મુખ્યમંત્રીશ્રી
હિન્દુસ્તાનમાં ગુજરાતનું પોલીસ દળ સૌથી યુવા અને ટેકનોસેવી સુરક્ષા બળ છે
નાગરિકનું ગૌરવ અને સુરક્ષા જાળવવાની ફરજનિષ્ઠા એ તિરંગા રાષ્ટ્રધ્વજની દેશભક્તિ છે
લોકરક્ષક તરીકેની તાલીમ અને શપથની તપસ્યા ગુજરાત પોલીસની આગવી શક્તિ બને
ગુજરાત પોલીસ દળમાં તેજતર્રાર મહિલાઓની ૩૫થી ૪૦ ટકા ભરતી નારી રક્ષા માટે નવી શક્તિ બનશે
લોકરક્ષકોની શાનદાર દીક્ષાંત પરેડ સંપન્ન
વડોદરામાં વધુ ૪૧૯ લોકરક્ષકો વર્દીની શાન સાથે પોલીસ ફોર્સમાં ફરજપરસ્ત
વડોદરા પોલીસ તાલીમ શાળા લોકરક્ષક તાલીમાર્થીઓની પાસિંગ આઉટ માર્ચપાસ્ટનું નિરીક્ષણ કરતા મુખ્યમંત્રીશ્રી
બે દિવસમાં ૮૯૨ લોકરક્ષકો વિવિધ જિલ્લામાં સુરક્ષા સેવામાં
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્ય પોલીસ દળમાં પાયાની સુરક્ષાકર્મી કેડરમાં લોકરક્ષકો વર્દીની શાન સાથે, સુરક્ષા સેવાના ક્ષેત્રમાં પોતાનું સામર્થ્ય બતાવવાનું પ્રેરક આહ્વાન આપ્યું હતું.રાજ્યની સૌથી જૂની પોલીસ તાલીમ શાળા-વડોદરામાં નવપ્રશિક્ષિત ૪૧૯ લોકરક્ષકોની દીક્ષાંત પરેડનું સલામી નિરીક્ષણ કર્યા બાદ મુખ્યમંત્રીશ્રીએ ત્રિરંગા રાષ્ટ્રધ્વજની સાક્ષીએ દેશની અને કોટી કોટી નાગરિકોની સુરક્ષા માટે પોતાનું જીવન જીવી જવાનો અનુરોધ કરતા જણાવ્યું હતું કે, નાગરિકનું ગૌરવ, સલામતી અને સેવા એ ત્રિરંગાની દેશભક્તિ છે.
ગુજરાત પોલીસ દળમાં લોકરક્ષકમાં જોડાયેલા યુવક-યુવતિઓની તાલીમાર્થી બેચ આઠ મહિનાની શિસ્તબદ્ધ તાલીમ સંપન્ન કરીને વર્દીધારી સુરક્ષાકર્મી બન્યા છે. બે દિવસમાં કુલ ૮૯૨ લોકરક્ષકો જુદા જુદા જિલ્લાઓમાં આજથી ફરજ ઉપર હાજર થઇ જવાના છે.
આજે સવારે વડોદરા પોલીસ તાલીમ શાળાના વધુ ૪૧૯ લોકરક્ષકોની દીક્ષાંત પરેડનું મુખ્યમંત્રીશ્રીએ નિરીક્ષણ કરી સલામી ઝીલી હતી. આ અગાઉ ગાંધીનગરની ગુજરાત પોલીસ અકાદમી-કરાઇમાં પણ ગઇકાલે ૪૭૩ લોકરક્ષકોની શાનદાર માર્ચપાસ્ટ પરેડ યોજાઇ હતી. વડોદરાના ૪૧૯ લોકરક્ષકોમાં ૪૧ અનુસ્નાતકો, ૧૬૯ સ્નાતકો અને ૨૦૯ અન્ડર ગ્રેજ્યુએટ છે. ગુજરાતના લોકરક્ષક પોલીસ કેડરમાં રાજ્યની કન્યાઓ પણ ખૂબ નોંધપાત્ર સંખ્યામાં સુરક્ષા સેવામાં જોડાઇ રહી છે.
રાજ્યની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાના ક્ષેત્રમાં પર્દાપણ કરી રહેલા હોનહાર લોકરક્ષકોને તેમની તાલીમની તપસ્યાને પોલીસ દળની શક્તિરૂપે નિખારવા પ્રેરક માર્ગદર્શન મુખ્યમંત્રીશ્રીએ આપ્યું હતું.
