનની વ્યાપક સફળતાના ભાગરૂપે અમદાવાદમાં તા.1 લી મે થી તા.7 મે સુધી રાષ્ટ્રીય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પુસ્તક મેળામાં સિલ્વર, પ્લેટિનમ અને ગોલ્ડ એમ ત્રણ વિભાગોમાં 350 જેટલા વિક્રેતાઓ અને પ્રકાશકો ભાગ લઇ રહ્યા છે.અમદાવાદના પુસ્તક પ્રેમીઓને એક જ સ્થળે માહિતીસભર પુસ્તકો ઉપલબ્ધ બનશે તેમ તેમણે ઉમેર્યું હતું. પુસ્તક મેળા દરમિયાન યોજાનાર વિવિધ સાહિત્યિક કાર્યક્રમોની તેમણે વિસ્તૃત માહિતી આપી હતી.આ પ્રસંગે સાંસદો, ધારાસભ્યો, પૂર્વ મેયર શ્રી અસિત વોરા, મ્યુનિ. કમિશનર શ્રી ગુરૂપ્રસાદ મહાપાત્ર, માહિતી કમિશનર શ્રી વી.થિરૂપુગલ, સાહિત્યકારો, પુસ્તક વિક્રેતાઓ, પ્રકાશકો, પુસ્તક પ્રેમીઓ સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.