દેશ-વિદેશની રપ૦ જેટલી કંપનીઓના સ્ટોલ્સ
૧પ હજાર ચોરસ મીટર વિસ્તારમાં ૩ ખાસ એકઝીબિશન હોલ
કૃષિ ક્ષેત્રના જુદા જુદા રપ જેટલા સેકટરોઃ કૃષિની વૈજ્ઞાનિક પદ્ધતિઓનું નિદર્શન
પશુપાલન અને ડેરી ફાર્મ ઉઘોગ અંગે ખાસ વિભાગ
બિયારણથી માંડીને બજાર સુધીની દેશી-વિદેશી ટેકનોલોજીની માહિતી ઉપલબ્ધ
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર.ભાઈ મોદીએ આજે મહાત્મામંદિરના પરિસરમાં યોજાઇ રહેલા વૈશ્વિક કૃષિ સંમેલન (વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ એગ્રીકલ્ચંર સમિટ-ર૦૧૩માં અતિ આધુનિક કૃષિ પ્રદર્શન – એગ્રી ટેક એશિયા એકઝીબિશનનું ગરિમાપૂર્ણ ઉદ્દઘાટન કર્યું હતું.
આજે સાંજે મહાત્મામંદિર પરિસરમાં મુખ્યમંત્રીશ્રીએ દેશના વિવિધ રાજ્યોના કિસાન ડેલીગેશનો અને વિશાળ ખેડૂતોની હાજરીમાં કૃષિ વિષયક પ્રદર્શન ખુલ્લું મુકતાં જણાવ્યું કે, અર્થતંત્રમાં સંશોધિત કૃષિ ક્ષેત્રનો નવા પ્રયોગો-મહિમા ઉજાગર કરવાનો પ્રયાસ ગુજરાતે કર્યો છે જે ઐતિહાસિક બની રહેશે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, હિન્દુસ્તાનમાં પ્રથમવાર કૃષિ વિષયક આવી સમીટ યોજાઇ છે. દુનિયાના ૧૪ દેશો અને દેશના ર૩ રાજ્યો ભાગીદાર થયા છે. તેમણે આ એગ્રીટેકને ભારતનો સૌથી મોટો ફેર ગણાવ્યો હતો. મુખ્યક મંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું હતું કે, ઇઝરાયેલે કૃષિ ક્ષેત્રે પોતાની આગવી પહેચાન બનાવી છે ત્યાં આવી સમીટ દર ત્રણ-ચાર વર્ષે યોજાય છે. આપણો આ પ્રથમ પ્રયાસ છે જે ખેડૂતોને આધુનિક ટેકનોલોજીના ઉપયોગ માટે માર્ગદર્શક બનશે અને ભારતના ગ્રામીણ જીવનમાં લાભ પહોંચાડવા ગુજરાત સરકારે જે પ્રયાસ કર્યો છે તે મહત્વગનો બની રહેશે.
કૃષિના પરંપરાગત ક્ષેત્રોની ઉત્પાદકતા આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચાડવા માટે “Doing by Seeing” સિદ્ધાંત મુજબ રાજ્યના ખેડૂતોને ઘરઆંગણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની કૃષિ ક્ષેત્રે થયેલી શોધો અને તકનીકો, નવીકૃષિ મશીનરીનું માર્ગદર્શન, બિયારણથી માંડીને બજાર સુધીની દેશી-વિદેશી ટેકનોલોજીની માહિતી એક જ સ્થળેથી મળી રહે તેવા હેતુસર મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાયેલું આંતરરાષ્ટ્રીય કક્ષાનું ગ્લોબલ એગ્રી સમીટ કમ એકઝીબીશન તા. ૯મીએ બપોરે ર.૦૦ થી ૬.૦૦ કલાક દરમિયાન અને તા. ૧૦, ૧૧ અને ૧રના રોજ સવારે ૧૦.૦૦ થી સાંજે ૬.૦૦ કલાક સુધી પ્રદર્શન જાહેર જનતાને નિહાળવા અર્થે ખુલ્લું રહેશે.