પોલીસ દળમાં લોકરક્ષક કેડર પાયાની કેડર છે અને તેમાં ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ યુવક-યુવતિઓ સુશિક્ષિત ક્ષમતા ધરાવે છે. તેનાથી ગુજરાત પોલીસ બેડાને હિન્દુસ્તાનમાં સૌથી યુવા પોલીસ ફોર્સનું ગૌરવ મળી ગયું છે. રાજ્યમાં ૨૬૦૦૦ પોલીસ સંવર્ગની જે વિશાળ ભરતી થઇ છે તેમાં કોમ્પ્યુટર ટેકનોલોજી જાણનારા ટેકનોસેવી યુવાનોથી ગુજરાતના સુરક્ષા તંત્રને આધુનિક પડકારો સામે સજ્જ થવાની નવી તાકાત મળી છે, એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
ગુજરાતમાં રક્ષાશક્તિ યુનિવર્સિટી, ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને ગુજરાત લૉ યુનિવર્સિટીને સુરક્ષાસેવાક્ષેત્ર સાથે સમન્વય કરીને જોડી છે અને ગુજરાતની આ આગવી વિશેષ શક્તિ આગવી વિશેષતા બની રહેશે.
ગુજરાત પોલીસદળમાં ૩૫થી૫૦ ટકા તેજતર્રાર યુવતિઓ જોડાઇ છે તે નારી-રક્ષા માટેનો નવો જ આયામ છે, એમ તેમણે જણાવ્યું હતું અને પારદર્શી ભૂમિકાથી ભરતીની પ્રક્રિયાએ નવો વિશ્વાસ ઊભો કર્યો છે, એમ જણાવી લોકરક્ષક તાલીમાર્થીઓને અભિનંદન આપ્યા હતા.
પ્રથમવાર રાજય પોલીસ દળના વિશેષ ભરતી બોર્ડ દ્વારા પસંદ કરવામાં આવેલા ૮૭૦૦ પોલીસ જવાનો નિકટ ભવિષ્યમાં દળની તાકાત વધારશે તેવી લાગણી વ્યકત કરતા અને સહુને આવકારતા અધિક પોલીસ મહાનિર્દેશક (તાલીમ) શ્રી ટી.પી.બિસ્ટએ જણાવ્યું હતું કે, આજે પોલીસ જવાન તરીકે કારકિર્દી શરૂ કરવા વિદાય લઈ રહેલા ૪૧૯ જવાનોમાં ૪૧ અનુસ્નાતક અને ૧૬૯ સ્નાતકની ઉચ્ચ શૈક્ષણિક લાયકાતો ધરાવે છે. પોલીસ તાલીમ શાળા, વડોદરાના આચાર્યશ્રી આઈ.એમ.દેસાઈએ વિદાય લેતા જવાનોને રાષ્ટ્ર અને કર્તવ્ય નિષ્ઠાના શપથ લેવડાવ્યા હતા.
રાજયના પોલીસ દળ માટે ચાલક બળ સમાન અદના પોલીસ જવાનોને મુખ્યમંત્રીશ્રી દ્વારા ગૌરવાન્વિત કરવાના આ અનોખા અને પહેલરૂપ સમારંભમાં ગૃહ રાજય મંત્રીશ્રી પ્રફુલ્લભાઈ પટેલ, પ્રવાસન મંત્રીશ્રી જિતુભાઈ સુખડિયા, સંસદીય સચિવ શ્રી યોગેશ પટેલ, સેવા સદનના મેયર ડૉ. જયોતિબેન પંડયા, સાંસદશ્રી બાળકૃષ્ણ શુકલ, જિલ્લા પંચાયત અધ્યક્ષ સુધાબેન પરમાર, ધારાસભ્યશ્રી ભૂપેન્દ્રભાઈ લાખાવાળા, વુડા અધ્યક્ષશ્રી નારણભાઈ પટેલ, અધિક મુખ્ય સચિવ(ગૃહ) શ્રી વિરેશસિંહા, રાજયના પોલીસ વડાશ્રી ચિતરંજનસિંહ સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, મહાનગર સેવા સદનના નગરસેવકશ્રીઓ, મ્યુનિસિપલ કમિશનરશ્રી અશ્વિનીકુમાર, જિલ્લા કલેકટરશ્રી વિનોદ રાવ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાકેશ શંકર સહિત પ્રશાસનિક અધિકારીઓ, પોલીસ કમિશનરશ્રી સતીષ શર્મા સહિત સ્થાનિક પોલીસ ઉચ્ચાધિકારીઓ, તાલીમ શાળા પરિવાર અને અગ્રણીઓ જવાનોના કુટુંબીજનો જોડાયાં હતાં.