મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને આજે શ્રી ઝફર સરેશવાલાના નેતૃત્વમાં મુસ્લિમ સમાજનું પ્રતિનિધિમંડળ મળ્યું હતું અને શિક્ષણ તથા વિકાસ માટે મુસ્લિમ સમાજમાં ખૂબ જ જાગૃતિ આવી છે તે માટેના અવસરો અને રાજ્ય સરકારના પ્રોત્સાહક અભિગમ અંગે મુખ્યમંત્રીશ્રી પાસેથી જાણકારી મેળવી હતી. અમદાવાદના જૂહાપુરા વિસ્તારમાં શિક્ષણના વ્યાપ વિસ્તાર અને સુવિધા-સુખાકારી માટે રાજ્ય સરકારે જે વિશેષ ધ્યાન કેન્દ્રીત કર્યું છે તેને આ મુસ્લિમ પ્રતિનિધિઓએ આવકારતાં રચનાત્મક સૂચનો કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્ય સરકારે વિકાસની પ્રક્રિયામાં છ કરોડ ગુજરાતીઓને ભાગીદાર બનાવવાનું સર્વસમાવેશક વિકાસનું ધ્યેય રાખેલું છે અને વિકાસ વગર કોઇ સમાજમાં પ્રગતિ શકય નથી તથા પરિવાર વિકાસ અને સમાજના વિકાસ માટે શિક્ષણ અનિવાર્ય છે.
મુસ્લિમ સમાજના આ અગ્રણીઓએ ગુજરાતના વિકાસ માટે સહભાગી બનીને પ્રગતિના ભાગીદાર બનવાની તત્પરતા વ્યકત કરી હતી.