ગુજરાતમાં છ નવા આધુનિક શહેરો બનશે - નરેન્દ્રભાઇ મોદી
સમુદ્ર કિનારે ન્યુ ગુજરાત
રૂર્બનાઇઝેશન શહેરીકરણ સંકટ નહીં અવસર
વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં રૂર્બનાઇઝેશન સેકટરમાં સમજૂતિના આઠ કરાર મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં સંપણ
જ્યોતિગ્રામ અને ઇગ્રામથી ગામડાં ભાંગતા અટક્યા
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં શહેરીકરણને સંકટ તરીકે નહીં પણ અવસર તરીકે સમજીને વિકાસ માટે શહેરો અને ગામડાંઓને સક્ષમ બનાવવાનો નિર્ધાર આજે વાઇબ્રન્ટ ગુજરાત સમિટના રૂર્બનાઇઝેશન સેમિનારમાં વ્યકત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતનો સમુદ્ર કાંઠો વિકાસની સંભાવનાઓથી ઉછળી રહ્યો છે. રૂર્બનાઇઝેશન સેકટરમાં જનસુખાકારી અને શિક્ષણ, આરોગ્ય, આવાસ જેવાં સામાજિક સેવા સુવિધા વિકાસ અંગે ખાનગી કંપનીઓના રાજ્ય સરકાર સાથે આઠ સમજૂતિ કરારો મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં સંપન્ન કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતના સમુદ્ર કિનારે નવુ ગુજરાત બની રહ્યું છે આપણે શહેરીકરણને રોકી શકતા નથી પરંતુ ગામડાંમાં આત્મા ગ્રામ્ય જીવનનો અને સુવિધા શહેરોની તેવો રૂર્બનાઇઝેશન કન્સેપ્ટ આપણે અપનાવ્યો છે. ગુજરાતમાં પર્યાવરણ અને સુખાકારીના વિશ્વસ્તરના આધુનિકતમ ધોલેરા સહિત છ નવા શહેરો, સાત ટ્વીન સીટીના નિર્માણ સાથે ગુજરાતે શહેરી વિકાસ ક્ષેત્રે વિશ્વસ્તરના ઉત્તમ આયામોનો માર્ગ દર્શાવ્યો છે તેમ તેમણે જણાવ્યું છે. જ્યોતિગ્રામ ઇગ્રામ સુવિધાથી ગ્રામિણ જીવનમાં આર્થિક સામજિક બદલાવ આવતાં ગામડાં ભાંગતા અટકયા છે અને વિકાસની ચેતના પ્રાણવાન બની છે તેમ તેમણે જણાવ્યું હતું. આત્મા ગામડાનો અને સુવિધા શહેરની એટલે જ રૂર્બનાઇઝેશન શહેર જેવી તમામ સુવિધાઓ ગામડા વિસ્તારના લોકોને પ્રાપ્ત કરાવવાના મુખ્ય ઉદ્દેશ રાજ્ય સરકારનો છે તેમ પંચાયત મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે રુર્બનાઇઝેશન વિષયક પ્રિસમિટ સેમિનારમાં જણાવ્યું હતું
તેમણે કહ્યું કે, આજે દેશના કોઇપણ ગામડાને ૨૪ કલાક વીજળી પ્રાપ્ય નથી, ત્યારે ગુજરાત એક એવું રાજ્ય છે જેમાં તમામ ૧૮૦૦૦ ગામડાઓને ૨૪ કલાક વીજળીની સુવિધા ઉપલબ્ધ છે. સાથે સાથે અન્ય પ્રાથમિક તમામ સુવિધા પાકા રસ્તા, વાહન વ્યવહાર, શિક્ષણ, આરોગ્ય અને પાણીની સુવિધા ઉપલબ્ધ છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં શહેરી વિસ્તાર જેવી સુવિધા ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકાર કૃતનિશ્ચયી છે. સેમિનારમાં અધિક મુખ્ય સચિવ શ્રી વરેશ સિન્હા સહિત આરોગ્ય, શિક્ષણ, રોજગાર તથા ગ્રામવિકાસ વિભાગના પ્રેઝન્ટેશન રજૂ થયા હતા.