ડિફેન્સ ઓફસેટ કોન્ફરન્સ
રક્ષાદળોના શસ્ત્ર સરંજામ ઉત્પાદનો માટેની આંતરરાષ્ટ્રીય પરિષદ સંપન્ન
રક્ષા ઉત્પાદનોમાં ભારતે સ્વાવલંબી બનવું જોઇએ
ડિફેન્સ ઇકવીપમેન્ટની હોલિસ્ટીક પોલીસી અપનાવીએ
ભારત ડિફેન્સ ઈકવીપમેન્ટમાં નાના દેશોની રક્ષાસરંજામની જરૂરિયાતોની પૂર્તિ કરી શકે તેવું સક્ષમ બને
ડિફેન્સ ઇકવીપમેન્ટ સંલગ્ન ડેલીગેટોની મુખ્યમંત્રીશ્રીની સાથે પ્રશ્નોત્તરી
ગુજરાત રક્ષા ઉત્પાદનોના ક્ષેત્રે ઉદ્દીપક બનવા તૈયાર
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના રક્ષાદળો માટે શસ્ત્ર સરંજામ અને રક્ષા ઉત્પાદનો માટેની આંતરરાષ્ટ્રીય પરિષદનું સમાપન કરતા ડિફેન્સ ઇકવીપમેન્ટ માટેની સર્વગ્રાહી નીતિ અપનાવવા હિમાયત કરી હતી. ડિફેન્સ ઇકવીપમેન્ટ મેન્યુફેકચરીંગ ઇન્ડસ્ટ્રીઝની જરૂરિયાતો સુસંગત પ્રશિક્ષિત માનવ સંસાધન વિકાસ અને સ્વાવલંબી રક્ષા ઉત્પાદનોના સંશોધન એ સમયની માંગ છે એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ રક્ષા ઉત્પાદનોનો મેન્યુફેકચર્સને ગુજરાત આવવાનું ઇજન આપતા જણાવ્યું કે ગુજરાત પાસે લઘુ ઉદ્યોગે મેન્યુફેકચરીંગની ક્ષમતા અને વ્યાપક ફલક છે અને ગુજરાત સરકાર ઉદ્દીપક બનવા તૈયાર છે. દેશના ઇજનેરી કૌશલ્યના યુવાનોને ગુજરાત આવીને રક્ષાઉત્પાદનો માટે એન્ટરપ્રિનિયોર્સ બનવા તેમણે આમંત્રણ આપ્યું હતું.
વાાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે યોજાઇ રહેલી ૧૨૩ જેટલી સેકટર સેમિનારોની શ્રેણીમાં આજે અમદાવાદમાં ડિફેન્સ ઓફસેટની ઇન્ટરનેશનલ ફોન્ફરન્સ યોજવામાં આવી હતી. ભારતના રક્ષાદળો માટે શસ્ત્ર સરંજામના ઉત્પાદનો અને તેના નિર્માણ માટે ખાનગી ક્ષેત્રની ભૂમિકા અંગે વિગતવાર છણાવટ થઇ હતી.
મુખ્યમંત્રીશ્રીએ સુરક્ષાના ક્ષેત્રમાં ભારત શસ્ત્ર સરંજામની અને રક્ષાઉત્પાદનોની જરૂરિયાતોમાં ભારત સ્વાવલંબી બની શકે તે માટે ગુજરાતે આ સમિટમાં આગવી પહેલ કરી તેની રૂપરેખા આપી હતી. રક્ષા ઉત્પાદનોની વિશાળ શ્રેણીમાં દેશમાં જ મેન્યુફેકચરીંગ ક્ષમતા એના વ્યાપક ફલક ઉપર વ્યૂહાત્મક ઉદ્યોગ વિકાસ અને લઘુ ઉદ્યોગ દ્વારા રક્ષા ઉત્પાદનોને પ્રેરિત કરવાની પ્રાથમિકતા સમજાવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે રક્ષા ઉત્પાદનો આયાતોનો ઘણો મોટો આર્થિક બોજ ભારત ઉપર પડે છે ત્યારે વિશેષ કરીને મેન્યુફેકચરીંગ સેકટરના લઘુ ઉદ્યોગ એકમો અને રક્ષા ઉત્પાદનોની સાથે સમગ્રતયા અનેક પાસાને આવરી લેતી નીતિ પ્રોત્સાહક પરિબળ બનશે.
ભારત માત્ર પોતાની જરૂરિયાતોની આત્મનિર્ભરતાથી પૂર્તિ કરે એટલું જ પર્યાપ્ત નથી પરંતુ વિશ્વના અનેક નાના વિકસતા દેશોની રક્ષા ઉત્પાદનોની માંગને પહોંચી વળવાની પહેલ કરે તેવી પ્રેરણા આપતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે ગુજરાતની આ પહેલી રાજ્ય સરકાર છે કે રક્ષા ઉત્પાદનોમાં રસ ધરાવતી ડિફેન્સ મેન્યુફેકચરીંગ કંપનીઓ સાથે સામૂહિક મંથન કર્યું છે અને દેશને તેમાંથી વિધેયાત્મક ફલશ્રુતિ પ્રાપ્ત થશે એવી શ્રધ્ધા તેમણે વ્યકત કરી હતી.
પ્રારંભમાં ફીકકી ડીફેન્સ કમીટીના કોચેરમેન શ્રી રાહુલ ચૌધરીએ આવકાર પ્રવચન કર્યું હતું. અંતમાં ફીક્કીના મહાનિર્દેશક શ્રી અરબિંદ પ્રસાદે આભારવિધિ કરી હતી.
આ કોન્ફરન્સમાં ફીક્કીના શ્રી અશોક કનોડીયા, જયંત પાટીલ સહિત ડેલીગેટસે ભાગ લીધો હતો.