મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વ માટે સમર્પિત સેનાનીઓનું રૂણ અદા કરવા અને ઉદાર હાથે સૈનિક કલ્યાણનિધિમાં ફાળો આપવા જાહેર અપિલ કરી છે.
મુખ્યમંત્રીશ્રીએ ભારતીય સશસ્ત્રદળના ધ્વજદિન નિમિત્તે સૈન્યના, નૌસેનાના અને વાયુસેનાના બહાદુર જવાનો અને અધિકારીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું છે કે આપણાં સશસ્ત્ર દળોની ફરજનિષ્ઠા અને કર્તવ્યભાવનાની સમગ્ર વિશ્વમાં આગવી પ્રતિષ્ઠા છે. રાષ્ટ્રના સાર્વભૌમત્વની સલામતી અને એકતા માટે દેશની સીમાઓના સંરક્ષણની વિકટતમ સંજોગોમાં પણ ફરજો અદા કરી રહેલા ત્રણેય સેનાના અધિકારીઓ-જવાનોએ કુદરતી કે માનવસર્જીત આફતો દરમિયાન હંમેશા ખડે પગે રહી સ્થાનિક પ્રસાશનની મદદ કરી છે.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત જેવા સીમાવર્તી રાજ્યમાં કપરા સંજોગો અને વિકટ સ્થિતિમાં પણ આપણી સરહદોનું દિન-રાત રક્ષણ કરતા આ સેનાનીઓ અને અફસરો રાષ્ટ્રની સલામતીના એવા પહેરેગીરો છે જેનાથી સમાજની સુરક્ષા થાય છે તેનો વિશેષ ઉલ્લેખ કરી તેમની ઉમદા સેવાઓનો રૂણ સ્વીકાર કરવા ગુજરાતના તમામ નાગરિકોને ધ્વજદિન નિમિત્તે ઉદાર હાથે ફાળો આપવા અપીલ કરી છે.