દેશભરમાં ગુજરાત કૃષિ ક્ષેત્રે અગ્રેસર રાજ્ય છે ત્યારે ગુજરાતની કૃષિને વૈશ્વિક નકશા પર મુકીને કૃષિકારોને આવા પ્રદર્શનો દ્વારા ખેતી પહેલાંની અને ખેતી બાદની તમામ માહિતી એક જ સાથે, એક જ સ્થળેથી મળી રહે તેની ચિંતા સેવીને આ પ્રદર્શનનું આયોજન થયું છે.
આ પ્રદર્શનમાં ભારત અને વિદેશની રપ૦ જેટલી કંપનીઓએ ભાગ લીધો છે. ૧પ હજાર ચોરસ મીટરના વિસ્તારમાં ફેલાયેલા અને ૩ ખાસ એકઝીબીશન હોલમાં યોજાયેલા આ પ્રદર્શનની મુલાકાત અંદાજિત બે લાખથી પણ વધુ મુલાકાતીઓ લે તેવી શકયતાઓ છે, પરિણામે આ પ્રદર્શન એશિયાનું અગ્રણી એકઝીબીશન બની રહેશે.
એગ્રી ટેક એશિયા-ર૦૧૩માં કૃષિની વૈજ્ઞાનિક પદ્ધતિઓના નિદર્શન સાથે કૃષિ ક્ષેત્રના જુદા જુદા રપ જેટલાં સેકટરો આવરી લેવામાં આવ્યાં છે. ખેતી પહેલાં સિંચાઇ અને ટેકનોલોજી, ગ્રીનહાઉસ પ્લાસ્ટીકલ્ચર, કૃષિ ઉઘોગો, ડેરી ટેકનોલોજી લાઇવ સ્ટોક ફેબ્રીકેશન, પશુપાલન, ખાતર, સરકારી એસોસિયેશન, બિયારણ કંપની કોઇર પ્રોડકટ, એગ્રો કેમિકલ્સ, ટ્રેકટર અને તેના પાર્ટસ ઉત્પાદકો, ફુડ ટેકનોલોજી, ટાયર, પેકેજિંગ, પમ્પસ, પરંપરાગત ઉર્જા વાયર ટેકનોલોજી, કૃષિ વપરાશી વસ્તુઓ, કૃષિ મેગેઝીન-અખબારો અને વેબ પોર્ટલ ક્ષેત્રની ટોચની કંપનીઓએ ભાગ લીધો છે.
એગ્રીટેક એશિયા-ર૦૧૩માં પશુપાલન અને ડેરી ફાર્મ ઉઘોગ અંગે ખેડૂતોને જાણકારી મળે તે હેતુથી ખાસ સેકશન ઉભું કરવામાં આવ્યું છે. ખેડૂતો અત્યાંધુનિક કૃષિજ્ઞાન દ્વારા વધુ કમાણી કરી શકે, રોજગારીનું નવું સાધન ઉભું થાય તેની માહિતી ઉપરાંત વધુ પાક ઓછી જમીનમાં કેવી રીતે લેવાય, પાક ઉગ્યા બાદ તેનો બગાડ કેવી રીતે ઓછો થાય તેની આધુનિક ટેકનોલોજી સાથેની જાણકારી ખેડૂતોને માટે ઉપલબ્ધ કરાઇ છે.
આ પ્રદશર્નના આયોજનમાં ગુજરાત કોલ્ડ સ્ટોરેજ એસોસિયેશન, નેશનલ સીડ એસોસિયેશન ઓફ ઇન્ડીયા, ઇરીગેશન એસોસિયેશન ઓફ ઇન્ડીયા, ગુજરાત એગ્રીકલ્ચરલ મશીનરી મેન્યુફેકચર્સ એસોસિયેશન, નેશનલ એસોસિયેશન ઓફ વેલ્ફેર ઓફ એનીમલ અને રીસર્ચનો પણ સહયોગ પ્રાપ્ત થયો છે.